Naxatra - 29 books and stories free download online pdf in Gujarati

નક્ષત્ર (પ્રકરણ 29)

હું એક લાકડાના મકાનમાં ત્રણ દરીંદાઓ સાથે એકલી હતી. એ દરેકની આંખોમાં મને એક જુનુન દેખાઈ રહ્યું હતું. એમાંના બેની આંખમાંથી હવસ નીતરી રહી હતી પણ વિવેકની આંખમાં માત્ર અને માત્ર ગુસ્સો હતો. મને સમજાયુ નહી કે વિવીકે મારી સાથે એવું કેમ કર્યું અને હજુ એની આંખોમાં એટલો ગુસ્સો કેમ છે? મેં તો કયારેય એનું કઈ બગાડયું નહોતું. અમારા પરિવાર વચ્ચે સારા સંબંધ હતા. એના અને મારા પપ્પા સારા મિત્રો હતા.

“એનો શિકાર તો હુ જ પહેલા કરીશ.” ત્રણમાંના એકના વાળ લાંબા અને વાંકડિયા હતા એણે કહ્યું. એનો ચહેરો જંગલી જાનવરની યાદ અપાવે તેવો હતો. તેની ઈચ્છાઓ પણ કઈક એવી જ હતી.

“નહી, દરેક વખતે તુ જ પહેલો હોય છે.” બીજાએ કહ્યું. એના અવાજમાં ગુસ્સાનો ભાવ હતો. એના શબ્દો પરથી હું સમજી ગઈ હતી કે એ કાયમના ગુનેગારો હતા. હું પહેલી શિકાર નથી. મતલબ હજુ સુધી ગુનાઓ કરવા છતાં એમને પોલીસે પકડ્યા ન હતા. કદાચ આ ગુના પછી પણ તેઓ કાનુનથી બચી જશે. મને મર્યા પછી પણ ન્યાય નહી મળે એ વિચારી મારો ભય બમણો થઇ ગયો.

વિવેક એમની બાજુમા ચુપચાપ ઉભો હતો. એના ચહેરા પર એ ગુસ્સાના ભાવ અકબંધ હતા. એ શું વિચારતો હતો એ અંદાજ એના ચહેરા પરથી જરાય લગાવી શકાય તેમ ન હતું. મને એ બંને દરીંદાથી વધુ નફરત વિવેક માટે થઈ.

“વિવેક નવો છે. એક કામ કરીએ આજે એને મોકો આપીએ. એને હજુ મૂછનો દોરો નથી ફૂટ્યો. છોકરાને અનુભવ પણ થઇ જશે.” વાંકડિયા વાળવાળા જાનવરે ફરી પોતાનું ગંદુ મો ખોલ્યું. એના ચહેરાએ મને બુલ ડોગની યાદ તાજી કરાવી. એ મારાથી પાંચેક ફૂટ જેટલો દુર હતો છતાં એના મોમાંથી માથું ફાડી નાખે તેવી ગંદી દારૂની વાસ આવી રહી હતી.

“હા, એ બરાબર છે.” બીજો એની સાથે સહમત થયો અને વિવેકના ખભા પર હાથ મુક્યો. એકાએક મેં એ વ્યક્તિને પોતાના ગળા પર હાથ મૂકી નીચે બેસી જતા જોયો. એ બંને હાથથી પોતાના ગળામાંથી વહી જતા લોહીને અટકાવવા નિષ્ફળ પ્રયત્ન કરવા લાગ્યો. એ બધું કઈ રીતે થયું તે મને સમજાયું નહી. મેં ચારેય તરફ જોયું કોઈ આવ્યું નહોતું.

એ જાનવરને અચાનક શું થયું. એનું ગળું કઈ રીતે કપાયું. મને કઈ સમજ ન પડી. એ બધુ મારી આંખો સામે થયું પણ એટલું ઝડપી હતું કે મને કઈ સમજ ન પડી પણ પેલા બીજા વ્યક્તિને ખબર પડી ગઈ હોય એમ એ દરવાજા તરફ ભાગવા લાગ્યો.

એ દરવાજા સુધી પહોચે એ પહેલા એ પણ પોતાના ગળા પર હાથ મૂકી ફસડાઈ પડ્યો. થોકીવાર સુધી પોતાની બંને હથેળીઓ ગળા પર દબાવી લોહી રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરી ઢગલો થઇ ફ્લોરબોર્ડ પર ઢળી પડ્યો.

એમને કોણે માર્યા. કયા હથિયારથી. કઈ સમજાયુ કે દેખાયુ નહી. એ બધું એટલું ઝડપી હતું કે એ બંનેને ચીસ પાડવાનો મોકો પણ ન મળ્યો.

વિવેકને કેમ કઈ ન થયું? મેં એની તરફ જોયું. વિવેક હજુ એમ જ ઉભો હતો... મેં એના જમણા હાથમાં એક તાસનું પાનું જોયું... હું સમજી ગઈ એણે જ બંનેને માર્યા હતા.. મેં બન્ને લાશ તરફ નજર ફેરવી. બંનેના ગળામાં એક એક તાસનું પાનું અડધે સુધી ઉતરેલુ હતું.

હું નાની હતી ત્યારે વિવેકના પપ્પાને જાદુના ખેલ કરતા જોયા હતા. તેઓ મોટા ભાગના ખેલ તાસના પાનાથી જ કરતા. તાસના પાનાં સાથે ખેલ કરતા વિવેકને બાળપણથી જ આવડતું. મને ખયાલ આવી ગયો વિવેકે પોતાના જાદુનો ઉપયોગ કરી એમને માર્યા હતા. પણ કેમ? એ મને પોતાના એકલા માટે અનામત કરવા માંગતો હતો? જે હોય તે હવે મને કોઈ ડર ન હતો. કપિલ વિના મારા માટે બધું જ નકામું હતું.

હું તેની સામે જોઈ રહી. એ મારી સામે ઉભો હતો, એની આંખો મને જ જોઈ રહી હતી. એનો ચહેરો ડરાવણો હતો. એની આંખો એ ચહેરાને વધારે ક્રુર બનાવી રહી હતી. એ કોઈ શિકારી જેવો દેખાતો હતો. એણે મારી તરફ જોયું. એની આંખો ગુસ્સાથી લાલ અંગારા જેવી હતી. એમાં નફરત આગ બનીને વરસતી હતી. હું સમજતી હતી મારા અને મૃત્યુ વચ્ચે હવે થોડુ જ અંતર છે. કદાચ અમુક ક્ષણનુ જ.

કેવી વિચિત્ર ઘટના! હું એક અજાણ્યા ઘરમાં હું બાળપણથી જેને જાણતી હતી છતાં જેના સાચા રૂપથી અજાણ હતી એવા અજાણ્યા વ્યક્તિના હાથે મરવાની હતી અને એ પણ મારા એક નાનકડા નિર્ણયને લીધે, મારી એક નાનકડી ભૂલને લીધે.. કાશ! મેં કિંજલ પર કયારેય વિશ્વાસ ન કર્યો હોત!

મારી પાસે આંખો બંધ કરી એક પળ માટે નાગપુર અવવા બદલ પસ્તાવો કરવાનો સમય હતો. પણ મેં એવું ન કર્યું. એ મારી જીંદગી હતી. મારો નિર્ણય હતો. ઘણીવાર લાંબી જીંદગી નથી આપી શકતી એ ટૂંકું જીવન આપી જાય છે. મારી સાથે પણ કઈક એવુ જ થયું હતું. મને મારા જીવનના અઢાર વર્ષના સમયે જે નહોતું આપ્યું એ બધું માત્ર મને એક અઠવાડીયાના ટૂંકા સમયે આપ્યું હતું.

હું એક અઠવાડિયા પહેલા આ શહેરમાં આવી હતી. અહીની જે.એમ.શેઠ કોલેજમાં, અને એ એક અઠવાડિયાના ટૂંકા સમય ગાળાએ મને બધુ જ આપ્યું હતું. ઘર, પરિવાર, મિત્રો અને ખાસ તો પ્યાર... કપિલ... કપિલની અને મારી મુલાકાત કોલેજના પહેલા દિવસે જ થઇ હતી. જોકે પહેલી મુલાકાત કઈ ખાસ પ્રેમભરી ન હતી પણ એના પછીની મુલાકાતો કયારે પ્રેમમાં પલટાઈ ગઈ એની અમને ખબર જ ન રહી.

પણ એ બધું એક પળમાં ખતમ થવા જઈ રહ્યું હતું. એ મદારી ભૂખ્યા વાઘની જેમ મારી સામે ઉભો હતો અને હું એક ગભરાયેલી હરણીની જેમ ધ્રુજી રહી હતી. હું ગભરાયેલી હતી. કદાચ મૃત્યુનો સામનો કરતી વખતે દરેક સાથે કઈક આવુ જ થતું હશે પણ બસ મારામાં દરેકથી એક વાત અલગ હતી. મને મૃત્યુનો કોઈ અફસોસ ન હતો અને એટલે જ કદાચ હું ત્યાંથી ભાગી નહિ. મેં ત્યાંથી ભાગવાનો પ્રયત્ન ન કર્યો કે કદાચ એ અજાણ્યા ઘર, એ અજાણ્યા સ્થળમાં હું ચાહું તોયે મને ભાગવા માટે કોઈ જગ્યા મળે તેમ ન હતી. જે હોય તે બસ મારા અને એ મોતના ફરિસ્તા વચ્ચે એક જરાક જ અંતર હતું. પણ હું આંખો બંધ કરીને એક ડરપોકની જેમ મરીને મારા પ્રેમનું અપમાન કરવા માંગતી ન હતી.

હું આંખો બંધ કરીને કપિલ સાથે દગો ન કરી શકું. એણે મારા માટે મોતને આંખો ખુલ્લી રાખી નીડર બની હસીને સ્વીકાર્યું હતું. હું આંખો ખુલ્લી રાખી મારી તરફ આવતા એ મોતને જોઈ રહી.

“નયના, તું પાછળના દરવાજેથી નીકળી જા.” વિવેકનો અવાજ મને સંભળાયો, મને મારા કાન પર ભરોસો ન થયો.

હું ચુપચાપ ઉભી રહી. એક પળ માટે મારા હૃદયમાં અજવાળું થયું કે હું બચી જઈશ પણ બીજી જ પળે મને યાદ આવ્યું કે હું કપિલને ગુમાવી ચુકી છું અને મારું હૃદય ફરી અંધકારમાં ડૂબી ગયું.

“મારો ગુરુ અને તેના બીજા શિષ્યો ગમે તે સમયે અહી આવી શકે.” એ મારી નજીક આવી બોલ્યો.

“હવે તને મારા પર દયા આવી રહી છે? ભલે ગમે તે આવે હું હવે જીવવા નથી માંગતી. મારા કપિલ વિના..” હું એની દયા ઉપર જીવવા માંગતી નહોતી.

“કપિલ જીવે છે એ નથી મર્યો.” તેણે ધીમેથી કહ્યું પણ મારી આંખો ફાટી ગઈ.

“તું જુઠ્ઠું બોલે છે. મેં મારી આંખે એને ભેખડથી નીચે પડતા જોયો છે.” મને વિવેક પર વિશ્વાસ ન થયો.

“તને ખબર છે હું જાદુગર છું. ચીજો એક સ્થળેથી ગાયબ કરી બીજા સ્થળે મોકલી શકું છું. હાથ ચાલાકીના ખેલમાં હું માહિર છું. મેં કપિલને નીચે ધક્કો આપતા પહેલા વીંટી એના હાથમાં આપી દીધી હતી. એ પડતા પહેલા જ ત્યાંથી ગાયબ થઇ ગયો હતો.”

“તું એને કેમ બચાવે?” વિવેકની વાત ઉપર વિશ્વાસ કરવો અશક્ય હતો.

“લાંબી કહાની છે. એ બધુ કહેવાનો સમય નથી. એ કોલેજ કેમ્પસમાં તારી રાહ જોઈ રહ્યો છે, તું એને લઇને ઝડપથી આ શહેર છોડી દેજે કેમકે મણી વીના એ સુરક્ષીત નથી.”

“કેમ એની પાસે વીંટી છે ને?” હવે મને વિવેક પર થોડોક વિશ્વાસ થવા લાગ્યો. શું કપિલ જીવિત છે? મેં મારા મનને સવાલ કર્યો અને મારા મન પાસેથી મને હકારમાં જવાબ મળ્યો. હા, કદાચ એ જીવિત હોઈ શકે. કદાચ વિવેક સાચો હોઈ શકે. આ શહેરમાં કોણ સાચું છે અને કોણ ખોટું એ કયાં મને ખબર જ પડી હતી?

અને આસપાસની પરિસ્થિતિ જોતા મને ત્યાંથી ભગાડી વિવેકને કોઈ ફાયદો થાય એમ નહોતો.

“હા પણ વીંટીની મદદથી એ જાદુગરો અને મદારીઓ સામે નહી લડી શકે. એમના સામે એ મણી વગર નહી જીતી શકે. કદંબ પાસે મણી છે. તે એને આરામથી મારી શકે. હવે તું જા.. મેં એને વચન આપ્યું છે કે હું તને સહી સલામત એની પાસે મોકલીશ. બસ એ અહી પાછો ન આવે.”

“તે એનાથી આ બધી વાત કયારે કરી?” મને સમજાયું નહી, “તે એનાથી કયારે વાત કરી?”

“એક સાચો ઈચ્છાધારી નાગ અને સાચા દિલનો મદારી એકબીજા સાથે મનથી વાત કરી શકે છે. કપિલ મને જોતા જ સમજી ગયો કે મારું દિલ સાફ છે.. બસ બધું કપિલ તને સમજાવી દેશે. તું હવે જા.. આ સ્થળ સલામત નથી.”

“કેમ કપિલ.. કેમ એ મને સમજાવશે? તું કેમ નહી..? હું તને અહી એકલો મૂકી નહી જઉં..” મેં કહ્યું. હું એના શબ્દો પરથી સમજી ગઈ હતી કે એ અહી કદંબ અને એના સાથીઓ સામે લડી મરવા માંગતો હતો.

“તું હજુ જાદુ શીખે છે એ લોકો તને મારી નાખશે.”

“એક નાગ નાગીનના જોડાનું મિલન કરાવવા મરવું એ મદારી માટે ગર્વની વાત છે.”

“હું કયાં નાગીન છું..” મેં પૂછ્યું. એને કઈ સમજ ફેર થયો હતો. હું માનવ છોકરી હતી.

“તું જા હવે... બધા સવાલોના જવાબ તને કપિલ આપશે.”

“હું તને અહી મોતના મોમાં છોડી કઈ રીતે જાઉં?” મેં જીદ કરી. હું છેક એવી હતી. મારા માટે કોઈ પોતાનો જીવ ગુમાવે એ હું જોઈ ન શકું. કપિલને ભેખડ પરથી પડતો જોઈ હું સમજી ગઈ હતી કે કોઈની મોતનો બોજ માથા પર લઇ હું જીવી ન શકું પછી ભલે એ કપિલ કે વિવેક કોઈ પણની મોતનો બોજ હોય.

“લેટ’સ ગો. આવું સાફ દિલ છે એટલે જ કિંજલની ચાલમાં ફસાઈ ગઈ..” કહી તેણે મને ખેંચી. એ મને પકડીને પાછળના દરવાજેથી બહાર નીકળ્યો અને મને લઈને શહેર તરફ ભાગવા લાગ્યો...

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED