બંધ બંગલો Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બંધ બંગલો

?આરતીસોની?
              ❣️બંધ બંગલો❣️
હું જ્યોતિન્દ્ર.. મારી પત્ની વિમળા અને અમારે બે બાળકો.. અમે નવા બંગલામાં રહેવા આવ્યા..! આમ તો નવો બંગલો ન કહી શકાય કેમકે અવાવરૂ પડેલો બંગલો ખરીદ્યો હતો અને સરસ નવું રંગ રોગાન કરાવી, નવા વાઘા સજાવી ચકાચક નવો બંગલો તૈયાર કરી ધામધૂમથી વાસ્તુ પૂજન કરાવી ગૃહ પ્રવેશ કર્યો હતો.. 
    અમારા બંગલાની બરાબર સામે વર્ષોથી એક બંગલો બંધ હાલતમાં પડી રહ્યો હતો.. ગેટની સાઈડના એક થાંભલે બહાર જૂનવણી સ્ટાઈલમાં તકતી લગાવી હતી. એમાં ‘દામોદરભાઈ કચરાભાઈ ગાંધી’ લખ્યું હતું.. મારી પત્ની વિમળા કાયમ કહેતી, “અહીં સામેના બંગલામાં કોઈ રહેવા આવી જાય તો થોડી વસ્તી લાગે.”
મેં પણ સાથ પૂરાવતાં કહ્યું,
“હા સાચી વાત છે, વિમળા તારી.. આપણો બંગલો એક તો ખૂણા સાઈડનો છે અને પાછો સામે ખખડધજ, અવાવરૂ અને બંધ હાલતમાં બંગલો છે એટલે થોડુંક એકલું લાગે.! કોઈ રહેતું હોય તો સારું લાગે ને વસ્તી પણ દેખાય..’
   અને પ્રભુને કરવું થોડાંક જ સમયમાં કંઈક ચહલ પહલ નજરે પડી. મારી પત્ની અને હું ખુશ થયા, ચાલો કોઈ રહેવા આવી રહ્યું છે. બંગલામાં થોડું સમારકામ થયું, બહારની દિવાલોને સરસ રંગરોગાન કરવામાં આવ્યું હવે બંગલો રહેવા લાયક તૈયાર થઈ ગયો હતો, ગાર્ડનમાં પણ સુંદર નવા પ્લાન્ટ લગાવવામાં આવ્યા. ગાર્ડન રંગબેરંગી ફૂલોથી સુશોભિત થઈ ઊઠ્યું..   સામાન આવ્યો.. એક દંપતી આશરે ચાલીસથી પિસ્તાળીસ વર્ષના રહેવા આવી ગયાં.. 
  એ બંગલામાં રહેવા આવેલા દંપતીને જોઈને મને ઈર્ષ્યાની ગલીપચી થતી.. રોજ સવારે દસ વાગે ગાડીમાં બંન્ને સાથે જ નીકળતાં અને સાંજે સાથે જ આવતાં.. કદાચ ઓફિસ જતાં હશે..! ભાઈ કોઈક વખત અમારી સામે જોઈ મોંઢે સ્મિત ફરકાવી લેતાં, પણ એમની પત્ની કંઈ ખાસ અમારી આ બાજુ નજર સુદ્ધા ફેરવતાં નહીં.. મને થોડી વાત કરવાની ઈચ્છા થઈ ગઈ પણ વાત કરવાનો એવો કોઈ મોકો મળતો જ નહોતો..  
“થોડાંક અભિમાની છે નહીં?” વિમળા બોલી ઉઠી.. 
    પણ મને ગમતું હતું.. એમની પત્નીનું જાજરમાન વ્યક્તિત્વ જોઈ દિલ ખીલી ઉઠતું હતું.. રોજ સવારે બાગમાં ગણગણાટ કરી પાણી છાંટતી. અને હું ચ્હા પીતાં પીતાં એને જોયા કરતો.. એ પછી બાલ્કનીમાં બેસી ચાની ચૂસ્કીઓ લેતા બેઉં ખરેખર પારેવાની જોડી સમાન લાગતાં હતાં..  
એક સાંજે ગાર્ડનમાં ખુરશી નાખી હું બહાર બેઠો હતો, સાંજે એમની કાર આવી, પણ આજે સાથે એમની પત્ની ન દેખાયાં.. મને થયું લાવ કંઈક વાતચીત કરું.. એ બહાને સંબંધ કેળવાશે.. એ દિવસે મારાથી ન રહેવાયું..મેં પાસે જઈને કહ્યું,
“હું  સામેના બંગલામાં રહું છું.. જ્યોતિન્દ્રભાઈ!! કંઈ કામકાજ હોય તો કહેવું.. બાળકો.. કેટલાં બાળકો.? બાળકો ભણવા મૂક્યા હશે ક્યાંક એવું લાગે છે.."
"હા.. મારે ટ્વીન્સ દિકરા છે, ઑસ્ટ્રેલિયા એડવાન્સ કોર્ષ કરવા ગયાં છે."
"આજે ભાભી સાથે નથી આવ્યાં.?"
એ ભાઈ મારા પ્રશ્નથી જાણે વિસ્મય ભરી દ્રષ્ટિએ મારી સામે એકી ટસે તાકી રહ્યાં, હું સમજ્યો કદાચ હમણાં એ પણ એમનું નામ બોલી ઓળખાણ આપશે.. પણ એ ભાઈ બોલ્યા,
“કોણ ભાભી?”
“તમારા પત્ની.!”
“મારા પત્ની..??"
ને આગળ સ્હેજ વાર રહીને પાછાં બોલ્યાં,
“તમારી કંઈ ભૂલ થતી લાગે છે.. મારી પત્નીને તો ગુજરી ગયાને નવ વર્ષ થઈ ગયાં છે..  હું અહીંયા એકલો જ રહું છું,  નાનો ભાઈ નજીકમાં રહે છે ત્યાં જમી આવું છું.. મહિના પછી મારા બંને દીકરા વેકેશન કરવા આવી રહ્યા છે.."
હું પસીને રેબઝેબ થઈ ગયો.. પગ તળેથી જમીન ખસી ગઈ.. મન ચકરાવે ચઢ્યું.. દોડતો ઘરમાં જતો રહ્યો.. ગ્લાસ ભરીને પાણી પી ગયો.. મારી પત્ની વિમળા બોલી, 
"શું થયું..?? આટલાં બધાં ગભરાઈ કેમ ગયા.!!?"
"કંઈ નથી થયું બાબા.. તું શાંતિથી તારું કામ કરતી હતી એ કરને.."
હું વિચારવા લાગ્યો..
 ‘તો પછી રોજ સવારે બાગમાં ગણગણાટ કરી પાણી નાખતી હતી એ સ્ત્રી કોણ હતી? તો પછી બાલ્કનીમાં એ ભાઈ ચા કોની સાથે પીતા હતાં? તો પછી  કોઈ જાજરમાન સ્ત્રી રોજ સાજ શણગાર સજી એમની સાથે કારમાં નીકળી પડતી હતી એ કોણ હતી??¿'
-આરતીસોની