અજવાળાંનો ઓટોગ્રાફ - 5 Dr. Nimit Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજવાળાંનો ઓટોગ્રાફ - 5

અજવાળાંનો ઓટોગ્રાફ

(5)

આશીર્વાદના કોપીરાઈટ્સ

ઘરનો એ ઓરડો હવે બહુ ખાલી લાગે છે, જે ઓરડામાં ગણપતિનું સ્થાપન કરેલું હતું. એક જગ્યાએ ચુપચાપ બેસાડેલી ભગવાનની મૂર્તિ સાથે પણ થોડા જ દિવસોમાં આપણને કેટલી બધી આત્મીયતા આવી જતી હોય છે. વિસર્જન કરતી વખતે ખ્યાલ આવે કે ભલે ને મૂર્તિને હોય પણ વિદાય આપવી સહેલી નથી. તેમ છતાં આપણે ઢોલ-નગારા વગાડીને અને મીઠાઈઓ વહેંચીને ગણપતિને વિદાય આપીએ છીએ.

વિસર્જન વખતે આપણે ખુશ હોઈએ છીએ, એના બે કારણો છે. પહેલું એ કે આપણને એ વાતનો આનંદ હોય છે કે ભગવાન આપણા ઘરે આવ્યા અને બીજું એ કે આપણને સંતોષ હોય છે કે ભગવાનના રોકાણ દરમિયાન આપણે સવાર-સાંજ તેમની હ્ર્દયપૂર્વક પૂજા કરી શક્યા. વિસર્જન વખતે ખુશ હોવાનું એક કારણ એ પણ છે કે આપણને ખાતરી હોય છે કે આવતા વર્ષે પણ ભગવાન આપણા ઘરે જ રોકાશે.

મારા દાદી કહેતા કે ઘરમાં રહેલા ભગવાનને અપૂજ ક્યારેય ન રખાય. તેમની પૂજા રોજ થવી જ જોઈએ. હમણાં મેં ઘરમાં રહેલા ઈશ્વરોની વસ્તીગણતરી કરી તો ખ્યાલ આવ્યો કે ઘરમાં હજુ એક ભગવાન એવા છે જેની પૂજા કદાચ મેં ક્યારેય કરી જ નથી. આ વિચાર મને ત્યારે આવ્યો જ્યારે હાથમાં પૂજાની થાળ સાથે, મારી દીકરી ગણેશ ભગવાનની આરતી કરી રહી હતી. ત્યારે મેં એક સાથે બે-બે ભગવાનને જોયા.

દીકરીને પૂજા કરતી જોઈએ ત્યારે એવું લાગે કે એ તો હરિફાઈમાં ઉતરી છે. સુગંધની બાબતમાં અગરબત્તીઓ સાથે અને અજવાળાની બાબતમાં આરતીના દીવાઓ સાથે.

બે હાથ જોડીને માથું નમાવીએ ત્યારે સામે ઈશ્વરની જ મૂર્તિ હોવી જોઈએ, એવી કોઈ પૂર્વશરત નથી હોતી. દીકરીને સામે રાખીને પણ એ કામ થઈ શકે. આશીર્વાદના કોપીરાઈટ્સ ક્યારેય પણ ઈશ્વર પોતાના એકલા પાસે નથી રાખતો. આશીર્વાદ તો દીકરી પણ આપી શકે છે, જો આપણે તેને વંદન કરીએ તો.

આશીર્વાદ દીકરી માટે માંગવાના નથી હોતા, દીકરી પાસેથી માંગવાના હોય છે.

ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો બહુ લાંબો અને કપરો છે. દીકરીઓ નક્કી એનો શોર્ટકટ જાણતી હોવી જોઈએ. ભગવાનના ઘર સુધી જતો ટૂંકામાં ટૂંકો રસ્તો કદાચ એ જ જાણતી હશે, જે સીધી ભગવાનના ઘરેથી જ આવી છે.

કેટલાક ઈશ્વરો ફક્ત વિદાય પામે છે, વિસર્જન નહિ. ઘરમાં રહેલી દીકરીઓ વિદાય પામે, એ પહેલા તેમની પૂજા કરી લેવી છે. દીકરીની વિદાય પછી ખાલીપો ફક્ત ઓરડા કે ઘર પુરતો સીમિત નહિ હોય, આખું વિશ્વ ખાલી થયેલું લાગશે. તેમ છતાં ત્યારે પણ આપણે ખુશ હોઈશું કારણકે આપણને એ વાતનો સંતોષ હશે કે ભગવાન આપણા ઘરે આવ્યા અને આપણે તેમની પૂજા કરી શક્યા. ખુશી એ વાતની પણ હશે કે ભગવાન ફરી કોઈવાર આપણા ઘરે રોકાવા આવશે.

દુર્ગા પૂજા અને ગણેશોત્સવની જેમ દર વર્ષે એક તહેવાર દીકરી-પૂજાનો પણ હોવો જોઈએ. આફ્ટર ઓલ, ઘરે આવેલા ઈશ્વર વિદાય ન પામે ત્યાં સુધી તેની પૂજા કરવાનો આપણે ત્યાં વરસોથી રિવાજ છે.

-ડૉ. નિમિત્ત ઓઝા