રિઝલ્ટ️ Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રિઝલ્ટ️

?આરતીસોની?

❣️રિઝલ્ટ❣️

આજે બારમાંના બોર્ડનું રિઝલ્ટ હતું. મિતેષ સવારથી ભારે હ્રદયે ઊઠ્યો.. દસ વાગવાની રાહ જોઈ કોમ્પ્યુટર સામે બેસી ગયો હતો.. આજે એના જીવનનો વળાંક નક્કી થવાનો હતો.. એમાંયે સમીર કરતાં વધારે ટકા લાવી સતિષ સર સામે મિતેષને વટ મારવાનો હતો.. કાયમ સતિષ સર એમના દીકરા સમીરના વખાણ કરી થાકતાં નહોતાં..

"મારો સમીર બોર્ડમાં નંબર લાવશે! એના જેટલા ટકા કોઈ લાવીજ શકે નહિ.”

સતિષ સર જ્યારે જ્યારે સમીરના વખાણ કરતાં મિતેષ બહુ રોષે ભરાતો હતો.. અને પછી એણે નકકી કર્યુ હતું.. ગમે તેમ કરીને સમીર કરતાં વધારે ટકાવારી લાવી ઉત્તિર્ણ થવું જ..!

અને ત્યાં જ રિઝલ્ટ જોવા બેઠેલા મિતેષના કોમ્પ્યુટરની સ્ક્રીન ઝળકી.. એણે પોતાનો નંબર નાખ્યો અને એનું રિઝલ્ટ સામે હતું.. દરેક વિષયમાં એના નેવુંથી ઉપર માર્કસ હતાં.. પરંતુ મેથ્સ- સાયન્સમાં માર્કસ જોઈ મિતેષ એક ધબકાર ચૂકી ગયો.. સોમાંથી નવ્વાણું..!
એની ખુશી સમાતી નહોતી..

પાછું મિતેષના મગજમાં એક કીડો સળવળ્યો,‘સમીરનું શું રિઝલ્ટ આવ્યું હશે? વખાણ તો બહુ કરતાં હતાં રોજેરોજ ને થાકતાં નહોતાં સતિષ સર!’

મિતેષ રિઝલ્ટની પ્રિન્ટ કાઢી મારતે ઘોડે એક્ટિવા લઈ મિતેષ સતિષ સરના ઘરે પહોંચ્યો. રિઝલ્ટ જોઈ સતિષ સર ખુશ ખુશ થઈ ગયાં અને શાબાશી આપતાં કહ્યું,

"વાહ મિતેષ ધાર્યા કરતાં સારું પરિણામ આવ્યું છે તારું તો.. હવે આગળ ક્યાં એડમિશન લેવાનું નક્કી કર્યું છે.. કંઈ વિચાર્યું છે ખરું..?"

મિતેષના મન હજારો ઘોડા હણહણ્યા ને મનમાં બબડ્યો, 'પોતાના દીકરા સમીરના વખાણ કરતાં થાકતા નહોતાં.. હવે હું છેક આટલે દૂર મારું રિઝલ્ટ એમને બતાવવા આવ્યો છું પણ સમીરનું શું રિઝલ્ટ આવ્યું એ તો સર બોલતાં જ નથી..'

"એચ.કે. કૉલેજમાં એડમિશન લેવાનું વિચાર્યું છે.. કેમકે મોર્નિંગ કૉલેજ હોવાથી એડવાન્સ કોર્ષ કરવામાં તકલીફ ઓછી પડશે.. દિવસના ટાઇમનો સારો એવો સદ્ઉપયોગ થઈ શકે એમ છે.."

"બહુ સરસ કૉલેજ છે મિતેષ!! આગળનું તારું ભવિષ્ય ઝગારા મારતું નજરે આવી રહ્યું છે.."

"મારું રિઝલ્ટ સારું લાવવા પાછળ આપની મહેનત પણ એટલી જ હતી સર.. મને એન્કરેજ ખૂબ કરતાં હતાં તમે.. અને સારું અને ઊંચું રિઝલ્ટ લાવવા પાછળ મારો પણ સ્વાર્થ તો હતો જ સર.. સમીર પ્રત્યે મને એકજાતની મનોમન ઈર્ષ્યા પણ થતી હતી.. એટલે જ તમારા સમીર તરફીના વખાણ મને મહેનત કરવા પ્રેરિત કરતા હતા.."

"તને ભણાવવા પાછળ મારો પણ એક સ્વાર્થ છુપાયેલો હતો.. યાદ છે.? એક વર્ષે સ્કૂલમાં રિસેસ પછી દાદરા ચઢતાં ત્રીજા પગથિયેથી મારો પગ ખસ્યો હતો.. પણ તેં મને પાછળથી મજબૂત પકડ સાથે હાથ પકડી બચાવ્યો એજ દિવસે નક્કી કર્યુ હતું કે, સમીરને નામે પોણો ચઢાવી, તને એક્સ્ટ્રા ભણાવીશ સાયન્સ લાઈન લેવા જેટલો કાબેલ બનાવીશ.. એ દિવસે જો હું કદાચ પડી ગયો હોત તો! બે-ચાર મહિનાનો ખાટલો આવત, રજાઓ પડત અને પગાર કપાતો એ વધારાનું.."

"થેંક્યું સર.. મારી મહેનત સાથે આપની મહેનત ન હોત તો કદાચ હું આટલું બધું સારું રિઝલ્ટ લાવી ન શક્યો હોત.."

'સર બધું કહે છે પણ સમીરનું રિઝલ્ટ નથી કહેતા..' એમ મનમાં વિચારતાં બોલ્યો..

“સર, સમીરનું શું રિઝલ્ટ આવ્યું?”
અને છેવટે મિતેષથી ન રહેવાયું અને સમીરનું રિઝલ્ટ પુછી જ લીધું..

સતિષ સરે દિવાલ તરફ નજર કરી હાર લટકતાં ફોટા સામે એકીટશે જોઈ રહ્યાં.. ફોટો જોઈ મિતેષ હેબતાઈ ગયો..

'આ કોણ હશે?' વિચારવા લાગ્યો..

ફોટા સામે જોઈ રહેલા મિતેષને સતિષ સરે કહ્યું,

“સમીર એક વર્ષનો હતો ત્યારથી એની નાનીને ઘરે રહેતો હતો.. સમીર તારા જેવડો જ હતો.. આ વર્ષે એ પણ બારમાંની પરિક્ષા આપવાનો હતો. પરંતુ ગયા વર્ષે કમળો થઈ જતાં ધગધગતા તાવમાંથી ઉભો જ થઈ ન શક્યો.. લિવરમાં ઇન્ફેક્શન વધી જતાં કમળામાંથી કમળી થઈ ગઈ.. અને..” કહેતાં કહેતાં સતિષ સરને ડૂમો ભરાઈ ગયો.


અને..મિતેષ ગેરત પામી ચકિત રહી ગયો..

-આરતીસોની©