અજવાળાંનો ઓટોગ્રાફ - 3 Dr. Nimit Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજવાળાંનો ઓટોગ્રાફ - 3

અજવાળાંનો ઓટોગ્રાફ

(3)

આપણને કોણ ઉઠાડે છે ?

એક જમાનો હતો જ્યારે દિવસની શરૂઆત મમ્મીના અવાજથી થતી. નિશાળે જવાનું હોય ત્યારે રોજ સવારે મમ્મી ઉઠાડવા આવતી. મમ્મી પ્રેમથી આપણું નામ બોલે અને માથા પર હાથ ફેરવે, સ્વયં એ ઘટના જ સવાર કરતા વધારે અજવાળુ લઈને આવતી. બારીમાંથી બેડરૂમમાં પ્રવેશતા સૂરજના કિરણો મમ્મીના ચહેરા પર પડતા અને આંખો ખોલતાની સાથે જ આપણને અહેસાસ થતો કે આપણી જિંદગીમાં બબ્બે સૂરજ ઉગ્યા છે.

પછી સમય બદલાયો. મમ્મીના અવાજનું સ્થાન એલાર્મ લેવા માંડ્યું. કેટલાક લોકો એલાર્મ વગર પણ ઉઠી જતા હોય છે. કેટલાકની ઊંઘ વહેલી પુરી થઈ જાય છે તો કેટલાકને સપનાઓ સુવા નથી દેતા. કેટલાકને ઉઠવાની કોઈ ઉતાવળ નથી હોતી. તેમને માટે સવાર પડે ત્યારે આંખો ખોલવી જરૂરી નથી હોતી. જ્યારે તેમની આંખો ઉઘડે છે, એ સમય જ તેમને માટે સવાર હોય છે.

વહેલા કે મોડા, આપણે બધા સવારે ઉઠીએ છીએ. રોજ રાતે સુતી વખતે આપણને એ શક્યતાની કલ્પના જ નથી હોતી કે સવારે કદાચ આપણી આંખો ન પણ ખુલે. આ દુનિયા પર એવા કેટલાય લોકો છે જેઓ રાતે સુતા પછી સવારે ઉઠતા જ નથી. એમને ખ્યાલ પણ નથી હોતો કે એમણે જોયેલા સૂર્યાસ્તની સાથે સાથે એમની જિંદગીનો સૂરજ પણ ડૂબી જશે. કેટલાક એવા પણ લોકો હોય છે જેઓ સવારે આંખો તો ખોલે છે પણ ઊંઘમાં આવેલા પક્ષાઘાતના હુમલાને કારણે ઉઠી નથી શક્તા.

આઈસીયુમાં હોય અથવા ગંભીર રીતે બીમાર હોય, એવા ઘણા દર્દીઓને રાતે ઊંઘ નથી આવતી. એનું એક કારણ એ પણ હોય શકે કે તેઓને ડર હોય છે કે આંખો બંધ કર્યા પછી આવતીકાલ સવારે કદાચ આંખો ખુલશે જ નહિ.

રોજ સવારે આંખો ખુલે પછી જ આપણને જાણ થતી હોય છે કે આજે આપણે જીવતા છીએ. પથારીમાંથી ઉઠી શકવાની પ્રક્રિયા, એ આપણા જીવતા હોવાના સમાચાર છે. આખા દિવસની એ સૌથી ભાગ્યશાળી ક્ષણ હોય છે. દિવસના સારામાં સારા સમાચાર આપણને અરીસો આપે છે કે આ દુનિયા સાથે આપણો સંપર્ક હજુપણ યથાવત છે. જે લોકોને આપણે પ્રેમ કરીએ છીએ, એ બધા લોકો પણ જો સવારે ઉઠી શકે તો આપણા જેટલું નસીબદાર બીજું કોઈ નથી.

દિવસ દરમિયાન આપણે ઘણી બધી ફરિયાદો અને ચિંતાઓ કરતા હોઈએ છીએ. પણ એ બધી ફરિયાદો અને ચિંતાઓ કરવા માટે પણ ઊંઘમાંથી આપણું ઉઠવું અનિવાર્ય છે. આપણે સવારે આંખો એટલા માટે નથી ખોલતા કે ઊંઘ પુરી થઈ ગઈ હોય છે, પણ એટલા માટે કે બીજા દિવસની જિંદગી હાથ ફેલાવીને આપણને બોલાવતી હોય છે. ગઈરાતે જોયેલા સપનાઓ પુરા કરવાનો અને જિંદગી જીવી લેવાનો વધુ એક અવસર એટલે આપણી સવાર. ગઈકાલના આપણા પરફોર્મન્સથી ખુશ થઈને ઈશ્વર જ્યારે આપણને ‘વન્સ મોર’ કહે છે, ત્યારે આપણી સવાર પડે છે.

ઈશ્વર સતત આપણને એવું કહેતો રહે છે કે રાતે સુતા પહેલા તમે બધાને માફ કરી દો, સવારે ઉઠતા પહેલા હું તમને માફ કરી દઈશ.

બસ, એનું કામ છે ઉઠાડવાનું. જાગવું તો આપણે જ પડશે.

-ડૉ. નિમિત્ત ઓઝા