ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 5

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(5)

નાની નકામી વાતમાં શાને બબાલ કર

જગને વહાલ કર જીવતરને ન્યાલ કર

દાયકાઓ પહેલાંની ઘટના છે. ડો. શુક્લ સાહેબે મને તાજેતરમાં જ એમની જિંદગીનો યાદગાર અનુભવ કહી સંભળાવ્યો. અત્યારે સાહેબની ઉંમર બાણું વર્ષની છે. આ ઘટના વખતે તેઓ પચાસ વર્ષના હતા.

“એક સાંજે હું મારી સિવિલ સર્જ્યન તરીકેની ફરજ પૂરી કરીને મારા સરકારી બંગલામાં જમી પરવારીને ત્રણ મિત્રોની સાથે બ્રિજ રમી રહ્યો હતો, ત્યારે હોસ્પિટલની એમ્બ્યુલન્સ આવીને દરવાજા પાસે ઊભી રહી. ડ્રાઇવર ગણેશે આવીને કહ્યું”, “સાહેબ, એક ઇમરજન્સી કેસ આવ્યો છે. તાત્કાલીક ઓપરેશન કરવુ પડે તેમ છે. હું આપને લઇ જવા માટે આવ્યો છું.”

“પણ કેસ શેનો છે એ તો કહે? અને ઓપરેશન કરવું પડશે કે નહીં તે મારે નક્કી કરવાનુ કે તારે?” મારા સવાલમાં બ્રિજની રમત અધૂરી છોડવી પડશે. એ વાતનો ઉકળાટ હતો.

ગણેશ અનુભવી હતો, “ સાહેબ, પેશન્ટનુ ઓપરેશન કરવુ જ પડે તેમ છે એ વાત અભણ માણસ પણ કહી શકે તેવુ છે.”

“ફોડ પાડ.”

“ત્રીસેક વર્ષનો જુવાન બેભાન હાલતમાં રસ્તા પર મળી આવ્યો. કોઇએ એના પેટમાં છરો ભોંકી દીધો છે. ક્યાંય સુધી એ લોહીના ખાબોચિયામાં તરફડતો રહ્યો હશે, પછી શાંત થઇ ગયો.”

“એટલે? એ જીવે તો છે ને?”

“હા, હું તમને લઇ આવવા માટે નીકળ્યો ત્યાં સુધી તો એની નાડી ચાલતી હતી. અત્યારની સ્થિતિ શું હશે તે હું કહી ન શકું.”

અમારી વાતો ચાલતી હતી ત્યારે જ મારા મિત્રો ઊભા થઇને ચાલવા માંડ્યા હતા. મેં કપડાં બદલવા માટે પણ સમય વેડફ્યા વગર સુમનને જગાડી અને કહ્યું, “હું જાઉં છું. બારણું વાસી દેજે. મને પાછા ફરતા સવાર પડી જશે.”

એમ્બ્યુલન્સ ચાલુ થઇ. મેં પૂછ્યું, “જો પેશન્ટની હાલત આવી હતી તો નર્સે મને ફોન કેમ ન કર્યો?”

“સાહેબ, તમારો ફોન ‘ડેડ’ આવતો હતો. સમય ઓછો હતો. પેશન્ટ ‘ડેડ’ થઇ જાય એ પહેલાં......”

“ઠીક છે. સમજી ગયો. શુભ શુભ બોલ, ગણેશ! તુ વિધ્નહર્તા છો કે વિધ્નકર્તા?” મેં રમૂજ કરીને મારા જ મનને હળવુ કરવાની કોશિશ કરી.” ડો. શુક્લ સાહેબ એવી રીતે વર્ણન કરી રહ્યા હતા કે એ સાંભળીને મને એવું લાગતુ હતુ જાણે એ સમયે એમ્બ્યુલન્સમાં હું પણ એમની સાથે હતો! અતીતમાં ખોવાઇ ગયેલા ડો. શુક્લ સાહેબ તે રાતને યાદ કરી રહ્યા, “મેં પહોંચીને જોયુ તો ગણેશનુ આકલન સાચુ હતું. ધેટ મેન વોઝ ઓન ડેથ બેડ!”

મેં ફટાફટ નિર્ણય લઇ લીધો અને આદેશો આપવા લાગ્યો. એ જમાનામાં આજના જેવી સગવડો ક્યાં હતી? એક ડીગ્રી વગરના ડોક્ટર એનેસ્થેસિયા આપતા હતા. એન્ટિબાયોટિક્સના નામે મોટુ મીંડું હતું. ઓપરેશનમાં ચેપ ન લાગે તે માટે આજના જેવા લિક્વીડ્ઝ ન હતા. સર્જ્યનોએ દરેક ઓપરેશન કરતા પહેલાં થીયેટરની બાજુના રૂમમાં નહાવું પડતું હતું.

મેં ફરજ પરની નર્સને પુછ્યું, “પોલીસને જાણ કરી દીધી છે? એનેસ્થેટીસ્ટને લાવવા માટે ગાડી મોકલી દીધી? બે મેડિકલ ઓફિસર્સને તાત્કાલિક બોલાવી લો. અને ચાર-પાંચ સિસ્ટર્સને હું તૈયારી કરું કરું છું.” દર્દીને જરૂરી ઇન્જેક્શનો, બાટલાઓ અને ઓક્સિજન વગેરેની વ્યવસ્થા કર્યા પછી હું ઓ.ટી. તરફ ચાલી નીકળ્યો.

પેશન્ટની હાલત ભયંકર હદે ખરાબ હતી. જેણે પણ એને છરી મારી હતી એ એનો જાની દુશ્મન હોવો જોઇએ. હુમલાખોરે એના પેટમાં માત્ર છરી ભોંકી જ ન હતી, પણ ભોંક્યા પછી અંદર આડી અવળી ઘૂમાવી પણ દીધી હતી. આના કારણે પેશન્ટના આંતરડા કપાઇ ગયા હતા. મેં જ્યારે એનુ પેટ ખોલ્યું તો એના આંતરડામાંથી, પીળો, અર્ધો પર્ધો હઝમ થયેલો ખોરાક ગંદી વાસ સાથે બહાર ધસી આવ્યો. સાથે લોહીનો ફુવારો પણ.

મેં એ જમાનાની ટેકનિક પ્રમાણે ઓપરેશન કરવાનુ આગળ ધપાવ્યું. વચ્ચે હું ઓ.ટી. ઇન્ચાર્જ સિસ્ટરને પૂછતો જતો હતો, “સિસ્ટર, પોલીસવાળા આવી ગયા?”

“હજુ નથી આવ્યા, સર. અમે વોર્ડબોય દોડાવ્યો છે.” સિસ્ટરે માહિતી આપી. એ જમાનામાં ડોક્ટરોને બાદ કરતા જો બીજા કોઇને બોલાવવાની જરૂર પડે અને જો સરકારી ફોન બંધ હોય તો વોર્ડબોયને દોડાવવામાં આવતો હતો. એ પણ સાઇકલ ઉપર! પછી પોલીસ એની રીતે આવે.” ડો. શુક્લ સાહેબ એ સમયની વાતો વર્ણવીને મને આશ્ચર્યની સાથે રમૂજ પણ પીરસી રહ્યા હતા.

“ઓપરેશન સાત ક્લાક ચાલ્યું. અમારી ટીમ જ્યારે બહાર ઓ.ટી. માંથી બહાર આવી ત્યારે સવાર પડી ગઇ હતી; પણ પેશન્ટની જિંદગીમાં હજી વીતેલી રાતનો અંધાર જ પથરાયેલો હતો. પોલીસ આવી ગઇ હતી. પોતાનું કામ શરુ કરી દીધું હતું.

હું ઘરે જઇને હેવી બ્રેકફાસ્ટ લઇને નાહી-ધોઇને પાછો ફરજ પર આવી ગયો. ઓ.પી.ડી. દર્દીઓની ભીડથી છલકાઇ રહી હતી. હું મારા કામમાં ડૂબી ગયો હતો. વચ્ચે વચ્ચે મેડીકલ ઓફિસરોને પૂછી લેતો હતો, “ કાલ વાળા પેશેન્ટને કેવું છે?”

“એવું ને એવું જ છે, સર. નો ઇમ્પ્રુવમેન્ટ.”

“ચિંતા નથી. એની હાલતમાં સુધારો ન હોય તો કંઇ નહીં, પણ એમાં ડિટોરીયેશન જેવુ પણ નથી ને? હું આશાવાદી છું.”

બપોરે બે વાગે ઘરે જતાં પહેલાં હું એને જોવા માટે ગયો. એની પલ્સ સહેજ સુધરી હતી, પણ શરીરમાં તાવ ભરાવા લાગ્યો હતો. આ બાબત ચિંતાજનક હતી. એને મોં વાટે પાણી પણ આપવાનું ન હતું. આંતરડામાં જ વાઢકાપ થઇ હતી. જ્યાં સુધી એ રૂઝાય નહીં ત્યાં સુધી એને ખાવ-પીવા માટે કશુંક જ આપી શકાય તેમ ન હતું. એ જમાનામાં પેનેસિલિન અક્સીર દવા માનવામાં આવતી હતી.

ચોથા દિવસે એનો તાવ માંડ કાબુમાં આવ્યો. એણે હવે આંખો ખોલી હતી. પણ હજુ સમય- સ્થિતિનું ભાન આવવાની વાર હતી.

નર્સ આવીને મને માહિતી આપી ગઇ, “સર, અમારે શું કરવું? પેશેન્ટનુ નામ હજુ સુધી જાણવા નથી મળ્યું. એને જોવા માટે કોઇ સગું-વહાલું પણ નથી આવ્યું.”

“પોલીસ શું કરે છે?”

“એ –લોકો પણ પરેશાન છે. વિચારી રહ્યા છે કે પેશેન્ટનો ફોટો છાપામાં આપવો. કદાચ કોઇ ઓળખીતું મળી આવે.”

“ગુડ આઇડિયા. ત્યાં સુધી તમે શું કરશો?”

“અમે તો કેસપેપરમાં પેશન્ટના નામની જગ્યાએ ‘અનઆઇડેન્ટીફાઇડ પર્સન’ એવું જ લખી નાખ્યું છે.”

“એ બરાબર છે. એવું જ ચાલુ રાખો.” મેં કહ્યું અને હું ઘરે જવા રવાના થયો.

પૂરા પંદર દિવસ પછી લાગ્યું કે દર્દી મૃત્યુની સીમા પર પગ મૂકીને પાછો આવી ગયો છે. હજુ સંપૂર્ણ સાજા થવાની ઘણી વાર હતી, પણ એના માથા પરનું જોખમ હવે ટળી ગયું હતું.

હવે મેં પોલીસને એની સાથે ઇનટ્રોગેશન કરવાની રજા આપી દીધી. એ જમાનામાં ગુનાશોધનના ક્ષેત્રમાં આજના જેવી આધુનિક ટેકનિક્સ હજુ શોધાઇ ન હતી. ફિંગર પ્રિન્ટ અથવા સાક્ષીઓ પર જ આધાર રાખવો પડતો હતો. અને બધાંની ફિંગર પ્રિ’ટ્સ તો પોલીસ પાસે ક્યાંથી ઉપલબ્ધ હોય? આ કેસમાં એક પણ સાક્ષી હાજર ન હતો.

પોલીસ ઇન્સપેક્ટર દર્દીની પાસે ગયો; તરત જ પાછો આવ્યો. મને કહે, “શુક્લ સાહેબ, લેટ અસ ટોક ઇન પ્રાઇવસી.” હું હસ્યો. એમને મારી ઓફિસમાં લઇ ગયો. પૂછ્યું, “મને ખબર છે કે તમારે શું પૂછવું છે?”

“ડોક્ટર, તમે એને ઓળખો છો તો પણ આટલા દિવસ ચૂપ કેમ રહ્યા?”

“હા, હું પહેલી જ નજરમાં એને ઓળખી ગયો હતો. એ ગગન ખોડા છે. આ પ્રદેશનો સૌથી નામીચો ગુંડો. એના નામે અનેક હત્યા, લૂંટ અને અપહરણના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસને એની લાંબા સમયથી તલાશ છે.”

“હજી તમે પૂરી માહિતી નથી આપી રહ્યા, ડોક્ટર! ગગન ખોડાએ કરેલા એક અપરાધનો ભોગ તમે ખુદ પણ..... ....”

“હા, એણે આજથી પાંચેક વર્ષ પહેલાં મારુ પોતાનુ અપહરણ કર્યું હતું. મધરાતે એ જીપ લઇને મારા બંગલે આવ્યો હતો અને એના ઘરમાં સિરિઅસ હાલતમાં પેશન્ટ છે એવું કહીને મને વિઝિટમાં લઇ ગયો હતો.”

“હા, અને પછી તમને જ કોઇક અજાણી જગ્યાએ બંધ કરી દીધા હતા. પોલીસમાં જશો તો જાનથી મારી નાખીશું એવી તમારી પત્નીને ધમકી આપી હતી. પછી તમે રૂપીયા આપીને છૂટી ગયા હતા.”

“હા, મારા પરિવારે પૂરા ચાલીસ હજાર રૂપીયા આપી દેવા પડ્યા હતા. મારી જીવનભરની બચત મારે એને આપી દેવી પડી હતી.”

“ડોક્ટર, આવું હતું તો પણ તમે ગગન ખોડાનો જીવ બચાવ્યો?”

“હા, એ મારી સામે પડ્યો હતો. બેહાશ હતો. મારે એની એકાદ નસ જ કાપી નાખવાની હતી. જો એ મરી ગયો હોત તો કોઇ મને પૂછવા વાળુ ન હતું.”

“તો પછી તમે.....?”

“હું એવું ન કરી શક્યો; હું એક ડોક્ટર છું. મારે મારા પેશન્ટનો પ્રાણ બચાવવો જ રહ્યો. હું એને ડિસ્ચાર્જ આપતી વખતે તમારા હાથમાં સોંપવા માગતો હતો. માટે જ મેં આજે......”

ડો. શુક્લ સાહેબે એમની વાત પૂરી કરી. હું મનોમન વિચારી રહ્યો, “એક સમયે ડોક્ટર કેવા હતા? કેવી હતી એમની નિષ્ઠા અને વ્યવસાય પ્રત્યેની પ્રતિબધ્ધતા? પડે છે ત્યારે સઘળું પડે છે!”

(શીર્ષક પંક્તિ: કિશોર બારોટ)

-------------

***

રેટ કરો અને રિવ્યુ આપો

Mahesh 2 દિવસ પહેલા

Kiran Soni 5 દિવસ પહેલા

man 1 અઠવાડિયા પહેલા

Rakesh Patel 1 અઠવાડિયા પહેલા

Mitul V Chhaya 2 અઠવાડિયા પહેલા