Once Upon a Time - 4 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 4

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 4

મુંબઈના ભિંડી બજાર વિસ્તારના ‘ગોલ્ડન હેરકટિંગ સલૂન’માં દાઢી કરાવવા બેઠેલો એ ગ્રાહક ઈકબાલ નાતિક હતો. ઉર્દૂ સાપ્તાહિક ‘રાઝદાર’નો તંત્રી અને દાઉદ ઈબ્રાહીમનો જિગરજાન દોસ્ત! અચાનક લમણા ઉપર કોઈ જુદી જ ધાતુનો સ્પર્શ થયો હોય એવું લાગ્યું એટલે એણે આંખો ઉધાડી. સામેના અરીસામાં એની નજર પડી અને એના ગાત્રો શિથિલ થઈ ગયા એના લમણા ઉપર રિવોલ્વર તાકીને સૈયદ બાટલા ઉભો હતો!

સૈયદ બાટલાએ અડધી દાઢીએ જ એને શર્ટના કોલરથી ખેંચીને ઊભો કર્યો અને બહાર ઉભેલી કારમાં ધકેલી દીધો. સૈયદ બાટલાના જમણા હાથ સમો અયુબ લાલા કારમાં પહેલેથી જ બેઠો હતો. ‘તશરીફ લાઈએ. ઈકબાલ મિયાં,’ એણે કટાક્ષમાં કહ્યું.

સૈયદ બાટલા અને અયુબ લાલા ઈકબાલ નાતિકને માહિમ વિસ્તારમાં ઉપાડી ગયા. એને માહિમની એક સૂમસામ ગલીના છેડે એક બંધિયાર મકાનમાં ઘસડી જવાયો. પોલીસથી બચવું હોય ત્યારે બાટલા આ જગ્યાએ દિવસો સુધી છુપાઈ રહેતો હતો.

***

‘મુઝે યહાં ક્યું લાયે હો સૈયદ?’

ઈકબાલ નાતિક ધ્રૂજતા અવાજે પૂછી રહ્યો હતો.

‘અબ તક જાનવરોં કા ગોશ્ત ખાયા હૈ. ઈન્સાન કા કૈસા લગતા હૈ વહ ટેસ્ટ કરના હૈ!’ સૈયદ બાટલાએ અયુબ લાલાને જોરથી તાળી આપીને ખડખડાટ હસતા કહ્યું.

‘દેખો સૈયદ, તુમ્હે કોઈ ગલતફહમી...’

‘ચૂપ બે @#$%&...’ ઈકબાલ પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ ગાળ આપતા સૈયદ તાડૂક્યો, ‘દાઉદ કી ચમચાગીરી કરતા હૈ સાલે દાઉદ કે કુત્તે...’

અયુબ તરફ ફરીને સૈયદે ઉમેર્યું, ‘દાઉદ કે કુત્તે કે બદનમેં ઉસકા કિતના નમક હૈ જરા દેખતે હે. છુરા દે મુઝે.’

અયુબે કસાઈના વપરાશ માટેનો ધારદાર છરો સૈયદ બાટલાના હાથમાં આપ્યો. ઈકબાલના કપાળ ઉપરથી પરસેવો વળી ગયો હતો અને એની આંખોમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં. એણે સૈયદ બાટલાની ક્રૂરતાની ઘણી વાતો સાંભળી હતી. એ બાટલાના પગમાં પડીને જિંદગીની ભીખ માગવા લાગ્યો.

પણ કઠણ કાળજાના બાટલા પર એની કોઈ અસર થઈ નહીં.

અયુબ લાલાએ ઈકબાલ નાતિકને લાકડાની એક જૂની ખુરશી સાથે બાંધી દીધો. સૈયદ બાટલાએ નાતિકના નાક પાસે છરો રાખીને અયુબ સામે જોયું, ‘અયુબ બોલ, યે દાઉદ કે પિલ્લે કે ટુકડે કહાં સે શુરુ કરે?’

‘હાથ સે શુરુ કરો, ભાઈ. ઈસકે હાથને તુમ્હારે ખિલાફ બહુત લિખા હૈ.’ અયુબે સૂચન કર્યું.

‘યે હાથ મુઝે દે દે નાતિક.’ બાટલાએ ‘શોલે’ ફિલ્મના વિલન ગબ્બરસિંહની નકલ કરતા કહ્યું. ઈકબાલ નાતિકની આંખોમાં મોતનો ખોફ છવાઈ ગયો હતો. એનું ગળું સુકાતું હતું, પણ છતાં એ બોલવાની કોશિશ કરતો હતો. ‘મુઝે માફ કર દો, સૈયદભાઈ. મૈં...’

જો કે એ વાક્ય પૂરું કરે એ પહેલા તો એના જમણા હાથ ઉપર બાટલાએ છરો ઝીંકી દીધો હતો. અસહ્ય વેદનાથી એણે ચીસ પાડી. પણ એ એકાંત જગ્યામાં એની ચીસ સાંભળવાવાળું કોઈ નહોતું.

સૈયદ બાટલાના દિમાગ પર ઝનૂન સવાર થઈ ગયું હતું. એ નાતિકના શરીર પર આડેધડ છરો ઝીંકવા માંડ્યો. થોડી ક્ષણોમાં ઈકબાલ નાતિકના ખોળિયામાંથી જીવ નીકળી ગયો હતો. પણ અનુભવી કસાઈની જેમ સૈયદ બાટલા નાતિકના શરીરના નાનાં-નાનાં ટુકડા કર્યે જતો હતો. અયુબ લાલા અંડરવર્લ્ડનો રીઢો ગુનેગાર હતો, પરંતુ પણ થોડી ક્ષણો માટે સ્તબ્ધ બનીને નાતિકના શરીર ઉપર ઝીંકાતા છરાનો ‘ખ્ચ્ચાક-ખચ્ચાક’ અવાજ સાંભળતો રહ્યો હતો!

થોડી વાર પછી સૈયદ બાટલા હાંફી ગયો હતો. એની નજર સામે ઈકબાલના શરીરના ટુકડા વિખરાયેલા પડ્યા હતાં.

બાટલાએ છરો ફગાવ્યો અને પછી એ રૂમના એક ખૂણે પડેલી ‘ઓલ્ડ મન્ક’ રમની બોટલ હાથમાં લીધી. એણે દારૂની બોટલ સીધી જ મોઢે માંડી. ‘ઓલ્ડ મન્ક’ની બોટલમાંથી સીધો ઘૂંટડો ભરવાને કારણે એને ગળાથી છાતી સુધી બળતરાનો અનુભવ થયો. પણ બદલાની આગ સામે આ બળતરા તો કંઈ નહોતી, એણે અયુબને શણનો કોથળો, સોયો અને દોરી લાવવાની સૂચના આપી.

અયુબ પાછો આવ્યો ત્યાં સુધીમાં બાટલાએ બાથરૂમમાં જઈને હાથ, પગ, મોઢું ધોઈને કપડા બદલી લીધા હતાં. બંનેએ શણના કોથળામાં બટાટા ભરતાં હોય એ રીતે નાતિકની લાશના ટુકડા ભર્યા. કોથળો સીવીને એમણે એમ્બેસેડરની ડીકીમાં નાખ્યો. બાટલા અને અયુબ લાલા માહિમની ખાડી તરફ કાર હંકારી ગયા. ‘રાઝદાર’ના તંત્રીના શરીરના ટુકડા ભરેલો કોથળો માહિમની ખાડીમાં ફગાવીને એમણે કાર દક્ષિણ મુંબઈ તરફ મારી મૂકી.

***

‘ટુકડા કરીને માહિમની ખાડીમાં ફેંકી દેવાયેલી લાશ ઓળખી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી આધારભૂત માહિતી પ્રમાણે એ લાશ ઉર્દૂ સાપ્તાહિક ‘રાઝદાર’ ના તંત્રી ઈકબાલ નાતિકની હતી. હત્યારાઓએ ક્રુરતાપૂર્વક ઈકબાલ નાતિકની હત્યા કર્યા બાદ એના શરીરના ટુકડા કરીને કોથળામાં ભરીને માહિમની ખાડીમાં ફગાવી દીધા હતા. ઈકબાલ નાતિકની કપાયેલી આંગળીમાં રહી ગયેલી વીંટી અને એણે પહેરેલા કપડાંના ટુકડાને આધારે પોલીસને લાશ ઓળખવામાં સફળતા મળી હતી. નાતિકના હત્યારા(અથવા હત્યારાઓ)ને શોધવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે. જો કે આ લખાય છે, ત્યાં સુધી પોલીસને નાતિકના હત્યારાના કોઈ સગડ મળ્યા નથી. પોલીસે શંકા પરથી ઘણા માણસોની પૂછપરછ કરી છે. જો કે પોલીસ અધિકારીઓએ એવો દાવો કર્યો છે કે અમે હત્યારાઓને ટુંક સમયમાં પકડી પાડીશું....’

છેલ્લું વાક્ય વાંચીને દાઉદે છાપું જોરથી ફગાવ્યું.

‘યે મર્ડર બાટલા કો બહોત ભારી પડેગા,’ શબ્બીર સામે જોઈને એણે કહ્યું. આ વખતે શબ્બીરે દાઉદને રોકવાની કોશિશ ન કરી. પાણી નાક સુધી આવી ગયું હતું. એને ખબર પડી ગઈ હતી કે સૈયદ બાટલા ઈકબાલ નાતિકને એક વાળંદની દુકાનમાંથી ઉઠાવી ગયો હતો. નાતિકના મર્ડરનો જવાબ ન અપાય તો સૈયદ બાટલા, અમીરજાદા અને આલમઝેબ દાઉદ અને શબ્બીર સામે છાતી કાઢીને ઊભા રહે અને તો અત્યાર સુધી કર્યું-કારવ્યું બધું ધૂળમાં મળી જાય. નાતિકના ખૂનનો બદલો ન લેવાય તો દાઉદ અને શબ્બીરના માણસો તેમને છોડીને જતા રહે. આવી હાંસીપાત્ર સ્થિતિમાં મુકાવાની સાથે ‘ધંધા’માં પણ જબરદસ્ત ફટકો પડે એવા વિચાર શબ્બીરના મનમાં પણ ચાલી રહ્યા હતા.

શબ્બીર અને દાઉદે તેમના નાના ભાઈઓ અનીસ, નૂરા અને ઈકબાલને અંડરવર્લ્ડની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી દીધી હતી અને ડઝનબંધ માણસોની ગેંગ ઊભી કરી દીધી હતી.

‘આ સમય બરાબર છે બાટલા ત્રિપુટીને પાઠ ભણાવવાનો.’ શબ્બીરે વિચાર્યું. એણે દાઉદ સામે સંમતિસૂચક નજરે જોયું.

શબ્બીરની પરવાનગી મળી ગઈ છે એવું સમજી ગયેલો દાઉદ સડસડાટ ઘરની બહાર નીકળી ગયો.

પત્રકાર ઈકબાલ નાતિકનું ખૂન કરતા અગાઉ બાટલા એક વાત ભૂલી ગયો હતો કે નાતિકની મુમ્બૈયા અંડરવર્ડના આકા હાજી મસ્તાનની સાથે પણ દોસ્તી હતી. એને કારણે જ નાતિક અમીરજાદા, આલમઝેબ અને બાટલાને ગણકારતો નહોતો. હાજી મસ્તાનને જ્યારે બાટલાના દુ:સાહસની જાણ થઈ ત્યારે એ ધૂંઆપૂંઆ થઈ ગયો. એણે બાટલાને બોલાવી ઠપકાર્યો. જોકે નાતિક માર્યો ગયો એના કરતા મસ્તાનને અને કરીમલાલાને પણ બીજી એક વાત વધુ કઠી હતી. નાતિકના ખૂન વિશે પોલીસને ખબર પડે એ પહેલાં અંડરવર્લ્ડમાં બધાને જાણ થઈ ગઈ હતી કે નાતિકનું ખૂન અયુબ લાલા અને સૈયદ બાટલાએ કર્યું હતું.

આવી સ્થિતિ ટાળવા માટે હાજી મસ્તાને સૈયદ બાટલાને થોડો સમય છુપાઈને રહેવાનો અને તમામ ‘પ્રવૃત્તિ’ અટકાવી દેવાનો આદેશ આપ્યો. હાજી મસ્તાને વિચાર્યું હતું કે વખત જતા બધું થાળે પડી જશે.

પણ એના ત્રીજા જ દિવસે હાજી મસ્તાન અને સૈયદ બાટલાને મોટો આંચકો લાગ્યો!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED