ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 1 Sharad Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 1

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(1)

લોકોને જોયા અમે, આ એક બાબતમાં ઉદાર

કોઇને કહેવું નથી પડતું, પ્રહાર આપજો

મધરાતનો સુમાર. વયોવૃધ્ધ, બિમાર ડો. પટેલ સાહેબના બંગલાની ડોરબેલ ગૂંજી ઉઠી. નોકરે બારણું ઊઘાડ્યું. ઝાંપા આગળ એક રીક્ષા ઊભી હતી. રીક્ષામાં એક ગરીબ મુસલમાન ઔરત ખોળામાં લાશ જેવી બાળકી લઇને બેઠી હતી. એનો ખાવિંદ ડો. પટેલના બંગલાના બારણા પાસે ઊભો હતો. નોકરને વિનવી રહ્યો હતો: “સાહેબને બોલાવો ને! જલદી કરો, ભાઇ, મારી ગુલશન મરી રહી છે.....”

નોકરે જવાબમાં જ જાકારો આપી દીધો, “ભાઇ, તુ ખોટા સમયે આવ્યો છે. અમારા ડોક્ટર સાહેબ પોતે જ હાલમાં બિમાર છે. થોડાં દિવસો પહેલાં જ એમને હાર્ટ એટેક આવી ગયો. અમદાવાદમાં બાય પાસ સર્જરી કરાવીને આજે સાંજે જ ઘરે આવ્યા છે. ડોક્ટરોએ એમને હરવા-ફરવાની છૂટ આપી છે, પણ દવાખાનુ ચલાવવાની કડક મનાઇ કરી છે. સાહેબ સરકારી હોસ્પિટલમાં માનદ સેવાઓ આપવા જતા હતા ત્યાં પણ દોઢ મહિનાની રજા મૂકી દીધી છે.”

મરતા ક્યા નહીં કરતા? ગરીબ બાપને ડોક્ટરની બાય પાસ સર્જરી સાથે શી લેવા-દેવા? એને મન તો એની મરી રહેલી ગુલશનનો પ્રશ્ન એ જ વિશ્વનો સૌથી મહત્વનો પ્રશ્ન હતો.

“ભાઇ, તુ આટલુ બધુ બોલી ગયો એને બદલે એક વાર અંદર જઇને પટેલ સાહેબને કહી આવ ને કે રમઝાન ભાઇ નામનો એક મજબૂર બાપ એની બિમાર બેટીને લઇને તમારા આંગણે આવ્યો છે અને સારવારની ભીખ માગી રહ્યો છે! પછી જો તારા સાહેબ આવવાની ના પાડશે તો હું ચાલ્યો જઇશ.”

નોકર સમજી ગયો કે આ ‘બલા’ આસાનીથી ટળવાની નથી. એ અંદર ગયો. બેડરૂમમાં એના સાહેબ ઘેરી નિંદરમાં પોઢેલા હતા. ડબલ બેડ પર એમના પત્ની પણ દિવસભરનો થાક ઓઢીને આડે પડખે થયાં હતાં. યુવાન દીકરી ડો. ચિત્રા બાજુની પાટ પર કાગાનિંદરમાં પડેલી હતી. ચિત્રાને એનાં પિતાની ખૂબ જ ચિંતા હતી. સમયાંતરે દવાઓ આપવી રાત્રે બાથરૂમ સુધી લઇ જવા, નાની મોટી ફરિયાદ થાય તો સીધા કાર્ડિયોલોજીસ્ટ સાથે ફોન પર વાત કરવી; આ બધી જવાબદારીઓ ડો.ચિત્રાએ ઊઠાવી લીધી હતી.

નોકરે હજુ તો બેડરૂમનુ બારણુ હડસેલ્યું એટલામાં જ ડો. ચિત્રા જાગી ગઇ, “શું છે?”

“બહેન, પપ્પાને કહો કે પેશન્ટ છે. ઇમરજન્સી છે.”

“તું ગાંડો થયો છે? પેશન્ટને કહી દે કે પપ્પા.... ....”

“એ નથી માનતો. જીદ પકડીને બેઠો છે. કહે છે કે ના પાડનાર તમે કોણ? ડો. પટેલ સાહેબ પોતે ના પાડશે તો એ ચાલ્યો જશે.”

ડો.ચિત્રાને મામલો સમજમાં આવી ગયો. એ પોતે તાજી જ ડોક્ટર બની હતી. ગાયનેકોલોજીસ્ટ હતી. પણ એને દર્દીઓની આવી જીદી માનસિકતાના અનુભવો થઇ ચૂક્યા હતા. એણે પપ્પાની પાસે જઇને હળવેથી એમના હાથને સ્પર્શ કર્યો. ડો. પટેલને ખલેલ પડી. તેમણે આંખો ખોલી. બાજુમાં દીકરીને ઊભેલી જોઇને પૂછ્યું, “દવાનો ટાઇમ થયો?”

ચિત્રા હસી પડી, “ના, પપ્પા! દરદીનો ટાઇમ થયો છે. એક ઇમર્જન્સી કેસ છે. અમારું નહીં સાંભળે. યુ વિલ હેવ ટુ ગો એન્ડ સે નો ટુ હીમ.”

ડો. પટેલ જિંદગીભર એક નિષ્ઠાવાન બાળરોગ નિષ્ણાત રહ્યા હતા. ક્યારેય કોઇ દરદીને તપાસવાની એમણે ના પાડી ન હતી. પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા કરતા છેલ્લા પાંત્રીસ વર્ષથી તેમણે ગવર્નમેન્ટ હોસ્પિટલમાં પણ માનદ વેતન લઇને (માત્ર એક રૂપીયા ટોકન મહિનાના લઇને) રોજ સવારે-સાંજે એક-એક કલાક ગરીબ દરદીઓને તપાસવાનુ ચાલુ રાખ્યુ હતું. હવે ઉંમર થઇ હતી. આ હૃદયે સાથ આપવાનું બંધ કર્યું હતું. કાર્ડિયાક સર્જરી કરાવવી પડી. એટલે દોઢ મહિનાની રજા મૂકવી પડી. પોતાના ક્લિનિકમાં પણ ખાડો પાડ્યો હતો.

તેમ છતાં ડો. પટેલ બેઠા થઇ ગયા. નોકર દોડીને વ્હીલ ચેર લઇ આવ્યો. ડો.ચિત્રાએ પપ્પાને ટેકો આપીને એમાં શિફ્ટ કર્યા. ડો. પટેલને ચાલવામાં હજુ તકલીફ પડતી હતી. હાંફી જવાતુ હતું. હાથ-પગ ધ્રૂજતા હતા. વ્હીલ ચેરમાં બેસીને તેઓ બારણાં પાસે આવ્યા.

રમઝાનની આંખો ચમકી ઉઠી, “સા’બ આવી ગયા ને? હું રીક્ષામાંથી મારી ગુલુને લઇ આવું.......”એ ગાંડો બાપડો દોડી ગયો.

બે જ મિનિટ પછી ગુલુ ડો. પટેલની આંખો સામે હતી. ઝાડા ઉલ્ટીથી નખાઇ ગયેલી, માથાનુ તાળવું ઊંડું ઊતરી ગયું હતું. ચામડી એની સ્થિતિસ્થાપકતા ગૂમાવી બેઠી હતી. પેશાબ છ કલાકથી બંધ હતો. પેટ ફૂલી ગયું હતું. બાળકીનાં કપડાં પર લીલા રંગની ઉલટીના દુર્ગંધ મારતા ધબ્બાઓ જોઇ શકાતા હતા.

“ભાઇ, તારી દીકરીની હાલત તો ખૂબ જ ગંભીર છે. એ ભાગ્યે જ બચે તેમ છે. તું એને લઇને સરકારી હોસ્પિટલમાં પહોંચી જા. ત્યાં બાળરોગ વિભાગમાં એને દાખલ કરવી પડશે.”

“સા’બ, હું ત્યાં જ ગયો હતો. આપના પ્રાઇવેટમાં આવવા જેટલી તો મારી હેસિઅત ક્યાં છે? મને ખબર છે કે સરકારી દવાખાનામાં પણ આપ જાવ છો. એટલે જ હું ત્યાં ....”

“તો પછી ત્યાંથી અહીં શા માટે આવ્યો?”

“ત્યાં ડ્યુટી પર એક જુવાન ડોક્ટર હતા. એમણે કેસ લેવાની ના પાડી દીધી. કહી દીધું કે ગુલી મરી જશે. જો એને જીવાડવી હોય તો પટેલ સાહેબ પાસે લઇ જા. એમણે કહ્યું યે ખરું કે સાહેબ પોતે બિમાર છે. પણ પ્રયત્ન કરી જો. એટલે હું આપની પાસે.....” રમઝાન રડી પડ્યો, “સા’બ, મારી ગુલીને બચાવી લો. જોઇએ તો એને પ્રાઇવેટમાં દાખલ કરી દો. હું મારું ઝૂંપડું વેચીને ફી.... ....”

“રહેવા દે, ભાઇ! જિંદગીમાં મારી ફી ચૂકવવા માટે કોઇએ મકાન તો શું પણ પિતળનું વાસણ પણ વેંચવુ નથી પડ્યું. મારો સ્ટાફ તો રજા પર છે. તું એક કામ કર; રીક્ષામાં બેસીને પાછો સરકારી દવાખાને પહોંચી જા. હું ત્યાં જ આવું છું.”

ડો. ચિત્રા લગભગ ચીસ પાડી ઊઠી, “ પપ્પા! તમે આ શું કહી રહ્યા છો? ડોક્ટરોએ તમને બેડરૂમની બહાર નીકળવાની મનાઇ કરી છે. તમે ગવર્નમેન્ટ હોસ્પિટલ સુધી જવાની વાત કરો છો? મને ખબર છે કે ત્યાં બાળકોનો વિભાગ ચોથા માળ પર આવેલો છે. ત્યાંની લિફ્ટ વરસમાં તેર મહિના તો બગડેલી હોય છે. તમે ચાલીસ પગથિયા ચડીને......? નો, પપ્પા, હું તમને એવું નહીં કરવા દઉં.”

“ચિત્રા, બેટા! તું પણ એક ડોક્ટર છે ને? તારાથી આવી વાત કરાય? હું પથારીમાં આખી જિંદગી પડ્યો રહું તો પણ આ રફુ કામ વાળા હાર્ટ સાથે કેટલા વર્ષ કાઢીશ? એના કરતા આ ગરીબ માણસની કળી જેવડી દીકરીને જીવાડતો જઉં તો કદાચ સિતેર-એશીં વર્ષ સુધી જીવતી રહેશે. આપણો મેડીકલ પ્રોફેશન આખરે બીજુ શું છે? આપણાં દર્દીઓના શ્વાસોમાં આપણાં શ્વાસો ઊમેરીને આ જગતમાંથી ચાલ્યા જવાનું એક સત્કર્મ જ ને!”

આટલું સમજાવીને ડો. પટેલે ડો. ચિત્રાને કહ્યું, “ચાલ, ગાડી બહાર કાઢ. તું આવે છે સાથે? કે પછી હું જાતે ચલાવીને.....?”

ડો.ચિત્રા સમજી ગઇ કે એનો ‘બાપ’ અત્યારે હઠ ઉપર આવી ગયો છે. એણે ગેરેજનુ શટર ઊઘાડીને કાર બહાર કાઢી. ડો. પટેલ બેસી ગયા.

હોસ્પિટલના ચાર-ચાર દાદરા ચડવા એ સિવાયેલા હૃદય વાળા વૃધ્ધ ડોક્ટર માટે હિમાલયનુ આરોહણ કરવા જેવું કપરુ કામ હતું. ડો. પટેલ હળવે હળવે પગથિયા ચડતા ગયા. દીકરીનાં ખભા પર હાથ મૂકીને વિરામ લેતા ગયા. હાંફતા હાંફતા આખરે ચોથા માળે જઇ પહોંચ્યા. જઇને વોર્ડની ખુરશીમાં ફસડાઇ પડ્યા. શ્વાસ જરાક હેઠો બેઠો એ પછી એમણે નર્સને આદેશ આપ્યો, “સિસ્ટર, બેબીને નસમાં ગ્લુકોઝ સેલાઇનની બોટલ ચડાવવાની છે.......”

“સર, એની બધી જ નસો દબાઇ ગઇ છે. સોય જશે જ નહીં. અગાઉ અમે ટ્રાય કરી ચૂક્યા છીએ.” નર્સે ખુલાસો કર્યો.

“આઇ સી! તો પછી વેનીસેક્શનની તૈયારી કરો. એની નસ કાપીને એમાં પાતળો પોલીથીન તાર દાખલ કરવો પડશે. બી ક્વિક! વી આર ફાઇટીંગ અગેઇન્સ્ટ ટાઇમ!”એક મેડિકલ ઓફિસર મદદમાં દોડી આવ્યા. આઠ જ માસની ગુલશનના પગની પીંડી પાસે ચેકો મૂકીને એની નસ કાપીને એમાં સાવ બારીક નળી દાખલ કરવામાં આવી. પછી પ્રવાહીનો બાટલો ચડાવવામાં આવ્યો. નસ સાવ સંકોચાઇ ગઇ હોવાથી પ્રવાહીના ટીપાં સાવ જ મંદ ગતિમાં એના શરીરમાં જઇ રહ્યા હતા. પણ ધીમે ધીમે બાળકીનું ડીહાઇડ્રેશન દૂર થવા લાગ્યું હતું.

દરમ્યાન ડો. પટેલે નર્સને પાંચ ઇન્જેક્શનોના નામ જણાવ્યા, “સિસ્ટર, આ બધાં એક પછી એક સીધા નસમાં જ આપી દો.”

ગુલશનનાં નાકમાંથી પાતળી ટ્યુબ જેવી નળી પસાર કરવામાં આવી, “સિસ્ટર, દર્દીનું પેટ ફુલી ગયું છે. એમાં બગાડ જમા થયો છે તે આગળ વધી શકતો નથી. માટે થોડી થોડી વારે આ નળીના છેડા સાથે સિરીંજ જોડીને પ્રવાહી ખેંચતા રહેજો.”

નાકના બીજા નસકોરામાં ઓક્સિજનની નળી દાખલ કરી દીધી. હવે ગુલશનની સ્થિતિ ‘સ્ટેબલ’ થઇ ગઇ. ગુલશનને 104 તાવ હતો. ડોક્ટરે બરફના પાણીના પોતાં મૂકાવ્યા. પૂરા બે કલાક તેઓ વોર્ડમાં બેસી રહ્યા. ગુલશનનું ટેમ્પરેચર ઊતરવા માંડ્યું. પેટ ધીમે ધીમે ખાલી થવા લાગ્યું. ડીહાઇડ્રેશન દૂર થવા માંડ્યું. એણે હવે આંખો ઊઘાડી ફિક્કું સ્મિત ફરકાવ્યું. એ પછી જ ડો. પટેલ ઘરે જવા માટે ઊભા થયા.

ગુલશનની જિંદગી બચી ગઇ. પણ ડો. પટેલ તકલીફમાં આવી પડ્યા. સરકારી હોસ્પિટલમાં કેટલાક ડોક્ટરો એમના વિરોધીઓ હતા. એમનાથી ડો. પટેલની આવી લોકપ્રિયતા સહન થતી ન હતી. એક ઇર્ષાળુએ ફરિયાદ કરી, “ડો. પટેલ પોતે બિમાર હોવાં છતાં શા માટે દર્દીને સારવાર આપવા માટે સરકારી હોસ્પિટલમાં આવ્યા એ તપાસ માગી લે તેવો પ્રશ્ન છે. મને લાગે છે કે તેઓ સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે આવું કરી રહ્યા છે. એ રીતે તેઓ દર્દીઓને એમના પ્રાઇવેટ દવાખાનામાં ખેંચી જાય છે. અમારી વિનંતી છે કે તેમની ઉપર યોગ્ય પગલાં લેવામાં આવે.”

સાંજનો સમય હતો. ડો.પટેલ સતત પાંચ દિવસથી આવી શારીરિક હાલતમાં સરકારી દવાખાનામાં ગુલશનને જોવા માટે આવતા રહેતા હતા. એક દિવસ ગુલશનના બાપને એણે દુ:ખી જોઇને પૂછ્યું, “શું છે? હવે તો તારી ગુલુ બચી ગઇ છે.”

“હા, સા’બ! પણ એની પાછળ દવાઓ અને ફળોના થઇને ત્રણ હજાર રૂપીયા ખર્ચાઇ ગયા છે. મેં વ્યાજે લીધા છે એની ચિંતામાં હું દુ:ખી છું.” રમઝાનની વાત સાંભળીને ડો. પટેલે પાકીટમાંથી ત્રણ હજાર રૂપીયા કાઢી આપ્યા. બરાબર ત્યારે જ પ્યૂન આવીને એક પરબિડિયું આપી ગયો. ડો. પટેલે અંદરથી કાગળ કાઢીને વાંચ્યો લખ્યું હતું: “આવતી પહેલી તારીખથી આપની માનદ સેવાઓને ટર્મિનેટ કરવામાં આવે છે.”

ડો. પટેલની આંખો છલકાઇ ઊઠી. એ બબડી રહ્યા: જ્યારે પચીસ વર્ષનો હતો ત્યારે અમેરિકામાં સેટલ થવાની તક મળી હતી. વધાવી લીધી હોત તો આજે આ સમય ન આવ્યો હોત!

(કથા બીજ: ડો. ટી.એચ. સાહેરવાલા, ગોધરા.)

(શીર્ષક પંક્તિ: બેફામ)

-------