Once Upon a Time - 28 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 28

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 28

ડીઆરઆઈના અધિકારીઓએ વર્દાનો રૂપિયા ૪૬ લાખનો સ્મગલિંગનો સામાન પકડીને તેની ધરપકડ કરી ત્યારે બીજી બાજુ મુંબઈમાં ડૅપ્યુટી પોલીસ કમિશનર વાય.સી.પવાર વર્દાનું સામ્રાજ્ય તહસનહસ કરી રહ્યા હતા. વર્દાના એક પછી એક ‘ધંધા’ સંકેલાઈ રહ્યા હતા.

મનુસ્વામી વરદરાજન મુદલિયારને વર્દાભાઈ બનતા ત્રણ દાયકા લાગ્યા હતા. પણ એંસીના દાયકામાં મુંબઈના પોલીસ કમિશનર જુલિયો રિબેરો અને ડૅપ્યુટી પોલીસ કમિશનર વાય.સી.પવારે ગણતરીના સમયમાં વર્દાભાઈમાંથી વર્દા બનાવી દીધો હતો. રિબેરો અને પવારે વર્દાનું નેટવર્ક જડમૂળમાંથી તોડી પાડવાનું મિશન હાથ ધર્યું હતું. વરદરાજન સ્વાતંત્ર્ય પહેલાં મુંબઈ આવ્યો હતો. ત્યારે એના પગમાં ચંપલ નહોતા. એના કપડાં સાચા અર્થમાં ચીંથરેહાલ હતાં. એણે હાજી મસ્તાનની જેમ બંદરમાં નાની મોટી ચોરીથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. કરીમલાલાની જેમ એનો ભેટો પણ હાજી મસ્તાન સાથે થયા પછી તે ‘બે પાંદડે’ થયો હતો. વર્ષો સુધી એણે હાજી મસ્તાનના હાથ નીચે કામ કર્યું હતું, પછી એને ‘ચાર પાંદડે’ થવાની ઈચ્છા જાગી હતી અને એણે હાજી સાથે છેડો ફાડીને પોતાનું મોટા ભાગનું ધ્યાન સ્મગલિંગ ઉપર જ કેન્દ્રિત કર્યું હતું. હાજી મસ્તાન માત્ર સ્મગલિંગ કરતો હતો, પણ વરદરાજન ‘સબ બંદર કા વેપારી’ બન્યો હતો. એણે મટકા, વેશ્યાલયો, ખંડણી ઊઘરાણી, સ્મગલિંગ, સુપારી જેવા બધા જ ખેલ શરૂ કર્યા હતા. આ બધું કરવા માટે પોલીસની ‘રહેમ નજર’ જોઈએ અને વરદરાજને મુંબઈ પોલીસની ‘મીઠી નજર’ મેળવવા પાણીની જેમ પૈસા વેર્યા હતા. ૧૯૮૦થી ૧૯૮૫ સુધી તો વરદરાજન મુંબઈ પોલીસના જુદા-જુદા અધિકારીઓને દર મહિને ૫૦ લાખ જેટલો હપ્તો આપતો હતો. અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની મદદથી વર્દા અંડરવર્લ્ડનો પાવરફુલ માફિયા સરદાર બની ગયો હતો. એ પછી એક સમય એવો આવી ગયો કે મુંબઈ પોલીસના અનેક અધિકારીઓ વર્દાની રહેમ નજર મેળવવા પડાપડી કરવા લાગ્યા હતા!

બીજી બાજુ વર્દાએ રાજકીય નેતાઓ સાથે પણ સંબંધો બાંધી લીધા હતા. વર્દા પર ડેપ્યુટી પોલીસ કમિશનર વાય.સી. પવાર તવાઈ લાવ્યા ત્યારે એક તબક્કે તો વર્દાએ એક ધુરંધર કોંગ્રેસી નેતાને કહીને પવારને પનીશમેન્ટ ટ્રાન્સફર અપાવી દીધી હતી. વાય.સી. પવારને મુંબઈના માટુંગા વિસ્તારમાંથી ઊંચકીને નાંદેડ શહેરમાં ફગાવી દેવાયા હતા. એ વખતે પવારને નાંદેડ ખસેડવા પાછળ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન એસ.બી. ચવ્હાણે એવું કારણ આપ્યું હતું કે નાંદેડમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોવાથી વાય.સી.પવારને ત્યાં મુકવા જરૂરી છે! જાણે માટુંગા-કોલીવાડા વિસ્તાર કરતાં નાંદેડની સ્થિતિ વધુ ખરાબ હોય! પણ જુલિયો રિબેરોએ ઘણા દુષ્ટ અને ભ્રષ્ટ રાજકારણીઓની આડોડાઈ છતાં વર્દાનું નેટવર્ક તોડી પાડ્યું.

દાઉદ ઈબ્રાહીમની જેમ વરદરાજન પણ કરીમલાલાની સામે મેદાને પડ્યો હતો. અંડરવર્લ્ડમાં વર્ચસ જમાવવા માટે કરીમલાલા અને વરદરાજન સામસામે આવી ગયા હતા. કરીમલાલાને હંફાવવામાં વરદરાજનને દર્શનલાલ ધુલ્લા ઉર્ફે ટીલ્લા, મોહિન્દરસિંહ વિગ ઉર્ફે બડા સોમા અને પનાક્કલ થોમસ કુરિયન ઉર્ફે ખાજાભાઈનો સાથ મળ્યો હતો. એ ત્રિપુટીએ વરદરાજનનું નેટવર્ક વિકસાવવામાં સિંહફાળો આપ્યો હતો. ૧૯૮૬ની ચોથી જાન્યુઆરીએ આ ત્રિપુટી સહિત ૨૭ ગુંડા એક જગ્યાએ લૂંટ ચલાવવા જતા હતા ત્યારે એમની ધરપકડ થઇ હતી અને વર્દાના નેટવર્કને એક વધુ ભારે ફટકો પડ્યો હતો. જોકે વરદરાજન તો એ અગાઉ ૧૯૮૫માં જ મુંબઈ છોડીને મદ્રાસ ભણી ભાગી છૂટ્યો હતો. વિનાશકાળે વિપરીત બુદ્ધિ સુઝે એમ પોતાની ધરપકડ ન થાય એ માટે વર્દાએ મદ્રાસ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. એ અરજી કરવાની ભૂલ વર્દાને ભારે પડી ગઈ. એ અરજીને આધારે જ એ પકડાઈ ગયો હતો, ફરીવાર મુંબઈ પોલીસના સકંજામાંથી છૂટ્યા પછી ૧૯૮૭માં વરદરાજન મદ્રાસ જતો રહ્યો હતો. ત્યાં એણે એક નંબરી ધંધો શરૂ કર્યો હતો. એણે ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની શરુ કરી હતી. એનું ધ્યાન એનો દીકરો જયરાજ રાખતો હતો. વરદરાજનના જીવન પરથી ‘દયાવાન’ અને ‘અર્ધસત્ય’ ફિલ્મ બની હતી. વરદરાજન એના દીકરા જયરાજને તમિલ ફિલ્મોનો હીરો બનાવવા માગતો હતો, પણ એની એ ઈચ્છા ફળીભૂત થઇ નહોતી...’

નવો પેગ બનાવવા માટે અને નવી સિગરેટ સળગાવવા માટે પપ્પુ ટકલાએ એક નાનકડો બ્રેક લીધો એ પછી તેણે તરત જ વાત આગળ ધપાવી: ‘...એમ તો તમિલનાડુમાં મટકા નેટવર્ક ઊભું કરવાની વર્દાની ઈચ્છા પર પણ તમિલનાડુના એ વખતના મુખ્યપ્રધાન એમ.જી.રામચંદ્રને ટાઢું પાણી રેડી દીધું હતું. વરદરાજનને એમ.જી.રામચન્દ્રન સાથે પણ ગાઢ સંબંધ હતો. એ સંબંધને ધ્યાનમાં લઈને એક કબાડી ગુજરાતી મટકા ઓપરેટરે વર્દાને એમ.જી રામચન્દ્રન સામે એક ઓફર મૂકવા સમજાવ્યો હતો. એમ.જી રામચન્દ્રન તમિલનાડુમાં કાનૂની રીતે મટકા નેટવર્ક ચલાવવા દે તો દર મહિને રૂપિયા એક કરોડનો હપ્તો આપવાની ઓફર મૂકવા સમજાવ્યો હતો. એમ.જી રામચન્દ્રને તમિલનાડુમાં મટકાને લીગલાઈઝ કરવાની ઘસીને ના પાડી દીધી હતી. તમિલનાડુમાં કાનૂની રીતે મટકા નેટવર્ક ચલાવવાની વર્દાની ઈચ્છા પાર પડી નહોતી. બાકી કાનૂન અને જાહેર સેવાનો કઈ રીતે દુરુપયોગ કરવો એનો વર્દાને બહુ સારો અનુભવ હતો. પોલીસ ડિપાર્ટમેન્ટની જેમ ટેલીકોમ ડિપાર્ટમેન્ટને પણ વર્દાએ સિફતપૂર્વક વાપર્યું હતું. વર્દા મુંબઈના માટુંગા વિસ્તારમાં તેલંગ ક્રોસ રોડના કિનારે આવેલા ‘નાગદા મેન્શન’માં રહેતો હતો. એની પાસે ત્રણ ફોન હતા. એમાંથી એક ફોન એના નામ પર હતો.૪૮૫૮૫૮ નંબરના એ ફોનનું બિલ નહિવત આવતું હતું. કારણ વરદરાજન પાસે બીજા બે ફોન પણ હતા. એ પૈકી એક ફોન માટુંગા એકસચેન્જની સ્પેર લાઈનરૂપે હતો, જેનું મીટર ક્યારેય ફરતું નહોતું. તો ત્રીજો ફોન વળી કોઈ ભળતી વ્યક્તિના નામે હતો. વર્દાએ મુંબઈ છોડતી વખતે એ ફોનના બીલ પેટે રૂપિયા ૩૯ હજાર ભરવાનો નનૈયો ભણી દીધો હતો. માટુંગા એક્સચેન્જ દ્વારા એ લાઈન કાપી નાખવામાં આવી , અને પછી તપાસ થઇ ત્યારે ખબર પડી કે જેના નામ પર ફોન હતો એ માણસ તો વર્ષો પહેલાં મરી ગયો હતો. વર્દા પાસે જે રીતે ત્રણ ફોન હતા એ જ રીતે મોહિન્દરસિંહ ઉર્ફે સોમા, દર્શનલાલ ધુલ્લા ઉર્ફે ટીલ્લા અને પનાક્ક્લ થોમસ કુરિયન ઉર્ફે ખાજાભાઈના ઘરમાં પણ ત્રણ-ત્રણ ફોન હતા!

વર્દાની પડતીની સાથે એ ત્રિપુટીની અને વર્દાના અન્ય એક ખાસ માણસ પરમેશ્વરની પણ માઠી દશા બેઠી હતી. મોહિન્દરસિંહ ઉર્ફે સોમા અને ખાજાએ દિલ્હીમાં પડાવ નાખીને ત્યાં ‘ધંધો’ આદરી દીધો અને વરદરાજને મદ્રાસમાં એક નંબરી ધંધો શરુ કર્યો હતો. જો કે વર્દા મદ્રાસ ગયા પછી બે વર્ષ બાદ હાર્ટ એટેકને કારણે મરી ગયો હતો...’

કોઈ વિદ્યાર્થી ગોખેલો નિબંધ બોલતો હોય એ રીતે પપ્પુ ટકલા કડકડાટ વરદરાજન વિષે વાત કરી રહ્યો હતો. એણે વચ્ચે બે-ત્રણ વાર અમને બગાસું ખાતા જોયા એમ છતાં એણે પોતાની વાત ચાલુ રાખી હતી. એણે વરદરાજનની કથા અને બ્લેક લેબલનો પેગ પૂરો કરીને અમારી સામું જોતા કહ્યું, ‘તમે બોર થઈ રહ્યા છો એવું મને લાગે છે, પણ વરદરાજનના ઉલ્લેખ વગર મુમ્બૈયા અંડરવર્લ્ડની વાત અધૂરી ગણાય. ખેર, હવે પછીની મુલાકાતમાં આપણે અંડરવર્લ્ડની ગેંગવોરના મેઈન ટ્રેક પર પાછા આવી જઈશું.’

આટલું કહીને એણે છૂટા પડવાનો ઈશારો કર્યો. અમે ટક્લાનો આભાર માનીને રવાના થયા. બીજા દિવસે પપ્પુ ટક્લાને બહારગામ જવાનું થયું હતું. અમને લાગ્યું કે એને કોઈ કામથી બહારગામ જવાનું થયું હશે, પણ અમારા પોલીસ ઑફિસર ફ્રેન્ડે પપ્પુ ટકલાના પ્રવાસ વિશે અમને જે શબ્દો કહ્યા એ સાંભળીને અમે ચોંકી ગયા!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED