અજવાળાંનો ઓટોગ્રાફ - 2 Dr. Nimit Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજવાળાંનો ઓટોગ્રાફ - 2

અજવાળાંનો ઓટોગ્રાફ

(2)

આંખોથી સાંભળવાની કળા

જ્યારે આપણી કોઈ પ્રિય વ્યક્તિનો જન્મદિવસ આવતો હોય ત્યારે અવારનવાર આપણે વિચારતા હોઈએ છીએ કે એ વ્યક્તિને ભેંટમાં શું આપી શકાય ? અત્યારના સમયમાં જ્યારે બધા પાસે લગભગ બધું ઉપલબ્ધ હોય ત્યારે ગમતી વ્યક્તિને આપવા માટે નવું કશું જ આપણી પાસે હોતું નથી.

પણ એક કિંમતી વસ્તુ આપણે હંમેશા આપી શકીએ છીએ, જે સામેની વ્યક્તિ પાસે ક્યારેય હોવાની નથી. એ છે આપણો સમય. આપણી ગમતી વ્યક્તિ આપણા સમય સિવાય બધું જ ખરીદી શકે છે. અને માટે જ એક કોરા કવરમાં ગડી વાળીને મૂકેલો આપણો આખો દિવસ, એ પ્રિય વ્યક્તિને આપેલી સૌથી શ્રેષ્ઠ અને કિંમતી સોગાદ છે.

મિત્રના જન્મદિવસે તેને સ્માર્ટફોન ભેંટમાં આપવાને બદલે, આપણો પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને ચોવીસ કલાક માટે તેને આપી દેવો. સ્માર્ટફોનથી જરાપણ અભડાયેલો ન હોય, આપણો એવો પવિત્ર દિવસ કોઈને દાન કરવાથી એ વ્યક્તિ પ્રત્યેની આપણી નિષ્ઠા અને નિસ્બત આપમેળે સાબિત થઈ જાય છે.

આપણે આંખોનો ઉપયોગ ફક્ત વાંચવા પૂરતો જ મર્યાદિત કરી નાખ્યો છે. આપણી પાસે રહેલી વ્યક્તિને સાંભળતી વખતે ફક્ત આપણા કાન તેની તરફ હોય છે. આપણી નજર સતત અથવા વારંવાર આપણા ફોન તરફ મંડાયેલી રહે છે. અવારનવાર ગુંજતી ફોનની ઘંટડીઓના વિક્ષેપ વગર આપણે કોઈની પણ સાથે આપણી વાત પૂરી નથી કરી શક્તા.

ગમતી વ્યક્તિઓને આપણે હવે ફક્ત સાંભળીએ છીએ, તેમને જોઈ નથી શક્તા. કારણકે આપણી આંખો આપણા સ્માર્ટફોને ચોરી લીધી છે. સામે રહેલી વ્યક્તિની આંખોમાં આંખ નાખીને વાત કરવાની કળા આપણે ધીમે ધીમે ભૂલી રહ્યા છીએ. સ્માર્ટફોનમાં રહેલા અજાણ્યા અને અદ્રશ્ય સંબંધ માટે વલખા મારતા આપણે સહુ કોઈ, સામે બેઠેલા જીવંત અને પરિચિત સથવારાની અવગણના કરવામાં નિષ્ણાંત થઈ રહ્યા છીએ.

કોઈપણ વ્યક્તિને સાંભળતી વખતે આપણી ફક્ત નજર જ નહિ, ધ્યાન અને એકાગ્રતા પણ તેના તરફ રાખવા એ સંબંધના સારા સ્વાસ્થ્ય માટેની ઉત્તમ કસરત છે. આમ તો એ યોગ છે. આંખોથી સાંભળવાની કળા આવડી જાય તો સામેની વ્યક્તિએ ન કહેલી વાતો પણ સાંભળી શકાય.

સૌથી વધારે વાચાળ કોઈ વસ્તુ હોય તો એ ગમતી વ્યક્તિનું મૌન છે. કેટલાક શબ્દો કાનથી નહિ પણ આંખોના રસ્તેથી હ્રદયમાં પ્રવેશતા હોય છે. સામેના રસ્તેથી આવતી ખુશીઓને તાળા મારીને આપણે વોટ્સ એપ અને ફેસબુકમાં રહેલા આભાસી આનંદને શોધ્યા કરીએ છીએ.

કેટલાય જોજનો દૂર રહેલા અને ફોટોશોપ કરેલા ચહેરાઓ પર મોહી પડનારા આપણે સહુ આપણી સામે રહેલી સુંદરતાથી અળગા થઈ રહ્યા છીએ. આપણી નજર બદલવાને બદલે આપણે સામે રહેલા ચહેરાઓ બદલ્યા કરીએ છીએ. સારી કહી શકાય એવી ક્ષણો અને એવા સમયની શોધમાં સ્માર્ટફોનમાં સતત વ્યસ્ત રહેનારા આપણે, ફોનની બહાર રહેલી દુનિયાના સોનેરી દિવસો ગુમાવી રહ્યા છીએ.

આપણે જીવતરની લાંબી મુસાફરીમાં નીકળ્યા છીએ. આપણી આસપાસ નજર કરીએ તો એવા અનેક સહયાત્રીઓ મળશે, જેઓ આપણી સફર વધારે આનંદદાયક અને આરામદાયક બનાવી શકે છે. જરૂર છે આંખોના પડદાઓ ઊંચકવાની. બાજુના કંપાર્ટમેન્ટમાં એકવાર નજર તો કરીએ. શક્ય છે કેટલાક એવા લોકો મળી જાય જેઓ સફરને વધારે રોમાંચક બનાવી શકે. આપણી સાથે અને સામે રહેલા લોકો જ આપણી મુસાફરીને પ્રવાસ બનાવતા હોય છે.

-ડૉ. નિમિત્ત ઓઝા