ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 9 Sharad Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 9

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(9)

“શરબતી શાહ?! આવું નામ મેં પહેલી વાર સાંભળ્યું. ગુજરાતનાં જ છો?” મેં સામે બેઠેલી યુવતીની સામે જોઇને પૂછ્યું. યુવતી કદાચ સમજી હશે કે નહીં, પણ જવાબ એની બાજુમાં બેઠેલા પતિએ આપ્યો.

“હું ગુજરાતી છું; શરબતી નોન-ગુજરાતી.” યુવાન ઉત્સાહી નીકળ્યો; જે સવાલ મેં પૂછ્યો ન હતો એનો જવાબ પણ એણે આપી દીધો: “અમારા લવ-મેરેજ છે.”

હું મર્મભર્યું હસ્યો: “ એ તો સમજી શકાય તેવી વાત છે; આવી સુંદર યુવતી હોય તો એની સાથે જે પુરુષ પરણે એ પ્રેમમાં પડીને જ પરણે.

હસી-મજાકની વાત પૂરી થઇ; હું ગંભીર મુદા પર આવ્યો, “શા માટે આવવું પડ્યું?”

“મેરેજને બે વર્ષ થવા આવ્યા, પણ પ્રેગ્નન્સી રહેતી નથી.” શરબતી હજુ પણ ખામોશ હતી; સવાલ એનાં પતિએ પૂછ્યો હતો.

“તો પછી શા માટે દોડી આવ્યા? બે વર્ષ તો પૂરા થવા દો.” મેં જે સલાહ આપી તે સંપૂર્ણ રીતે વૈજ્ઞીનિક હતી. ઇન્ફર્ટિલિટિ છે એ બાબતની ખાતરી કરવા માટે એક-બે વર્ષ તો જવા દેવા જ જોઇએ.

શરબતીએ તીરછી નજરનો ઇશારો કર્યો; જવાબ રૂપે એનાં પતિએ એક રીપોર્ટ મારા હાથમાં મૂકી દીધો.

મેં રીપોર્ટ વાંચ્યો. બધું સમજાઇ ગયું. શરબતીનાં પતિ સ્નેહલમાં જ ખામી હતી. એનું પૌરુષ તો ઠીકઠાક હતું પણ એના વીર્યનો રીપોર્ટ સાવ જ ખરાબ હતો. એક પણ શુક્રાણુ દેખાતું ન હતુ. એટલે સ્નેહલ સંસારસુખ ભોગવી શકે પણ પિતા ન બની શકે.

“સર, અમે બંને સુશિક્ષિત છીએ. રીપોર્ટ જોઇને જ અમે સમજી ગયા કે...”

“ત્યારે તો તમને એ પણ ખબર હશે કે આ પરિસ્થિતિની એક માત્ર સારવાર.....”

“હા, અમને ખબર છે, સર. જે ડોક્ટરે અમને આ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી એમણે આ રીપોર્ટ જોઇને અમને બધું જ સમજાવ્યું હતું. હું યુરો સર્જ્યન પાસે પણ જઇ આવ્યો. ટેસ્ટીક્યુલર બાયોપ્સી પણ કરાવી લીધી. બે વાર સીમેન ટેસ્ટ પણ...”

“એ બધાં પેપર્સ ક્યાં છે?”

“સાથે નથી લાવ્યા, સર.”

“કેમ?”

“એમાં પણ કશું જ નથી. એક શૂન્યમાં બીજા ત્રણ-ચાર શૂન્યો ઊમેરવાથી એક શૂન્યનું મુલ્ય વધી જતું નથી.”

“મારી પાસે શી અપેક્ષા લઇને આવ્યા છો?”

“અપેક્ષા એક જ છે. ખોળાનો ખુંદનાર જોઇએ છે.”

“ઠીક છે, પરંતુ રસ્તો એક જ છે.”

“અમને કબુલ છે.” સ્નેહલે ટકોરબંદ અવાજમાં નિર્ણય જણાવી દીધો. હવે જે કંઇ કરવાનું હતું તે મારે કરવાનું હતું. મેં વિસ્તારપૂર્વક સ્નેહલને અને શરબતીને સારવાર-પધ્ધતિ વિષે જાણકારી આપી દીધી: “ તમને એટલી તો ખબર હશે જ કે ગર્ભની રચના માટે બે મુખ્ય આવશ્યક્તાઓ છે; એક સ્ત્રીબીજની અને એક પુરુષબીજની. તમારી પાસે એક ચીજ તો છે, પણ બીજીનો અભાવ છે. એની ખોટ પૂરવા માટે બીજા સક્ષમ પુરુષના શુક્રાણુઓની જરૂર પડશે. એના માટે બ્લડ બેન્કની જેમ જ વીર્યબેન્ક ઉપલબ્ધ છે. મારે ત્યાં વાતચીત કરીને યોગ્ય દિવસે, યોગ્ય સમયે, યોગ્ય પુરુષનું સેમ્પલ....”

શરબતીએ પ્રથમ વાર મોં ખોલ્યું, “સર, યોગ્ય પુરુષ એટલે કેવો પુરુષ? અમે એના વિષે જાણી શકીએ ખરા?”

“સોરી; કાયદા અનુસાર આ આખીયે પ્રક્રિયા બંને પક્ષો માટે ગુપ્ત રાખવામાં આવે છે.”

“બંને પક્ષો એટલે?”

“એટલે એમ કે વીર્યદાન કરનાર પુરુષને એ ખબર નથી હોતી કે એનુ સેમ્પલ અમે કઇ સ્ત્રીનાં ગર્ભાશયમાં ઇન્જેક્ટ કરવાના છીએ; એ જ રીતે અમે તમને પણ જણાવીએ નહીં કે આ સેમ્પલ ક્યા પુરુષ પાસેથી મેળવવામાં આવ્યું છે. વીર્યબેન્કના ડોક્ટર અને અન્ય સ્ટાફને પણ અમે અંધારામાં જ રાખીએ છીએ.”

શરબતી અને સ્નેહલ મારી વાત સાંભળીને જરાક વિચારમાં પડી ગયા હોય તેવું લાગ્યું. થોડી વાર પછી સ્નેહલે પૂછ્યું, “ઓ.કે. સર! પણ અમે વીર્યદાતાની જાતી, જ્ઞાતિ, ધર્મ, સંસ્કાર વિગેરે વિષે તો જાણી શકીએ ને?”

“આનો જવાબ હું ‘હા’ અને ‘ના’ માં આપું છું.”

“એટલે?”

“એટલે એમ કે મેં તમને જોઇ લીધા છે, થોડા ઘણાં જાણી પણ લીધા છે. હવે હું વીર્યબેન્કમાં વાત કરીને વિનંતી કરીશ કે મારે એવા દાતાનું વીર્ય જોઇશે જેનો વાન, ભણતર, વાણી-વર્તન, સંસ્કારોનો રેકોર્ડ બની શકે ત્યાં સુધી તમારી સાથે મળતો આવતો હોય. તમે બંને મોગરાના ફુલ જેવા ગોરા છો એટલે સાવ કોલસા જેવું બાળક આવશે તો તમને ક્ષોભ થશે એ સ્વાભાવિક છે; પણ આટલી સાવધાની રાખ્યા બાદ પણ અંતિમ પરીણામ ઇશ્વરના હાથમાં છે.”

“ટૂંકમાં અમે ડીઝાઇનર બાળકની માંગણી કરી શકીએ ને?”

“નોટ એક્ઝેક્ટલી. પણ તમારી અપેક્ષાઓ તમે મને જણાવી શકો છો.”

હવે સ્નેહલે એના મનની વાત રજુ કરી દીધી, “હું ઇચ્છું છું કે મારું બાળક ગોરું હોવું જોઇએ, નાજુક-નમણું હોવું જોઇએ જો એ ભવિષ્યમાં ગાયક અથવા ચિત્રકાર કે પછી બીજી કોઇ પણ કળામાં પારંગત થાય તો મને ગમશે. એ ભણવામાં પણ તેજસ્વી હોવું જોઇએ. મારે એને ખૂબ સારી કારકિર્દી આપવી છે.”

“હું સીમેન બેન્કમાં વાત કરીશ. જો તમે કહ્યું તેવા લક્ષણો ધરાવતો પુરુષ મળી આવશે તો.....” મેં હૈયાધારણ આપી એટલે સ્નેહલ જવા માટે ઊભો થયો; મારા આશ્ચર્ય વચ્ચે શરબતી બેસી જ રહી.

“લેટ અસ મૂવ, ડાર્લિંગ!” સ્નેહલે કહ્યું, પણ એ ઊભી ન થઇ.

“સ્નેહલ, તમે બહાર જાવ; મારે ડોક્ટર સાથે થોડીક વાત કરવી છે.” શરબતીનાં અવાજમાં શરબતી અંદાઝ હતો. જગતનો ક્યો પતિ આવા મારકણા અંદાઝને અવગણી શક્યો છે? સ્નેહલ નીકળી ગયો. બારણું બંધ થઇ ગયું છે એ બાબતની ખાતરી કર્યા પછી શરબતીએ નજરને મારી દિશામાં ફેરવી, “સર, મારી પણ મારા બેબી માટે કેટલીક અપેક્ષા છે.”

“બોલો.”

“હું એવું ભારપૂર્વક ઇચ્છું છું કે મારું બાળક રફ એન્ડ ટફ હોય, એ ભલે અમારા બંને જેટલું ગોરુ ન હોય, એ સહેજ ઘઉંવર્ણું કે ભીને વાન હશે તો પણ ચાલશે; પણ એ ઊંચું, મજબૂત અને સ્નાયુબધ્ધ હોવું જોઇએ. અને એ સ્પોર્ટસમાં આગળ પડતું નામ કાઢે એવી મારી ઇચ્છા છે.”

હું વિચારમાં પડી ગયો. પતિ-પત્ની બંનેની એમના ભાવી સંતાન માટેની જે ડિઝાઇન હતી એ તદન ભિન્ન હતી. સ્નેહલને સોફટ, ગોરુ, સંસ્કારી, શાલિન અને ભણેશરી બાળક જોઇતું હતું; શરબતીને પથ્થરની ચટ્ટાન જેવું ખડતલ બાળક ખપતું હતું.

અચાનક મને પ્રશ્ન સૂઝ્યો, “શરબતી, સાચું કહેજે. તારે આવું બાળક શા માટે જોઇએ છે?”

એ શરમાઇ ગઇ, “કારણ કે હું સ્નેહલને પરણતાં પહેલાં એક સ્પોર્ટ્સમેનના પ્રેમમાં હતી. હી વોઝ એ ક્રિકેટર. એ બહુ જાણીતો ખેલાડી છે. અમારા બંનેના ઘરો સામ-સામે હતા. મને એ ખૂબ ગમતો હતો.”

“તો તારે એની સાથે પરણી જવું હતું ને?”

“એના પપ્પા ન માન્યા. અમારું ફેમિલિ બિનગુજરાતી છે એ વાતનો એમને વાંધો હતો. ભલેને મારો જન્મ ગુજરાતમાં જ થયો હોય! ખેર, જે થયું તે થયું! હવે મારી એક જ વિનંતી છે; જો તમે માનો તો હું રાજી થઇશ.”

શરબતી જેવી સુંદર યુવતીને નારાજ કરવાનું કોને ગમે? હું પીગળી ગયો. મેં એને વચન આપ્યું, “ હું વીર્યબેન્કમાં સૌથી પહેલી રજુઆત તારી અપેક્ષા પ્રમાણે કરીશ; જો એવો દાતા નહીં મળે તો પછી સ્નેહલની માંગણી પૂરી કરવાનો પ્રયત્ન કરીશ. જો પણ શક્ય નહીં બને તો બલિયસિ કેવલમ્ ઇશ્વરેચ્છા!”

એ બંને ચાલ્યા ગયા. મેં વીર્યબેન્કનો ફોન નંબર ડાયલ કર્યો. પેથોલોજીસ્ટ એક હસમુખા સ્વભાવનો યુવાન ડોક્ટર હતો. મારી ફરમાઇશ સાંભળીને એ હસી પડ્યો, “શું વાત છે, સર? તમે તો જાણે રેડીમેઇડ શર્ટ ખરીદવા નીકળ્યા હો એવી વાત કરો છો.”

“એવી વાત કરવાની ક્યાં મનાઇ છે? પછી તમારી પાસે જે રંગનું અને પોતનું હોય એ જ આપજો ને!” મેં પણ મજાક સાથે જ વાત પૂરી કરી. સારવાર ચાલુ થઇ ગઇ. બે મહિના સુધી તો કોઇ રીઝલ્ટ ન મળ્યું, પણ ત્રીજા મહિને આઇ.યુ.આઇ. કર્યું એનાથી પરીણામ આવી ગયું.

મેં પેથોલોજીસ્ટને કહી દીધું, “હવે એ પેશન્ટ માટે એ ડોનરનું સેમ્પલ મંગાવવાની જરૂર નહીં પડે. શી ઇઝ પ્રેગ્નન્ટ. આશા રાખું છું કે તમે એની અપેક્ષા પ્રમાણેનો જ ડોનર શોધીને સેમ્પલ આપ્યું હશે.”

“અરે, સર, શું કહું? તમારો ફોન હોય પછી હું કંઇ કમી થોડી રાખું? એ ડોનર યંગ છે, ડેશિંગ છે, મસ્ક્યુલર છે. ગુજરાતનો ઊભરતો ક્રિકેટર છે. સ્ટેટ લેવલ પર ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરે છે. એનુ ભવિષ્ય ઉજળું છે.” પછી વાત પૂરી કરતાં પહેલાં એણે ઊમેર્યું, “ભવિષ્ય તો આવનારા બાળકનું પણ ઉજ્જવળ હશે.”

શરબતી શાહે પૂરા મહિને તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો. નવજાત શિશુને જોતાં વેંત હું સમજી ગયો કે એનામાં એની માનો જરા સરખોયે અણસાર ઊતર્યો ન હતો. મતલબ કે દીકરો એના બાપ પર ગયો હતો.

એ વાતને આજે દસેક વર્ષ થઇ ગયા છે. હમણાં થોડાં જ દિવસો પહેલાં શરબતી અને સ્નેહલ એમના દીકરાને લઇને મને મળવા આવ્યા. દીકરો પાતળો, ઊંચો, સિક્સ-પેક એબ્ઝ વાળો દેખાતો હતો. મેં સ્નેહલને પૂછ્યું, “ખૂશ છો ને?”

જવાબમાં સ્નેહલે બળાપો ઠાલવ્યો, “ધૂળ ખૂશ હોઉં, સર? આ મારા કુંવરને ભણવામાં કે બીજી એક પણ કળામાં ચપટીક જેટલોયેં રસ નથી. આખો દિવસ શાળામાં અને શેરીમાં બેટ-બોલ જ ટીચ્યા કરે છે. પડોશીઓની બારીઓના કાચ ફોડતો રહે છે. ભગવાન જાણે મોટો થઇને એ શું કરશે?”

“સ્નેહલભાઇ, તમે ચિંતા છોડી દો. આજકાલ સ્પોર્ટ્સનો જ જમાનો આવ્યો છે. તમારા દીકરાને ક્રિકેટનું સારુ કોચિંગ આપો; ભવિષ્યમાં ગુજરાતની રણજી ટીમને એક સારો ખેલાડી બનશે.”

સ્નહેલને શું લાગ્યું એ એને ખબર, પણ મારી ભવિષ્યવાણી સાંભળીને શરબતી શરમાઇ ગઇ!

---------