ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 2 Sharad Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 2

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(2)

તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી

લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઇને રો

અશોકભાઇ હરખાભાઇ સોલંકી. ભાવનગર જીલ્લાનુ એક નાનું ગામ. સાવ ગામડું પણ ન કહેવાય. પિથલપુર તાલુકો.આજથી બાર વર્ષ પહેલાં અશોકની ઉંમર એકવીસ જ વર્ષ હતી ત્યારે એના લગ્ન લેવાયા. રમા નામની યુવતી ઊમંગોનુ પાનેતર પહેરીને એના ઘરમાં આવી. સપનાના વાવેતર શરૂ થયા.

કોઇ પણ પતિ-પત્નિનું સૌથી ખૂબસુરત સ્વપ્ન શું હોઇ શકે? ઉતર સહેલો છે. એક અથવા બે સુંદર સંતાનોની મમ્મી-પપ્પા બનવાનું.

અશોક અને રમા પણ આવા જ સપનાની ઝંખનામાં દિવસો પસાર કરતા હતા. પણ એમના ઇંતેઝારનો સમય ખૂબ લાંબો થઇ ગયો.

લગભગ પાંચ-છ વર્ષ વીતી ગયા. કેટલી બધી સારવાર કરાવી. એ પછી એક દિવસ રમાએ પતિને ખાનગીમાં સમાચાર આપ્યા, “મને લાગે છે કે આ મહિને હું.... ....”

નાનાં ગામોમાં ભારતીય પરંપરાઓમાં જીવતા પતિ-પત્ની પણ સાવ ઊઘાડી ભાષામાં આવી બધી વાતચીત કરતા નથી હોતા. ‘કુછ દિલને કહા, કુછ દિલને સૂના’ જેવો મામલો હોય છે. જે વાત શબ્દોથી બયાન નથી થઇ શકતી તે સંકેતોમાં વ્યક્ત થઇ જતી હોય છે.

બંનેએ નક્કી કર્યું કે હજુ થોડાંક દિવસો ચડવા દઇએ. એ પછી ડોક્ટર પાસે ‘ચેક અપ’ માટે જઇશું. પણ મહિનાની ઉપર માંડ દસેક દિવસ થયા હશે ત્યારે અચાનક એક દિવસ સાંજના સમયે રમાને પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપડ્યો. અસહ્ય એટલે એ હદનો કે રમા પથારીમાં પડી પડી તરફડીયા મારે.

અશોકે તરત જ વાહની વ્યવસ્થા કરી. સ્થાનિક ડોક્ટરે રમાને એક ઇન્જેક્શન આપ્યું અને એક સલાહ આપી: “ આમાં અમારુ કામ નથી. પેશન્ટને તાબડતોબ ભાવનગર ભેગાં કરો.”

વાહનની સીટ ઉપર ઊછળતી, દર્દના માર્યા ચીસો પાડતી રમાને મારતી ગાડીએ ભાવનગર લઇ જવામાં આવી. ભાવનગરમાં તો ઘણાં બધા હોશિયાર અને અનુભવી ગાયનેકોલોજીસ્ટ્સ મૈજુદ છે. એમાંથી એકના નર્સિંગ હોમમાં રમા અને અશોક પહોંચી ગયા.

ડોક્ટરે દર્દીનુ ચેક અપ કરતાંની સાથે જ કહી દીધું, “મને એક્ટોપિક પ્રેગ્નન્સીની શંકા પડે છે.”

“એટલે શું?” અશોકે પૂછ્યું.

“ગર્ભ એના યોગ્ય સ્થાને એટલે કે ગર્ભાશયમાં હોવાને બદલે બીજી કોઇ જગ્યા પર હોય તેને એક્ટોપિક પ્રેગ્નન્સી કહે છે. તમારી પત્નીને જમણી બાજુની ફેલોપિયન નળીમાં ગર્ભ અટકી ગયો છે. નળી સાંકડી હોય છે. માટે ગર્ભનો વિકાસ થાય નહીં. જરાક ગર્ભ મોટો થાય કે તરત નળી ફાટી જાય. પેટની અંદર એટલું બધું બ્લીડીંગ થઇ જાય કે દર્દીનો જીવ જોખમમાં આવી પડે.”

અશોક ગભરાઇ ગયો, “તો હવે શું થશે? મારી રમા........?”

“ના, તમારી વાઇફને કંઇ નહીં થાય. ચિંતા ન કરો. મેં સોનોગ્રાફી કરીને જોઇ લીધું છે. નળી હજુ ફાટી નથી.”

“ત્યારે હવે આનો ઉપાય શું છે?”

“પહેલાંના સમયમાં તો પેટ ચીરીને મોટુ ઓપરેશન જ કરવામાં આવતું હતું. જે નળીમાં ગર્ભ હોય તે કાઢી નાખવામાં આવતી હતી. પણ હવે લેપ્રોસ્કોપીનો જમાનો આવી ગયો છે. ઓપરેશન તો કરવું પડશે, પણ આખું પેટ ખોલવું નહીં પડે. તમારી વાઇફને બેહોશ કરીને પેટમાં દૂરબીન દાખલ કરીને નળીને ‘દોહીને’ પેલો ગર્ભ બહાર કાઢી નાખવામાં આવશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે નળી બચી શકશે. એટલે ભવિષ્યમાં ફરી વાર પ્રેગ્નન્સી રહેવાની તકો જળવાઇ રહેશે. લો, આ સંમતીપત્રમાં સહિ કરી આપો. ત્યાં સુધીમાં હું એનેસ્થેટીસ્ટની વ્યવસ્થા કરું છું.”

દસ જ મિનિટમાં એનેસ્થેટીસ્ટ આવી પહોંચ્યો. રમાનું ઓપરેશન પતી ગયું. ચોવીસ કલાકમાં તો એને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી. પૈસા સારા એવા ગયા, પણ એના કરતાંયે મોટુ દુ:ખ ભાવિ સંતાન ગયું એ વાતનું થતુ હતું. એક કૂમળુ સપનુ સાવ કાચું તૂટી ગયું.

જે સપનુ તૂટી ગયું એ તો ફરીથી જોડાતુ નથી; પણ એક સપનુ બીજા સ્વરૂપમાં જન્મી અવશ્ય શકે છે.

બરાબર ચાર વર્ષ પછી રમાએ પતિના કાનમાં આશાનું અમૃત રેડ્યું, “મને લાગે છે કે ફરીથી.....” દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીવે! આ વખતે અશોક પ્રેગ્નન્સીની બાબતમાં એક પણ તક લેવા માટે તૈયાર ન હતો. ભૂતકાળ હજી તાજો હતો. એ પત્નીને લઇને ફરી એકવાર ભાવનગર પહોંચી ગયો. એ જ ડોક્ટર પાસે જેણે પહેલીવાર રમાની સારવાર કરેલી હતી.

આને સાવ યોગાનુયોગ જ કહેવાય. ડોક્ટરે સોનોગ્રાફી કરી તો તેઓ પોતે પણ આઘાત પામ્યા. રમા ફરીથી એક્ટોપિક પ્રેગ્નન્સીનો શિકાર બની હતી!

ડોક્ટરે અશોકને કહ્યું: “ હવે હું તમને શું સમજાવું? તમારી પત્નીએ પાછું એ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે જે તમે પ્રથમવાર અનુભવી ચૂક્યા છો. એ વખતે જમણી બાજુની ફેલોપિઅન નળીમાં ગર્ભ અટક્યો હતો; આ વખતે ડાબી બાજુની નળીમાં ફસાયો છે. મારુ માનો તો આ વખતે ડાબી નળી કાપીને બંધ જ..... ....”

“ના, સાહેબ! મારે અવું નથી કરાવવું નળી જેવી છે તેવી પણ એને કાપીને કાઢી નથી નાખવી. કદાચ ભવિષ્યમાં કામમાં આવશે.”

ડોક્ટરે પતિ-પત્નીનો આગ્રહ મંજુર રાખ્યો. પાછા એક વાર એનેસ્થેટીસ્ટને બોલાવ્યો. ઓપરેશન થિયેટર તૈયાર કરાવ્યું. લેપ્રોસ્કોપી દ્વારા ડાબી ફેલોપિઅન ટ્યુબને દબાવીને જેવી રીતે ગાય કે ભેંસના આંચળને દોહીને દૂધ બહાર કાઢવામાં આવે છે તે જ રીતે નળીમાં રહેલા ગર્ભને કાઢી લીધો.

રજા આપતી વખતે અશોકે પૂછ્યું, “ડોક્ટર સાહેબ, આ એક્ટોપિક પ્રેગ્નન્સી થવાની શક્યતા કેટલી હોય છે?”

“બહુ જ ઓછી.”

“તો પછી મારી વાઇફને બબ્બે વાર એવું શાથી થયું?”

“મને લાગે છે કે રમાબહેનની બંને નળીઓમાં ઇન્ફેક્શનની અસર હોવી જોઇએ. કોઇ પણ કારણથી એમની નળીનો અંદરનો રસ્તો ગર્ભના પસાર થવા માટે સાંકડો થઇ ગયો હશે. માટે જ ગર્ભ વચમાં અટકી જાય છે. આ વાતને વૈજ્ઞાનિક રીતે બે-ચાર કારણોથી સમજાવી શકાય તેમ છે, પણ એનું આખરી પરિણામ એક જ રહેશે.”

“શું?”

“એક્ટોપિક પ્રેગ્નન્સી”

“મતલબ કે રમાને ભવિષ્યમાં જેટલી વાર ગર્ભ રહેશે એ બધી જ વાર નળીમાં જ....?”

“હા,” ડોક્ટરે નિરાશાજનક ઉતર આપ્યો. પછી આ ઉતરમાં વધારે કાળાશ ઊમેરી દીધી, “ભવિષ્યમાં કદાચ ક્યારેય પ્રેગ્નન્સી ન રહે તેવું પણ બને. કારણ કે બંને નળીઓ આ પ્રોસિજરના કારણે પહેલા કરતા વધારે ખરાબ બની ગઇ હોઇ શકે છે.”

“ઓહ્! તો પછી તમારી શું સલાહ છે?”

“મારી સલાહ જો તમારે માનવી હોય તો એક જ છે; ત્રીજી વાર તમારી પત્નીને પ્રેગ્નન્સી ન રહે તે વાતનું ધ્યાન રાખજો. બાળક વગર ન રહી શકાય તો ક્યાંકથી દતક લઇ લેજો. પણ તમારી પત્નીનાં પ્રાણ નીકળી જાય તેવું જોખમ ના ખેડશો. મારી સલાહ તમને કડવી લાગશે, પણ એ જ સાચી સલાહ છે.”

આવુ કહેતી વખતે ડોક્ટરે એવું પણ કહ્યું કે ભવિષ્યમાં આઇ.વી.એફ. પધ્ધતી દ્વારા રમાબહેન ગર્ભ ધારણ કરી શકે છે. પણ અશોકભાઇ ગ્રામીણ વિસ્તારની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હોવાથી દોઢ-પોણા બે લાખ રૂપીયા એક જ મહિનામાં ખર્ચવા એ એમની પહોંચની બહારની વાત હતી.

સમય પસાર થતો ગયો. ત્રણ વર્ષ નીકળી ગયા. અશોકભાઇ મને ક્યારેય રૂબરૂમાં મળ્યા નથી; પણ તેઓ મારી કોલમ ‘ડો.ની ડાયરી’ના નિયમિત વાંચક રહ્યા છે. સતત મારા લેખો વાંચ્યા પછી તેમણે ફોન પર કબુલ કર્યું, “સર, આવી હતાશાજનક પરિસ્થિતિ વચ્ચે પણ જો હું પરમ શક્તિ પર વિશ્વાસ રાખીને ટકી શક્યો હોઉં તો એનુ એક માત્ર કારણ તમારા હકારાત્મક વિચારો છે. જીવનમાં ગમે તેટલા દુ:ખો આવે પણ માનવીએ તેનો હસતા મુખે સ્વીકાર કરવો જોઇએ એ વાત હું તમારી પાસેથી શિખ્યો.” દુ:ખોની ધારાવાહિક શ્રેણી હજી ખતમ થઇ નથી ન હતી. ઇ.સ. 2011માં રમાબહેનને ત્રીજી વાર ગર્ભ રહ્યો. કોઇ પણ સારવાર વગર રહી ગયો. આ વખતે એક્ટોપિકને બદલે નોર્મલ પ્રેગ્નન્સી જ હતી. પણ સાતમો મહિનો ચાલતો હતો ત્યારે પ્રિ-મેચ્યોર ડિલિવરી થઇ ગઇ. આઠસો ગ્રામ વજનની બાળકી જન્મી જે સંપૂર્ણ નીઓનેટલ સારવાર આપવા છતાં પણ જીવી ન શકી.

હવે બધા સ્વજનોએ હિંમત અને ધીરજ ગુમાવી દીધી હતી. કોઇ બાળક દતક લેવાની સલાહ આપતુ હતુ, તો કોઇ આઇ.વી.એફ. ટ્રીટમેન્ટની સલાહ આપતું હતુ. પણ અશોકભાઇ ઇશ્વર પરની શ્રધ્ધાના તરાપા પર બેસીને જિંદગીનો સાગર પાર કરવા મથી રહ્યા હતા.

છેવટે સમંદર હાર્યો અને તરાપો જીતી ગયો. 2014માં ચોથી વાર રમાબહેન પ્રેગ્નન્ટ બન્યાં. નો એક્ટોપિક પ્રેગ્નન્સી,નો પ્રિમેચ્યોર ડિલિવરી. હમણાં ગયા સપ્ટેમ્બરમાં જ રમાબહેને પૂરા મહિને પૂર્ણીમાના ચાંદ જેવી દીકરીને જન્મ આપ્યો. એ પણ નોર્મલ ડિલિવરી દ્વારા.

દીકરી જીવી ગઇ છે એ વાતની શ્રધ્ધા બેસી ગયા પછી એશોકભાઇએ મારો ફોન નંબર લગાડ્યો: “સાહેબ, હું ભાવનગર જિલ્લાના એક નાનકડાં ગામમાંથી બોલું છું. ખાસ તમારો આભાર માનવા જ ફોન.. ...”

ફોન મૂક્યા પછી હું વિચારતો રહ્યો. આપણા દ્વારા લખાયેલા શબ્દોની અસર ક્યાં ક્યાં પહોંચતી હશે એ વાતનો અંદાઝ લેખકોને લખતી વેળાએ ક્યારેય હોય છે ખરો?! આ વાત નકારાત્મક લખાણને પણ એટલી જ લાગુ પડે છે. અશોકભાઇના ફોન પરથી મને લાગ્યું કે મારી જવાબદારી વધી ગઇ છે. મારી જાત પ્રત્યેની સભાનતા પણ વધી ગઇ અને ઇશ્વર ઉપરની શ્રધ્ધા પણ.

(શીર્ષક પંક્તિ: ઝવેરચંદ મેઘાણી)

-------------

રેટ કરો અને રિવ્યુ આપો

Krupali

Krupali 7 દિવસ પહેલા

S J

S J 2 અઠવાડિયા પહેલા

Parash Dhulia

Parash Dhulia 3 માસ પહેલા

Minaxi kachhadiya

Minaxi kachhadiya 4 માસ પહેલા

Tanuja Patel

Tanuja Patel 4 માસ પહેલા