.
?આરતીસોની?
“તારો હાથ આપ ચિત્તલ, લે આ ચાવીઓનો ગુછ્છો, આજથી તારો.. પણ બસ મને એક વચન આપ, માયરાને ક્યારેય એની મમ્માની કમી મહેસૂસ નહિ થવા દે.”
“ભરોસો રાખ.. એને ઉની આંચ આવવા દઉં તો કહેજે. મારા પર તને ભરોસો છે ને?”
"ચિત્તલ મને ખબર છે, તું ક્યારેય કોઈ જ તકલીફ નહીં આવવા દે. હું ઓળખું છું તને, મારા મનની શાંતિ માટે જ પુછું છું. મને દિલથી તું ખાતરી આપે છે એટલે હવે મને શાંતિ.. તને તો ખબર જ છે કે દિક્ષાએ કેટલું લાડ પ્યારમાં માયરાને ઉછેરી છે. એણે ક્યારેય કોઈ કમી એને મહેસૂસ થવા નથી દીધી."
"હા મનીષ મને યાદ છે, એક વખત દિક્ષા તારું ટિફિન બોક્સ ઓફિસ આપવા આવી હતી ત્યારે માયરાની સ્કૂલમાંથી ફોન આવ્યો કે માયરાને તાવ ચઢ્યો છે અને તું એક મિટિંગમાં બીઝી હોવાથી વાર લાગતાં એણે આખી ઑફિસ માથે લીધી હતી.."
"હા એટલે જ એ બહુ લાડમાં ઉછરી હોવાથી કોઈ તકલીફ એ સહી નથી શકતી, અને હું એની તકલીફ જોઈ શકતો નથી."
"તું ખુશ તો છે ને મારી સાથે લગ્ન કરીને મનીષ¿"
"જો ચિત્તલ મેં એની ખુશી માટે જ તારી સાથે લગ્ન કર્યા છે. માયરાની ખુશીથી વિશેષ તારી પાસેથી કોઈ જ અપેક્ષા મને નથી."
"એક સાધારણ જીવન જીવતી સેક્રેટરીમાંથી એક પત્ની તરીકે સ્વીકારી અને તે આટલો ઊંચો હોદ્દો સંભાળવા મને યોગ્ય સમજી એનાથી વધારે શું જોઈએ હવે."
અચાનક એક ચિંતાની લકીર મનીષના કપાળે તરવરી ઉઠી..
એ જોઈ ચિત્તલ એને સમજાવતા બોલી, "મનીષ તારા ઘરના ખાલીપાને ગોફણમાં ઘૂમાવી દૂર દૂર સુધી ફંગોળી દે. ત્યાગ અને સહનશીલતાના પગથિયે લથડતી આખડતી હું સંબંધ શું છે અને કેવી રીતે નિભાવવો એ બખુબી સમજું છું.તેં કોઈ છોકરીને માતા-પિતાને હાથે જ ચક્કીમાં પીસાતી જોઈ છે?"
"એટલે જ મેં તને પસંદ કરી છે. ચિત્તલ મારી દીકરીને સુખી કરવા કંઈ કેટલાય સમાધાનો મારેય કરવા પડશે એ હું જાણું છું અને તું પણ સમજી ગઈ જ હોઈશ કે હું શું કહેવા માંગું છું."
"જો મનીષ, ચીલાચાલુ ઘરેડમાં જીવવામાં હું નથી માનતી. ઐટલે જ તારી પ્રપોઝનો મેં સ્વીકાર કર્યો. તારી સામેની ચેર પર બેસી ડિક્ટેશન લેતી હું આજે તારી બાજુની ખુરશીમાં બેસી તારા લેવલે પહોંચી ડિક્ટેશન આપવા કાબેલ બની શકી છું."
અને બંનેના ચહેરા પર ખુશીની સુંવાળી લાગણી તરવરી ઉઠી..
**********
ચિત્તલ દરવાજો ખોલી બંગલામાં પ્રવેશી, એણે જોયું કે મનીષ એની બાર વર્ષની દીકરી માયરાને હાથ પસવારી સમજાવી રહ્યો હતો, "મમ્મા, આંટીને એમના પેટમાં નાના ભઈલુંને આપી ભગવાનના ઘરે ગઈ છે.."
"પણ આંટીને હું મમ્મા તો નહીં જ કહું.. ભલે ભઈલું એની પાસે હોય!!"
"એ તને વ્હાલ કરશે આપણી કોઈ વસ્તુ નહી લઈ લે.. એણે પ્રોમિસ કરી છે.."
"નો ડેડી.. નો ડેડી.." કરીને માયરા મનીષને વળગી પડી.
બંનેની વાતો સાંભળી ચિત્તલ દાંત કચકચાવતી સોફામાં બંનેની વચ્ચે જઈને ગોઠવાઈ ગઈ.
"કેમ છે માયરા બેટા¿ આજે ફ્રેન્ડશિપ ડે છે ખબર છે ને તને? તે કોને કોને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધ્યો¿"
મનીષ તરફ દ્રષ્ટિ ફેરવી બોલી, "મારે મમ્મા નથી ને એટલે મારી કોઈ ફ્રેન્ડ પણ નથી."
"એવું ન હોય બેટા મમ્મી ન હોય તો ફ્રેન્ડ પણ ન હોય એવું થોડું હોય..!!હું છું ને તારી મમ્મા.. તેં કેમ કહ્યું નહીં કે મારે મમ્મા છે.."
"ના તમે મારી મમ્મા નથી. આંટી છો.. હું મારી મમ્માને તમે નથી કહેતી.. 'તું' જ કહું છું.."
"તો તું મને પણ 'તું' જ કહીશ તો મને ગમશે માયરા.. જો હવેથી તારે પણ મને 'તું' જ કહેવાનું."
"ના આંટી." એવું બોલી માયરા એના ડેડી પાસે જઈને બેસી ગઈ. આજે પણ ફરીથી એને ચિત્તલના દરેકે દરેક શબ્દો વામણાં લાગતાં હતાં.
‘માંડ દિક્ષાનો કાંટો કાઢ્યો હતો, હવે આ માયરાનું કંઈક કરવું પડશે.’ મનમાં બબડતી ચિત્તલ ઉઠીને માયરાની બાજુ જઈને બેઠી અને બોલી, "તારો હાથ આપ તો, માયરા..”
અને ચિત્તલે એના પર્સમાંથી ફ્રેન્ડશીપ બેલ્ટ કાઢ્યો ને માયરાનો હાથ પકડી પહેરાવા લાગી.
અચાનક માયરાની દ્રષ્ટિ ચિત્તલના પર્સમાં ગઈ. દિક્ષાનું અસ્થમા ઇન્હેલર જોઈ વિચારોમાં ગરકાવ થઈ ગઈ.
એ દિવસે ફ્રાઈડે હતો, દિક્ષા ઑફિસેથી સીધી એને લેવા સ્કૂલે આવી હતી. કારમાં બેઠાં પછી દિક્ષાને શ્વાસ લેવામાં અચાનક તકલીફ થવા લાગી. થોડીવાર કાર ચલાવી આગળ નીકળ્યાં પણ શ્વાસમાં વધારે તકલીફ થતાં કાર એણે સાઈડમાં ઊભી રાખી.
દિક્ષાને અસ્થમાનો એટેક આવ્યો હતો. પર્સમાં અસ્થમા ઈન્હેલરનો પંપ કાઢવા લાગી પરંતુ ન મળતાં એ ગુંગળામણ અનુભવવા લાગી. એણે માયરાને મોબાઈલ ફોન આપતાં કહ્યું, જલ્દી ફોન લગાવ ડેડીને. માયરા મોબાઈલમાંથી મનીષનો નંબર શોધવા લાગી પણ ઓલ કૉન્ટેક્ટસ નંબર ડિલીટ હતાં. કૉન્ટેક્ટસ એમ્ટી હતાં.
એ બોલી,
"મમ્મા કંઈજ નથી મોબાઈલમાં."
દિલ ધડક દ્રશ્ય સર્જાયું હતું. મહા પરાણે શ્વાસ લેતી દિક્ષા કાર સ્ટોપ કરી બહાર નીકળી ગઈ. ત્યાંથી પસાર થતાં લોકોમાંથી એક જણને દયા આવી ટેક્ષીમાં બેસાડી હૉસ્પિટલ લઈ ગયો. રસ્તામાં દિક્ષા કંઈક કહેવા માંગતી હતી માયરાને, પરંતુ બોલી શકાય એટલી પણ બે શ્વાસ વચ્ચે જગ્યા નહોતી રહેતી. એટલા ઝડપથી શ્વાસ લેતી દિક્ષા એટલું જ બોલી શકી , "ચિત્તલ..."
બોલવાનો થોડોક ગેપ પાડી એટલું બોલી શકી, "તારા ડેડી.."
અને એનો શ્વાસ થંભી ગયો. માયરા મમ્મા.. મમ્મા.. કરતી રહી અને ટેક્ષીમાં જ દિક્ષાએ મૃત્યુને વ્હાલું કરી દીધું.
અને ચિત્તલનો અવાજ સાંભળી માયરા ઝબકી, "કેટલો સુંદર લાગે છે બેટા ફ્રેન્ડશિપ બેલ્ટ તારા હાથમાં.."
ઘડીક વારમાં બધી વાત સમજાઈ જતાં, ડરી ગયેલી માયરાએ બેલ્ટ ખેંચી તોડી નાખ્યો અને ફેંકી દઈ ડેડીને જઈ વળગી પડી.. પછી એ ડર કરતાં પણ ડેડીના હાથના સોળનો સણકો વધારે દર્દનાક હતો. મનીષે એક જોરદાર ઝાપટ મારી દીધી હતી. પછી એ સમજાવવા સક્ષમ નહોતી કે, મમ્માના મૃત્યુ પામવા પાછળ ચિત્તલનો હાથ છે. આખરે એ નાની જ હતી. આમને આમ સમય નીકળતો રહ્યો, માયરા હંમેશા ચિત્તલથી દૂર રહેતી. એટલે મનીષથી પણ અંતર વધતું ગયું. હૉસ્ટેલમાં ભણવા જતી વખતે ઘણી વખત એણે એના ડેડીને ચિત્તલ વિશે જણાવવાની કોશિશ કરી પણ સફળ થઈ ન શકી.
આજે એના મનગમતા છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી હતી, ત્યારે માયરાએ ડેડીને એક પત્ર લખ્યો.. જે એણે વિદાય સમયે આપવા પોતાના બ્લાઉઝમાં મૂકી દીધો.
વિદાયની વેળાએ માયરા મનીષને ખભે વળગી ખૂબ રડી, કાનમાં એક જ શબ્દ બોલી શકી, "ડેડી, મારા નાના બંને ભાઈ-બહેન ખૂબ જ સારા છે. હું પહેલેથી એક વાત જણાવવા માંગતી હતી, પણ હવે તો સમય ઘણો નીકળી ગયો છે. મેં તમને જણાવવા ઘણાં પ્રયત્નો કર્યા પણ હું નિષ્ફળ રહી. મમ્માના મૃત્યુ પામવા પાછળ આંટીનો હાથ છે. મેં આ પત્રમાં દરેક વાત જણાવી છે.." ને ધ્રુજતા રુહ સાથે કોઈ જોવે નહીં એમ પત્ર મનીષના ખીસ્સામાં સરકાવી દીધો.
-અસ્તુ
આરતીસોની©