chauladevi books and stories free download online pdf in Gujarati

ચૌલાદેવી - ચૌલાદેવી ટૂંક સાર વાર્તા (રિવ્યુ)

~~નવલકથા ચૌલાદેવી~~


૧૯૪૦ ના દાયકામાં લખાયેલી ધૂમકેતુની ઐતિહાસિક આ નવલકથામાં બેનમૂન સચોટ ચૌલાદેવીનું પાત્ર ઢાળ્યું છે. ગુજરાતના દુર્લભસરોવરના કિનારે વસેલું અણહિલપુર પાટણની અગિયારમી સદીના ચૌલુક્યયુગની ભીમદેવ સોલંકીના સમયની કથા પુનઃ જીવંત કરી છે..


ચૌલાદેવી અત્યંત માની અને માની કરતા પણ ઉત્કૃષ્ટ કલ્પનાશીલ સ્ત્રી હતી. સામાન્ય વૈભવ કે સામાન્ય વ્યક્તિ એના મનમાં વસી શકતાં જ નહોતાં. જાણે કવિ કાલિદાસની  સજીવન થયેલી નાયિકા, ગુપ્તયુગી શિલ્પીની જાણે બેનમૂન ભૂલી પડેલી રસમૂર્તિ, અદભુત સ્વપ્નની જાણે કોઈ મનોરમ પ્રતિમા..

મહાપ્રતાપી મહારાજ ભીમદેવે સોમનાથ  પાટણના રાજવીએ કંથકોટના દુર્ગ તજી, સિંધ રેતીના ભયંકર રણમાં શત્રુઓને હંફાવી પાટણમાં જયઘોષના નારા સાથે વિજયોત્સવની ઘોષણા કરી. ત્યારે નર્તિકા ચૌલાદેવીએ મહાકાલેશ્વરમાં અંગહાર નૃત્ય કર્યુ હતું.
જ્યારે તાલબદ્ધ નૃત્ય કર્યુ. પાટણ જાણે ઈન્દ્રનગરીનું અનુકરણ કરતું હોય એવું ભાસતું હતું. ચૌલાદેવી શ્રી અને સરસ્વતીના સંગમ જેવી શોભતી હતી.


એનું દેહ લાલિત્ય... જાણે રત્નમાંથી પરાવર્તન પામીને અત્યંત તેજસ્વી એવું ભ્રૂકુટિ પરનું તેજ, એની નાસિકાના અગ્રભાગને એવો ઓપ આપી રહ્યું હતું કે જાણે આકાશી ચાંદનીએ એની રજ વેરીને  એના મુખમુદ્ધાને છાઈ દીધી હોય.

જેના રૂપ, ચાતુરી અને સંસ્કારિતા વિશે અનેક વખત વાતો સોમનાથમાં સાંભળી હતી. તે ચૌલાદેવીને આજે પ્રત્યક્ષ જોતાંજ હૈયે  ખળભળાટ મચી ગયો હતો. બાદમાં ભીમદેવે રાજદરબારમાં મંગલ પ્રસંગે બહુમાનભર્યુ નિમંત્રણ મોકલતા ચૌલાદેવીએ એકજ શબ્દે ધરાશયી કરેલા.
"આ પાટણના ધારાપતિ એવા મહાન કોણ કે મારા પાલવનો પરિમલ પણ પામી શકે..?"

ચૌલાદેવી મહાકાલેશ્વર ભગવાન સોમનાથની  નર્તિકા હતી. મહાશિવરાત્રીએ ભગવાન પિનાક્પાણિના સાન્નિધ્યમાં વર્ષમાં એકાદવાર જ  નૃત્ય કરતી.

રજવાડાંના એ સમયના ભીમદેવ સોલંકી અપ્રતિમ શૌર્ય એકસાથે એકલેહાથે હજારો  શૂરવીરોને રણમાં રગદોળતાં હતાં... ને રણમાં હજારોને હંફાવનાર દુશ્મનોની ચાલબાજીમાં એ હાફી જતો. એ લડી જાણતો પણ શતરંજ રમી યુધ્ધ ચલાવતાં નહોતું આવડતું.

રાણી ઉદયમતી રાજા ભીમદેવના ચૌલાદેવી પ્રત્યેના પ્રેમથી ભયભીત થઈ ચૌલાદેવીને પાટણ ત્યજી દેવા દબાણ કરતાં રહેતાં હતાં. કેમકે રાણીને રાજસત્તા અને સ્ત્રીસત્તા બંન્ને ડગમગતાં લાગ્યાં હતાં, ત્યાંરથી ચૌલાદેવીને નિર્મૂળ કરવા અધીરા બની ગયાં હતાં.

પરંતુ ચૌલાદેવી એમ ડગે એવી નહોતી...
અત્યંત નિશ્વયી ઘેઘૂર અવાજ સાથે જવાબ આપતાં ચૌલાદેવી બોલતાં...
"તમે કોણ મને પાટણ ત્યજવા મજબૂર કરો.. પાટણ છોડવું મારા હાથમાં નથી.. મહારાજ પોતે પણ મને ત્યજવાનું કહે તો પણ હું પાટણ ન ત્યજું.  હું તો પાટણની છું. પાટણ મારું છે. ને પાટણમાંજ રહેવાની છું..."ગૌરવતાથી પોતે જ જાણે પાટણના પટરાણી હોય એમ નિશ્વયી ઢબે બોલતાં હતાં.

"મહારાણીબા ! હું તો પાટણ ત્યારે જ તજું, જ્યારે મહારાજ ભીમદેવ સોમનાથની પુનઃસ્થાપના કરે, ભગવાન પીનાકપાણિ સિવાય બીજું મારું કોઈ સ્થાન નથી...
જ્યારે મહારાજ ભીમદેવના ગજેન્દ્રો સિંધુના  નીરમાં સ્નાન કરે, માલવરાજના મહાન શિલ્પી મંથરની કૃતિઓને પાણી ભરાવે, અને એવી કૃતિઓ અહી ફરી જન્મે, જ્યારે ચેદિરાજનો ગર્વ ખંડિત બને ને અર્બુદપતિ ગુજરાતનો દિક્પાલ બની... રણભીમ ભીમદેવ મહારાજ ભારતવર્ષમાં એક અને અજેય બની સોમનાથની પુનઃપ્રતિષ્ઠા સ્થાપે..."

"એટલે એમ કહેને કે ક્યારેય નહિ..... તું નહિ તજે તો મારે તજવું પડશે..." ઉદયરાણી ગુસ્સો પ્રગટ કરી બોલ્યા છતાં
ચૌલાદેવી નિર્ભીત સ્વરે હજીયે બોલતી રહી, "ત્યારે હું સોમનાથની નર્તિકા સોમનાથ પાછી ફરું... સોમનાથના સમુદ્રતરંગોએ મને જન્મ આપ્યો છે... સોમનાથના સમુદ્રતરંગો જ  મને પાલવમાં પાછી લેશે....''

એની સ્વપ્નભાવના ફળે એવી નહોતી કેમકે સહુ કોઈ જાણતુ હતું... સ્વપ્નો પૃથ્વી લોકના હોય ત્યારે ફળે.. આકાશલોકના સ્વપ્નો જોવામાંજ સુંદર હોય છે,

"પણ ફળે છે તો જ... જો એ સ્વપ્નો દોરનાર નરોત્તમો હોય.."
ચૌલાદેવીના આ શબ્દોને કારણે  પાટણમાં કલહભૂમિકા તૈયાર થઈ ગઈ હતી અને એ દામોદરને પ્રેરણાદાયિની પણ લાગી રહી હતી.

દામોદર પાટણ નગરીનો એક ચતુર, વ્યવહારુ, કાર્યદક્ષ, નિપુણ સાંધિવિગ્રહિક એવો મહામંત્રી હતો એને પણ એ વખતે આ સ્ત્રી ભાવનાનો સ્પર્શ લાગ્યો હતો.

અત્યંત શાંત, વિનમ્ર અને અગાધ ગૌરવનું નીર ભરેલી એની આંખો શોભી ઉઠતી હતી.
એ એટલી ઉન્નત હતી કે એને સમજવા  ભીમદેવની આંખો એટલીજ ઉન્નત હતી.

રાજા ભીમદેવની સામે પડી ઉદયમતી એક આંખ પ્રેમભરપૂર બનીને ભીમદેવને નિહાળે અને બીજી આંખ ચૌલાદેવીને હંફાવવાના પ્રયત્નોમાં લાગ્યાં હતાં.

દામોદર પાટણના મહાસાંધિવિગ્રહિક અને
પ્રસિદ્ધ મંત્રી હતા, એમને ઉદયમતીની ચાલ સમજાઈ ચૂકી હતી. જેમનામાં તલવાર ઉપાડ્યા વગર પણ હજારો તલવારો મ્યાન કરાવવાની કુશળતા ભરી હતી એવા વ્યવહારનિપુણના સમજાવવા છતાંય રાણી ઉદયમતીનું તેડું સ્વીકારી ચૌલાદેવી  રાજમહેલમાં ગયા..

ને પદ્મિની ચૌલાદેવીને ધંતૂરાની ભાંગ પીવડાવી મૂર્છિત કરી સિધ્ધપુરના  કાર્તિકસ્વામીના મઠમાં પાટણના સેનાપતિઓ ઢસડી છોડી ગયા.

ને બીજે જ દિવસે રાજા ભીમદેવ પણ મહારાણીને રાજપાટ સોંપી આકાશ-પૃથ્વી એક થાય તો પણ ચૌલાદેવી  વિના પાટણમાં ન જવાનો પાકો નિર્ધાર કરી પાટણ છોડી મઠમાં આવી ગયા.

"હું પાટણ ત્યજું... રાજસિંહાસન ત્યજું... પણ ચૌલાદેવીનો પાલવ ન ત્યજું... એનામાં ત્રિભોવનની મોહિની ભરી છે. મૃતલોકને પ્રાણવંતું કરવાનું સામર્થ્ય એનામાં છે."    

સહુ રાજદ્વારી એને સમજાવતાં રહ્યા કે ચૌલાને રખાત તરીકે રાખીએ તો વાંધો નહિ, એને રાણીપદ ન અપાય... પણ એ કહેતા, "આ શંકર ભગવાનના સાનિધ્યમાં સાચું કહું તો ચૌલાદેવી માટે એવો વિચાર કરવો પણ પાપ થઈ જતું હોય એવી ધ્રુજારી છૂટે છે.  આવી અનુપમ નારી... એને ભોગિની બનાવી રાખું !? ચૌલા માટે આવો વિચાર પણ ન કરી શકાય.."

ને ભીમદેવ મહારાજના વેણ સાંભળી, ચૌલાદેવીની છુપાઈને માળવા જતા રહેવાની કરેલી ઈચ્છા જાણે શમી ગઈ હતી. એને અદ્રશ્ય આંસુ આવી ગયા. 'આવા ભોળિયા, નિખાલસ, બહાદુર રાજાને ચરણે દેહ ધરવાની મજા જ કંઈ ઔર છે'.

પાટણનો આંતરવિગ્રહ ટાળવા પોતાને જાતવિલોપન કરી શકે, ભયંકરતાને પણ પૂજે એવી ને પાટણ ખાતર પોતાની જાત છુપાવવા આ સ્ત્રી, ચૌલાદેવીએ કાર્તિકસ્વામીને  સમજાવી મઠના ભયંકર અવાવરું, સર્પોના સુસવાટા ને ચામાચીડિયાં ઊડાઊડ કરતાં ગુપ્ત દ્વારેથી અવંતી જવા નીકળી પડી.

એ વારાંગના ખરી પણ ચૌલાનો પાલવ તો ભગવાન ચંદ્રમૌલીશ્વરની ચરણધૂલિથી રજોટાયેલો હતો. એ જેવો તેવો પાલવ નહોતો. હજુ સુધી કોઈ એને રોકી શક્યું નથી અને રોકી પણ નહિ શકે.. સર્પોને એના નૃત્યથી રમાડી શકતી..

ચૌલાદેવીનો અતોપતો ન મળતાં મહારાજ  ભીમદેવ સિદ્ધપુરથી કાર્તિકસ્વામીનો મઠ છોડી  પાટણના દુર્લભસરોવરના કાંઠે પટ્ટકુટીમાં વસી ગયા હતા.

ચૌલાદેવીએ ઉદયમતીને એક વચન
તાબાંપતરમાં લેખ લખી આપ્યું હતું કે
ચુલુક્યવંશમાં મારું કોઈ  સંતાન મહારાજ રાજ આપે તો પણ કદી રાજમુગટ નહિ સ્વીકારે..

ને ઉદયમતીએ આગળ જતાં નમતું જોખી ચૌલાદેવીને રાણીપદ આપવા રાજીપો બતાવ્યો... છતાં દરેક વખતે એક નવો અદભૂત પરિચય કરાવતી ચૌલાદેવીએ રાણીપદ નહોતું સ્વીકાર્યુ.

મહારાજ ભીમદેવ અને મંત્રી દામોદર રાજગજરાજ સાથે માનભેર રાણીપદ આપવા તેડું લઈ ગયાં ત્યારે,
એની દેહની મધુરતામાં એક નવા અંશનો વધારો કરતી હોય એમ, રાણીપદનો અસ્વીકાર કરી જવાબ વાળતી બોલી હતી.
"મહારાજના વિજયપ્રસ્થાનને મંગલમુહૂર્ત કરાવવા, સોનેરી કુંભમાં જળ લઈને નગરની કોઈ કુમારિકાને, દરવાજે ઊભી રાખવાની પ્રથા છે, તો શું એ માન મંત્રીમંડળ મને ન આપે...!?

અત્યંત આશ્ચર્ય સાથે મંત્રી દામોદર અને મહારાજ ભીમદેવ જાગ્રત અવસ્થામાંથી જાગ્યા હોય એમ હા કે ના પણ બોલી શક્યાં નહોતાં.. માત્ર ડોકુ ધુણાવી ચૌલાદેવીને નમસ્કાર કરી બંન્નેએ ચાલતી પકડી..


ચૌલાદેવી પાત્ર એક વારાંગનાનું... ને એનાથી વિશેષ સોમનાથની નર્તિકા પણ... આટલો ખુલાસો પરિચય માટે કાફી હતો.

ફક્ત મહાકાલેશ્વર ભગવાન સોમનાથની  નર્તિકા, જે બીજા કોઇ પર પુરુષ સામે આંખ ઊંચી કરી જોતી નહિં. છતાં ચંદ્રમાં રહેલા કલંક પેઠે ચૌલાદેવીનું વારાંગના તરીકે નામ લેવાતું.. એનું નામ લેવું પણ યોગ્ય નહોતું ગણાતું.  
જ્યારે જ્યારે  નારીરત્નોની ઐતિહાસિક ઘટનાની વાતો થાય ત્યારે ચૌલાદેવીનું નામ અચૂક લેવાય છે

આરતીસોની

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED