Once Upon a Time - 9 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 9

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 9

કુરાન પર હાથ મૂકીને શપથ લીધા પછી શબ્બીર, દાઉદ, અને આલમઝેબ, સઈદ બાટલા, અમીરજાદા દુશ્મન મટીને દોસ્ત બની ગયા હતા, પણ બીજી બાજુ દાઉદના પત્રકાર દોસ્ત ઈકબાલ નાતિકના મર્ડર કેસમાં સૈયદ બાટલાને આકરી સજા મળે એ માટે દાઉદે ખૂબ મહેનત કરી હતી. સૈયદ બાટલા સામે કેસ ચાલ્યો અને કોર્ટે તેને આઠ વર્ષની આકરી જેલસજા ફટકારી. બાટલા જેલમાં ગયો એટલે એના ખાસ દોસ્તો અમીરજાદા, આલમઝેબ અને સમદ ખાનને તકલીફ થવી જોઈતી હતી, પણ એવું ન બન્યું. એ પછી થોડા સમય બાદ દાઉદના લગ્ન થયાં ત્યારે દાઉદે અમીરજાદા, આલમઝેબ અને સમદ ખાનને પોતાના લગ્નમાં આવવાનું આમંત્રણ મોકલ્યું. અને સૈયદ બાટલાને પણ તેણે પોતાની શાદીનું આમંત્રણ મોકલાવ્યું! જો કે જેલમાં પુરાયેલો સૈયદ બાટલા ઈચ્છે તો પણ દાઉદના લગ્નમાં જઈ શકે એમ નહોતો! (ઈકબાલ નાતિક મર્ડર કેસમાં આઠ વર્ષની સખત જેલસજા ભોગવીને બહાર નીકળ્યા પછી બાટલાનો કોઈએ ભાવ પૂછ્યો નહોતો! તન, મન, અને ધનથી ભાંગી પડેલા સૈયદ બાટલાએ ડોંગરી વિસ્તારની એક દસ બાય દસની રૂમમાં છેલ્લા દિવસો કાઢ્યા. છેલ્લા દિવસોમાં એ રિબાઈ રિબાઈને મર્યો. અમીરજાદા, અયુબલાલા અને આલમઝેબની પણ ઈક્બાલ નાતિક મર્ડર કેસમાં ધરપકડ થઈ હતી, પણ એ બધા નિર્દોષ છૂટી ગયા હતા).

અમીરજાદા, આલમઝેબ અને સમદ ખાન દાઉદની શાદીમાં હોંશે-હોંશે ગયા પણ ખરા! દાઉદના લગ્નમાં ગયેલા સમદ ખાન, અમીરજાદા, અને આલમઝેબે પાક્કા ભાઈબંધોની જેમ દાઉદ સાથે ફોટા પડાવ્યા. હાજી મસ્તાન અને કરીમલાલા ખુશ હતા. એમના શિષ્યોએ એમની આજ્ઞાનું અને મસ્તાનના ઘરમાં આપેલા વચનનું પાલન કર્યું હતું. આ દરમિયાન દાઉદ અને શબ્બીર વધુ ને વધુ સમૃદ્ધ થઈ રહ્યા હતા. એમની સંપત્તિ દિવસે ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દિવસે વધી રહી હતી. શબ્બીર અને દાઉદ હવે હાજી મસ્તાનના માણસો રહ્યા ન હતા. મસ્તાન સાથે એમનો સબંધ બગડ્યો નહોતો, પણ હવે તેઓ પોતાની રીતે સ્મગલિંગના ‘ઓપરેશન્સ’ પાર પાડવા માંડ્યા હતા. હાજી મસ્તાનને ટક્કર આપે એવી રીતે બંને ભાઈ સ્મગલિંગનું નેટવર્ક વિકસાવી રહ્યા હતા, પણ વધુ પૈસા કમાવવાની લાહ્યમાં એક દિવસ દાઉદ તેના અત્યંત વિશ્વાસુ માણસ મહમ્મદ રહીમ ખાન ઉર્ફે મહમ્મદ કાલિયા સાથે ઝઘડો કરી બેઠો.

એક મહત્ત્વનું ક્ન્સાઈમેન્ટ પાર પાડ્યા બાદ મહમ્મદ કાલિયાએ અપેક્ષા રાખી હતી તેનાથી ઘણી ઓછી રકમ દાઉદે એના હાથમાં થમાવી દીધી. કાલિયાએ વિરોધ નોંધાવ્યો. ‘યે ગલત બાત હૈ!’ તેણ્રે ઉશ્કેરાઈને કહ્યું.

‘કુછ ગલત નહીં હૈ, હમ જો કર રહે હૈ વો હી સહી હૈ,’ દાઉદે કહ્યું.

અકળાઈ ગયેલો કાલિયા આગળ કંઈક બોલવા જતો હતો પણ દાઉદે એને ગાળ આપીને ચૂપ કરી દીધો. કાલિયા મનમાં સમસમીને રહી ગયો. એ સમયમાં એ પણ અંડરવર્લ્ડનો સ્ટાર બની ગયો હતો. એટલે એને પોતાના કામની ઓછી રકમ અને અપમાન બહુ વસમા લાગ્યા. દાઉદની દાદાગીરી એણે ત્યારે તો સહન કરી લીધી, પણ અંદરથી એ સળગી ઉઠ્યો હતો.

હાજી મસ્તાને અમીરજાદા અને આલમઝેબનું દાઉદ અને શબ્બીર સાથે સમાધાન કરાવી દીધું. પણ દાઉદ શબ્બીરની અકલ્પ્ય પ્રગતિથી અમીરજાદા, સમદ ખાન અને આલમઝેબના પેટમાં જાણે ગરમ તેલ રેડાતું હતું. દાઉદ અને શબ્બીરે સ્મગલિંગની દુનિયામાં કાઢું કાઢ્યું હતું. તો અમીરજાદા અને આલમઝેબ પણ ડ્રગ્સ અને લોહીના વેપાર(વેશ્યા વ્યસાય)માં આગળ વધી રહ્યા હતા. મુંબઈના કમાટીપુરા જેવા રેડલાઈટ એરિયામાં એમના નામની ધાક બેસી ગઈ હતી. પણ અમીરજાદા અને આલમઝેબ પૈસા અને પાવર ઊભા કરવામાં દાઉદ અને શબ્બીર કરતા ઘણા પાછળ હતા.

આવી સ્થિતિમાં અકળાયેલો અમીરજાદા એક દિવસ એના કોઈ માણસને ધમકાવી રહ્યો હતો. ત્યારે એના ફોનની રિંગ વાગી. અમીરજાદાએ ફોન ઉઠાવ્યો. ‘કોન બોલ રહા હૈ?’ એણે પૂછ્યું.

કોલ કરનારા માણસે પોતાનું નામ આપ્યું એ સાથે અમીરજાદાના ચહેરા પર અણધારી ચમક આવી ગઈ.

‘હાં બોલ’ તેણે કહ્યું.

ફોન ઉઠાવનારો અમીરજાદા જ છે એની ખાતરી થઈ ગયા પછી કોલ કરનારા માણસે સામે ખુલીને વાત કરવા માંડી. એના શબ્દો સાંભળીને અમીરજાદાના ચહેરાના હાવભાવ બદલાવા માંડ્યા. કોલ પૂરો કરીને રિસિવર ક્રેડલ ઉપર મુકતા એણે વિજયી સ્મિત ફરકાવ્યું!

એ કોલ મહમ્મદ કાલિયાનો હતો!

***

‘કાલિયા અપને સાથ આ રહા હૈ.’

અમીરજાદા આલમઝેબને કહી રહ્યો હતો.

‘અચ્છા હૈ, દાઉદ કે પિલ્લોં કો ભી સમજ મેં આ રહા હૈ કી કિસકે સાથ રહના ચાહિયે.’ આલમઝેબે કહ્યું.

‘દાઉદને ઉસકો કમ પૈસે દિયે ઔર ઉપર સે ગાલી દી. કાલિયાને સામને સે કોલ કિયા કિ મુઝે આપ કે સાથ આના હૈ.’ અમીરજાદાએ કહ્યું.

‘આને દો. હમારે લિયે અચ્છા હી હૈ. કબ મિલ રહા હૈ?’ આલમઝેબે પૂછ્યું.

‘આજ હી.’ અમીરજાદાએ કહ્યું.

***

એ જ દિવસે મહમ્મદ કાલિયા અમીરજાદા અને આલમઝેબને મળ્યો. એ બંનેએ તેને ગળે મળીને આવકાર્યો. અમીરજાદા અને આલમઝેબને કહ્યું કે તેના ખાસ સાથીદારો પણ અમીરજાદા અને આલમઝેબ સાથે આવવા માગે છે. મહમ્મદ કાલિયાના એક ડઝન સાગરીતો પણ તેની સાથે અમીરજાદા અને આલમઝેબની ગેંગમાં જોડાઈ ગયા. મહમ્મદ કાલિયા અને તેના સાથીદારોના આગમન સાથે અમીરજાદા અને આલમઝેબ વધુ પાવરફુલ બની ગયા હતા.

***

‘મહમ્મદ કાલિયા અમીરજાદા કે સાથ ચલા ગયા!’

દાઉદ અને શબ્બીરને તેમનો ખાસ માણસ કહી રહ્યો હતો.

‘પક્કી ખબર હૈ?’ દાઉદ અને શબ્બીરે એક સાથે પૂછ્યું.

‘પક્કી ખબર હૈ. સાથમેં ઉસકે સબ લડકો કો ભી લે ગયા હૈ. બોલ રહા થા કી અબ મૈ બતા દૂંગા કી મૈં ક્યા ચીજ હું!’ શબ્બીર-દાઉદના ખાસ માણસે વાતને જરા વળ ચડાવીને કહી.

‘કૌન-કૌન ગયા હૈ ઉસકે સાથ?’ દાઉદે પૂછ્યું.

દાઉદના માણસે મહમ્મદ કાલિયાની સાથે અમીરજાદાની ગેંગમાં ગયેલા ગુંડાઓના નામ ગણાવ્યા.

‘યે અચ્છા નહીં હુઆ.’ શબ્બીરે દાઉદને કહ્યું. ‘યે અચ્છા નહીં હુઆ, લેકિન કાલિયા કે લિયે. સાલે કો છોડૂંગા નહીં મૈં.’ દાઉદે ખુન્નસભેર કહ્યું.

શબ્બીર દાઉદની સામે જોઈ રહ્યો. એ વખતે તેણે મનોમન એક નિર્ણય લઈ લીધો હતો!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED