ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 8 Sharad Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 8

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(8)

સંબંધના હસ્તાક્ષરો હોય છે અવળા,

ઉકેલવા માટે થોડા હોય છે અઘરા

ડો. એસ.એસ. પટેલ એટલે નખશિખ સર્જ્યન. પૂરેપૂરી સંપૂર્ણતાના આગ્રહી. ડિસ્ટ્રીક્ટ જનરલ હોસ્પિટલમાં સિવિલ સર્જ્યન હોદા પર એમની નિમણુક થઇ હતી. પણ ત્રણ-ચાર દિવસમાં જ હોસ્પિટલના તમામ ડોક્ટરો, નર્સ બહેનો અને વોર્ડ બોયઝ તેમજ આયા બહેનોમાં આ સમાયાર આગની જેમ પ્રસરી ગયા હતા, “નવા સાહેબ ભારે ચિકણા છે. નાની-નાની વાતમાં પણ ગફલત ચલાવી લેતા નથી.”

એમની ઓ.પી.ડી. ની બહાર ઊભા રહેતા ચંદુએ આ વાતને સમર્થન આપતાં પોતાનો જાત અનુભવ જાહેર કર્યો, “મેં પહેલા દિવસે સરને પાણી આપ્યું ત્યારે ટ્રે ડાબા હાથમાં પકડી હતી; બીજા દિવસે જમણા હાથમાં. તો પટેલ સાહેબે મને ખખડાવી નાખ્યો.”

“કેમ?”

“એમનુ કહેવું એવું છે કે દરેક માણસનો જે હાથ જે કામ કરવા માટે ટેવાયેલો હોય છે તે હાથ તે કામ માટે વધુ મજબૂત બની જાય છે. જો હું ડાબા હાથથી ટ્રે પકડીશ તો પાણી છલકાઇ જવાનો ભય રહેશે. હવે મને તો એમાં કંઇ ખબર ન પડી, પણ મોટા સાહેબ કહે એટલે સાંભળી લેવું પડે.”

ત્યારે ઓપરેશન થિયેટરમાં ફરજ બજાવતો નંદુ બોલી ઉઠ્યો, “તું તો નસીબદાર છે, ચંદુ મને તો સાહેબે સાવ વિના કારણે ઝપટમાં લઇ લીધો.”

“કેમ? શું થયું?”

“સાહેબ ઓપરેશન થિયેટરમાં જઇ રહ્યા હતા, મેં ડાબા હાથથી ડોર ખોલ્યું તો મને કહેવા લાગ્યા કે ‘આ જમણો હાથ શું પૂજા કરવા માટે રાખ્યો છે?’ મેં કહ્યું ‘સર, શું ફરક પડે છે?’ તો એમણે એક લાંબુ લેક્ચર આપી દીધું. આપણાં દેશમાં બધા બારણાં, દરવાજાઓ, બારીઓ વગેરે ઊઘાડ-બંધ કરવાની રીત જમોડી માણસને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે; ડાબેરીઓ માટે નહીં. માટે જો તમે જમણા હાથનો ઉપયોગ કરશો તો સરળતા રહેશે. ડાબો હાથ વાપરવા જશો તો અગવડ પડશે. મારે એમને કેવી રીતે સમજાવવું કે હું એકલો હોઉં છું ત્યારે તો પગની લાત મારીને જ બારણાં ખોલતો હોઉં છું.”

ત્યાંથી પસાર થતા મેડીકલ ઓફિસર ડો. વઘાસિયા આ સાંભળીને ઊભા રહી ગયા: “ચંદુ! નંદુ! તમને ખબર છે? ગઇ કાલે એમણે શું કર્યું?”

“તમને પણ ખખડાવ્યા, સાહેબે?”

“ના.” ડો. વઘાસિયા હસી પડ્યા, “મારો વારો આવવાને હજુ વાર છે. પણ કાલે સવારે જ્યારે હું હોસ્પિટલમાં આવીને મારું સ્કૂટર પાર્ક કરવા જતો હતો ત્યારે મોટા સાહેબને મેં એક વિચિત્ર કામ કરતા જોયા. સાહેબ ત્યાં પડેલી દર્દીઓની સાઇકલોના પૈડાંમાંથી હવા કાઢી રહ્યા હતાં!”

“કેમ? દર્દીઓ એ એમનુ શું બગાડ્યું હતું?”

“મેં પણ સાહેબને આ જ સવાલ પૂછ્યો હતો. એમણે કહ્યું કે એ જગ્યા સાઇકલ મૂકવા માટેની નથી. દર્દીઓના વાહનો પાર્ક કરવા માટે અલગ જગ્યા ફાળવેલી જ છે. પણ એ લોકો નિયમુનું પાલન કરતા નથી. એમને સબક શિખવાડવા માટે આવું જ કરવું પડે.”

ડો. વઘાસિયાની વાત સાંભળીને બંને પટાવાળાઓ પણ હસી પડ્યા. સર્જ્યન સાહેબની વાત સાવ કાઢી નાખવા જેવી ન હતી, પણ આવડી મોટી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો સિવિલ સર્જ્યન નીચે બેસીને જાહેરમાં ગરીબોની સાઇકલોની હવા કાઢતો હોય એ દૃશ્ય દિમાગમાં બેસે એવું તો ન જ ગણાય.

હું ત્યારે ‘ઇન્ટર્નશિપ’ કરતો હતો. ડો.પટેલના ચિકણા સ્વભાવનો મને પણ અનુભવ મળ્યો હતો. એક વાર એમણે ઓફિસના બારણા પરનું પાટીયું ઊતરાવી લીધું, “આ કોણે બનાવડાવ્યું છે?”

જવાબ મળ્યો, “આ તો ઘણાં બધાં વર્ષોથી ચાલ્યું આવે છે. ડોક્ટર ભલે બદલાતા રહે, પણ એનો હોદો તો એનો એ જ રહે છે.” પાટીયામાં સી.એસ. એટલે કે સિવિલ સર્જ્યન એવું લખેલું હતું.

ડો. પટેલ તમતમી ઉઠ્યા, “તમે કમ અક્કલ છો. તમારામાં એટલી પણ સમજ નથી કે સી.એસ. ના તો ઘણાં બધા અર્થો નીકળી શકે; જેવા કે કંપની સેક્રેટરી, સિઝેરીઅન સેક્શન, કમ્યુનિટિ સર્વિસ વગેરે વગેરે. તમારે ફૂલ ફોર્મ જ લખવું જોઇએ.”

મારે કહેવું હતું, “સર, ઉપર બીજા પાટીયામાં તમારુ નામ અને ડીગ્રી લખેલા છે. ડો. એસ.એસ. પટેલ, એમ.એસ. તો પછી તમે કંપની સેક્રેટરી કેવી રીતે હોઇ શકો?” પણ સિંહને કોણ કહે કે તારું મોં ગંધાય છે? બદલાવી નાખ્યું પાટીયું.

પછી વારો આવ્યો ઓફિસરનો. એમની ઓફિસમાં પણ બધું પર્ફેક્ટ ઓર્ડરમાં જ હોવું જોઇએ એવો એમનો ઝનૂની આગ્રહ. બારીના પડદા સંપૂર્ણ પણે ખેંચાયેલા હોવા જોઇએ. ટેલીફોનનું ડબલું ડાબા હાથ તરફ અને પેન સ્ટેન્ડ જમણા હાથે જ આવેલું હોવું જોઇએ. એ પણ વળી આસાનીથી હાથ લંબાવીને લઇ શકાય એટલા અંતરે જ.

હદ તો ત્યારે થઇ જ્યારે દર્દીના કેસ-પેપરમાં પણ સાહેબ ફૂલ ફોર્મનો જ આગ્રહ રાખે. એક દિવસ મને પૂછવા લાગ્યા, “તેં આ પી અને બી.પી. લખ્યું છે એ શું છે?”

મને નવાઇ લાગી. આ બંને ટૂંકાક્ષરી શબ્દો આંતરરાષ્ટ્રિય સ્તરે સ્વીકૃત થયેલા છે. મેં જવાબ આપ્યો. “પી એટલે પલ્સ. અને બી.પી. એટલે બ્લડ પ્રેસર.”

“એવું કોણે કહ્યું? પી એટલે પ્રભુ પણ હોઇ શકે, પટેલ પણ હોઇ શકે, પથ્થર પણ.....”

“હા, સર, પણ એક મિનિટમાં એંશી તો માત્ર પલ્સ જ હોય; પટેલ ન હોય!”

“ઠીક છે. ઠીક છે. તું મારી સામે જીભ ન ચલાવ. હું કહું તેમ કર. આજથી લાંબું ફૂલ ફોર્મ જ લખવાનું રાખ.”

ત્યાં ફોનની ઘંટડી વાગી. એમણે ઇશારો કરીને મને રીસીવર ઉઠાવવાનું કહ્યું. મેં ફોન રીસીવ કર્યો. સામેથી કોઇક પૂછી રહ્યું હતું, “સિવિલ સર્જ્યન સાહેબ હાજર છે?”

“હા, ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જ્યન ડો. સુરેશભાઇ સવજીભાઇ પટેલ ઓફિસમાં હાજર છે; તમે કોણ?”

ફોન પરની વાતચીત પતી ગયા બાદ ડો. પટેલ સાહેબે મને પૂછ્યું, “તારાથી ડો. એસ.એસ. પટેલ નથી બોલાતું?”

“મારાથી તો બોલાય છે ને, સર, પણ સામેવાળાને કદાચ સમજાય નહીં તો? ડો. એસ.એસ. પટેલ એટલે તો ગમે તે હોઇ શકે છે; સુખદેવ, શામજી, સતીષ, શાંતિલાલ....”

“બસ! બસ! તું ચાંપલો થતો જાય છે. પણ મને ફૂલ ફોર્મ ગમે છે. આઇ એમ એ પર્ફેક્શનિસ્ટ. તું મને બરાબર સમજી શકે છે. તારી ગ્રહન શક્તિ સારી છે.

ક્યારેક મારા મનમાં પ્રશ્ન ઊઠતો કે ડો. પટેલ સાહેબ જો કામના સ્થળે આટલા કડક, ચીવટવાળા અને પૂર્ણતાના આગ્રહી છે, તો એમના અંગત જીવનમાં એ કેવા હશે? એમના ઘરની સ્થિતિ કેવી હશે? મારી ઉત્સુકતાનો પડઘો પાડતો હોય એવો ઘાટ ઇશ્વરે ઘડી આપ્યો. થોડા જ દિવસોમાં મારે સાહેબના નિવાસ સ્થાને જવાનો પ્રસંગ ઊભો થયો.

સરકારી બંગલો હતો. આગળના બગીચામાં બે કિશોરો ક્રિકેટ રમી રહ્યા હતા. ફૂલછોડનો કચ્ચરઘાણ વળી રહ્યો હતો. બારીના કાચ ફૂટેલા હતા. હું મારી જાતને બચાવતો અંદર પ્રવેશ્યો. ત્યાં તો જાણે રમખાણ જામ્યું હતું! ડ્રોઇંગરૂમમાં સોફાઓ પર કપડાંનો ડુંગર ખડકાયેલો હતો. જ્યાં જુઓ ત્યાં બધું અસ્ત-વ્યસ્ત હતું. સાહેબ ફિલોસોફર બનીને મૌન ધારણ કરીને બેઠેલા હતા; એમના પત્ની એમને રાડો અને ત્રાડો પાડીને ધમકાવી રહ્યા હતા. મને જોઇને સર ખાસિયાણા પડી ગયા અને એમની વિફરેલી ચંડિકા નાક ફુંગરાવીને અંદર ચાલ્યાં ગયા.

“તું સુખી થવા ઇચ્છે છે?” ડો. પટેલ સાહેબ ધીમા અવાજમાં મને પૂછી રહ્યા: “તો મારી સલાહ માનજે. ક્યારેય લગ્ન ના કરતો.”

“પણ સર..... તમે તો.....?”

“હા, મેં કર્યા;પણ એ મારી ભયંકર ભૂલ હતી. હું મેડિકલ કોલેજમાં ભણતો હતો. મા-બાપે છોકરી બતાવી. મેં એનું રૂપ જોઇને હા પાડી દીધી. પછી ખબર પડી કે આ તો સોક્રેટીસની ઝેન્થિપિને પણ શાંત કહેવડાવે તેવી.......”

“સર, તમે એ વખતે ભાવિ પત્નીનાં ગુણ-અવગુણ વિષે તપાસ કરાવવાની કોશિશ ન કરી?”

“ન કરી. હું થાપ ખાઇ ગયો. અમારા જમાનામાં એવો રીવાજ પણ ન હતો કે લગ્ન પહેલાં ભાવિ પત્નીની સાથે હરી-ફરી શકીએ. ધેટ્સ ઇટ!”

હું વિશાળ સરકારી બંગલાની ભીતરના વેરણ-છેરણ સંસારની હાલત જોઇને વિચારમાં પડી ગયો: “જીવનમાં નાની નાની વાતમાં સંપૂર્ણતાનો આગ્રહ રાખનારા પટેલ સાહેબ એમના જીવનની સૌથી મોટી એને સૌથી મહત્વની બાબતમાં આટલી ગંભીર ભૂલ કેવી રીતે કરી બેઠા હશે?!”

આનું નામ જ માનવીની અપૂર્ણતા હોઇ શકે?!

(શીર્ષકપંક્તિ: પલાશ)

---------