અજવાળાંનો ઓટોગ્રાફ - 16 Dr. Nimit Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજવાળાંનો ઓટોગ્રાફ - 16

અજવાળાંનો ઓટોગ્રાફ

(16)

એક હતો રાજા

નાના હતા ત્યારે રાજાની વાર્તાઓ સાંભળવી બહુ ગમતી. રત્નજડિત રાજમહેલ, ધન-કુબેરના ભંડારો, સોનામહોરો અને રાજાના વૈભવની વાતો સાંભળતા, ત્યારે આપણી આંખો પહોળી થઈ જતી. જેમ જેમ મોટા થતા ગયા, તેમ તેમ વાર્તાઓની કાલ્પનિક સૃષ્ટિમાંથી જીવનની વાસ્તવિક્તામાં પ્રવેશતા ગયા અને પેલી પહોળી થયેલી આંખોમાંથી અંદર ગયેલું રાજા બનવાનું સપનું પણ ધીમે ધીમે મોટું થતું ગયું.

ગરીબ કે મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ લેવાનો સૌથી મોટો ફાયદો જ એ છે કે સપનાઓ જોવા માટે વિષય અને વસ્તુઓની વિશાળ રેન્જ અવેલેબલ હોય છે. નવું ઘર હોય, ઓફિસ કે પછી બ્રાન્ડ ન્યુ કાર. આંખો અને બુદ્ધિ વચ્ચે જબરદસ્ત કોમ્યુનિકેશન ગેપ હોવો જોઈએ કારણકે આપણે જોયેલા સપનાઓ આપણી ઔકાત અને ગજા બહારના હોય છે.

જો સપનાઓ પૂરા કરવા માટે બેંકમાંથી લોન લેવી ન પડે, તો સમજવું કે આપણે જોયેલા સપનાઓ બહુ નાના છે. ઈચ્છાઓના બજારમાં લટાર મારવા નીકળીએ ત્યારે સમજાય કે આપણને ગમતી દરેક વસ્તુની કિંમત આપણા ખિસ્સામાં રહેલા રૂપિયા કરતા વધારે છે. ક્યારેક તો રૂપિયા કમાવવા માટે પણ બેંક પાસેથી રૂપિયા ઉધાર લેવા પડે છે. રીક્ષા ચલાવવી હોય કે ટેક્સી, નવી દુકાન લેવી હોય કે જમીન, સપનાઓ પૂરા કરવા માટે દરેક વ્યક્તિએ હિંમતમાં ઇન્વેસ્ટ કરવું પડે છે.

નાની હોય કે મોટી, બેંક પાસેથી લીધેલી લોનને વ્યાજસહિત ચૂકવી દેવાની ચિંતા, દરેક પ્રમાણિક માણસને રહેતી હોય છે. અમૂક ટકાના વ્યાજે બેંક પાસેથી ઉધાર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે, દરેક સામાન્ય માણસ એકવાર પાછુ વળીને જોતો હોય છે. તેને ડર હોય છે કે એક સપનાનો પીછો કરવામાં જિંદગી ક્યાંક પાયમાલ ન થઈ જાય. પોતાની પત્ની, બાળકો અને મા-બાપ રૂપી પ્રજાને તમામ સુખ-સગવડો અને વૈભવ આપીને દરેક પુરુષ પોતાના નાનકડા એવા રાજ્યનો રાજા બનવા માંગતો હોય છે. ફાઈનાન્સ પર લીધેલા ૪૦ ઇંચના સ્માર્ટ LED ટીવીની સામે પરિવાર સાથે બેસીને દરેક વ્યક્તિ પોતાના બ્રાઈટ અને કલરફૂલ ભવિષ્યને જોવા માંગતો હોય છે.

દર વર્ષે આવનારા બજેટમાં અસંખ્ય લોકો માટે સૌથી મોટી રાહત એ જ હોય છે કે સપનાઓ જોવા પર કોઈ ટેક્સ નથી લાગતો. અશક્ય લાગતા સપનાનો પીછો કરનારા કેટલાક લોકો કેલ્ક્યુલેટર પર EMIનો આંકડો વાંચીને જ મન મનાવી લે છે.

પોતાના પગારમાંથી ગમે તેમ કરીને દર મહિને બેંકને હપ્તો ચુકવનારા દરેક પુરુષને એક ગેરેન્ટરની જરૂર હોય છે. એક એવો ગેરેન્ટર જે એના ખભા પર હાથ મૂકીને એને ગેરંટી આપી શકે કે અમે તારી સાથે છીએ. જે એને વિશ્વાસ આપી શકે કે જે રીતે પેટના ખાડા ભરાઈ ગયા, એમ હપ્તા પણ ભરાઈ જશે. જેણે હાથ આપ્યા છે, એ હપ્તા ભરવાની લાયકાત પણ આપી દેશે. જેણે કામ કરવાની દાનત આપી છે, એ કામ પણ આપતો રહેશે. સાચો રાજા એ જ કહેવાય, જેનું એકાઉન્ટ ક્યારેય NPA ન થાય. આ જ સમય છે સપનાઓ પૂરા કરવાનો. બાળપણમાં સાંભળેલી વાર્તાઓ જીવી લેવાનો. અત્યારે હિંમત કરીશું તો ભવિષ્યમાં આપણા સંતાનો એમના બાળકોને આપણી વાર્તાઓ કહેશે કે એક હતો રાજા.

-ડૉ. નિમિત્ત ઓઝા