અજવાળાંનો ઓટોગ્રાફ - 9 Dr. Nimit Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજવાળાંનો ઓટોગ્રાફ - 9

અજવાળાંનો ઓટોગ્રાફ

(9)

તમારા હાથમાં રહેલું ગુલાબ કોને આપશો ?

પચાસેક વર્ષનું એક દર્દી મારી પાસે આવ્યું. પોતાની થેલીમાંથી રિપોર્ટ કાઢતી વખતે એક લાલ ગુલાબ તેમની થેલીમાંથી નીચે પડ્યું. તેમણે એ લાલ ગુલાબ લઈને તરત પોતાના શર્ટના ખિસ્સામાં મૂકી દીધું. હું કાંઈ પૂછું એ પહેલા જ તેમણે મને કહ્યું, ‘આ લાલ ગુલાબ એક સ્પેશીયલ વ્યક્તિને આપવાનું છે.’

મેં કહ્યું, ‘એ સ્પેશીયલ વ્યક્તિ નક્કી બહુ નસીબદાર હોવી જોઈએ.’

આ વાત સાંભળીને તેમની આંખોમાં પાણી ભરાઈ આવ્યા. મને કહે, ‘સાહેબ, એ નસીબદાર વ્યક્તિ હું પોતે જ છું. આ ગુલાબ મેં મારી પોતાની જાતને આપવા માટે લીધું છે. આજે મારો જન્મદિવસ છે. મારા દીકરાઓ અમેરિકા છે. થોડા વર્ષો પહેલા જ મારી પત્ની અવસાન પામી. હવે મને ગુલાબ આપવાવાળું હવે કોઈ નથી. એટલે હું પોતે જ મારી જાતને ગુલાબ આપું છું. આખા ઘરમાં હું એક જ છું પણ હું એકલો નથી સાહેબ.’

મને ઘણીવાર એવું લાગે છે કે આ પૃથ્વી પર આઈ લવ યુ કહેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ અરીસો છે. આપણી જાત સિવાય આપણે બધા માટે સમય કાઢી લઈએ છીએ.

કમનસીબે આપણી સુંદરતા અન્યના આપણી વિશેના અભિપ્રાયો પરથી નક્કી થતી હોય છે. આપણી જાતને સુંદર કહેવડાવવા માટે આપણે લોકો પર કેટલા બધા નિર્ભર હોઈએ છીએ ? હકીકતમાં જાતને પ્રેમ કરવા માટે આપણે કોઈના સર્ટીફીકેટની જરૂર નથી હોતી. આપણી સજ્જનતા અને આપણી સુંદરતા આપણા પોતાના અભિગમથી નક્કી થતી હોય છે, અન્યના અભિપ્રાયથી નહિ.

બીજાના અભિપ્રાય પર જિંદગી જીવવી, એ સ્વાસ્થ્ય માટે સિગરેટ કરતા પણ વધારે હાનિકારક છે. ઇન્વેસ્ટમેન્ટ કરવાની સૌથી સારી જગ્યા આપણી પોતાની જાત છે. જ્યારે કોઈ આપણને ઓળખતું ન હોય, કોઈ પ્રેમ ન કરતું હોય, કોઈને આપણામાં ઇન્ટરેસ્ટ ન હોય, એ જ સાચો સમય છે આપણી જાતમાં રોકાણ કરવાનો.

એકવાર જાત સાથે ડેટ પર જઈએ. એક ગુલાબ લેતા જઈએ. ગીતો સાંભળતા સાંભળતા લોંગ ડ્રાઈવ પર નીકળીએ. દરિયા કિનારે પેલા ડૂબતા સૂરજને જોઈને, આપણી જાતમાં કશુંક ઉગાડીએ. આપણા પોતાના પ્રેમમાં પડીએ. મુસાફરીનો એ શ્રેષ્ઠ તબક્કો છે જ્યાં સફર અવિરત ચાલ્યા કરે અને પહોંચવાનું ક્યાંય પણ ન હોય.

આપણા દરેકમાં એક એવો જણ વસે છે જે બહુ જ ટેલેન્ટેડ છે. એક એવો જણ જે નિશ્ચય કરી લે તો કોઈપણ લક્ષ્ય મેળવી શકે છે. એક એવો જણ જેને માટે કોઈ કામ અશક્ય નથી. બસ, એને આપણી શ્રધ્ધાની જરૂર છે. એને આપણા ભરોસાની જરૂર છે.

સેલ્ફીમાં અવારનવાર સાથે હોવા છતાં પણ જાતને મળવાનો અવસર આપણને ક્યારેય મળતો નથી. આપણે ઈશ્વરનું એક એવું ઓરિજિનલ સર્જન છીએ જેની ફર્સ્ટ કોપી કે ડુપ્લીકેટ ક્યારેય બનશે નહિ. આપણી આસપાસ રહેલા અસંખ્ય અવાજો અને ઘોંઘાટથી ઘેરાયેલા આપણને આપણી સૌથી નજીક રહેલો અવાજ જ સંભળાતો નથી.

એકવાર ટ્રાય કરીએ. કાનમાં લગાવેલા સ્માર્ટફોનના ઈયરફોન્સ કાઢીને આપણા હ્રદય પર રાખેલા સ્ટેથોસ્કોપના ઈયરફોન્સ કાન પર લગાડી જોઈએ. આપણું હ્રદય ધબકતી વખતે દરેક ક્ષણે, દરેક પળે આપણને આઈ લવ યુ કહી રહ્યું છે.

આપણી સામે રહેલી પરફ્યુમ્સની બજારમાં મોહી પડવાને બદલે, આપણે જાતમાં રહેલી અત્તરની સુવાસને ઓળખવાની છે. સૂરજના પ્રભાવમાં આવ્યા વગર આપણે આપણું વ્યક્તિગત અજવાળું લઈને ચાલ્યા કરવાનું છે.

જિંદગી ખૂબ સુંદર છે અને આપણે જિંદગી જેટલા જ સુંદર છીએ.

-ડૉ. નિમિત્ત ઓઝા