Once Upon a Time - 3 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 3

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ – 3

‘અલ હરમ’ હોટેલમાં એક યુવતી પર ગૅન્ગરેપ કર્યા પછી સૈયદ બાટલા, આલમઝેબ અને અમીરજાદા બિન્દાસ્ત બનીને રખડતા હતા. આપણે મસ્તાનભાઈના (હાજી મસ્તાનના) માણસો છીએ એટલે કોઈ આપણી સામે નહીં પડે અને વાત અહીં જ દબાઈ જશે એવું એ ત્રણેય માનતા હતા, પણ તેમની ધારણાથી ઊંધું બન્યું. પેલી છોકરીએ હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં જઈને રેપની ફરિયાદ નોંધાવી.

પોલીસે ‘અલ હરમ’ હોટેલના માલિકની પૂછપરછ કરી. એ હોટેલમાલિકે અમીરજાદા, આલમઝેબ અને સૈયદ બાટલાના નામ આપી દીધા. પોલીસે એ ત્રણેય ગુંડાઓને લોકઅપમાં ધકેલી દીધા. જામીન પર છૂટ્યા પછી આ ત્રિપુટીએ પહેલું કામ પેલા હોટેલમાલિકને પતાવી દેવાનું કર્યું. હોટેલમાલિકની આ દશા પછી બીજો કોઈ માઈનો લાલ આ બળાત્કાર કેસમાં એમની સામે પડવાની હિંમત નહીં કરે એવો એમને ફાંકો હતો, પણ એ વખતે એમના દિમાગમાંથી એક વાત બિલકુલ નીકળી ગઈ કે એ હોટલમાલિક દાઉદ ઈબ્રાહીમનો ખાસ દોસ્ત હતો.

હોટેલ ‘અલ હરમ’ના માલિકના જનાજાને કાંધ આપનારાઓમાં દાઉદ પણ હતો. પોતાના અઝીઝ દોસ્તને કબ્રસ્તાનમાં પહોચાડનારા કોણ હતા એ શોધવાનું કામ એના માટે અઘરું નહોતું. છેલ્લા સાત વર્ષમાં દાઉદ અને શબ્બીરે પોતાની નાની ટોળી ઉભી કરી લીધી હતી. દાઉદની ઉમર ત્યારે ૨૨ વર્ષની હતી. જવાનીનું ગરમ લોહી એના શરીરમાં દોડતું હતું. અમીરજાદા, સૈયદ બાટલા અને આલમઝેબે પોતાના મિત્રની પ્રેમિકા પર બળાત્કાર કર્યો એ વાતની ખબર પડી ત્યારે જ એનું લોહી ઉકળી ઉઠ્યું હતું. પણ બાટલા, અમીરજાદા, આલમઝેબની ત્રિપુટીએ પોતાના મિત્રનું ખૂન કરી નાખ્યું ત્યારે તો દાઉદના રૂંવે-રૂંવે આગ લાગી હતી. આ ત્રિપુટી સાથેની દોસ્તી પર તો એણે ત્યારે જ પૂર્ણવિરામ મૂકી દીધું હતું. જયારે તેમણે પોતાના મિત્રની હોટેલમાં પેલી યુવતી પર બળાત્કાર કર્યો હતો. દાઉદ અને બાટલામાં હિન્દી ફિલ્મોના શોખનું સામ્ય હતું તો બીજો એક જબરદસ્ત વિરોધાભાસ પણ હતો. દાઉદ એ સમયે કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી કરવાનો વિરોધી હતો. અને સૈયદ બાટલા સ્ત્રીઓ પર જબરદસ્તી માટે કુખ્યાત થઇ રહ્યો હતો. અમીરજાદા તો દક્ષિણ મુંબઈમાં વેશ્યાલયો પણ ચલાવતો હતો. એ ત્રિપુટીએ ઘણી છોકરીઓને પરાણે વેશ્યાઓ બનાવી હતી.

દાઉદે આ ત્રિપુટીને આ મુદ્દે ટકોર પણ કરી હતી. જો કે એનો કોઈ અર્થ સર્યો નહોતો. અને દાઉદે પણ પછી પોતાના કામથી કામ રાખીને એમને ટપારવાનું બંધ કર્યું હતું, પરંતુ સૈયદ બાટલા, અમીરજાદા, આલમઝેબની ત્રિપુટીએ પેલી યુવતી પર બળાત્કાર કરીને એ કેસમાં સાક્ષી બનેલા “અલ હરમ” હોટેલના માલિક અને પોતાના મિત્રને ઢાળી દીધો એ પછી પોતાના ઝનૂનને રોકવાનું કામ દાઉદ માટે મુશ્કેલ હતું. આ વર્ષો દરમિયાન શબ્બીર અને દાઉદે ‘મહેનત’ કરીને થયેલી કમાણીમાંથી પાકમોડિયા સ્ટ્રીટમાં મોટું ઘર લઈ લીધું હતું.

સૈયદ બાટલા, અમીરજાદા અને આલમઝેબને અવ્વલમંઝીલે પહોચાડી દેવાના નિશ્ચય સાથે દાઉદ ઘરમાં જઈને એક ટેબલના ડ્રૉઅરમાંથી વિદેશી બનાવટની રિવોલ્વર કમરમાં ભરાવીને તેના ઉપર શર્ટ ઢાકીને ઘરના દરવાજાની બહાર પગ મૂકવા જતો હતો ત્યાં જ પાછળથી એના મોટા ભાઈ શબ્બીરનો અવાજ આવ્યો, “રુક જાઓ દાઉદ.”

શબ્બીરે રોકવાની કોશિશ કરી એટલે દાઉદ અકળાયો. પણ દાઉદના તેવર પારખી ગયેલા શબ્બીરે તેને સમજાવ્યો. અત્યારે દાઉદ ઘરની બહાર નીકળ્યો તો સૈયદ બાટલા, અમીરજાદા અને આલમઝેબને એ છોડશે નહીં એ સમજી ગયેલા શબ્બીરે દાઉદને ટાઢો પાડ્યો. બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર દલીલો થઈ, પણ અંતે દાઉદને સમજાવવામાં શબ્બીર સફળ થયો. દાઉદ સૈયદ, અમીરજાદા અને આલમઝેબને ઢાળી દે તો હાજી મસ્તાનને ફટકો પડે અને હાજી મસ્તાનની ખફગી વહોરી લેવી પડે. એ જોખમ ઉઠાવવાનો સમય હજી પાક્યો નહોતો. એ વખતે શબ્બીરે દાઉદને વાર્યો ન હોત તો દાઉદ કદાચ સૈયદ, અમીરજાદા અને આલમઝેબને ગોળીએ દઈ જ દેત.

જો કે એ વખતે હાજી મસ્તાને સૈયદ બાટલા, અમીરજાદા અને આલમઝેબને ભારે ઠપકો આપ્યો હતો. પણ એ ઘટના પછી શબ્બીર અને દાઉદને એ ત્રિપુટી સાથે છત્રીસનો આંકડો થઇ ગયો હતો.

આ દરમિયાન એ બધા પોતપોતાના સ્વતંત્ર ‘ધંધા’ વિકસાવવા માંડ્યા હતા. સૈયદ બાટલાએ જુગારનો અડ્ડો શરૂ કરી દીધો હતો. તેનો જુગારનો અડ્ડો ચોવીસે કલાક ધમધમતો રહેતો હતો, પણ ૧૯૭૭માં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પોલીસે સૈયદ બાટલાના અડ્ડા પર દરોડો પાડ્યો અને બાટલાની ધરપકડ કરી. બાટલાને ડોંગરી પોલીસ સ્ટેશનમાં લઇ જવાયો, ડોંગરી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રણબીર લેખાએ બાટલાને બરાબર ઠમઠોર્યો અને લોકઅપમાં ધકેલી દેવનો આદેશ આપ્યો. ધૂંધવાયેલો બાટલા મનોમન સિનિયર ઈન્સ્પેક્ટરને મણમણની ચોપડાવી રહ્યો હતો.

સિનિયર ઈન્સ્પેક્ટર રણબીર લેખાના આદેશ પ્રમાણે બાટલાને લોકઅપમાં ધકેલવામાં આવી રહ્યો હતો. ત્યારે બાટલાએ એક માણસને રણબીર લેખાની કેબીનમાં બહાર આવતા જોયો. એ માણસ ઉર્દૂ સાપ્તાહિક ‘રાઝદાર’નો તંત્રી ઈકબાલ નાતિક હતો. ઈકબાલ નાતિક દાઉદ ઈબ્રાહીમનો જિગરજાન દોસ્ત હતો એની બાટલાને ખબર હતી. નાતિકના ‘રાઝદાર’ સાપ્તાહિકમાં સૈયદ બાટલા, અમીરજાદા અને આલમઝેબ વિશે અવારનવાર ઘસાતી ભાષામાં રિપોર્ટ્સ પણ છપાતા હતા. જો કે એ બધા નાતિકને અને એના સાપ્તાહિકને ગંભીરતાથી જોતા નહોતા.

પરંતુ, બાટલાને અત્યારે લાગ્યું કે એ કદાચ એની ભૂલ હતી. સિનિયર ઈન્સ્પેક્ટરની કેબિનમાંથી બહાર નીકળેલા ઈકબાલ નાતિક સામે બાટલાએ ખુન્નસભરી નજર ફેંકી. એ નાતિકને કહેવા જતો હતો કે હું તને જોઈ લઈશ. એ નાતિકને કશી ધમકી આપે એ પહેલાં તો એની પૂંઠ પર એક સબ-ઈન્સ્પેકટરની લાત પડી અને ગાળ આપતાં એ સબ-ઈન્સપેક્ટરે કહ્યું, “@%$&#... લોકઅપ મેં ચલ...”

***

“એ લડકે જરા રેડિયો કી આવાઝ બઢાના.”

મુંબઈના ભિંડી બજાર વિસ્તારના ‘ગોલ્ડન હેરકટિંગ સલૂન’માં દાઢી કરાવવા બેઠેલા ગ્રાહકે ગાલ પર શેવિંગ ક્રીમવાળું બ્રશ ફેરવતા યુવાનને હુકમ કર્યો.

હેરકટિંગ સલુનના ખૂણામાં પડેલા ટ્રાન્ઝિસ્ટમાં વિવિધભારતી સ્ટેશન પરથી પ્રસારિત થઈ રહેલું મનપસંદ જૂનું ગીત મોટે અવાજે સાંભળવાની ગ્રાહકની ઈચ્છા પૂરી કરવા યુવાન ખૂણામાં ગયો.

ગ્રાહકે અરીસામાં જોયું. એના એક તરફના ગાલ ઉપર હજી શેવિંગ ક્રીમનો થર એમ જ હતો. પોતાનો અડધો મૂંડેલો ચહેરો જોઇને એને હસવું આવ્યું. રેડિયોનો અવાજ વધ્યો. ગીતના શબ્દો માણવા માટે એણે આંખો મીચી દીધી.

અચાનક તેને પોતાના લમણા ઉપર કોઈ વસ્તુનો સ્પર્શ થયો હોય એવું લાગ્યું. ગાલ ઉપર અસ્ત્રાના સ્પર્શની અપેક્ષા રાખીને બેઠેલું તેનું મગજ ચોંકી ઉઠ્યું. એણે આંખો ઉધાડી. સામેના અરીસામાં એની નજર પડી અને એના ગાત્રો શિથિલ થઇ ગયા. તેના લમણા ઉપર રિવોલ્વર મુકાયેલી હતી!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED