Ajvadana Autograph - 29 books and stories free download online pdf in Gujarati

અજવાળાંનો ઓટોગ્રાફ - 29

અજવાળાંનો ઓટોગ્રાફ

(29)

મજામાં હોવું એટલે...

કોઈ જવાબ સમજ્યા વગર લખી નાખવાની પ્રક્રિયાને આપણે ગોખેલો જવાબ કહેતા. નિશાળની બહારની દુનિયામાં પણ આપણે આવા જ કેટલાક ગોખેલા જવાબોનો સહારો લઈને સામેવાળાની નજરોમાં પાસ થઈ જઈએ છીએ. આપણો આવો જ એક ગોખેલો જવાબ છે, ‘મજામાં.’

કોઈએ પણ પૂછેલા ‘કેમ છો ?’ની પાછળ આપણે ‘મજામાં’ એટલું સરળતાથી જોડી દઈએ છીએ જાણે આપણા નામની પાછળ આપણી અટક. પણ મજામાં હોવું એટલે શું ? મજામાં હોવું એટલે કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર, બીજા કોઈના પણ અભિપ્રાયોને મહત્વ આપ્યા વગર પોતાની જાતને પ્રેમ કરવો. કોઈની પણ અવગણનાથી દુઃખી થયા વગર પોતાની જાતને મહત્વ અને ધ્યાન આપવું.

મજામાં હોવું એટલે સરળતાથી માફ કરી શકવું. જે લોકો પાસે ખુશ રહેવાના કારણો હોય છે, તેમની પાસે બદલો લેવાનો સમય નથી હોતો. તેઓ લોકોને એટલા માટે માફ કરી દે છે કારણકે તેઓ પોતે શાંતિ ઈચ્છે છે. કોઈને પણ માફ ન કર્યાનો ભાર લઈને ફરવું, એ સ્વાસ્થ્ય માટે સિગરેટ કરતા વધારે હાનીકારક છે.

મજામાં હોવું એટલે સંતોષ હોવો. ઈશ્વર તરફથી જે મળ્યું છે એનો આભાર અને જે નથી મળી શક્યું એનો સ્વીકાર, આ સમજણ હોવી એટલે મજામાં હોવું. જે દેખાતું નથી એને પામવાની ઝંખનામાં રાત-દિવસ રઝળપાટ કરવાને બદલે, સમી સાંજે એક બાંકડા પર બેઠા બેઠા ગમતા લોકો સાથે સૂર્યાસ્તને જોઈ શકવો.

મજામાં હોવું એટલે કોઈપણ આડંબર કે દંભ વગર ખુલ્લા દિલે હસી શકવું. આપણા જ ક્ષેત્ર કે વ્યવસાયમાં રહેલા કોઈ મિત્રની પ્રગતિથી ખુશ થવું.

મજામાં હોવું એટલે કશુંક ગુમાવી દેવાના ડર કે અસલામતી વગર જે મળ્યું છે એની ઉજવણી કરવી. કોઈપણ વળતરની અપેક્ષા વગર લોકોને મદદ કરી શકવી અને એ વાતનું અભિમાન ન આવવું.

મજામાં હોવું એટલે વર્તન, વાણી અને વિચારમાં ઉદાર હોવું. નાનામાં નાની વ્યક્તિને યોગ્ય સન્માન આપી શકવું.

પ્રેમ એવા જ લોકો કરી શકે છે જે મજામાં હોય છે. આપણી આસપાસ રહેલા અન્ય લોકોને મજામાં રાખવા માટે આપણું પોતાનું મજામાં હોવું જરૂરી છે.

મજામાં હોવું એટલે એકાંતમાં ગીતો ગાવા. શરમના પડદાઓ ફાડીને દિલ ખોલીને નાચવું. સામે મળતા દરેક જણને હસીને ગળે મળવું.

મજામાં હોવું એટલે સાંજનું ગમવું. દરેક સાંજ આપણા મૂડ અને મનોભાવોનું પ્રતિબિંબ હોય છે. સાંજ એ આપણા વિચારો અને અવસ્થાનો અરીસો છે. જેને સાંજ ગમે છે, એ માણસ નક્કી મજામાં છે.

મજામાં હોવું એટલે કોઈપણ વાતનો અફસોસ ન હોવો. ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ભૂલી જવી, એ બીમારી નથી, તે એક કળા છે. આનંદના આકાશમાં ઉડવું હોય તો વિમાનમાં બેસવાની એક જ શરત છે, ધારદાર ભૂતકાળ કે અણીદાર વાતો સામાનમાં રાખવી નહિ.

મજામાં હોવું એટલે જાતમાં તલ્લીન હોવું. ઈશ્વરે બનાવેલા અજોડ અને અનન્ય સર્જનને અરીસામાં નિહાળીને તાળીઓ પાડવી. બીજાનું સારું ઈચ્છવું. જેઓ અન્યનું ખરાબ ઈચ્છે છે, એ લોકો મજામાં નથી હોતા.

મજામાં હોવું એટલે એ રીતે વર્તવું કે સામે મળતા કોઈએ પણ ‘કેમ છો ?’ પૂછવાની જરૂર જ ન પડે.

-ડૉ. નિમિત્ત ઓઝા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED