ધરતીનું ઋણ - 1 - 3 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધરતીનું ઋણ - 1 - 3

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

  • મોતની તબાહી
  • ભાગ - 3

    કેમ્પમાં ગુપ્તાજીના મિત્ર વર્તુળમાં એક છોકરો ઊભો હતો અને ગુપ્તાજીને મદદ કરી રહ્યો હતો.

    ગુપ્તાજીએ તેને પૂછ્યું, ‘દોસ્ત...તારા ઘરના બધા કેમ છે ? તું તારા ઘરનાનો ખ્યાલ રાખજે...તારા મમ્મી, પપ્પા...’

    ‘ઓ માય ગોડ...ઘણું ખરાબ થયું...પણ તો તું ઘરે જાને અહીં શું કરશ...?’

    ‘સર...મારાં મા-બાપ તો મૃત્યુ પામ્યાં છે. ઘર તૂટી ગયું છે, હવે ત્યાં જવાનો કોઇ મતલબ નથી. મારે તો જીવતાઓની સેવા કરવી છે.’ વાત કરતાં કરતાં તેની આંખોમાં પાણી ફરી વળ્યું.

    ગુપ્તાજી સ્તબ્ધ થઇ ગયા. ‘તારો વિચાર સારો છે, દોસ્ત ભલે ચાલ સેવામાં લાગી જા.’

    સાંજ ઢળી ગઇ અને રાત પડી. થોડા ફાનસના પ્રકાશમાં સૌ કામ કરતા હતા. પાટાએ ખલાસ થઇ ગયા હતા. ગુપ્તાજીએ સૌને દવા ખલાસ થઇ જતાં ગરમ પાણી કરવાનું કહ્યું. આર.એસ.એ. ના થોડા કાર્યકરો ગરમ પાણી કરી લાવ્યા. ગરમ પાણીથી ઘાને સાફ કરી બાજુમાં ખત્રીઓની દુકાનેથી ચાદરો લાવી તેને ફાડીને પાટા બાંધવાનું શરૂ કર્યું. ચાદરોનો સ્ટોક પણ ખલાસ થતાં, છેવટે ગુપ્તાજીએ બાંધેલ ટેન્ટનાં કપડાં ફાડીને પાટા બાંધવાનું ચાલુ કર્યું. પીડાથી ચિલ્લાતા ઘાયલોને રાહત માટે તેમણે નોર્મલ સલાઇનની બોટલમાંથી સિરીંઝમાં સલાઇન ભરીને આપવાનું ચાલુ કર્યું. મેડિકલ્સ ફિલ્ડમાં તે ખોટું કામ હતું. પણ આ વખતે બીજો કોઇ જ ઉપાય ન હતો. ઘાયલોને મેન્ટલી રાહત મળે તે માટે ગુપ્તાજીએ એક ર્ડોક્ટર બનીને ઇંજેક્શનો આપ્યાં. રાત્રીના મટકુ માર્યા વગર કાતિલ ઠંડીમાં ગુપ્તાજીએ સેવાકાર્ય ચાલુ રાખ્યું.

    જેમ જેમ રાતનો સમય આગળ વધી રહ્યો હતો તેમ તેમ ચારે તરફ ભયાનક દહેશત ફેલાતી જતી હતી. તે કાતિલ ઠંડી રાત હતી. લાઇટ ન હોતાં ગાઢ ભયાનક અંધકાર સર્વત્ર છવાઇ ગયો હતો. આવા ભયાનક અંધકારમાં ગામમાંથી ચારે બાજુથી અવાજો આવવા લાગ્યા અને ચારે તરફ ચીસોના અવાજ ગુંજતા હતા. જાણે ચારે તરફ પ્રેતોનાં ટોળાંઓ ઊંમટી આવ્યાં હોય અને ગામને ઘેરી વળીને ચિત્કાર નાખતાં હોય તેવું ભયાનક વાતાવરણ અને તેમાંય ચારે તરફ રસ્તા પર લોહી-લુહાણ, વિકૃત-ક્ષત-વિક્ષત થઇને પડેલી લાશો શરીરનાં રુંવાટા ઊભાં કરી દેતી હતી.

    કાતિલ ઠંડીમાં થર-થર ધ્રૂજતા ઘરબાર વગરના લોકો ગામની બહાર તાપણાં કરીને બેઠા હતા. પવનના સુસવાટાથી ઝાડીમાં ઉત્પન્ન થતો ધુઉઉઉનો અવાજ પણ દહેશત પમાડતો હતો.

    કચ્છની ધરા દર પચાસ વર્ષે ધ્રૂજતી હતી. 1918માં ધરતીકંપ થયો હતો. ત્યાર બાદ 1956માં ધરતીકંપ થયો હતો ત્યારે પણ અંજારમાં તબાહી મચી ગઇ હતી. અને તે વખતે અંજારથી થોડે દૂર નયા અંજારની સ્થાપના કરવામાં આવી હતી.

    એટલે સારું હતું કે આ નયા અંજાર કોલોની આ ધરતીકંપમાં સુરક્ષિત રહી હતી, અને તેથી જ જે લોકોના સંબંધીઓ નયા અંજારમાં રહેતા હતા. તેઓ તેમના ઘરે ચાલ્યા ગયાહતા. આથડતા, કૂદતા તેઓ જ્યાં રેલી દટાયેલી હતી તે જગ્યા પાસે આવ્યા. મોચી બજાર તો પૂરું તૂટીને કાટમાળમાં ફેરવાઇ ગયું હતું. પણ રેલીના છેવાડે હતાં તે બાળકોએ નાસવાની કોશિશ કરી હતી. અને નાસતાં-નાસતાં ઉપરથી દુકાનો તૂટતાં તે દુકાનોના કાટમાળ અને મોટા પથ્થરો લાગતાં મૃત્યુ પામ્યાં હતાં. ગુપ્તાજી છેવાડેના ભાગમાં પહોંચ્યા અને કાટમાળની આજુબાજુ તેમણે નજર ફેરવી અને તેઓ સ્તબ્ધ થઇ ગયા.

    તેઓના શરીરનાં રુંવાટાં ઊભાં થઇ ગયા. તેમની આંખો ફાટી ગઇ. તેમનું શરીર ધ્રૂજવા માંડ્યું. ‘ઓ માય ગોડ...!’ બંને હાથને તેઓએ પોતાના માથા પર પછાડ્યા.

    તે ર્દશ્ય જ એટલું ભયાનક હતું કે શેતાનને પણ કંપાવી નાકે. તે તૂટેલા કાટમાળની આજુબાજુ બાળકોની લાશો પડેલી દેખાતી હતી અને તે લાશોની આજુબાજુ કૂતરાં બેસીને બાળકોની લાશોને ફાડી-ફાડીને તેમનું માંસ ખાઇ રહ્યાં હતાં. ધ્રૂજતા શરીરે તેઓ ત્યાં જ જમીન પર બેસી ગયા.

    ‘હે ઇશ્વર...બસ બધું પૂરું થઇ ગયું...દેશભક્તિનાં જશ્ન મનાવતાં ફૂલ જેવાં પ્યારાં બાળકોની આ હાલત.’ તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં.

    કચ્છની ધરતી પર અવાર-નવાર ધરતીકંપનો તબાહીઓ આવી છે. કહેવામાં આવે છે કે કચ્છનો આ પોપડો કેટલીય વાર દરિયામાં સમાઇ ગયો હતો અને ફરીથી દરિયામાંથી ઉપર આવેલ. આ બહુ જ મોટી ઘટના બનેલી હશે.

    યુરોપ અને એશિયા ખંડોની પ્લેટો જ્યારે અથડાઇ હતી ત્યારે દુનિયામાં ભયાનક મોટી ઘટના બની હતી. આ ઘટનામાં હિમાલય પેદા થયો. લગભગ પાંચ હજાર વર્ષનું આયુષ્ય હિમાલયનું લેખવામાં આવે છે. એટલે તે ઘટના પાંચ હજાર વર્ષ પહેલાં બની હોવી જોઇએ.

    કચ્છ પણ ‘‘હાઇપર સિસ્મિક ઝોન ઓફ વર્લ્ડ’’ માં આવે છે. કચ્છને ઝોન પાંચમાં મૂકવામાં આવ્યો છે. 1918માં ધરતીકંપ થયો. જેમાં એક મોટો પોપડો ઊપસી આવ્યો અને ક્ચ્છમાં વહેતાં સિંધુ નદીનાં વહેણ ફરી ગયાં. આ પોપડાને અલ્હાબંધનું નામ પાકિસ્તાને આપ્યું. તે ધરતીકંપનું એ.પી.સેન્ટર અલ્હાબંધ વિસ્તાર હતો કચ્છ મેઇન ફોલ્ટ લાઇનથી પેદા થયો હતો. તે સમયે અંજારના અધિકારી, અંગ્રેજ ઓફિસર મેકમાડોએ અંજાર ને ઇંગ્લેન્ડથી ઘણી સહાય અપાવી હતી.

    1956માં કચ્છના ફરીથી ધરતીકંપ થયો હતો અને ત્યારે અંજાર ગામ નષ્ટ થયું હતું અને તે વખતે ખત્રી ચોક વિસ્તારમાં ઘણા લોકો મરાયા હતા. એ લોકોએ ફરીથી સેટ કરવા માટે સરકારની મદદથી નયા અંજારની રચના કરી હતી. બસોથી ચારસો, ચોરસ વારના પ્લોટ લોકોને ફાળવવામાં આવ્યા હતા. પાંચસો હજાર ચોરસ વારના સાર્વજનિક પ્લોટો મૂકવામાં આવ્યા હતા. પહોળા રસ્તા, બંને તરફ સુંદર વૃક્ષો, ખરેખર સુંદર નિર્માણ કરવામાં આવ્યું હતું અને તે પણ ટાઉન પ્લાનિંગ મુજબ.

    1956માં થયેલ આ ધરતીકંપનું એ.પી. સેન્ટર રતનાલ અને દુધઇ વચ્ચે આવેલ ‘ક્યો હિલ્સ ફોલ્ટ લાઇન’ હતું અને હાલનો ધરતીકંપ એટલે 2001માં આવેલ ધરતીકંપ ‘નોર્થ વાગડ ફોલ્ટ લાઇન’થી પેદા થયો હતો અને તેનું એ.પી.સેન્ટર ‘નેર બંઘડી’ હતું.

    મિત્રો, અત્યારે એક ચોખવટ કરી દઉં આ કથા કચ્છમાં થયેલ ધરતીકંપની સત્ય ઘટના પર આધારિત છે. પણ આ કથાનાં પાત્રો કાલ્પનિક છે. મારા દિમાગથી ઉપજાવી કાઢેલ છે તેથી કોઇએ પાત્રોના નામ સાથે પોતાનું નામ જોડવું નહિ.

    મીરાદ અને રઘુ જે અઠંગ ચોર હતા. બંને અંજાર અને આજુબાજુનાં ગામડાંઓમાં ચોરીચપાટી કરી લેતા.

    મીરાદખાન તેનું પૂરું નામ, મજબૂત શરીરનો બાંધો, સાડા પાંચ ફૂટની લંબાઇ, ગોળ મોં અને દાઢી સાથે ભરાવદાર મૂછો તે રાખતો, તેની આંખો કાયમ લાલ અને એકદમ મોટી દેખાતી. ધંધો તેનો યાકુબીનો હતો. બચપણથી જ ચોરીચપાટી તે કરતો. અંજાર અને આજુ-બાજુનાં ગામોમાં તે અવાર-નવાર હાથફેરો કરી આવતો. તેનું દિમાગ તામસી અને શેતાની હતું. તેના દિલમાં દયા જેવી કોઇ ચીજ ન હતી. અંજારના મવાલી અને ચોરીચપાટી કરવાવાળા તેનાથી ડરતા અને કાયમ દૂરથી સલામ કરતા. દારૂ પીધા પછી તે ખપે તેની સાથે ઉધારો ઝઘડો લઇ લેતો. હાથમાં આવેલા કૂતરા કે ગાયોને તે લાકડીથી મારતો અને ઊડતા કાગડાઓને તે ગોફણ મારી નીચે પાડતો. ગરીબ ભિખારીઓના હાથમાંથી તે પૈસા છીનવી લેતો. દયા જેવી કાંઇ જ વસ્તુની તેને ખબર ન હતી. કોઇને દુ:ખી જોઇને તે રાજી થતો. તેનો ધંધાદારી મિત્ર હતો રઘુ.

    રઘુવીર સોમૈયા તેનું નામ. સૌ તેને રઘુ કહીને બોલાવતા. રઘુ દેખાવમાં તો લાંબો અને પાતળો હતો. તેનું માથું લંબગોળ હતું. પણ માથાની અંદરનું ભેજું ઘણું તેજ હતું. તેની આંખો માંજરી હતી. તે એકદમ શાંત સ્વભાવનો હતો. જરૂર પૂરતું બોલતો. એનું કામ ગામના લોકોને પટાવી ઉલ્લુ બનાવી પૈસા પડાવવાનું, ક્યારેક ક્યારેક તે હાથ સફાઇ પણ કરી લેતો. તે છટકબારી રાખીને જ પૈસા પડાવતો. ક્યારેય તે વાંકમાં ન આવતો. ક્યારેય કોઇ ગુસ્સે થાય તો તે હસતો રહેતો, અને સામેવાળી વ્યક્તિ ઠંડી પડી જતી અને પછી રઘુ તેની ટોપી ઊલટી કરી નાંખતો. રઘુ, મીરાદનો બચપણનો દોસ્ત હતો. મીરાદનો ચોરી કરવાની ઘણી ટ્રીકો તે બતાવતો અને સાથે પોતે પણ થોડું ગંગામાં નાહિ લેતો.

    ગામની બહાર આવેલ એક હોટલ પર બંને સળગતા તાપણા પાસે શેકતા બેઠા હતા. રઘુએ સળગતા કોલસાથી બીડી સળગાવી અને એક લાંબો કશ ખેંચ્યો પછી મીરાદ સામે જોઇને બોલ્યો.

    ‘શું યાર, આજ તો તને ઘી કેળાં થઇ પડ્યાં હશે. જિંદગીમાં પહેલીવાર અંજારની સોની બજારની તૂટેલી દુકાનો રેઢી પડી છે. અને સોની કાં તો મરી પરવાર્યા છે, કાં તો જીવ લઇને ભાગી ગયા છે.’

    ‘ધીમે બોલ અક્કલના ઓથમીર...’ પછી ચારે તરફ નજર ફેરવી ખિસ્સા પર હાથ ફેરવી તે રઘુ સામે હસ્યો.

    ‘ઘણો હાથ માર્યો છે. નહિ...?’ એકદમ ધીમા અવાજે રઘુ બોલ્યો.

    ‘યાર...સવારના ધરતીકંપ થયો ત્યારબાદ હું ગામમાં ન હતો અને બપોર પછી તો ગામમાં પોતાના ઘરમાં લોકોને બચાવવા અને બહાર કાઢવા લોકો દોડા-દોડી કરતા હતા. જેવું જોઇએ તેવું હજી તારવ્યું નથી. ખિસ્સામાં બીડીનું બંડલ બહાર કાઢી તેમાંથી એક બીડી ખેંચીને તાપણાના કોલસામાંથી સળગાવતાં મીરાદ બોલ્યો.’

    કાળઝાળ અંધકાર ભરી અને કાતિલ રાતમાં ઘરબાર વગરના લોકો રડતા રડતા અને બીક સાથે ઠંડીથી ધ્રૂજતા ખાધા-પીધા વગરના ગામની બહાર રસ્તા પર તાપણાં કરીને ચારે તરફ બેઠા હતાં.

    સૌના મોં પર ચિંતા અને દુ:ખ છવાયેલું હતું. કોઇનાં ભાઇ-બહેન, મા, બાપ કે પત્ની, પતિ મલબામાં દટાયેલાં હતાં. કોઇ જીવતા હતા, તો કોઇ ભગવાનને પ્યારા થઇ ગયા હતા. ગામ તળની બહાર આવેલ અમુક સુરક્ષિત રહેતી સોસાયટીઓ અને નયા અંજાર સોસાયટીમાં અમુક લોકો પોતાના સંબંધીઓના ઘરે ચાલ્યા ગયા હતા, પણ ત્યાં કોઇ જ ઘરની અંદર રહેવા તૈયાર ન હતું. સૌ ઘરોની બહાર મેદાનમાં તાપણાં સળગાવીને જાગી વાતો કરતા પોતાના સંબંધીઓને આશ્વાસન આપતા બેસી રહ્યા હતા.

    પીડા અને દુ:ખથી સૌ કોઇ લોકોની આંખમાંથી આંસુ થમવાનું નામ લેતાં ન હતાં.

    ગામમાં લોકો મલબામાં જે ફસાયેલા હતા. તેઓને નીકળવાનો કોઇ ઉપાય ન હતો. ક્યાંય કોઇના પગ પર પથ્થરો પડેલા હતા. તો કોઇના હાથ છૂંદાયેલા હતા. તો કોઇની છાતી પર મલબો પડેલો હતો. આંખોમાં મલબાની ધૂળો પડતી હતી. હલન-ચલન કર્યા વગર ખાધા-પીધા વગર કાતિલ ઠંડીમાં પીડાથી તરફડતા તે લોકોના ચિત્કાર માણસનું માનસ ખળભળાવી નાખે અને શરીરનાં રુંવાટાં ઊભાં કરી નાખે તેવું હતું.

    હે જગતન નાથ...ઇશ્વર..તું બચાવ...રહેમ કરો પ્રભુ માણસજાત તો તારો અંશ છે.પ્રભુ તારી બનાવેલ સૃષ્ટિના બાગનાં ફૂલો છે. દયા કરો પ્રભુ દયા કરો...આટલો સિતમ...માણસજાત પર...પણ અંજારના લોકો પર ઇશ્વર આજ રુઠ્યો હતો.

    આખો દિવસનો ભૂખ્યો-તરસ્યો મલબાના ઢગલા પર રડતો અને ઠંડીથી ધ્રૂજતો કદમ બેઠો હતો. તેનું ઘર તૂટી પડ્યું હતું અને કાટમાળમાં ફેરવાઇ ગયું હતું. તેની માતા, બહેન અને ભાઇ તે મલબામાં દટાઇ ગયાં હતાં. તેઓ જીવતા હતા કે મરણ પામ્યા હતા, તેની પણ ખબર ન હતી. આજ તેની જિંદગી વેરાન બની ગઇ હતી. આટલી વિશાળ દુનિયામાં તેનું પોતાનું કહેવાય તેવું કોઇ જ ન હતું. થોડી થોડી વારે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડતો હતો.

    તેનો મિત્ર ભાર્ગવ સાંજના તેની પાસે આવ્યો હતો અને તેના ઘરે ચાલવા કદમને ઘણું સમજાવ્યું હતું. પણ કદમ એકનો બે ન થયો, ન તેણે ભાર્ગવ લઇ આવેલ નાસ્તો કર્યો. બસ તે બેસી જ રહ્યો. જાણે હમણાં મલબો હટાવીને તેમની મા, બહેન અને ભાઇ બહાર આવશે.. આજ તેને તેમના પિતા ખૂબ જ યાદ આવતા હતા. તેના પિતા હયાત ન હતા. આજ જો મારા પપ્પા હોત તો મમ્મી, બહેન, ભાઇને જરૂર મલબામાંથી બહાર કાઢી શક્યા હોત હું શું કરું...કેવી રીતે મમ્મી, ભાઇ, બહેનને બચાવું ? ભગવાન હું શું કરું, વિચારતાં તે ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પણ તેનું રુદન સાંભળનારું અત્યારે કોઇ ત્યાં જ ન હતું. ઘરના બધા જીવતા બહાર નીકળશે. તેવી આશાથી તે એકલો અંધારી ભયાનક રાતના ધ્રૂજતો બેઠો હતો.

    રાત્રિના મોડેથી મુકેશભાઇ અને નીરુબહેન કેમ્પમાં આવ્યાં.

    કાળઝાળ ઠંડી પડતી હતી અને રહેવાની વ્યવસ્થા ક્યાંય ન હતી. તેથી ડોક્ટર અને તેનો સ્ટાફ ગાડીમાં જ બેઠા બેઠા સૂતા હતા.

    ‘સાહેબ...થોડું જમી લ્યો...’ મુકેશભાઇએ સાહેબને કહ્યું.

    ત્યારે બિચારા ડોક્ટરને ખબર પડી કે સવારથી જ તેમના પેટમાં અનાજનો દાણો પણ ગયો નથી. અરે...પાણી પીવાનો ટાઇમ પણ મળ્યો નથી.

    ‘ના...મુકેશભાઇ, મને કાંઇ જ ખાવાની ઇચ્છા નથી.’ તે બોલ્યા.

    ‘અરે સાહેબ...આમ ખાધા-પીધા વગર થોડું ચાલશે, કાલ સવારથી વળી તમારે સેવામાં લાગી જવું પડશે.’ નીરુબહેન બોલ્યાં.

    ‘ઠીક છે...’ કહી ર્ડોક્ટરે અન્નના બે કોળિયા પેટમાં નાખ્યા, અને સ્ટાફે પણ આખા દિવસની ભૂખને શાંત કરી.

    રાડા-રાડ અને ચીસોના પીડાભર્યા ચિત્કારના અવાજો આખીરાત ગામમાં ચારે તરફ ગુંજતા રહ્યા અને તે આખી રાત ઘર બાર વગર ઠંડીમાં રસ્તા પર બેસીને ધ્રૂજતા ગામના લોકોએ તે દહેશત ભરી રાત કાઢી.

    તે ભયાનક મનહુસ રાતનો પંજો છોડાવવા ભગવાન સૂર્ય નારાયણ પૂર્વમાં સૌના દુ:ખ અને પીડામાં રાહત આપતા પોતાની સવારી લઇને અંજારના હાલ-હવાલ જોવા નીકળ્યા. સવાર પડતાં ફરીથી ધમાલ શરૂ થઇ. ડ્રેસિંગ, પાટાપિંડી, સિરિયસ ઘાયલોની સારવાર અને સ્ટીચિંગ.

    વાચકમિત્રો, તે દિવસની વહેલી સવારથી સાંજ સુધી મેં લગભગ 100 દર્દીના ટાંકા લીધા હતા. ખાધા-પીધા વગર સવારથી સાંજ ક્યારે પડી ગઇ તેનો ખ્યાલ ન નહોતો આવ્યો. ન ભૂખ ન થાક બધું જ ભૂલીને સૌ સાથે મળી ઘાયલોની સારવાર કરી.

    રવિવારની સવારના પીરવાડી કેમ્પમાં જોરદાર ધમાલ મચેલી હતી. ઘાયલોનાં ટોળાં જમાયેલા હતા. લાકડાની પાટો અને જમીન પર ગાદલાં નાખી કેટલાક ઘાયલોને સુવડાવવામાં આવ્યા હતા.

    સવારનો સમય હતો. પીરવાડી કેમ્પની બાજુમાં મેદાનમાં એક હેલીકોપ્ટર ઉતરાણ કર્યું. ખાદીનો ઝભ્ભો અને લેંઘો, આંખ પર જાડા કાચનાં સાદાં ચશ્મા પહેરેલ એક વ્યકિત હેલીકોપ્ટરમાંથી નીચે ઊતરી અને કેમ્પ તરફ જવા લાગી. કેમ્પમાં ફરતા ફરતા અચાનક એક બુઝુર્ગના પગ પર ભૂલથી તેનો પગ પડી ગયો. તે બુઝુર્ગના પગ પર પથ્થર વાગવાથી પગમાં ફેક્ચર થયેલું હતું. તૂટેલા પગ પર તેનો પગ પડતાં, બુઝુર્ગ પીડાથી બરાડી ઊઠ્યો અને ગુસ્સાથી તે વ્યક્તિનો ગાળો દેવા લાગ્યો. ‘સાલ્લાઓ ક્યાંથી હાલ્યા આવે છે. દેખાતો નથી, આંધળો છે...?’ ગુસ્સાથી તે બુઝુર્ગ લાલ-પીળો થઇ ગયો.

    રાડા-રાડના અવાજથી સૌનું ધ્યાન તે તરફ ખેંચાયું.

    ‘સોરી દાદા...મેરી ગલતી હો ગઇ મુઝે માફ કરો.’ તે વ્યક્તિ હાથ જોડીને તે બુઝુર્ગની માફી માંગતી હતી. તેને જોઇને સૌ ચોંક્યા. અત્યાર સુધી કોઇનું તે તરફ ધ્યાન ન હતું, પણ બુઝુર્ગની રાડારાડનથી સૌનું ધ્યાન તે તરફ ખેંચાયું અને સૌ દોડ્યા. તે વ્યક્તિ બીજું કોઇ નહીં પણ દેશનાં રક્ષામંત્રી ‘જ્યોર્જ ફર્નાન્ડીઝ’ હતા અને કચ્છમાં થયેલા ધરતીકંપ પીડિતોના દુ:ખમાં ભાગ લેવા તેઓ અંજાર આવ્યા હતા.

    થોડીવારની ધમાલ પછી ‘‘જ્યોર્જ ફર્નાન્ડીઝે’’ દિલ્હી ફોન કર્યો અને ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને કચ્છની પરિસ્થિતિથી વાકેફ કર્યા અને હજારો માણસો મરી ગયા છે. હજારો લોકો ઘાયલ થઇને પડ્યા છે પૂરતી સુવિધા નથી. ર્ડોક્ટરો ઓછા પડે છે. પૂરી મેડિકલ્સ સારવાર ઉપલબ્ધ નથી. ખાવા-પીવા માટે પ્રોબ્લેમ્સ છે. અન્ન-પાણી પણ ખૂટ્યા છે.સ્માશાનમાં લાકડાં પણ ખૂટી ગયાં છે. ફર્નાન્ડીઝ દુ:ખભરી વ્યથા સાંભળી ગૃહપ્રધાને તરત ચક્રો ગતિમાન કર્યા. સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં સૌને કચ્છની પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા. દિલ્હીમાં આવેલ ‘‘લીલાવંતી હોસ્પિટલ’’ જેવી કેટલીય હોસ્પિટલોમાં તરત જાણ કરવામાં આવી. મોટીમોટી હોસ્પિટલોમાં ડોક્ટરોની ટીમને તરત કચ્છ જવા માટે આદેશ આપવામાં આવ્યાં. કેટલીય સંસ્થાઓને કચ્છમાં સેવાના આશય સાથે કચ્છ જવા આહવાન કરવામાં આવ્યું અને પછી કેટલીક હોસ્પિટલોની ટીમો સેવાભાવી સંસ્થાઓ, એન.જી.ઓ.નાં ધાડાં કચ્છ તરફ રવાના થયાં. વડાપ્રધાન અટલબિહારી બાજપાઇએ કચ્છ ફિનિક્સ પક્ષીની જેમ જલદી બેઠું થાય તે માટે મોટા-મોટા ઉદ્યોગપતિઓને કચ્છમાં જઇ લોકોની સેવા કરવાનું, ગામો નવાં વસાવી આપવો અને પછી કચ્છના ઉદ્યોગો સ્થાપવા આહ્વાન આપ્યું.

    ***