Doctor ni Diary - Season - 2 - 11 books and stories free download online pdf in Gujarati

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 11

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(11)

હેયાની હાટડીમાં હેત વેચવા બેઠો છું

વગર દામે લઇ જાઓ હું વહાલ વેચવા બેઠો છું

બપોરના બે વાગ્યા હતા. ડો. જોષી કારમાં બેસીને અંગત કામ સબબ બહારગામ જવા નીકળ્યા હતા. રસ્તામાં ભીમપુરા ગામ આવ્યું. રસ્તો ગામની વચ્ચે થઇને પસાર થતો હતો. ડ્રાઇવરે પૂછ્યું, “સાહેબ, બીજો કોઇ રોડ નથી જેથી ગામને બાયપાસ કરી શકાય. અંદરથી જ નીકળવું પડશે.”

“તો ગાડીને વાળી દે ડાબા હાથે.” ડો. જોષીએ કહ્યું. ધૂળીયો મારગ હતો. વૈશાખી લૂ વરસી રહી હતી. કારનું એ.લી. ચાલુ હતું પણ ઠંડક વરતાતી ન હતી. ભૂખ પણ સોળેય કળાએ ખીલી ઊઠી હતી! આવા સંજોગોમાં ગાડી ગરમ-ગરમ ધૂળના થર પર થઇને ગામને વિંધીને દોડવા લાગી.

પાણી વગરની રેતાળ નદિનો પટ વટાવ્યો. પાંચ પીપળા પસાર કર્યા. ગામની નિશાળ ગઇ. જર્જરીત ખંડેર જેવો ચોરો પણ પાછળ રહી ગયો. દસ-બાર ગામઠી મકાનોને વીંધીને કાર એક ખૂલ્લા ચોક પાસે જઇ પહોંચી. ડ્રાઇવરે ગાડીને ધીમી પાડી દીધી. સાચી વાત એ હતી કે ડ્રાઇવરે ગાડીને ધીમી પાડવી પડી.

ચોકમાં લોકોની ભીડ જામી હતી. ડો. જોષીએ નોંધ્યું કે જમણી તરફ બે ત્રણ સરકારી ઓફિસો જેવા મકાનો આવેલા હતા. એકની ઉપર ‘તલાટી કમ મંત્રીનું પાટીયું’ મારેલું હતું. બીજું મકાન સહકારી ડેરીનું હતું. પણ લોકોની ભીડ જે બાજુ તરફ જામેલી હતી એ સરકારી દવાખાનું હતું.

“પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમાપુરા” એવું પાટીયું વાંચીને ડો. જોષીએ બારીનો કાચ નીચે ઊતાર્યો. ગરમ ઘગધગતી હવાની સાથે ભીડનો કોલાહલ પણ અંદર ધસી આવ્યો.

“અલ્યા, અહીં આવ!” ડો. જાષીએ એક જુવાનને પાસે બોલાવીને પૂછ્યું, “ શું થયું છે? આટલી મોટી ભીડ શાની છે? કોઇ દર્દી મરી ગયું કે શું છે?”

“કોઇ મરી તો નથી ગયું પણ ચાળીસ-પચાસ જણાં મરી જવાની તૈયારીમાં છે.”

“અકસ્માત થયો છે?”

“ના, રોગચાળો ફાટી નીકળ્યો છએ. ગઇ કાલે રાત્રે ગામમાં લગ્નનો જમણવાર હતો. એમાં જેણે જેણે ખાધું હતું ઇ બધાંને ઝાડા-ઉલટી ચાલુ થઇ ગયા છે. કોઇના પેટમાં પાણીનું ટીપુંય ટકતું નથી. ગામમાં આ એક જ દવાખાનું છે. ડોક્ટર પણ એક જ છે. એ પણ છેલ્લા બે દિવસથી રડા ઉપર હતા. આવી ઘટના બની ગઇ એટલે સરપંચે ફોન કરીને બોલાવી લીધા.” વાત સાંભળીને ડો. જોષી પૂરો મામલો સમજી ગયા. ઊનાળામાં આવી ઘટનાઓ બનવી તે સામાન્ય વાત ગણાય. સામુહિક જમણવારમાં ફૂડ પોઇઝનિંગ થઇ જવાના મુખ્ય ત્રણ કારણો હોય છે. દૂધની મીઠાઇ જેવીકે દૂધપાક, ફ્રુટસેલાડ, મઠ્ઠો, કે બાસુંદી. આ મુખ્ય કારણ બીજું પીવાનું પાણી. ગરમીના કારણે પાણીના પીપડામાં ગંદો બરફ નાંખીને એને ઠંડુ કરવામાં આવે છે. આ બપ દેખાય ભલે ચોક્ખો પણ ફેક્ટરીમાં એ જેમાંથી બનાવાય છે તે પાણી ખૂબ ગંદુ અને પ્રદુષિત હોય છે. ત્રીજું કારણ સેલેડ. રાતનો જમણવાર હોય એટલે કાકડી, ટમાંટાં અને બીટને ચાર વાગ્યાથી જ સમારીને ખૂલ્લામાં મૂકી રાખવામાં આવે છે. ચાર-પાંચ કલાકમાં જ એમાં જીવાણુ ઉત્પન્ન થવા લાગે છે. જો ફુડ પોઇઝનીંગ ના ખતરામાંથી બચવું હોય તો કોઇ પણ લગ્ન રીસેપ્શનમાં દૂધની આઇટેમ, કચુંબર અને પીવાના પાણીનો ઉપયોગ ટાળવો જોઇએ.

ડો.જોષી સ્વયં ડોક્ટર હતા અને દૂરના પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં નોકરી કરતા હતા એટલે એ આવી પરિસ્થિતિથી પૂરેપૂરા વાકેફ હતા. જો શક્ય હોય તો ફરજ પરના મેડીકલ ઓફિસરને મદદરૂપ થવા માટે તેઓ કારમાંથી નીચે ઊતરી પડ્યા. ભીડને ચીરીને દવાખાનાના મકાનમાં દાખલ થઇ ગયા.

અંદરની હાલત તો વધારે ખરાબ હતી. નાનકડી પરસાળમાં સો-સવાસો માણસો હાજર હતા દરેક દર્દીની સાથે ત્રણેક સગાંઓ તો હોય જય ઓ.પી.ડી. રૂમમાં ડોક્ટર ખડે પગે દરદીઓને તપાસી રહ્યા હતા. બે નર્સો, એક કમ્પાઉન્ડર અને બે પટાવાળઓ દર્દીઓને બાટલા ચડાવી રહ્યા હતા, ઇન્જેક્શનો આપી રહ્યા હતા, ઊલટીઓ વાસણમાં ઝીલી રહ્યા હતા.

દવાખાનામાં બે જ વોર્ડ હતા અને કુલ આઠ ખાટલાઓ હતા. એટલે વધારાના દર્દીઓને નીચે જમીન ઉપર સૂવડાવવામાં આવ્યા હતા. પરસાળમાં પણ પથારીઓ પથરાયેલી હતી. વાતાવરણમાં ઝાડા-ઉલડીના પ્રવાહની ઝેરી દુર્ગંધ પ્રસરી ગઇ હતી.

ડો.જોષી ઓ.પી.ડી. રૂમમાં પ્રવેશ્યા. મેડિકલ ઓફિસરનો ચહેરો જોઇ શકાતો ન હતો. એક તો એમને ઘેરી વળેલું ટોળું અને બીજું કે ડોક્ટરનુ માથું દર્દીને તપાસવા માટે ઝૂકેલું હતું.

ડો. જોષીએ એમની સ્વભાવગત સજ્જનતા દર્શાવીને પૂછી લીધું, “મે આઇ બી ઓફ એની હેલ્પ ટુ યુ, ડોક્ટર?”( શું હું આપને કોઇ મદદ કરી શકું?)

મેડિકલ ઓફિસરનું માથું ઊંચું થયું. બંનેની નજરો મળી. સ્મિતનો જન્મ થયો.

“અરે! ડો. જોષી?તમે અહીં ક્યાંથી?”

“અરે, ડો. પાઠક? તમે તો રામપુરાના પી.એચ.સી.માં હતા ને? અહીં ક્યારે આવી ગયા?”

“મારી અહીં ટ્રાન્સફર થઇ ગઇ છે. છ એક મહિનાથી.” વાત કરતા કરતા પણ ડો. પાઠક દર્દીને તપાલ્યે જતા હતા.

“ફાવી ગયું અહીં?”

“આપણને બધે જ ફાવે! સબ ભૂમિ ગોપાલકી.”

“એકલા જ રહો છો? કે ઘર-ખાટલો સાથે લાવ્યા છો?”

“અત્યારે તો એકલો જ રહું છું.”

“સુનિતાભાભી મજામાં? અને બા-બાપુજી હજી બેઠા છે ને?”

“હા.” ડો. પાઠકના જવાબો ધીમે ધીમે ટૂંકા ને ટૂંકા થતા જતા હતા. ડો. જોષીને કારણ સમજાતું ન હતું.

અમને યાદ આવ્યું; પૂછી લીધું: “ તમારે એક જુવાન બહેન પણ હતી, નહીં? તમારાથી નાની.”

“હા.”

“એનાં લગ્ન થઇ ગયા? સાસરું સારું મળ્યું છે? બહેન સુખી છે ને?”

ડો. પાઠકનો હાથ ધ્રૂજ્યો. આવાજ પણ: “શી ઇઝ ઓન ડેથ બેડ એટ પ્રેઝન્ટ.”

“હેં?!! શું થયું ?”

“એણે અગ્નિસ્નાન કરી લીધું.”

“ઓહ્ નો! કારણ?”

“પ્રેમલગ્ન. ઘરના સભ્યોની સાચી સલાહની અવગણના. જુવાનીનું જોશ. લીસ્સા શબ્દોની માયાજાળ. પછી મોહભંગ સપનાંઓની રાખ. ભાંગેલું હૃદય. અકથ્ય મુંઝારો અને પછી કેરોસીનનો ડબ્બો અને એક દિવાસળી. ગાંડીએ જો અમને જરાક ઇશારો કર્યો હોચ તો અમે એને પાછી અમારા ઘરે લઇ આવત, પણ એણે એમને અંધારામાં જ રાખ્યા. અને પોતે આગના હવાલે થઇ ગઇ.”

ડો. પાઠક સ્થિતપ્રજ્ઞ બનીને દર્દીનું બલ્ડ પ્રેસર માપી રહ્યા હતા. ડો. જોષી આખેઆખા ખળભળી ઉઠ્યા હતા. એમને ડો. પાઠકની એ લાડકી બહેન બરાબર યાદ હતી. ભલે એક જ વાર જોઇ હતી તો પણ.

એક દિવસ ડો. જોષી ડો. પાઠકના ઘરે ગયા હતા ત્યારે એ ચા-નાસ્તો આપવા માટે આવી હતી. ડો. પાઠકે પરસ્પર પરીચય કરાવ્યો હતો. કોમળ પુષ્ય ટહુક્યું હતું, “નમસ્તે, સર.”

“સર નહીં પણ મોટા ભાઇ કહે બહેન. હું તારા મોટાભાઇનો મિત્ર છું એટલે તારો ભાઇ જ છું.” બે-ત્રણ દૃશ્યો પૂરતી ઝલક. પણ એ અલપ-ઝલપ વાતતચીત પરથી ડો. જોષીના માનસપટલ પર એ છોકરીની જે છાપ પડી હતી તે બહુ ઉજળી હતી. દેખાવમાં સુંદર, વ્યક્તિત્વમાં તેજતર્રાર, વાણીવર્તનમાં સુસભ્ય, શાલિન, સંસ્કારી અને પાંપણના પ્રદેશમાં સ્વપ્નિલ ભવિષ્યના મેઘધનુષો સાચવીને હરતી-ફરતી એક અરમાન ભરેલી જિંદગી.

એક નિ:સાસો નાખીને ડો. જોષીએ પૂછ્યું, “ક્યારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની?”

“ગઇ કાલે સાંજે. બહેન આખા શરીરે દાઝી ગઇ છે. અમદાવાદની જનરલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં દાખલ કરી છે. પાંસઠ ટકા જેટલો દાહ છે તેવું સ્પેશિયાલિસ્ટે જણાવ્યું છે.”

“બ્લડ બોટલ્સ ચડાવી હશે....”

“હા; અત્યારે એ બધી સારવાર ચાલુ જ છે. આઇ.સી.યુ. માં જ રાખી છે બહેનને.”

“તો પછી તમારી હાજરી ત્યાં જરૂરી છે. તમે અહીં...?”

“હું આખી રાત ત્યાં જ હતો. પણ આજે સવારે મારા પર ફોન આવ્યો. મોટા સાહેબનો આદેશ. ભીમપુરા ગામમાં ફુડ પોઇઝનીંગ ની ઘટના બની છે. તમારી રજા કેન્સલ કરવામાં આવે છએ. તાત્કાલીક ફરજ પર હાજર થઇ જાઓ.”

“અને તમે થઇ ગયા?”

“બીજું શું કરી શકું? સરકાર માઇ-બાપનો હુકમ સર-આંખો પર ચડાવવો જ પડે ને! બીજા કોઇ મેડિકલ ઓફિસરની વ્યવસ્થા થઇ શકે તેમ ન હતી. આટલા બધા દર્દીઓને શહેરમાં ખસેડવાનું પણ અઘરું હતું.”

ડો. પાઠકના શબ્દો સાંભળીને ડો. જોષી વલોવાઇ ગયા. આ માણસ કઇ માનસિક યાતનામાંથી ગૂજરી રહ્યો હશે? એક તરફ મરણપથારી પર સૂતેલી બહેન, બીજી તરફ ફરજ બજાવવાની ફરજીયાત તાકિદ. હૈયું સતત બહેનની દિશામાં ખેંચાતું હોય અને દિમાગ એની સંપૂર્ણ ક્ષમતા સાથે આ ગ્રામીણ દર્દીઓને બચાવવામાં પરોવાયેલું હોય આ માણસને ગીતામાં વર્ણવાયેલો સ્થિતપ્રજ્ઞ મનુષ્ય જાણવો? કે પછી જેની બુધ્ધિ બહેર મારી ગઇ છે તેવો ફરજપરસ્ત સરકારી કર્મચારી કહેવો? ઘણીવાર આવી દ્યિધાપૂર્ણ પરિસ્થિતિમાં મૂકાયેલો માણસ આઘાતના મારથી એવો કુંઠિત બની જાય છે કે એ પોતાના ઉપરી અમલદારો સમક્ષ સાચી અંગત સ્થિતિની યોગ્ય રજૂઆત પણ કરી શકતો નથી.

ડો. જોષીએ તત્કાળ નિર્ણય લઇ લીધો. ડો. પાઠકનું બાવડું ઝાલીને ઊભા કર્યા અને કહ્યું, “મિત્ર, તમે નીકળો અહીંથી. તમારી જગ્યાએ હું ફરજ બજાવીશ. અહીંની જરા પણ ફિકર ન કરશો. મને ખબર છે કે તમારી પાસે કાર નથી. બહાર મારી ગાડી અને ડ્રાઇવર તૈયાર છે. આપણી બહેન બચી જશે કે નહીં એ તો ભગવાનના હાથમાં છે, પણ એ જ્યારે આ જગતમાંથી કાયમી વિદાય લે ત્યારે એને ‘આવજો’ કહેવા માટે તમે ત્યાં હાજર હોવા જોઇએ. ઝડપ કરો. મે ગોડ બ્લેસ યુ!”

----------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED