અજવાળાંનો ઓટોગ્રાફ - 15 Dr. Nimit Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજવાળાંનો ઓટોગ્રાફ - 15

અજવાળાંનો ઓટોગ્રાફ

(15)

એ મને ગમતા નથી

૯0 વર્ષ સુધી જીવેલા વિન્સ્ટન ચર્ચિલને કોઈએ પૂછ્યું હતું, ‘તમે આટલું લાંબુ જીવ્યા કઈ રીતે ?’ ચર્ચિલે કહેલું, ‘આટલા લાંબા વર્ષોમાં મેં મારા હ્રદયમાં કોઈની પ્રત્યેના ધિક્કારને સ્થાન નથી આપ્યું.’ આપણી જાતને નુકશાન કર્યા વિના આપણો અણગમો અભિવ્યક્ત કરી શકવો, એ પણ એક માનસિક સ્વસ્થતાની નિશાની છે.

અણગમો દર્શાવવાની સ્પેશિયલ તાલીમથી આપણે ઘણીવાર વંચિત રહી જતા હોઈએ છીએ. આપણી નાપસંદગી અને નામંજૂરી વ્યક્ત કરવાની આપણી રીતને કારણે આપણે લોકોમાં ઘણીવાર અપ્રિય બની જતા હોઈએ છીએ. આપણી અંગત વિચારધારા અને વ્યક્તિગત અભિપ્રાયો લઈને આપણે સમુહમાં જીવીએ છીએ.

ટોળાથી કશુંક અલગ વિચારી શકવાની ક્ષમતા જ આપણી એક અલગ ઓળખાણ પ્રસ્થાપિત કરતી હોય છે. પણ એનો અર્થ એ નથી કે સમાજમાં રહેલા બીજા કોઈના વિચારો કે અભિપ્રાયો પ્રત્યે આપણે સન્માન ગુમાવી બેસીએ. આપણી સાથે અસંમત થતી હોય એવી કોઈ વ્યક્તિ સાથેનું આપણું વર્તન અને વ્યવહાર જ આપણા ચારીત્ર્યનું ટ્રેઈલર બતાવે છે.

કોઈ વ્યક્તિમાં રહેલી કેળવણી જોવા માટે ટીકીટો ખર્ચવાની જરૂર નથી પડતી. આપણને ન ગમતી વ્યક્તિ સાથેનો વ્યવહાર જ આપણામાં રહેલી કેળવણીની બાંગ પોકારે છે.

આપણી આસપાસ એવા કેટલાય લોકો હશે જેમના વાઈબ્ઝ, વાણી કે વર્તન આપણી સહન-શક્તિની બહાર હોય અને છતાં એવા લોકોનો સામનો કરવો પડે. આ દુનિયામાં ‘ખરાબ’ હોવાનું સર્ટિફિકેટ લઈને કોઈ આવતું નથી. દરેક પોતાના સંજોગો અને સમજણ પ્રમાણે વિચારે છે અને વર્તે છે. વ્યક્તિના વર્તન પર સંજોગો કરતા પણ વધારે અસર એનો ઉછેર કરતું હોય છે. અને કોઈ વ્યક્તિનો ઉછેર કયા સંજોગોમાં થયો છે ? એની જાણ આપણને નથી હોતી.

એવી વ્યક્તિઓ પ્રત્યે આપણા મનમાં જે ભાવ ઉદભવે છે, એ અણગમાનો છે. ધિક્કારનો નથી. સામેવાળી વ્યક્તિને ફક્ત ‘મને આ નથી ગમ્યું’ કહી શકવાની આપણી અણઆવડતને કારણે આપણે તેમને કેટલું બધું સંભળાવતા હોઈએ છીએ.

કોઈ વ્યક્તિ તરફનો આપણો અણગમો આપણે સ્વીકારી જ નથી શકતા. આપણને દરેક વ્યક્તિ ગમવી જ જોઈએ અથવા તો દરેક વ્યક્તિને આપણે ગમવા જ જોઈએ, એવી આપણી ગેરમાન્યતાને કારણે જ આપણે વધારે દુખી થતા હોઈએ છીએ.

ન ગમવું કે સંમત ન થવું, એ કુદરતી ઘટના છે. જે લોકો આપણને નથી ગમતા, એ લોકોનો આભાર આપણે એટલા માટે માનવો જોઈએ કે તેઓ પોતાના વર્તન, વાણી કે વિચારમાં પ્રામાણિક છે. આપણને ગમાડવા માટે તેઓ પોતાની મૂળ પ્રકૃતિથી વિરુદ્ધ જઈને કૃત્રિમ આવરણોનો સહારો લેતા નથી. અને એમની એ વાત માટે તેઓ આદરપાત્ર છે.

આપણે સહુ આપણી જાત સિવાય દરેક વ્યક્તિની અવગણના કરી શકવાના હકદાર છીએ. કોને કેટલું મહત્વ આપવું ? એ વિશેના કાયમી કોપીરાઈટ્સ આપણા દરેકની પાસે હોય છે. ધિક્કાર બતાવ્યા સિવાય પણ ન ગમતા લોકોથી દૂર રહેવું, આપણા દરેકના હાથમાં છે.

કવિ ડૉ. ફિરદૌસ દેખૈયાના એક બહુ જ ગમતા શેર સાથે આ અણગમાનો સત્કાર અને સ્વીકાર કરીએ.

‘કોઈને ધિક્કારવાનો છે જ નહિ મારો સ્વભાવ,

હા ! કહ્યું છે એટલું કે એ મને ગમતા નથી.’

-ડૉ. નિમિત્ત ઓઝા