Krodhit aankho books and stories free download online pdf in Gujarati

ક્રોધિત આંખો

રચયિતા : આરતીસોની
શિર્ષક : ક્રોધિત આંખો

  

            હરેશે મુંબઈ ભવન્સ કોલેજમાંથી કોમ્પ્યુટર એન્જીનીયરીંગની સર્વાંગ પદવી પ્રાપ્ત કરીને જ વિભા સાથે લગ્ન કરવાની હઠાગ્રહ પકડી હતી, વિભા માટે કંઈક કરી બતાવવાની ઘેલશાએ આજે આટલે દૂર સુધી પહોંચવાની એણે તાકાત મેળવી હતી.

હરેશ કાયમ કહેતો,

“ભણતર તો જીવનમાં પૂર્ણિમાના પ્રકાશ સમો પેટાય છે,
ને એ પ્રકાશ તો હું તારામાં અને તું મારામાં ફેલાવી શકીએ એના માટે છે.”

લગ્નના પાંચ જ વર્ષમાં હરેશ અને વિભા બંગલો અને મસ મોટી ગાડીઓમાં આળોટવા લાગ્યા. વિભાને હરેશ પ્રેમના વાદળને હિંડોળે ઝૂલતાં હ્દયના એકેએક દ્વારે વહેતાં લાગણીના ઝરણાં વચ્ચેથી પસાર થઈ પ્રેમનો આસવ ગળામાં ગુટી ગુટીને પીતા હતા.

વિભાની આંખોમાં અવિરત હરેશ વ્હેતો,

“તું ને હું, હું ને તું…”

આ પ્રેમ છે પૂનમની યાદોનો,
જે મ્હોર્યો ચાંદનીની રાતોનો.
સપનું રુહ ક્યાં છે? હરેશ આતો,
ફુલો ભરી વાતો ને ચાંદની ભરી રાતોનો.

હરેશ કહેતો,
"આ તારો પ્રેમ... આ તારી આંખો... જોને મારા લોહીનાં કણે-કણમાં તારો જાદુ ફેલાયેલો પડ્યો છે, એવી શું ભૂરકી નાખી છે તારી આંખોએ મારી આંખોમાં?”

અને એની પ્રેમાળ આંગળીઓ વડે વિભાના શ્વાસથી ઉડુ-ઉડુ કરતી આંખો આગળની વાળની લટો હળવેકથી ખસેડતો ને કહેતો,

“તને શું ખબર ગાંડી, તારી આ ભૂરી આંખોએ શું ગજબ કરી દીધો છે, તારી આ આંખોએ હૃદયને ડામ દઈ કેવો દઝાડ્યો છે.”

કેટલાક સમયથી વિભાને એકલતા મનમાં ને મનમાં ફોલી ખાતી હતી, બધો મગજનો ભાર હરેશ પર ઠાલવતી, તેને ક્રોધ કરે ત્યારે ભાન રહેતું જ નહોતું ને અપમાન કરતાં પણ ખચકાતી નહોતી, મધ્યાહ્નને આવેલા સૂર્યનો પ્રપંચ પ્રતાપ સ્વરૂપ જેટલું અસહ્ય છે, એ સ્વરૂપ આલેખવું પણ એટલું જ અસહ્ય છે. એટલો ક્રોધ રહેતો..

ને એક દિવસ વિભા, નાહીને નીકળતા, હરેશ આકુળવ્યાકુળ થઇ ગયો. એના શરીરની સુગંધ જાણે હરેશને નિમંત્રણ આપતી હતી, એને થયું 'એ સુગંધ એની રગેરગમાં પ્રસરી જાય, નિઃસંકોચ મારા હાથનો ગમતીલો સ્પર્શ કરું, મારા અસ્તિત્વને ભૂલાવી એના હોઠની લાલાશ મને સોંપી દે.. આહ્લાદક થડકારો અનુભવતો આજે હું એના આલિંગનમાં ભીંસાઈને લપાઈ જાઉં.'

વિભાના સ્તનયુગ્મ પર ઉછળકુદ કરતાં વાંકડિયા વાળનો ગુચ્છો હરેશે પકડતાં જ વિભાએ એના હાથમાંથી ખેંચી ઝપટથી ઉછાળી પીઠ પાછળ કર્યો ને જોર કરી હાથથી હરેશને છાતી પર ઘબ કરતો ધક્કો મારતાં બોલી,

“નાહ્યાં વગર તમે મને અડક્યા જ કેમ?”

ને હરેશ ત્યારે હબકાઈ જ ગયો, વિભાને ગુસ્સો કરે ત્યારે ભાન જ રહેતું નહોતું ને એલફેલ બોલતા પણ ખચકાતી નહોતી. વિભાનુ સાવ આટલું બધું ખરાબ વર્તન જે હરેશ કાયમ એને પ્રેમ કરવાને કારણે જ જતું કરતો હતો..

હરેશ સ્વગત્ બબડાટ કરતો તૈયાર થઈ ઓફિસ જવા નીકળી ગયો.

'દસ દસ વરસનાં લગ્નજીવન દરમ્યાનનો આપણો એકબીજા પરનો પ્રેમ જ મને જિંદગી સામે ઝઝુમવાની પ્રેરણા આપતો દેખાય છે, એક શેર માટીની ખોટ પુરી ના પાડી શકવાનો અફસોસ છે, તેથી જ જ્યારે તું આગ ઓકે છે ત્યારે હું ઠંડા પાણીની પાટો મગજમાં ઘુમેડુ છું.'

વિભા શું કરી રહી છે એ એને પોતાને ખબર નહોતી પડતી, પાછળથી એને ખૂબ પસ્તાવો થતો ને માફી પણ માંગી લેતી. પરંતુ જે એણે કર્યું હોય છે એ માફીને લાયક પણ નથી હોતું, ક્રોધ ઠરતા એને જાણે કલાકો લાગતાં, બધો ગુસ્સો હરેશ ભૂલી ગળી જતો..

કોઈક અતિ ગુઢ પ્રાણ સંબંધ છે, કશીક ગુપ્ત એકાત્મતા ધરાવતો આત્મા હતો હરેશ, જે હંમેશા કોઈ રહસ્યમયી મિલનનો મોભ બની રહેતો.

વિભાની આંખોમાં શ્રાવણ ભાદરવાના વાદળો લગીર લગીર બાબતે ઉમટી પડતાં, એક દિવસ એવો નહોંતો વિભાની આંખમાં આંસુ ન હોય. ઝીણી ઝીણી ફુલખરણીમાંથી, મોટે મોટા ખાખા વીંખીનુ સ્વરૂપ ધારણ કરીને છલોછલ રડી લેતી. ગંગા-જમુનાનાં સરોવર કાયમ આંખોમાં ચિકાર ભરેલાં જ રહેતાં હતાં.

હિબકાં થોડાં શમ્યાં ના શમ્યાં પાછળથી વિભા કાયમ ઈશ્વર સાથે મનોમંથન કરી, હરેશની માફી માંગી લેતી,

એના આવા સ્વભાવને કારણે સમળીની ઝડપે ડાયાબિટીસે વિભાને ઝડપી લીધી હતી. ડાયાબિટીસને કારણે આંખો કાચી ને નબળી પડવા લાગી હતી.

ડાયાબિટીસ ચારે બાજુથી ભરડો લઈ લેતા એે વધારે ને વધારે ચિડિયણ થઈ ગઈ હતી, આંખે ઓછું દેખાવા લાગતા વધારે ને વધારે વિચલિત થઈ ગઈ હતી. ઘરના અડધાં કામ હરેશ હસતું મોઢું રાખીને સંભાળી લેતો.

હરેશ આજે મનમાં મધુર ઘંટડીઓ રણકાવતો ખુશ થતો, હર્ષોર્મિના કટોરા પીતો ધરમાં પ્રવેશતાં જ બોલ્યો,

“ફૂટપાથ પર એક છોકરો પુષ્પ પરિમલના તાજા ગજરા ને ફુલો લઈ ઊભો હતો મને થયું, તારા માટે એક સરસ બટમોગરાનો ગજરો લેતો જાઉં,”

“પણ મને ક્યાં માફક આવે છે એની સુગંધ.”

એવો કર્કશ અવાજ કરી બોલેલા એના એ શબ્દોએ અને પુષ્પોની સુગંધોએ હરેશના કાન-નાકમાં ઉન્માદ મચાવી દીધો.

“એવું તો તું ક્યારેય બોલી જ નથી.”

“હા પણ તને ખબર તો હોવી જોઈએ." એમ કરી ગજરાના પેકેટને બારીએથી જ ફારગતી આપી દીધું.

હરેશને આજે ઉશ્કેરાવા માટે આટલું કાફી હતું, છતાં ઉશ્કેરાવાના બદલે ખૂબ માઠું લાગી આવતા બેડ પર જઈ આડો પડ્યો.

આંખો પાછળ તો એનેય નદીઓ વહેતી હોય છે પણ એની નદીઓ જોનાર કોણ? એ નદીઓ બહાર આવવા ન દેતા હ્દયના દરવાજેથી અંદર વહી જાય છે, પણ આજે એ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે એ રોકવા મુશ્કેલ થઈ પડ્યા છે. જે એને અંદરને અંદર ફોલી ખાવા લાગ્યા.

મગજનો તોર વધતાં, ઘૂમતો પારેવો ગળું ફુલાવે એમ નાકોરુ ફુલાવતી, માથે હાથ કૂટતી દરવાજો પછાડીને રૂમમાં પુરાઈ ગઈ.

હરેશ આજે પણ એનો ક્રોધ કળી બેઠો હતો, છતાં ટેબલ, ખુરશી ને બેડ પેઠે એ પણ મૂંગો જ પડી રહ્યો હતો, પરંતુ હંમેશની માફક એનો આત્મા મૂંગો ન રહી શક્યો, રુદન ભર્યા સ્વરે એણે આવી કહ્યું,

“વિભુ.. એ વિભુ.. તને મારા સમ ખોલ દરવાજો.”

વજ્ર જેવા હ્દય વાળો હરેશ આજે દરવાજે જ ફસડાઈ પડ્યો હતો,

“વિભુ.. એ.. વિભુ.. દરવાજો ખોલ, મેં ક્યારેય તને ખસ કહ્યું..
ક્યારેય તને દુઃખ થાય એવું બોલ્યો, વિભુ.. ખોલ દરવાજો ખોલ.. વિભુ..

હવે ક્યારેય હું ગજરો નહીં લાવું, પ્લીઝ, વિભુ..
તું કહેશે એમ જ કરશું.. વિભુ..વિ…”

દસ મિનિટ સુધી કોઈ જ અવાજ નહીં આવતાં, વિભાનું મન આકુળ વ્યાકુળ થઇ ઉઠ્યું. હરેશ કેમ ચૂપ થઈ ગયો? કંઈ બોલતો નથી? એણે દરવાજો ખોલ્યો ને જોયું હરેશ દરવાજે પડ્યો છે લાંબો ચટ્ટાન, એણે ચીસાચીસ કરી મૂકી.

“હરેશ.. હરેશ..”

ગભરાઈ ગયેલી વિભાએ આંખો જીણી કરી એમ્બ્યુલન્સનો નંબર ડાયલ કર્યો,

આખા રસ્તે વિભાનો શ્વાસ રુંધાવા લાગ્યો,

વાહનચાલકોની ભીડને હરાવતી એમ્બ્યુલન્સ ભાગમભાગ જઈ રહી હતી, લાલ લાઈટ ચાલુ બંધ કરતી એમ્બ્યુલન્સની સાયરનથી વિભાને કાનમાં શ્વાસ સાથે પડદા ફુલવા લાગ્યા,

વિભાનો તેજ મિજાજ હરેશના હ્દયને હચમચાવી ગયો ને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો અર્ધ મૂર્છિત અવસ્થામાં પડ્યો હતો, વિભાનો હાથ પકડી કહ્યું,

“વિભુ હજુ આપણે એકબીજા સાથે ઘણો સાથ નિભાવવાનો છે,”

“મારે પણ ઘણું બધું કહેવાનું બાકી રહી ગયું છે, હરેશ હું ક્યારેય ક્રોધ નહીં કરું, પ્લીઝ..”

ક્યાંય સુધી કરગરતી રહી, આંખોમાં છલોછલ સાચા આંસુનો ડર એની આંખે ભેદાયો, નેે વિભાનો પસ્તાવો આંખે દેખાયો.

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે વિભાના હ્દયે દુઃખોની ભુમાભુમ ચાલી હતી, જે આંખોમા ઉભરી આવ્યું, ક્રોધની આગથી જે આંખો ન્હોતી ઓગળતી એ આજે હરેશની હાલત જોઈને જ ઓગળવા લાગી,

મારા કારણે જ !! મેં જ ક્રોધ કરીને હરેશની આ હાલત કરી છે, થડથડકતા હૈયે કલ્પના કરતી હતી ને વિચારોની છેલ્લી કોદાળી વાગતાં જ આઈસીયુનો દરવાજો ખુલ્યો.

“ચિંતા કરવાની હવે જરુર નથી, તમે સમયસર ન પહોંચ્યા હોત તો હ્દય પર બીજો સ્ટ્રોક આવવાની શક્યતાઓ હતી, હવે એમને આરામની જરૂર છે, ઘેનની અસરમાં છે થોડીવારમાં એમને ભાન આવી જશે.”

ને વિભા ખુશીની મારી એની પાસે દોડી ગઈ,

“હરેશ..”

વિભા પોતાનો કોમળ હાથ માથે ફેરવી હાથ પકડી બોલી,

“તને ખબર છે?
તું નહી હોય તો મારું શું થશે?
આપણો સાથ આટલો ટુંકો થોડો છે?
હજુ મનમાં ઘણું છે જે કહેવાનું રહી ગયું છે,

તને ખબર છે? મારી આંખે એકલાં ક્રોધિત આંસુ જ નથી આવતાં, મને એકલું ક્રોધ કરતાં જ નથી આવડતું, તું જોઈ લેજે, શું મારી આંખે કોઈ જ સપનાઓ નહિ હોય? મને પણ હવે એક એવું સપનું છે કે ઓફિસેથી સાંજે તું ઘરે પહોંચે તારા પહેલા કિસ તને હું કરું. મને પણ હવે એવી એક આશા છે કે ઘરમાં તું મારા પર ક્રોધ કરે.”

“મારી બધી જીદો પૂરી કરી તે જ મને ફટવાડી છે, તું કેમ મારી આટલી જીદ પૂરી કરતો હતો? તને પણ રિસાવાનો અધિકાર છે,”

ધીરે-ધીરે આંખો ખોલી હરેશ બોલ્યો,
“વિભુ….”
“મને પણ રિસાવું છે તારા મનામણાં મારે પણ ભોગવવાં છે,”

“મુખમુદ્રા પર મઢેલી તારી આ મોહભરી બે આંખો રડી રડી નિચોવી નાખી છેે, છતાં પણ જોને આ મોહિત કરતી આંખોમાં આજે પણ તારું ઝળકતુ જાદુ અખંડિત છે..”

“તારી આ આંખોના સાગરમાં ડૂબકી લગાવવી છે પરંતુ એ ક્રોધિત આંસુથી ભરેલી નહિ, પ્રેમથી ભરેલી આંખો હોય, મારું ખોવાયેલું સપનું ત્યાં મોતી બની સાચવવું છે. ના રમીશ હવે આ ક્રોધિત આગ સાથે વિભુ તું દાઝી જઈશ..”

“આંખો આગનો દરિયો હતી ઉલેચી નાખી, આ આંખો તો હવે પ્રેમનો દરિયો છે.”

રુહના મનામણા રિસામણા કરતાંયે સવાયા થઈ ગયા,
એકબીજાનાં આલિંગનમાં આજે છુપાઈ ભીંસાઈ ગયા..

-આરતીસોની


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED