અજવાળાંનો ઓટોગ્રાફ - 4 Dr. Nimit Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજવાળાંનો ઓટોગ્રાફ - 4

અજવાળાંનો ઓટોગ્રાફ

(4)

આશાવાદનું કાયમી સરનામું

જે રૂમાલમાંથી કબુતર કાઢે એને જાદુગર કહેવાય. જાદુગર કાંઈપણ કરી શકે. એ ધારે તો આખેઆખા માણસને ગાયબ કરી શકે. પણ કેટલાક જાદુગર એવા હોય છે જે પડદાની પાછળ રહીને જાદુ કરતા હોય છે. તેમના જાદુથી ઉદાસી ગાયબ થઈ જાય. તેમનો હાથ ફરે અને જિંદગીના ખરબચડા રસ્તાઓ મખમલ જેવા સુંવાળા થઈ જાય. તેઓ નિરાશાની ટોપલીમાંથી આશાવાદનું કબુતર ઉડાડવાની કળા જાણે છે.

આપણું સઘળું અંધારું ઓનલાઈન ખરીદીને, એના બદલામાં અજવાળાની હોમ ડિલીવરી કરવાની આવડત છે એમનામાં. કાયમ ચાર દીવાલોની વચ્ચે રહેનારા એ જાદુગરો આપણને ભવસાગર પાર કરાવી દે છે. પડદાની પાછળ રહેલા એ લો-પ્રોફાઈલ જાદુગરોને આપણે શિક્ષકો તરીકે ઓળખીએ છીએ.

એવા કેટલાક શિક્ષકો જેઓ નિરાશાનું રીસાયકલ બીન છે. જેઓ આશાવાદનું કાયમી સરનામું છે. કેટલાક એવા શિક્ષકો જેઓ આ પૃથ્વી પર ફક્ત એટલા માટે જન્મ લેતા હશે કે આપણને આપણું જીવવું સાર્થક લાગ્યા કરે. તેઓ ખિસ્સામાં અજવાળા રાખે છે. આંખોમાં આશીર્વાદ રાખે છે. એમના ખભા પર માથું મૂકીએ અને જિંદગી અચાનક સુંદર લાગવા લાગે.

શિક્ષક હોવું એ કોઈ પદવી કે વ્યવસાય નથી, તે એક ગુણધર્મ છે. એક એવો ગુણધર્મ જે છેલ્લા શ્વાસ સુધી સાથે રહે છે. મેં જોયા છે એવા કેટલાક શિક્ષકો જેમને માટે વિદ્યાર્થી સાથે રહેવું એ શ્વાસ લેવા જેટલી જ અનિવાર્ય બાબત છે. જેઓ ફક્ત પાઠ્ય પુસ્તકો નથી ભણાવતા, જિંદગીનો મર્મ સમજાવે છે.

મેં જોયા છે કેટલાક શિક્ષકો જેઓ વિદ્યાર્થીઓની સફળતા સમયે પોતાની યશ પ્રાપ્તિના ઢોલ-નગારા નથી વગાડતા, તેઓ ખૂણામાં ઉભા રહીને આંખોમાં હર્ષના આંસુઓ સાથે રાજી થતા હોય છે. જેઓ ખુશ થાય તો લાગે કે પૃથ્વી પર સ્વર્ગ ઉતરી આવ્યું.

આપણે તકલીફમાં હોઈએ ત્યારે મંદિરે જઈએ છીએ. ઈશ્વર સામે ઉભા રહીને ક્યારેક આપણે ફક્ત આપણી ઉદાસી અને હતાશા જ દાનપેટીમાં નાખતા હોઈએ છીએ અને પ્રસાદમાં કોઈ આનંદદાયક સમાચારના ચમત્કારની અપેક્ષા રાખીએ છીએ.

આવા સમયમાં એક બીજો રસ્તો ટ્રાય કરી શકાય. જેટલી સરળતાથી આપણે મંદિરે જઈએ છીએ, એટલી જ સરળતાથી આપણા એક ગમતા શિક્ષકના ઘરે જઈ શકાય. આપણને ગમતા એ શિક્ષક આપણા સૌથી હાથવગા ઈશ્વર છે. મંદિરમાં રહેલા ઈશ્વર વ્યસ્ત હોવાને કારણે કદાચ મોડો પ્રતિસાદ આપે એવું બને પણ ઘરે રહેલા ઈશ્વર તાત્કાલિક કોઈને કોઈ રસ્તો બતાવશે. એક એવા હાથવગા ઈશ્વર જેમની સાથે દલીલ કરી શકાય, જેમનો હાથ પકડી શકાય, જેમને ગળે મળી શકાય. ગમતા શિક્ષકને ગળે મળીએ ત્યારે સમજાય કે શિક્ષકના ખભા પર અજવાળું માળો બાંધે છે. ત્યાં કોઈ નિરાશા નથી.

આપણી નિષ્ફળતાઓ ખંખેરવા માટેની અને મન ભરીને રડી લેવા માટેની સૌથી સુરક્ષિત જગ્યા એક શિક્ષકનો ખોળો છે. આપણી નબળાઈઓને ક્યાંય પણ લીક કર્યા વગર આપણને એક અજાણ્યા મંત્રથી ઊર્જિત કરી શકે, એક શિક્ષકમાં એવી તાકાત હોય છે.

મંદિરે જઈએ કે શિક્ષકના ઘરે, નિરાશાના ભયજનક વળાંકોમાંથી આશાવાદના એક્સપ્રેસ હાઈ-વે તરફ લઈ જતી મુસાફરીમાં ડ્રાઈવિંગ સીટ પર આપણી શ્રદ્ધાને જ બેસાડવી પડશે. શ્રદ્ધા જેટલી મજબૂત, ભય એટલો ઓછો.

આપણા ગાલ પર રહેલા આંસુઓ લૂંછીને, આપણા માથા પર હાથ મૂકીને જ્યારે આપણા ગમતા શિક્ષક આપણને ‘બધું સારું થઈ જશે’ એવું કહે છે ત્યારે એ આશ્વાસન નથી હોતું, એ આશીર્વાદ હોય છે.

તેઓ કોઈપણ ક્ષેત્રના હોય, એક ગમતા શિક્ષકની આંગળી આજીવન પકડી રાખવી એ સારા માનસિક સ્વાસ્થ્ય માટેની પૂર્વશરત છે.

-ડૉ. નિમિત્ત ઓઝા