ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 7 Sharad Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 7

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(7)

પૂછશે ઘરે કે કેમ પલળ્યા હતા

કહીશું, રસ્તામાં ભીનાં નયન મળ્યાં હતાં

“આજે સતીષના મેરેજમાં જવાનુ છે તે યાદ છે ને?” હું ઓપરેશનમાં એકાગ્રચિત હતો ત્યારે મારા એનેસ્થેટીસ્ટ મિત્રો મને યાદ કરાવ્યું. ધ્યાનભગ્ન થવાનું મને પરવડે તેવુ ન હોવા છતાં મેં એને ટૂંકો જવાબ તો આપ્યો જ: “હા, યાદ છે. તારે પણ આવવાનું છે એ તને યાદ છે ને?”

વર્ષો પહેલાંની ઘટના. વર્ષો નહીં પણ દાયકાઓ વીતી ગયા. હું તાજો જ એમ.ડી. થયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં નોકરીમાં જોડાયો હતો. રોજના દસથી બાર જેટલા ઓપરેશનો તો ઓછામાં ઓછા કરવા પડતા હતા. હોસ્પિટલમાં એનેસ્થેટીસ્ટ ન હતા. જે દિવસે ચાર-પાંચ મોટા ઓપરેશનો રાખ્યા હોય ત્યારે નડીયાદ કે આણંદથી એનેસ્થેટીસ્ટને બોલાવી લેતો હતો. એ સિવાયના દિવસોમાં હું જોતે જ એનેસ્થેસિયા આપી દેતો હતો. આજે તો આવું કરવું તે અપરાધ ગણાય. પણ એ વરસોની વાત જ અલગ હતી. દર્દી ત્યારે ગ્રાહક ન હતો અને ડોક્ટર-પેશન્ટ નો સંબંધ પ્રેમભર્યો હતો. કન્ઝયુમર્સ પ્રોટેક્શન એક્ટ જો અમલમાં આવ્યો હશે તો એ વાતની જાણ હજુ મારા કે દરદીઓના કાન સુધી પહોંચી ન હતી.

એક દિવસ સવારથી હું અને એનેસ્થેટિસ્ટ ડો. જોષી ઓપરેશન થિયેટરમાં પૂરાયા હતા. ત્રીજા ઓપરેશન વખતે ડો.જોષીએ મને ખલેલ પહોંચાડીને કહ્યું, “આજે સતીષના મેરેજ છે. તમારે જવાનુ છે તે યાદ છે ને?”

“હા, પણ મારે એકલાએ નથી જવાનું; તારે પણ આવવાનુ છે. એટલા માટે તો આજે વધારે ઓપરેશનો નથી રાખ્યા. બાર વાગ્યે શટર બંધ! તું આવે છે ને?” મેં દર્દીના પેટની ચામડી પર છેલ્લો ટાંકો મારતા પૂછ્યું.

સતીષ પણ ડોક્ટર હતો. કુંવારાપણાની આઝાદીમાંથી લગ્નજીવનની ગુલામીમાં કેદ થઇ રહ્યો હતો. એ પણ ડોક્ટર હતો. ઇન્વીટેશન કાર્ડ આપવા આવેલો ત્યારે ખૂબ જ આગ્રહ કરી ગયો હતો, “દોસ્ત, તારા વગર હું મંડપમાં નહીં બેસું. તારે મને આજીવન કુંવારો જ રાખવો હોય તો ન આવતો.”

મેં હાથમાં કાર્ડ પકડીને અંદરની ઝીણી-ઝીણી વિગત વાંચતા પૂછ્યું હતું: “ પણ આ વાઘપુરા ક્યાં આવ્યું?”

એણે લાંબુ લચક માર્ગદર્શક ભાષણ પીરસી દીધુ હતું.

મને કંઇ સમજ ન પડી એટલે કંટાળીને પાયાનો પ્રશ્ન પૂછી નાખ્યો હતો: “ડોબા! એક સવાલનો જવાબ આપ. તું આટલું ભણ્યો, ડોક્ટર બન્યો, તારા પપ્પાનો બંગલો પણ અમદાવાદમાં છે, તારા બધા મિત્રો પણ ત્યાં છે; તો પછી તારા લગ્ન વાઘપુરામાં રાખવાનું કંઇ કારણ ખરું? અમારો તો વિચાર કરવો હતો.”

સતીષે માથુ હલાવીને સંમતિનો સૂર પૂરાવ્યો હતો, “ વાત સો ટકા સાચી છે. મેં પણ આવું જ કહ્યું હતું, પણ પપ્પા માન્યા નહીં. મારા દાદા-દાદી, મોટા બાપા અને બીજા વડીલો ગામડામાં રહે છે. એમનો આગ્રહ હતો કે લગ્ન તો આપણાં બાપદાદાના ગામમાં જ.... .... ...”

આ રીતે અમારો વાઘપુરા-પ્રવાસ ઘડાયો હતો. એનેસ્થેટિસ્ટ ડો. જોષીએ છટકવા માટેની છેલ્લી દલીલ શોધી કાઢી, “પણ હું તો પહેરેલા કપડે જ આવ્યો છું. સાથે આ એનેસ્થેસિયા ની બેગ છે.”

મેં એની છટકબારી વાસી દીધી, “નો પ્રોબ્લેમ. વરસાદની મોસમને હજુ પંદરેક દિવસની વાર છે, પણ આજે સવારે જ માવઠુ પડ્યું છે. એટલે હું બે જોડી કપડાં સાથે રાખવાનો છું. મારુ શર્ટ તને આવી રહેશે. તારી સાધનોવાળી બેગ પણ તું ગાડીમાં મૂકી દેજે. પાછા વળતાં તને એસ.ટી. સ્ટેન્ડે ઊતારી દઇશું.”

“ના, કાર મારી નથી; ડો. પરીખની છે. એ અમદાવાદથી આવ્યા છે. દર શુક્રવારે અહીં આવે છે. ડો.સતીષે એમને પણ કંકોતરી આપી છે. એટલે આપણે ત્રણ જણાં સાથે જ નીકળીશું.”

“ભલે.” ડો. જોષી તૈયાર થઇ ગયો; “ક્યારે નીકળીશું?”

“જ્યારે પિડિયાટ્રીક ઓ.પી.ડી. પૂરી થાય ત્યારે. આપણે તો હવે દાવ ડિક્લેર કરી જ નાખ્યો છે.”મેં ગ્લોવ્ઝ અને ગાઉન ઊતારતા જવાબ આપ્યો.

લગભગ દોઢ વાગ્યે બાળકોનો વિભાગ બંધ થયો. ડો. પરીખ ગાડીમાં બિરાજ્યા. એ કારને બદલે જીપ લઇને આવ્યા હતા. તે સમયે મારૂતી કંપનીએ નવી જીપ્સી બહાર પાડી હતી. રૂફ વગરની રફ એન્ડ ટફ જીપ્સી એકલા જુવાનિયાઓ માટેનું મનપંસદ વાહન બની ગઇ હતી. અમે ત્રણેય એમાં સવાર થઇને ઉપડ્યા.

“પરીખ, મને એક જ વાતની ચિંતા છે.” મેં ગોરંભાયેલા આકાશ સામે જોઇને વાત શરૂ કરી.

“શું છે?”

“આ માવઠું ક્યાંક આપણને હેરાન ન કરે તો સારું”

“તું ચિંતા ન કર. જીપ્સીનું રૂફ હું સાથે લઇને નીકળ્યો છું. આપણે પલળી નહીં જઇએ.”ડો.પરીખનો જવાબ સાંભળીને હું આશ્વસ્ત થયો. પણ કાળા ડિબાંગ વાદળોના કારણે ભર બપ્પોરે વાતાવરણ આથમતી સાંજ જેવુ બની ગયું હતુ. ઠંડો પવન જોરશોરથી ફૂંકાતો હતો. વેરાવળના દરિયા કાંઠે વાવાઝોડું આવવાની ચેતવણી અપાઇ રહી હતી એ દિવસો હતા. ખારવાઓને હોડીઓ લઇને સમુદ્રમાં જવાની મનાઇ ફરમાવવામાં આવી હતી. અને અમે ત્રણ મરજીવાઓ જીપ્સીમાં સવાર થઇને અમારા મિત્ર સતીષની સપ્તપદીનો સમંદર ખૂંદવા નીકળી પડ્યા હતા.

લગભગ દોઢેક કલાક જેટલો પ્રવાસ ખેડ્યા પછી ડો. પરીખે સહજ રીતે પૂછ્યું, “વાઘપુરા હજી કેટલું દૂર હશે?”

ત્યારે જ મારું ધ્યાન ઘડિયાળ તરફ ગયું, “અરે! વાઘપુરા તો આવી ગયુ હોવુ જોઇએ. સતીષે જે નકશો બતાવ્યો હતો તે પ્રમાણે પોણા કલાકમાં આપણે.......! ઓહ્, મને લાગે છે કે આપણે રસ્તો ભૂલી ગયા છીએ.”

ડો.પરીખ ચિડાયા, “આપણે નહીં, પણ તમે રસ્તો ભૂલી ગયા એમ કહો, સાહેબ! અમે તો વાઘપુરાનો રસ્તો જોયો જ નથી.”

“ત્યારે મેં પણ ક્યાં જોયો છે? હું કંઇ વાઘપુરાથી અપડાઉન નથી કરતો!” મેં છાશિયુ કર્યું.

વાતાવરણ બગડતું જતુ હતુ; બહારનુ પણ અને અંદર જીપ્સીનુ પણ. ત્યાં અચાનક ગાડી ડચકાં ખાવા માંડી. પછી ઘરડાં માણસની ખાંસીની જેમ ચાર-પાંચ વાર ખખડી લીધા પછી એ બંધ પડી ગઇ. પરીખે ચાર-પાંચ વાર સેલ મારી જોયા. એન્જિન ચાલુ થઇને પાછું બંધ થઇ જતુ હતું એની નજર ફ્યુએલના મીટર પર પડી.

“ઓહ્! ટાંકીમાં ડીઝલ તો ખલાસ છે!!!”

હું અને જોષી એની ઉપર અકળાઇ ગયા, “ટાંકી ફુલ કરાવીને નીકળવુ જોઇએ ને? તને ખબર તો હતી જ કે.....?”

પણ રાંડ્યા પછીના ડહાપણનો કશો અર્થ ન હતો. ભરબપ્પોરે રસ્તા પર રાત ઢળી રહી હતી. વાહનની ટાંકી ખાલી હતી. દિશા સૂઝતી ન હતી. એ મારગડે વાહનોની અવર-જવર પણ નહીંવત્ હતી. મિત્રના લગ્ન અમારી પ્રતિક્ષા કરતા હતા. અમે નહીં પહોંચીયે ત્યાં સુધી વર માંડવે પધારવાનો ન હતો. અમે ત્રણેય જણાં રઘવાટમાં આવી ગયા હતા. હવે શું કરવું?

ડો.જોષીની નજર ડાબા હાથે આવેલા એક ખેતર તરફ દોડી ગઇ, “ત્યાં ઝૂંપડી જેવુ લાગે છે.”

“આપણને ડીઝલની જરૂર છે, ઝૂંપડીની નહીં.”

“પણ ડીઝલ કદાઝ ઝૂંપડીમાંથી જ મળશે. ખેતરમાં જો કૂવામાંથી પાણી ખેંચવાની મોટર મૂકી હશે તો....! લેટ એસ ટ્રાય!”

અમે માવઠાથી લથબથ માટીમાં મોંઘા લેધર શૂઝ બરબાદ કરવા માટે ચાલી નીકળ્યા. વીસેક મિનિટ જેટલુ ચાલ્યા પછી ઝૂંપડીની પાસે જઇ પહોંચ્યા.

બહાર ખૂલ્લા આંગણામાં એક વૃધ્ધ આદીવાસી અને જુવાન પુરુષ ચિંતાતુર ચહેરાઓ લઇને બેઠેલા હતા. મને આશ્ચર્ય થયું; આવા ઠંડા વરસાદી છાંટાઓ વચ્ચે આ બંને ખૂલ્લામાં કેમ બેઠા હશે? જવાબ મળી ગયો. ઝૂંપડીનું બારણું અંદરથી વાસેલું હતું. બારણાંને ભેદીને કોઇ સ્ત્રીની કારમી ચીસો બહાર સુધી સંભળાઇ રહી હતી. હું સમજી ગયો; આ ચીસો કોઇ પ્રસૂતાની હોવી જોઇએ.

ડોસાએ માહિતી આપી, “ મારા દીકરાની વહુ છે. દાયણ ક્યારનીયે મથે છે. છુંટકારો થાતો નથી. હવે તો ભગવાન.....”

ત્યાં બારણું ખૂલ્યું. દાયણ પરસેવો લૂછતી બહાર નીકળી, “મથુરકાકા, મારથી નંઇ બને. જશીને મોટા દવાખાને લઇ જવી પડશે. બચ્ચાનો જીવ જોખમમાં છે.”

ડોસો રડમસ થઇ ગયો, “મોટા દવાખાને? અત્યારે? અમારી પાસે તો સાયકલેય નથી. માલીકનું ટ્રેક્ટર હતુ ઇ પણ બહાર ગ્યુ છે.”

જુવાન પણ રડવા લાગ્યો, “હે ભગવાન! મારી ઘરવાળીએ શું પાપ કર્યું કે તેં એની આ દશા કરી? એ બિચારી તો રોજ તારી પૂજા કરતી’તી તેં આજે એને મરવાનું ટાણુ દેખાડ્યું?”

હું વિચારતો હતો; ટ્રેક્ટર હતું તો ડીઝલ પણ હશે ને? જીપ્સીમાં ડીઝલ પૂરાવીને આ સ્ત્રીને મારી હોસ્પિટલમાં ન લઇ જઇ શકાય? પણ સતીષના લગ્નનું શું.....?

ત્યાં જ દાયણ પાછી બહાર ધસી આવી, “મથુરકાકા, જે કરવું હોય તે ઝટ કરો. જશીની આંખ ફરી ગઇ છે.....”

હવે મેં નિર્ણય લઇ લીધો. બીજુ કંઇ જ કરવા જેટલો સમય ન હતો. મેં દાયણને હડસેલીને ઝૂંપડીમાં પ્રવેશ કર્યો, “જોષી! પરીખ! આવો મારી સાથે. આપણી કેરીઅરનો આ સૌથી મોટો પડકાર હશે. આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટસ નથી, લેબર રૂમ નથી, ઇન્જેક્શનો નથી, કશું જ નથી; જો છે તો માત્ર આપણી ડીગ્રીઓ છે, આવડત છે અને કોઇ પણ ભોગે આ સ્ત્રીનો જીવ બચાવવાની માનસિક તૈયારી છે. કમ ઓન! લેટ અસ કેરી આઉટ અવર ડ્યુટી. ભગવાન આપણી સાથે છે.”

દસ મિનિટમાં બધું પતી ગયું. સરસ રીતે પતી ગયું. એ કટોકટીની ક્ષણ હતી. આખરી ચીસ હતી. બાળકનું વજન વધારે હતું. એટલે સુવાવડમાં તકલીફ પડી રહી હતી. પણ એનો જન્મ કરાવવા માટે એક ક્વોલિફાઇડ ગાયનેકોલોજીસ્ટ ત્યાં હાજર હતો. હાજર હતો? કે એને કોઇ અદૃશ્ય શક્તિ દ્વારા ત્યાં હાજર કરી દેવામાં આવ્યો હતો?

બહાર નીકળીને મંગાળા પર ઊકાળેલી ચાના ધૂંટ ભરતાં હું વિચારી રહ્યો હતો. છેલ્લા કલાકનો ઘટનાક્રમ શું આ ગરીબ આદીવાસી સ્ત્રીની સલામત સુવાવડ માટે જ ઘડાઇ રહ્યો હતો? નવજાત બાળકના ગળામાં પાણી ચાલ્યુ ગયુ હતુ એને રડાવવા માટે એક પીડીયાટ્રિશિયન પણ ત્યાં આવી પહોંચ્યો હતો? અને જશીની પીડા શમાવવા માટે એક એનેસ્થેટીસ્ટ પણ.....? એ પણ એની ઇમર્જન્સી કિટ ભરેલી બેગ સાથે?

વાહનમાં ત્રણ કેરબા ડીઝલ નાખીને છેવટે અમે વાઘપુરા પહોંચી ગયા. મોડા પડ્યા હતા. લગ્નની વિધિ ચાલુ થઇ ગઇ હતી. હસ્તમેળાપ થઇ ચૂક્યો હતો. મેં સતીષની પાસે જઇને કટાક્ષ કરી લીધો, “ઉલ્લુના પઠ્ઠા! તું તો કહેતો હતો ને કે જ્યાં સુધી અમે નહીં પહોંચીએ ત્યાં સુધી તું માંડવામાં પગ નહીં મૂકે!!”

સતીયો લૂચ્ચુ હસ્યો, “ એ તો એવું કહેવાય; પણ તમારે કેમ મોડુ થયું?”

“અમે એક એવી જગ્યા પર હતા જ્યાં અમારા વગર એક ડગલું પણ આગળ વધી શકાય તેમ ન હતું.” મેં મોઘમ જવાબ આપ્યો અને વાત ખતમ કરી દીધી.

---------