વન્સ અપોન અ ટાઈમ - 29 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 29

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 29

બીજા દિવસે પોલીસ ઑફિસર ફ્રેન્ડ પાસેથી અમને ખબર પડી હતી કે પપ્પુ ટક્લાને દુબઈ જવાનું થયું હતું. એણે અંડરવર્લ્ડ સાથે સીધો નાતો તોડી નાખ્યો હતો. એમ છતાં એ કોઈ ‘નાનાં-મોટાં’ આડાં-અવળાં કામ કરી લેતો હશે એવું અનુમાન અમે કર્યું, પણ અમારા પોલીસ ઑફિસર ફ્રેન્ડે પપ્પુ ટકલા વિશે અમને જે શબ્દો કહ્યા એ સાંભળીને અમે ચોંકી ગયા. પપ્પુ ટકલા ફરી અંડરવર્લ્ડમાં ઊંડો ઊતરી રહ્યો હતો. પોલીસ ઑદફિસર ફ્રેન્ડે કહ્યું કે પપ્પુ ટકલાને જાહેર જગ્યામાં મળવાનું ટાળજો. એ પછી તેમણે એવી સાવચેતી રાખવા માટે જે કારણ કહ્યું એ સાંભળીને અમારા રુંવાડાં ઊભાં થઈ ગયાં!

***

પપ્પુ ટકલા દુબઈમાં હતો એ દિવસો દરમિયાન અમે પોલીસ ઓફિસર મિત્રની મદદથી અન્ય કેટલાક અધિકારીઓને મળીને અંડરવર્લ્ડના ઇતિહાસની ખૂટતી કડીઓ મેળવી.

ચાર દિવસ પછી અમારી પપ્પુ ટકલા સાથે મુલાકાત થઇ ત્યારે રાબેતા મુજબ એણે બ્લેક લેબલનો પેગ બનાવીને, ફાઈવ ફાઈવ સળગાવીને દાસ્તાન-એ-અંડરવર્લ્ડ આગળ ધપાવી. ‘વરદરાજનની વાત કરતા અગાઉ આપણે ક્યાં પહોંચ્યા હતા ?’ એવું તેણે પૂછ્યું અને પછી અમે કંઈ જવાબ આપીએ એ અગાઉ જ એની સ્ટાઈલ પ્રમાણે અમારો જવાબ સાંભળવાની રાહ જોયા વિના જ એણે વાત માંડી દીધી: ‘સમદ, અમીરજાદા અને આલમઝેબના મોત પછી દાઉદ ઈબ્રાહીમ પાવરફુલ ડોન બની ગયો હતો. રમાશંકર નાઈક ઉર્ફે રમા નાઈક, છોટા રાજન, અરુણ ગવળી, પાપા(કિશોર) ગવળી, બાબુ રેશિમ અને બીજા પણ ગુંડા સરદાર જે ક્યાં તો વરદરાજન સાથે સંકળાયેલા હતા અથવા તો પોતાની રીતે ‘ધંધો’ કરતા હતા એ બધા દાઉદના છત્ર હેઠળ આવી ગયા હતા. મધ્ય મુંબઈમાં ગેંગ ચલાવતા અમર નાઈકે પણ દાઉદનું આધિપત્ય સ્વીકારી લીધું હતું. પણ એ બધા જોખમી જણસ જેવા હતા. એમની મહત્વકાંક્ષાનો પાર નહોતો. એ બધામાં વળી અરવિંદ ધોળકિયા અને મહેશ ધોળકિયા જેવા ગુજરાતી બંધુઓ ઉમેરાયા.

જો કે એ દરમિયાન નાના-મોટા છમકલાં બાદ કરતાં દાઉદનું નેટવર્ક બરાબર જામી રહ્યું હતું. વચ્ચે દાઉદના એક રીઢા શુટર અબ્દુલ માજિદને સમદના એક સાથીદારે ગોળીએ દીધો. અબ્દુલ માજિદ એક જમાનામાં ખેરખાં ગણાતા ગુંડા સરદાર દિલીપ અઝીઝનો દીકરો હતો. દિલીપ અઝીઝને સમદે ગોળીએ દીધો હતો. એટલે સમદનું ખૂન કરવામાં દિલીપ અઝીઝના દીકરા અબ્દુલ હમીદ અને અબ્દુલ માજિદે દાઉદને મદદ કરી હતી. અબ્દુલ હમીદ સમદ ખૂન કેસમાં પકડાઈ ગયો હતો, પણ અબ્દુલ માજીદ એ કેસમાંથી છટકી શક્યો હતો. અબ્દુલ માજિદ અને કરીમલાલાના ભાઈ રહીમ ખાનની હત્યા પછી દાઉદ અને પઠાણ ગેંગ વચ્ચે તણખા ઝરવાનું લગભગ સંપૂર્ણપણે બંધ થઇ ગયું હતું. દાઉદ માટે એ અંડરવર્લ્ડનો પાવર માણવાનો અને શાંતિભર્યો સમય હતો.

પણ દાઉદની એ ‘શાંતિ’ લાંબી ટકી નહીં. દાઉદના છત્ર હેઠળ કામ કરતા ગુંડા સરદારો સામસામા ઘુરકિયા કરવા માંડ્યા હતા. ૧૯૮૭ની શરૂઆતમાં મહેશ ધોળકિયા અને બાબુ રેશિમ વચ્ચે ઝઘડો થયો. બાબુ રેશિમ ગુંડા સરદાર હોવાની સાથે ખેપાની યુનિયન લીડર પણ હતો. એ કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો અને તેના અનેક કોંગ્રેસ લીડરો સાથે ઘનિષ્ટ સંબંધ હતા. તો સામે મહેશ ધોળકિયા અને તેનો ભાઈ અરવિંદ ધોળકિયા પણ ઓછા ઊતરે એમ નહોતા. એમના સંબંધો પણ મહારાષ્ટ્રના ઘણા પાવરફુલ રાજકારણીઓ સાથે હતા. ધોળકિયાબંધુઓ કાપડના ધંધામાંથી કોઠાકબાડા કરતા કરતા કન્સ્ટ્રકશન-હોટેલ ઉદ્યોગ ભણી વળ્યા હતા. એમની હોટેલોમાં વેશ્યાગીરીથી માંડીને અનેક ખેલ થતા હતા. એ સિવાય શસ્ત્રોના ધંધામાં પણ એમણે હાથ નાખ્યો હતો. ભારતમાં પહેલવહેલી એકે-ફોર્ટી સેવન ગન અરવિંદ ધોળકિયા પાસેથી પકડાઈ હતી. ૧૯૭૪માં કટોકટી વખતે એ બંને ભાઈએ કોફેપાસા અને મિસા હેઠળ લાંબો સમય જેલમાં રહેવું પડ્યું હતું. ધોળકિયાબંધુઓ સ્મગલિંગ કરતા હોવાનો આરોપ પણ એમના પર મુકાયો હતો.

મહેશ ધોળકિયા બાબુ રેશિમ સાથે ટકરાયો એટલે બાબુ રેશિમે એ બંનેને જોઈ લેવાની ધમકી આપી. ઉશ્કેરાયેલા મહેશ ધોળકિયાએ વિજય ઉત્તેકર નામના કોન્ટ્રેક્ટ કિલરને બાબુ રેશિમનું ખૂન કરવા સુપારી આપી. બાબુ રેશિમ ભાયખલાની લક્ષ્મી હોટેલમાં ચા પી રહ્યો હતો ત્યારે વિજય ઉત્તેકરે એના પર ગોળીઓ છોડી પણ બાબુ રેશિમ બચી ગયો હતો. વિજય ઉત્તેકર અગાઉ બાબુ રેશિમનો જ માણસ હતો, પણ પછી એને રેશિમ સાથે બગડ્યું હતું. એણે બાબુ રેશિમ સાથે છેડો ફાડીને પોતાની નાનકડી ગેંગ ઊભી કરી હતી. વિજય ઉત્તેકરને ફેબ્રુઆરી ૧૯૮૭માં બાબુ રેશિમને મારવામાં નિષ્ફળતા મળી, પણ ૧૯૮૭ની પાંચમી માર્ચે બાબુ રેશિમને ખતમ કરવા માટે વિજય ઉત્તેકરે જડબેસલાક પ્લાન ઘડી નાખ્યો.

ઉત્તેકરે રેશિમની હત્યાની કોશિશ કરી એ પછી પોલીસે બાબુ રેશિમની રાજુ કારંડેકર નામના ગુંડાની હત્યાના આરોપ હેઠળ ધરપકડ કરી. અગાઉ બાબુ રેશિમે અરુણ ગવળી અને રમા નાઈકની મદદથી મટકા નેટવર્ક ચલાવતા કુંદનલાલ દુબે અને પારસનાથ પાંડેના ખૂન કર્યા હતા. એમાં પારસનાથ પાંડે હત્યા કેસમાં બાબુ રેશિમની ધરપકડ થઇ હતી, પણ હાઈકોર્ટે એને પુરાવાના અભાવે છોડી મુક્યો હતો. એ કેસમાં મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. રાજુ કારંડેકર કેસમાંય પોતાનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે, એવું બાબુ રેશિમ માનતો હતો. બાબુ રેશિમને મુંબઈના સાત રસ્તા વિસ્તારના જેકબ સર્કલ પોલીસ લોકઅપમાં રખાયો હતો. રેશિમ કાનૂનથી ડરતો નહોતો, પણ વિજય ઉત્તેકરે એને મારી નાખવાની કોશિશ કરી એટલે રેશિમ પોલીસ લોકઅપમાં પોતાને સલામત મેહસૂસ કરતો હતો. જો કે પછી તેને ખબર પડી કે ધોળકિયા બંધુઓએ તેને મારી નાખવા માટે વિજય ઉત્તેકરને છૂટ્ટો દોર આપી દીધો છે અને તેમણે પોતાને મારવા માટે એક ખતરનાક યોજના બનાવી છે ત્યારે. એણે પોતાને લોકઅપમાં વધુ સુરક્ષા આપવા અરજી કરી હતી.

જો કે ૫ માર્ચ, ૧૯૮૭ના દિવસે એવું કંઈક બન્યું જેને કારણે મુંબૈયા અંડરવર્લ્ડમાં જાણે ભૂકંપ આવી ગયૉ! અને મુંબઈ પોલીસનું નાક કપાઈ ગયું!

(ક્રમશ:)