બંધ..... DINESHKUMAR PARMAR NAJAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બંધ.....


બંધ......વાર્તા..( કાલ્પનિક )..

.દિનેશ પરમાર " નજર "

______________________________
કાન વગરના ચહેરા પર છે કાચ વગરના ચશ્મા
આમ આખું જીવ તે જાતું,દ્રશ્યો ને લેવાનું છળ
-ધૂનિ માંડલિયા
*****************************************************

કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન પર થી પરત ફરતી સિક્યોરિટી ફોર્સ ( સી આર પી એફ ) ની ગાડી , કાશ્મીરના બારામુલ્લા- ગુલમર્ગ રોડ પર આશરે સાંજે પાંચેક વાગ્યે ચાંડુસા પાસેથી પસાર થતી હતી ત્યારે ચંડુસા થી એકાદ કિલોમીટર આગળ જતાં જ .............

........ વિરુદ્ધ દિશા તરફ થી આર ડી એક્સ નો, વિસ્ફોટક સામાન ભરેલી ,બ્લેક રંગની સ્કોર્પિયો ગાડી એકદમ સામે આવી ધડાકાભેર અથડાઈ અને તેનાથી થયેલા કાન ના પડદા ફાડી નાખતા ભયંકર વિસ્ફોટમાં, ગાડી ના ફુરચેફુરચા ઉડી ગયા.

આતંકવાદી સંગઠન જૈસે- એ- મહંમદ ના આ જધન્ય કરતૂતથી ભારતીય થલ સેના ના કુલ ૨૩ જવાનો શહીદ થયા જેમાં પંજાબના સાત , ઉત્તરપ્રદેશના પાંચ , બિહારના ચાર, મધ્યપ્રદેશના ત્રણ , ઝારખંડ એક , મહારાષ્ટ્રના બે અને ગુજરાત રાજ્યના એક જવાન શહીદ થયા . જ્યારે અન્ય અગિયાર જવાનો ગંભીર ઘાયલ થયા .

આ ગોઝારા સમાચાર વાયુવેગે ટીવી ના સમાચાર માધ્યમથી સમગ્ર દેશમાં ફરી વળ્યા. આ સમાચાર મળતાની સાથે ગુસ્સો, આક્રોશ, અને ઉન્માદ સાથે દેશના અનેક શહેરોમાં, લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા.

જેમ જેમ સમાચાર આવતા ગયા તેમ તેમ " ભારત માતાકી જય, પાકિસ્તાન મુર્દાબાદ, શહીદો અમર રહો... " જનાક્રોશના નારા સાથે દેશની રાજધાની સાથે બધાજ શહેરો ગૂંજી ઊઠ્યા.

એવું ન હતું કે પ્રથમવાર આતંકવાદીઓએ આ પ્રકારે હુમલો કરી આપણા જવાનોને ટાર્ગેટ બનાવી માર્યા હોય. જ્યારે જ્યારે આવી ગોઝારી ઘટના બનતી ત્યારે દેશના દરેક નાગરિકનુ ખુન ઊકળી ઊઠતુ. અને આવી અમાનવીય ઘટનાઓના વિરુદ્ધમાં અઠવાડિયાઓ સુધી આ અંગેની ચર્ચાઓ ચાલતી. પાકિસ્તાન વિરુદ્ધ ના કાર્યક્રમો થતા..બંધ પાળવામા આવતો...

**********
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના તાલુકા પ્લેસ પોશીયા માં રહેતો કોન્સ્ટેબલ જીવરાજ સિંહ રાઓલ આ ઘટનામાં શહીદ થયેલો. બીજે દિવસે તેના પાર્થિવ દેહને પોશીયા તાલુકા મથકે લાવવામાં આવ્યો. તાલુકા સેવા સદન ખાતે તેના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવ્યો. અને સાંજના સમયે પૂરા સન્માન સાથે, સેન્ટ્રલ ફોર્સના ઓફિસર્સ, જિલ્લા મેજિસ્ટ્રેટ, મહાનુભાવો, આગેવાનો, નાગરિકોની હાજરીમાં તેના દેહને અગ્નિ- દાહ આપવામાં આવ્યો.
*******

બનાવ ના બીજા દિવસે લોકોનો રોષ જોઈ ,આ જધન્ય ઘટનાના વિરોધમાં વેપારી મહાજનો, અનેક સંસ્થાઓ,એસોસીએશનો દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું. લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો.

બપોર પછી યુવાનોનું ટોળું બાઈકો ઉપર નીકળ્યુ. ત્યારે સી જી રોડ પરથી પસાર થતા જોયું તો, અંગીઠી પાંચ રસ્તા થી સ્વસ્તિક ચાર રસ્તા તરફ જતા સર્વિસ રોડ પર એક તરફ ઝાડ નીચે એક ચોરાફળી વાળો લારી લઈને ઉભો હતો. યુવાનોનું ટોળું ત્યાં ગયું અને," સા.... દેશદ્રોહી..." કહીને, બુમો પાડતા તેની લારીમાં તોડફોડ કરી. તોડફોડના કારણે તેની લારી નો સામાન ચોરાફળી ના ડબા, ચટણી ની બરણી , તપેલી, પ્લેટો, અને છાપાના ટુકડાઓ વેરવિખેર થઈ રસ્તા પર વિખરાઈ ગયા.

હોસ્પિટલમાં દાખલ કરેલ ચોરાફળીવાળાના પિતા ને આજે ડિસ્ચાર્જ કરવાના હતા. ભરવાની થતી રકમ માં થોડી રકમ ખૂટતી હતી. તે સરભર કરવા ચાલુ રાખેલી લારી ની, આ વેરવિખેર હાલત જોઈ , હોસ્પિટલ મા કંટાળી ગયેલા પિતાને યાદ કરી ચોરાફળી વાળો વિચારવા લાગ્યો," હજુ કેટલા દિવસ પિતાને જેલ જેવી લાગતી હોસ્પિટલમાં બંધ થઈને રહેવું પડશે....? "

રસ્તા પર ફરતું ટોળું આગળ વધી ગયું... દેશના જવાનો આતંકીઓના હાથે શહીદ થયા ના વિરોધમાં ચારેતરફ જડબેસલાક દુકાનો બંધ જોવા મળતી હતી. ટોળામાંથી બે-ચાર જણાને નાસ્તો કરવાની ઇચ્છા થતાં આગેવાનને જણાવ્યું, થોડે આગળ જતાં ચાર રસ્તા ના ખૂણા પર લીમડાના ઝાડ નીચે ભૈયાજી બાંકડા પર ટૂંટિયું વાળી પડ્યો હતો. પાછળના ભાગે તેની પતરાંના છાપરાવાળી દુકાન બંધ હતી. ટોળાનો આગેવાન તેની પાસે ગયો અને બાઈક પર બેઠા બેઠા પગ વડે તેના શરીરને હલાવી ઉભો કર્યો. કહ્યું ," ભૈયાજી, સબકો નાસ્તા કરના હૈ, દુકાન કા આધા શટર ખોલ કે જરા નાસ્તા બના દો."
ટોળુ જોઈ ગભરાઈ ગયેલ ભૈયાજી બોલ્યાચાલ્યા વગર ચૂપચાપ દુકાનમાં ગયો, અને ગઇકાલના દાળવડા ગરમ કરી લઈ આવ્યો. લોકોએ ભરપેટ નાસ્તો કર્યો ,અને બાઈક પર આગળ વધી ગયા.

સાંજ પડવા આવી હતી લગભગ બધી જ દુકાનો બંધ હતી સીજી રોડ ક્રોસ કરી તેઓ આગળ વધ્યા ત્યાં પરિમલ ગાર્ડનથી મહાલક્ષ્મી તરફ જતા એક જગ્યાએ અનાજની દુકાન ખુલ્લી જોઈ. તેઓ ત્યાં ગયા અને બોલ્યા,
" મુરબ્બી ... દેશ માટે પ્રેમ છે કે નહીં ?.. શા માટે દુકાન ખુલ્લી રાખી છે ?, પ્લીઝ બંધ કરો. "
વેપારીએ કોઇપણ જાતનો વિરોધ કર્યા વગર ઉભેલા બે ગ્રાહકોને ફટાફટ પતાવી દુકાનનું શટર પાડી દીધું. આજના આખા દિવસનો વકરો રોજની જેમ લગભગ ૪૩ હજાર જેટલો થયો હતો. તેમાં બીજા ૭ હજાર ઉમેરી એક કવરમાં મૂકી કવર બંધ કર્યું.


********

મનોમન નક્કી કરેલા નિશ્ચય મુજબ અનાજનો વેપારી પોતાની ગાડી લઈ નીકળી પડયો. રાત્રિના લગભગ આઠ વાગે તે પોશીના પહોંચી ગયો, શહીદ જીવરાજ સિંહનુ ઘર શોધતા વાર ન લાગી. તેમના આંગણામાં ગામના લોકો ઉદાસ ચહેરે બેઠા હતા. લોકો તેને કુતૂહલવશ જોઈ રહ્યા. તે ટેબલ પર મુકેલા શહીદ જીવરાજ સિંહ ફોટા પાસે ગયા. બે હાથ જોડી મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી. ફોટાની બાજુમાં બેઠેલા લોકો પાસે બેઠા. પૂછ્યું," જીવરાજ સિંહ ના સગા ?"

એક જણે હાથનો ઇશારો કરતા કહ્યું." આ તેમના બાપુજી છે."

વેપારીએ હાથ જોડ્યા. કહ્યું." અમદાવાદ થી આવુ છુ. નાનો માણસ છુ. બીજી તો કંઈ મદદ કરી શકતો નથી પરંતુ ફુલ નહી ફૂલની પાંખડી રાખો.." કહેતાંક તેમણે બંધ કવર બંધ હાથોથી ધીરે રહીને તેમના હાથમાં મૂકી દીધુ.

****** .
તેઓ રાત્રે જ્યારે અમદાવાદમાં પ્રવેશ્યા ત્યારે, બંધ નો સમય પૂરો થયેલો હતો અને રાત્રિના સમયે રસ્તાઓ પર ઠેર ઠેર નાસ્તા ની રેંકડીઓ ખુલી ગઈ હતી અને લોકોની ભીડ નાસ્તા પર તૂટી પડી હતી.

*******************************