Ajvadana Autograph - 28 books and stories free download online pdf in Gujarati

અજવાળાંનો ઓટોગ્રાફ - 28

અજવાળાંનો ઓટોગ્રાફ

(28)

બ્લ્યુ ટીકનો સંતોષ

ઈશ્વરને કરેલી પ્રાર્થનાઓ તેના સુધી પહોંચી ગઈ છે, એવો કોઈ ડિલીવરી રિપોર્ટ આપણને મળતો નથી. તેમ છતાં આપણને પ્રાર્થના કર્યાનો સંતોષ હોય છે કારણકે આપણને એવી શ્રદ્ધા હોય છે કે આપણી વાત ઈશ્વર જરૂર સાંભળતો હશે. ઈશ્વરના વોટ્સ એપ એકાઉન્ટમાં મોકલેલી અરજીઓ કે ઈચ્છાઓને ક્યારેય બ્લ્યુ ટીક નથી લાગતી.

ક્યારેક કોઈને સંદેશો મોકલ્યાનો સંતોષ જ આપણને જીવાડવા માટે પૂરતો હોય છે. એમની પાસેથી જવાબ મેળવવાની કોઈ જ અપેક્ષા વગર આપણા વન-વે કોમ્યુનિકેશનને સેલીબ્રેટ કરવા માટે એ માહિતી જ પૂરતી હોય છે કે આપણા મનની વાત એમના સુધી પહોંચી ગઈ છે.

આપણા માટે કેટલાક લોકો ઈશ્વર જેવા હોય છે. આપણી જિંદગીમાં તેઓ એટલા બધા મહત્વના હોય છે કે તેમના અબોલા પણ આપણને મંજૂર હોય છે. તેમને મોકલેલો સંદેશો ફક્ત તેઓ વાંચી લે, તો પણ આપણો એકપક્ષીય વ્યવહાર આપણને વર્થ લાગે છે.

લાગણીઓની પાછળ ક્યારેય પ્રશ્નાર્થચિન્હ નથી લાગતું. કોઈ ગમતી વ્યક્તિને મોકલેલો સંદેશો, ઈ-મેઈલ કે મેસેજ, એ આપણે કાઢેલું કોઈ પ્રશ્નપત્ર નથી કે જેના જવાબો મેળવવા માટે આપણે ગમતી વ્યક્તિ પર નિર્ભર રહેવું પડે. તેમને કરેલો મેસેજ આપણી તેમના પ્રત્યેની લાગણીનું કબૂલાતનામું છે.

જવાબ ન મળવાની શંકા કે ડરના કારણે આપણે અનેક વાર આપણી અનુભૂતિ આપણા અંગત કે ગમતા લોકો સુધી પહોંચાડવાનું ચૂકી જઈએ છીએ. સંબંધોમાં ક્યારેય ‘ફીડબેક ફોર્મ’ ભરાવવાનું નથી હોતું. મહત્વના લોકો સુધી આપણી ભાવનાઓ પહોંચે, એટલું જ આપણા માટે મહત્વનું હોય છે.

જો પ્રેમનો રંગ લાલ હોય તો સંતોષનો રંગ ભૂરો હોવો જોઈએ. કારણકે મેસેજના અંતમાં થયેલી બે બ્લ્યુ ટીક એ વાતની સાબિતી છે કે આપણા ઈશ્વર આપણને સાંભળે છે. ગમતી વ્યક્તિઓનું મૌન પણ સાચવીને રાખવા જેવું હોય છે. એનું વાવેતર કરવું જોઈએ. એમાં તેમના પ્રત્યેની આપણી લાગણીના ખાતર-પાણી સતત નાખતા રહેવાથી ભવિષ્યમાં એમાંથી આપણને ગમતા શબ્દો અને સંબંધ ફૂટી નીકળવાની પૂરી શક્યતા રહેલી છે. પ્રેમના હિલ સ્ટેશન સુધી લઈ જતા રસ્તાઓ ‘સિંગલ પટ્ટી’ હોય છે. હિલ સ્ટેશનની સુંદરતા માણવા માટે આપણે એના નીચા આવવાની રાહ નથી જોતા. દુર્ગમ અને સાંકડા રસ્તાઓ પર હિંમત અને ધીરજ રાખીને આપણે જ ચઢાણ કરતા રહેવું પડે છે.

બ્લ્યુ ટીક એ વાતનો સંતોષ છે કે ગમતા લોકોના વોટ્સ એપ એકાઉન્ટમાં કરેલું આપણી લાગણીઓનું ઇન્વેસ્ટમેન્ટ ભવિષ્યમાં ક્યારેક તો રીટર્ન્સ આપશે જ.

કશુંક ડીલીવર કરી દીધા પછી, ‘રેટિંગ’ તો ઝોમેટો કે સ્વીગી જેવી ડિલીવરી સર્વિસીસ માંગે છે. સંબંધો નહિ. આપણી લાગણીઓ ગમતી વ્યક્તિ સુધી ડિલીવર કરી દીધા પછી તેમના ‘રેટિંગ’ની રાહ આપણે જોવાની રહેતી નથી. ફક્ત વોટ્સ એપનું જ નહિ, મનનું બારણું પણ એમણે આપણા માટે ખુલ્લું રાખ્યું છે એ હકીકત જ આપણા માટે આનંદદાયક છે.

જેટલી શ્રદ્ધા ઈશ્વર પર છે, એટલો જ ભરોસો બ્લ્યુ ટીક પર રાખવો. કોઈ સંબંધને એકપક્ષીય વ્યવહાર ગણવા કરતા, એને ઈશ્વર સાથેના સંબંધ જેવો ગણવો. કોઈના ન બોલવાથી એમનામાં રહેલી આપણી શ્રદ્ધા ઓછી નથી થતી. ઈશ્વર પણ ક્યાં બોલે છે ?

-ડૉ. નિમિત્ત ઓઝા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED