વન્સ અપોન અ ટાઈમ - 10 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 10

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 10

શબ્બીર અને દાઉદને કાલિયાની ગદ્દારીથી આંચકો લાગ્યો હતો. પણ એથીયે વધુ ઝટકો તો એમને ત્યારે લાગ્યો કે જ્યારે અમીરજાદાએ મહમ્મદ કાલિયાની મદદથી શબ્બીર-દાઉદ ગેંગના ગુંડાઓને પોતાની ગેંગમાં ભરતી કરવા માંડ્યા. મહમ્મદ કાલિયા દાઉદ ગેંગના બે રીઢા શૂટર જાફર અને અફઝલને અમીરજાદાની ગેંગમાં ખેંચી ગયો. દાઉદ અને શબ્બીર ધૂંધવાઈ રહ્યા હતા અને બીજી બાજુ અમીરજાદાની ગેંગ દિન પ્રતિદિન પાવરફુલ બની રહી હતી.

અમીરજાદા અને આલમઝેબ ફરી એકવાર દાઉદ-શબ્બીરને તુચ્છ ગણવા માંડ્યા હતા. એમણે દાઉદ-શબ્બીરની ઠેકડી ઉડાડવા માંડી હતી. દાઉદ અને શબ્બીર સ્મગલિંગમાં એક્સપર્ટ થઈ ગયા હતા. સામે અમીરજાદા અને આલમઝેબ ડ્રગ્સના વેપાર અને કોન્ટ્રેક્ટ કિલિંગ તરફ વળ્યા હતા. બંને ગેંગ ચિક્કાર કમાણી કરતી થઈ ગઈ હતી. અને એ સાથે જ અંડરવર્લ્ડમાં વર્ચસ્વ જમાવવા માટે બને ગેંગ દ્વારા મરણિયા પ્રયાસ થઈ રહ્યા હતા.

આવી સ્થિતિમાં દાઉદ-શબ્બીરને હંફાવવા સમદ ખાને અમીરજાદા સાથે હાથ મિલાવ્યા. સમદખાન કરીમલાલાનો ભત્રીજો હતો. એટલે એને તૈયાર નેટવર્ક મળ્યું હતું. પણ એનેય એટલા નેટવર્કથી સંતોષ નહોતો. એને પણ દાઉદ-શબ્બીરના વધતા જતા વર્ચસ્વથી તકલીફ થતી હતી. દાઉદ-શબ્બીર ગેંગને ખતમ કરવાના ઈરાદા સાથે અમીરજાદા અને સમદખાને તૈયારી આદરી દીધી.

***

અંડરવર્લ્ડના એન્સાઈક્લોપિડિયા સમો પપ્પુ ટકલા મુમ્બૈયા અંડરવર્લ્ડની કથા કહેતા થોડીવાર માટે અટક્યો. તેની સાથે અમારી આ ત્રીજી મિટિંગ હતી.

ત્રીજી બેઠક દરમિયાન બ્લૅક લેબલનો બીજો પેગ તૈયાર કરીને, પાંચમી ફાઈવફાઈવફાઈવ સિગરેટ સળગાવીને ટકલાએ અમારા તરફ જોઈને વાત આગળ ધપાવી, ‘સમદ અને અમીરજાદાએ હાથ મિલાવ્યા પછી મુમ્બૈયા અંડરવર્લ્ડનો અત્યંત હિંસક તબક્કો શરૂ થયો હતો. ૧૯૬૦થી ૧૯૭૯ સુધી તો મુમ્બૈયા અંડરવર્લ્ડમાં કોઈના હાથ-પગ ભાંગવાથી કે મારઝૂડ અને અપહરણથી વિશેષ ઘટનાઓ બનતી નહોતી. ૧૯૬૦થી ૧૯૭૭ સુધીમાં ધ્યાન ખેંચે એવા બે જ હિંસક કિસ્સાઓ મુંબઈના અંડરવર્લ્ડમાં બન્યા હતા. એમાં એક તો ૧૯૬૯માં હાજી મસ્તાને યુસુફ પટેલ પર ગોળીબાર કરાવ્યો એ હતો અને બીજો કિસ્સો ૧૯૭૫માં બન્યો હતો, જેમાં જાફર અને અફઝલે માજિદ ગોલા નામના ગેંગસ્ટરને ઢાળી દીધો હતો. એ બંનેને જેલની સજા થઈ હતી. અને ત્રણ વર્ષ જેલમાં ગાળીને બહાર આવ્યા પછી એ બંને દાઉદ-શબ્બીર ગેંગમાં જોડાઈ ગયા હતા. પણ ત્યાર બાદ થોડા જ વખતમાં મહમ્મદ કાલિયા એમને અમીરજાદાની ગેંગમાં લઈ ગયો હતો. ૧૯૭૯ના અંત ભાગમાં સમદ-અમીરજાદાએ સયુંક્ત રીતે દાઉદ-શબ્બીરને લડત આપવાનું નક્કી કર્યા પછી ઘટનાચક્ર ઝડપથી ફરવા માંડ્યું હતું,’

બ્લેક લેબલના લાર્જ પેગમાંથી લાર્જ ઘૂંટડો ભરીને સિગારેટનો ઊંડો કશ લેવા માટે નાનકડો બ્રેક લઈને ફરી એકવાર પપ્પુ ટકલાએ વાત આગળ ચલાવી.

***

‘શબ્બીર ઔર દાઉદ કો ખત્મ કરને કા ફૂલપ્રૂફ પ્લાન મેરે પાસ હૈ...’

કરીમલાલાનો ભત્રીજો સમદ ખાન અમીરજાદા અને આલમઝેબને કહી રહ્યો હતો.

અમીરજાદા અને આલમઝેબ ધ્યાનથી સમદને સાંભળી રહ્યા હતા. સમદ તેમને સમજાવતો ગયો તેમ-તેમ તે બંનેના ચહેરા પર ચમક આવતી ગઈ.

***

‘સમદભાઈ ને અમીરજાદા ઔર આલમઝેબ કે સાથ મિલકર શબ્બીર ઓર દાઉદ કો ખતમ કરને કા પ્લાન બનાયા હૈ...’

કરીમલાલાનો એક વિશ્વાસુ માણસ કરીમલાલાને માહિતી આપી રહ્યો હતો. તેની વાત સાંભળતા-સાંભળતા કરીમલાલાના કપાળ પર કરચલીઓ પડવા માંડી.

એ વિશ્વાસુ માણસે કરીમલાલાની વિદાય લીધી એ સાથે જ કરીમલાલાએ સમદને બોલાવ્યો.

‘તૂ જીસ રસ્તે પે જા રહા હૈ વો ગલત હૈ, સમદ. કુછ ભી હો સકતા હૈ. મેરી બાત માન ઔર યે જીદ છોડ દે વરના બાદ મેં મૈં ભી કુછ નહીં કર પાઉંગા,’ કરીમલાલાએ સમદખાનને સમજવાની કોશિશ કરી.

‘ક્યા કરના હૈ ઔર ક્યા નહીં કરના હૈ વો મુઝે અચ્છી તરહ માલૂમ હૈ. મુઝે સમજાને કી જરૂરત નહીં હૈ,’ સમદે થોડું તોછડાઈથી કહ્યું.

‘તુમ લોગોં ને હમ સબકો કહા થા કી અબ હમ દુશ્મની નહીં રખેંગે ઔર અબ તુમ વાપસ દુશ્મની શુરુ કર રહે હો...’ કરીમલાલાએ સમદને સમજાવાની વધુ એક કોશિશ કરી.

જો કે કરીમલાલાના શબ્દોની સમદ પર કોઈ અસર ન થઈ અને કરીમલાલાની વાત પૂરી સાંભળ્યા વિના જ એ સડસડાટ ઘરની બહાર નીકળી ગયો!

***

સમદના કાકા કરીમલાલાએ જિંદગીના ધણા રંગ જોયા હતા પણ સમદ જે માર્ગે જઈ રહ્યો હતો એ માર્ગ કરીમલાલાને આત્મઘાતી લાગી રહ્યો હતો. એટલે કરીમલાલાએ સમદને સમજાવવાની કોશિશ કરી હતી. કરીમલાલાએ સમદને વાળવા માટે ઘણી મથામણ કરી હતી. પણ સમદનું ગરમ લોહી અંડરવર્લ્ડમાં ‘નંબર વન’ બનવા માટે થનગની રહ્યું હતું. એણે કાકાની વાત કાને ધરી નહીં. સમદના કારસ્તાનોથી તંગ આવી ગયેલા કરીમલાલાએ અખબારોમાં એવી જાહેરાત પણ આપી કે સમદ ખાન સાથે મારે કોઈ જ લેવા દેવા નથી! પણ કરીમલાલાને ગણકાર્યા વિના એમના ભત્રીજા સમદે, અમીરજાદા-આલમઝેબની મદદથી દાઉદ-શબ્બીરને પછડાટ માટે એક્શન પ્લાન અમલમાં મૂકી દીધો હતો.

અમીરજાદા અને સમદખાનની ગેંગ મજબૂત બની રહી હતી. તો સામા પક્ષે શબ્બીર અને દાઉદના ભાઈ અનીસ, નૂરા અને ઇકબાલ પણ મોટા થઇ ગયા હતા. અને દાઉદ-શબ્બીરના ‘ધંધા’માં જોડાઈ ગયા હતા. દાઉદ-શબ્બીર મક્કમ રીતે નેટવર્ક વિકસાવતા જતા હતા. મહમ્મદ કાલિયા એમનાથી છૂટો થઈને અમીરજાદા ગેંગમાં જોડાઈ ગયો હતો. એથી રોષે ભરાયેલા દાઉદે એને દાઢમાં રાખ્યો હતો. પણ કાલિયાને પાઠ ભણાવવાનો દાઉદને મોકો મળતો નહોતો. કાલિયાએ દાઉદ-શબ્બીર સાથે કામ કર્યું હતું. એટલે એને અંદાજ હતો કે દાઉદ છાનોમાનો બેસી નહીં જ રહે. કાલિયા સૈયદ બાટલાની જેમ સહેલાઈથી દાઉદની ઝપટમાં આવી જાય એમ નહોતો.

દાઉદ-શબ્બીર અને અમીરજાદા-સમદની ગેંગ ફરી વાર સામસામે આવી ગઈ હતી. બંને ગેંગના સરદારો ફરી વાર પાક્કા દુશ્મન બની ગયા હતા. દાઉદ-શબ્બીર પોતાની ગેંગમાં ફાટફૂટ પડાવનારા સમદ-અમીરજાદા-આલમઝેબ સામે બદલો લેવાનો મોકો શોધી રહ્યા હતા. પણ દાઉદ-શબ્બીર કંઈ કરે એ અગાઉ સમદ અમીરજાદાએ એક્શન પ્લાન અમલમાં મૂકી દીધો હતો.

***

૧૯૭૯માં ડિસેમ્બર મહિનાની ૨૬મી તારીખે મુંબઈના અંડરવર્લ્ડની ગેંગવોરનું બીજું પ્રકરણ શરૂ થયું હતું. ગેંગવોરના પૂર્વાધનો અંત સુખદ હતો. હાજી મસ્તાન, કરીમલાલા અને બીજા વડીલોએ અંડરવર્લ્ડના જુવાનિયાઓને ટાઢા પાડીને ફરી દોસ્ત બનાવી દીધા હતા. પૂર્વાધમાં એક હોટેલમાલિકની હત્યા, એક પત્રકારની હત્યા અને અયુબલાલા અને સૈયદ બાટલા પર ટોર્ચરની જ ઘટનાઓ બની હતી. પણ ગેંગવોરનો ઉતરાર્ધ અકલ્પ્ય સાબિત થવાનો હતો!

***

૨૬ ડિસેમ્બર ૧૯૭૯ના દિવસે દાઉદનો ભાઈ અનીસ તેના મિત્ર મોહમ્મદ સાહિલ સાથે મુંબઈના ભાયખલા વિસ્તારમાં ગયો હતો. એ બંને ભાયખલા સ્ટેશન પાસે એક અગત્યનું કામ પતાવીને બહાર નીકળ્યા અને કારમાં ગોઠવાયા ત્યારે એમણે ગંદી ગાળો સાંભળી. અનીસ અને સાહિલે અવાજની દિશામાં જોયું. અને એમના મોતિયા મરી ગયા. મોત એમનાથી થોડા વેંત છેટું હતું. એક સાથે ચાર પિસ્તોલધારી એમના તરફ ઘસમસતા આવી રહ્યા હતા. એ પછી બીજી સેકન્ડે બે ઘટના એકસાથે બની. સાહિલે કાર ગિયરમાં નાખીને ભગાવી અને બીજી બાજુ એ બંને પર અંધાધૂંધ ફાયરિગ શરૂ થયું!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

munir anmol

munir anmol 4 માસ પહેલા

Nitesh Shah

Nitesh Shah 4 માસ પહેલા

Nimisha Patel

Nimisha Patel 1 વર્ષ પહેલા

Dhaval  Patel

Dhaval Patel 2 વર્ષ પહેલા

Divya Shah

Divya Shah 2 વર્ષ પહેલા