નક્ષત્ર (પ્રકરણ 14)

કપિલ ચાલ્યો ગયો એણે મારા તરફ જોયું પણ નહી. મેં આંસુઓને રોકવાની હજાર કોશિશ કરી પણ વ્યર્થ. એ હજાર સપનાને હજાર આશાઓ તુટવાના દુ:ખ સામે મારી કોશીશોનું શું ગજું?

મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જાણે કોઈ બાળકે જીદ કરી હોય અને એ વસ્તુ એને ન મળતા એ રડે એમ હું રડી. જાણે કોઈએ વર્ષોથી સાચવેલ એની અમુલ્ય વસ્તુ ખોવાઈ જાય અને એ રડે એમ હું રડી રહી હતી. મારા આંસુઓ પર મારો કોઈ કાબુ ન હતો. ચોમાસામાં ધસમસતી નદીના પુરની જેમ એ વહી જતા હતા.

“નયના.” મને અવાજ સંભળાયો, એ કિંજલ હતી, હું એને ભેટી પડી.

લગભગ દસેક મિનીટ એણીએ મને સમજાવી ત્યારે હું માંડ ચુપ થઇ. છતાયે હજુ એના એ શબ્દો “આપણે મળવું જ નહોતું જોઈતું. આપણા વચ્ચે દોસ્તી થવી જ નહોતી જોઈતી.” મારા મનમાં ગુંજ્યા કરતા હતા.

હું એના એ શબ્દો અને આંસુઓને મારાથી દુર ધકેલવાનો પ્રયત્ન કરી રહી હતી અને એ બન્ને ચીજો વારવાર મારામાં ડોકિયું કરી રહી હતી. હું કિંજલ સાથે કલાસમાં ગઈ અને એ જ મનહુસ બેંચ પર જઈ બેઠી.

“અ સ્ટેટમેન્ટ ઓફ પ્રોપોજીસન મસ્ટ, બાય ડેફીનેસન, હેવ ટ્રુથ વેલ્યુ. આઈ.ઈ. ઈટ મસ્ટ બી આઇધર ટ્રુ ઓર ફોલ્સ.” ફિલોસોફિના ટીચરે આવતા જ શરુ કર્યું. મને ગમતો વિષય હોવા છતાં મને એ બોરિંગ લાગ્યો. ખરેખર જીવનમાં કયાં ફિલોસોફી કામ આવે છે.

શર્મા સર થોડીક વાર અટક્યા, “વોટ ઈઝ આરગ્યુંમેન્ટ...?”

શર્મા સરે એમના સવાલનો જવાબ મેળવવા કલાસ પર એક નજર કરી. હું કહેવા માંગતી હતી કે હમણાં બગીચામાં મેં જે અનેક વાકયો કહ્યા એ આરગ્યુંમેન્ટઝ હતી અને તમે ભણાવો છો પણ એ કઈ કામની નથી. કેમકે હું અનેક આરગ્યુંમેન્ટઝ કરીને પણ કપિલને કન્વેન્સ ન કરી શકી કે અમારે ભેગા રહેવું જોઈએ અને એ કોઈ પણ દલીલો વિના સાબિત કરી ગયો કે અમારે એકબીજા સાથે ન રહેવું જોઈએ. પણ મેં કોઈ જવાબ આપ્યો નહિ. મારી જેમ જ કલાસમાં કોઈને એ જવાબ આપવામાં રસ ન હોય એમ બધા ચુપ હતા.

“એન આરગ્યુંમેન્ટ કંસીસ્ટસ ઓફ અ સીકવન્સ ઓફ સેન્ટેનસીઝ કોલ્ડ પ્રીમીસીઝ એન્ડ અ સ્ટેટમેન્ટ કોલ્ડ અ કોનક્લુઝન. એન આરગ્યુંમેન્ટ ઈઝ વેલીડ ઇફ ધ કોનકલુઝન ઈઝ ટ્રુ વેનઈવર પ્રીમીસીઝ આર ઓલ ટ્રુ.”

ફરી શર્મા સરે જે કહ્યું એ સિમ્બોલિક રીતે મને જ લાગુ પડતું હતું. કોઈ પણ દલીલને તારવવા માટે વપરાયેલા વિધાનોની સત્યતા પર દલીલની સત્યતા આધાર રાખે છે. એ બાબત મારા કરતા વધુ સારી રીતે કોણ જાણી શકે?

મને કલાસમાં કોઈ રસ નહોતો. હું વીંટીને અડ્યા બાદ જે જોયું એના વિશે વિચારવામાં વ્યસ્ત હતી. હું ક્લાસમાં ગઈ ત્યારથી હજુ સુધી કપિલે મારી તરફ જોયું પણ નહોતું. છતાં મેં એની તરફ જોયું. એના ચહેરા પર ગુસ્સાના ભાવ ન હતા. એ ગુસ્સાના ભાવ જે પહેલા દિવસે મેં જોયા હતા એ કયાંક અદ્રશ્ય હતા. એ ગુસ્સાના ભાવ જે મેં બગીચામાં જોયા હતા એ કયાંક ખોવાઈ ગયા હતા. એની આંખો પણ શાંત હતી - કોઈ નીલા તળાવ જેવી એ આંખોમાં કોઈ અનેરું કામણ હતું. કોઈ ગજબની મોહિની હતી. કદાચ એનામાં સમોહન હતું.

શર્મા સર ઉદાહરણ સાથે વ્યાપ્તિ વિશે સમજાવવા લાગ્યા.

“પેલા પર્વત પર ધુમાડો છે માટે ત્યાં આગ હશે. આ વિધાન માટે જયાં જયાં ધુમાડો હોય ત્યાં આગ હોય જ છે. આગ અને ધુમાડા વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ છે. એવું આપણે એક સામાન્ય ઉદાહરણ વડે બતાવીશું. ચૂલામાં ધુમાડો હોય છે અને ત્યાં આગ પણ હાજર હોય છે.”

મારું મન એ દિવસે જરાય ભણવામાં ન હતું પણ છતાં હું એ તરફ ધ્યાન આપતી હોઉં એમ ડોળ કરી બેસી રહી. મને એ સમજુતી એકદમ વાહિયાત લાગી. અહી તો એક તરફ આગ હતી તો બીજી તરફ કોઈ અસર ન હતી તો ધુમાડાથી શું થાય??

મેં આંખને ખૂણેથી ફરી એકવાર કપિલ તરફ જોયું - એનો ચહેરો એ જ હતો. એની એનેટોમીમાં કોઈ જ ફેરફાર ન હતો. એ શાંત ચિતે શર્મા સરના શબ્દો સાંભળી રહ્યો હતો કે પછી ખબર નહી એ શબ્દો સંભાળવાનો ડોળ કરી રહ્યો હતો.

મેં ફરી નજર શર્મા સર તરફ ફેરવી લીધી.

“કાગડાને પાંખો હોય છે અને તે પક્ષી છે. મોરને પાંખો હોય છે અને તે પક્ષી છે. હંસ ને પાંખો હોય છે અને તે પક્ષી છે. આ ત્રણ એકદેસી વિધાન પરથી આપણે એક સર્વદેશી વિધાન મેળવી શકીએ કે દરેક પક્ષીને પાંખો હોય છે. જે સાચું છે. પણ દરેક વખતે એકદેશી વિધાન પરથી મેળવેલ સર્વદેશી વિધાન સાચું નથી હોતું. આપણે એક શહેર પર એક ઉદાહરણ જોઈએ. મહેશ અમદાવાદી છે અને લોભી છે. નરેશ અમદાવાદી છે અને લોભી છે. જનક અમદાવાદી છે અને લોભી છે. આ ત્રણ એકદેશી વિધાન પરથી આપણે એક સર્વદેશી વિધાન તારવીએ કે સર્વ અમદાવાદી લોભી છે. તો એ વિધાન સાચું નથી.”

હું ફરી લેકચર સંભાળવાનો ડોળ કરવા લાગી. વિચારોને વિચારોમાં શર્મા સરનું લેકચર કયારે પતિ ગયું મને ખબર પણ ન પડી. શીતલ મેમ ફરી એ જ હું જે ગયા વર્ષે ભણી ચુકી હતી એ સમજાવવા લાગ્યા. મેં શીતલ મેમના લેકચર દરમિયાન ફરી એકવાર એની તરફ જોયું. આ વખતે કદચ હું એની તરફ જોઈ રહી છું એનો એને ખયાલ આવી ગયો હશે એટલે એણે પણ મારી તરફ જોયું પણ એની આંખો અલગ હતી... એ ડીપ ગોલ્ડ આંખો અલગ હતી... એની આંખો  એના પુરા ચહેરાને સુંદર બનાવતી હતી એ જ આંખો મને તેના ચહેરા પ્રત્યે મોહિની જગાડી રહી હતી. પણ મને બીજી જ પળે ખ્યાલ આવ્યો કે એની આંખોમાં કોઈ અજીબ ઉદાસી છે. એ ડીસ્ટર્બ હોય એમ લાગતું હતું.  

મને એમ કે એ નજર ફેરવી લેશે પણ એણે નજર ન ફેરવી એ નિસ્તેજ આંખો મને જોતી જ રહી... મેં કોશીસ કરી મારી નજર ફેરવવાની પણ હું નજર ન ફેરવી શકી.

“કોઈ નાગપુરમાં આવેલા ઐઈતિહાસિક સ્થળો વિશે જણાવશે?” કોણ જાણે કેમ પણ શીતલ મેમ ભારતના ઐતિહાસિક સ્થળો પરથી અમારા નાગપુરના પર્શનલ ઈતિહાસ પર આવી ગયા. કદાચ તેઓ જાણવા માંગતા હતા કે કોઈને પોતાના જ શહેરનો ઈતિહાસ માલુમ છે કે કેમ.

“નયના, આર યુ ફેમીલીઅર વિથ અવર સીટી ઓર નોટ?” શીતલ મેમે કહ્યું, એમની યાદદાસ્ત એકદમ તેજ હતી, એમણે મારું નામ એક જ વાર સાંભળ્યું હતું, મેં પહેલા દિવસે મારો પરિચય આપ્યો ત્યારે છતાયે એમને મારું નામ યાદ હતું.

હું ઉભી થઇ, એમના તરફ જોઈ રહી..

“સોરી મેમ, આઈ એમ નોટ મચ ફેમીલીઅર વિથ નાગપુર.” મેં કહ્યું.

“ઓકેય. સીટ ડાઉન, યુ નો ધેર આર મેની હિસ્ટરીકલ પેલીસીઝ ઇન નાગપુર લાઈક ભેડા, ચોસઠ યોગીની ટેમ્પલ, ઓલ્ડ રુઇન્ડ શિવ ટેમ્પલ, નાગ ટેમ્પલ ઓન ભેડા વોઝ બિલ્ટ અરાઉન્ડ સિક્સટીન્થ સેન્ચ્યુરી. ઈટ ઈઝ ઓલ્ડેસ્ટ સાઈટ ઇન ઓવર સીટી.”

“ઓકેય મેમ. આઈ વિલ કીપ ઇન માઈન્ડ.” કહી હું બેસી ગઈ.

“ગુડ.” કહી મેમ પોતાના ટોપિક પર આગળ વધ્યા. હું મેમ તરફ જોઈ બેસી રહી પણ મારું મન એક અલગ જ નિર્ણય પર પહોચ્યું. હું કોલેજ પછી ભેડા જઈશ અને મને સપનામાં દેખાતા એ ખંડેર મંદિરની મુલાકાત લઈશ. ત્યાં કઈક રહસ્ય તો હશે. હું આ ગુંચ ઉકેલીને જ જંપીશ. મેં મનોમન નક્કી કર્યું.

‘ત્યાં ન જઈશ.’  મને આકાશવાણી જેવો અવાજ સંભળાયો.

હું જઈશ. મેં મારી જાતને જ કહ્યું.

‘તું ત્યાં નહી જાય.’ મને ફરી આકાશવાણી સંભળાઈ. એ બધું મારા માઈન્ડના બેક ભાગમાં સંભળાતું હતું.

હું કેમ ન જાઉં? મેં ખુદને જ સવાલ કર્યો.

‘મેં તને કહ્યું ને કે હું તને દરેક ચીજ માટે કારણ ન આપી શકું. કારણ એ માત્ર ભ્રમણા છે.’ ફરી આકાશવાણી જેવો અવાજ સંભળાયો.

ઓહ! માય ગોડ! એ મારી સાથે વાત કરી રહ્યો હતો. મેં એની તરફ જોયું, અને એ પુરા ધ્યાનથી શીતલ મેમનું લેકચર સાંભળી રહ્યો હતો.

એ કઈ રીતે શક્ય હોય? એ મારી સાથે આકાશવાણી જેમ વાત કરી રહ્યો હતો અને બીજી તરફ લેકચરમાં પણ ધ્યાન આપી રહ્યો હતો. એ અશકય હતું. હું પાગલ થઇ ગઈ હતી. મારે ખરેખર કોઈ મનોચિકિત્સકને મળવાની જરૂર હતી. હું એ બધું કલ્પના કરી રહી હતી.

‘હા. ભેડા પર જઈ રહસ્યની શોધ કરવાનું વિચારનાર તું પાગલ જ છે.’ મેં હવાના આવરણ આરપાર નજર કરી એની તરફ જોયું.

‘તારા જેટલી પાગલ તો નથી.’ મેં મનોમન કહ્યું, ‘તું લોકોનું મન વાંચી શકે છે?’

‘નોપ.’

‘યુ કેન રીડ માઈન્ડ.’

‘નોટ રીયલી.’

‘વોટ અબાઉટ જસ્ટ નાઉ?’ મેં મનમાં કહ્યું, ‘તે હમણાં જ એ કર્યું.’

‘મેં તને કહ્યું ને કે મને ખબર નથી. હું તારા સાથે આ રીતે વાત કરી શકું છું.’

‘હું પણ કોઈ બીજાનો અવાજ નથી સાંભળી શકતી. મને લાગે આપણે કોઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છીએ.’

‘કદાચ હોઈ શકે પણ આપણે જોડાયેલા હોવું ન જોઈએ.’

હું જાણતી હતી કે કેમ એ મને નેગલેક્ટ કરી રહ્યો છે. એ મારી સુરક્ષાને લઈને ચિંતામાં હતો. પણ હું એને કહેવા માંગતી હતી કે જેમ અત્યારે આપણે મનોમન એકબીજા સાથે જોડાયેલા છીએ એમ હું હૃદયથી હમેશા તારી સાથે જોડાયેલી રહું છું. ભલે ને તું ગમે તેટલો દુર હોય મને એમ જ લાગે છે કે મારું હ્રદય તારી પાસે જ છે. મેં આજ સુધી પહેલા કોઈના માટે આવી વિચિત્ર લાગણી નથી અનુભવી. કદાચ આ જ પ્રેમ હશે તો ખબર નહિ.

‘હું તને ચેતવી રહ્યો છું. ભેડો તારા માટે જોખમી છે.’

‘જે હોય તે, આઈ વિલ કનસાઈડર માયસેલ્ફ વોર્ન્ડ. હું ત્યાં જઈશ. હું રહસ્ય ગુંચ ઉકેલ્યા વિના નહિ અટકું.’

‘તું આગ સાથે રમી રહી છો.’

‘મને સપનામાં રોજ એની સાથે રમવાની આદત પડી ગઈ છે. તે વિઝનમાં જંગલની આગ નહોતી જોઈ? મને એની આદત છે.’

‘હા, હું પણ એ આગની વચ્ચે જ હતો માટે જ તને ચેતવી રહ્યો છું.’

‘હું ભેડા જઈ તપાસ કરવા માંગુ છું. મને ખબર છે મારે કોઈ સુપરનેચરલ શક્તિ સામે ટકરાવું પડશે, પણ હું જાણું છું કે મારે કયારેક તો એનો સામનો કરવો જ પડશે. તો આજે જ કેમ નહિ? હું વધુ ગુંચમાં જીવી શકું એમ નથી. વધુ એક દિવસ પણ નહિ.’

‘તું મુશ્કેલીમાં મુકાઈ જઈશ.’

‘મને ખબર છે.’

‘તને ખબર છે કે જોખમ છે છતાં ત્યાં કેમ જવા માંગે છે?’

‘એ તું નહિ સમજી શકે.’

‘શું?’

‘લાગણીઓ- ફીલિંગ્સ- ઈમોશન્સ.’ મેં બે ભાષામાં કહ્યું. અલબત્ત આ વાત કઈ રીતે થતી હતી મને ત્યારે સમજાયું નહોતું. પણ અમારા વચ્ચે ટેલેપથી મેસેજની આપલે થતી હતી. જે માત્ર અમે જ સાંભળી શકતા હતા.

‘મારો વિશ્વાસ કર, ભેડા પર કઈ નથી.’

‘કઈ નથી તો તું ત્યાં જતા મને કેમ રોકે છે?’

‘બધી બાબતો માટે કારણ ન પણ હોય - આ જીવન છે તત્વજ્ઞાનની કોઈ દલીલ નહિ જેને સમજાવી શકાય.’

‘અને આ મારું જીવન છે. મારા સપનામાં આવતા એ સ્થળનું રહસ્ય હું ઉકેલીને જ રહીશ. હું ત્યાં જઈશ. તું એ રહસ્ય વધુ સમય મારાથી છુપાવી નહિ શકે. એ મારી સાથે પણ જોડાયેલું છે. એ જાણવાનો મને હક્ક છે.’

લંચ બ્રેકનો બેલ વાગ્યો એટલે શીતલ મેમ પોતાના હાથમાંની બુકને કોઈ મા પોતાના બાળકને વહાલથી છાતીએ ચાંપે એમ વહાલથી લઈને બહાર નીકળી ગયા..  બધા છોકરા છોકરીઓ પોતાની જગ્યા પરથી ઉભા થઇ કલાસ બહાર જવા લાગ્યા.. બધા જ મારી અને કપિલની તરફ એક નજર કરીને જ જતા હતા.

હું પણ ઉભી થઇ અને કિંજલ સાથે બહાર જવા લાગી. દરવાજે પહોચી મેં એક નજર મારી બેંચ તરફ કરી, કપિલ ત્યાજ બેઠો હતો, એ પોતાની બેગમાં પુસ્તકો ભરી રહ્યો હતો,  હું કલાસ બહાર નીકળી ગઈ.

મને ભૂખ ન હતી છતાં કિંજલ મને કેફેટેરિયા તરફ તાણી ગઈ. આમ પણ મારી પાસે લંચ ટાઈમ પસાર કરવા માટે બીજી કોઈ જ જગ્યા ન હતી.  હું અને કિંજલ એ જ કાચની સ્લાઈડીગ બારી નજીકના ટેબલ સામે ગોઠવાયા. કિંજલ કોફીનો ઓર્ડર કરી આવી. મને નવાઈ લાગી જાણે એ પણ મારું મન વાંચી શકતી ન હોય?

મારે કોફીની ખરેખર જરૂર હતી. રાંધવાના તેલની સુવાસ ચારે તરફ ફેલાયેલી હતી. સમોસા અને બ્રેડ પકોડા તળાઈ રહ્યા હતા. પણ એ દિવસે મને એ સુવાસ જરાય ન ગમી. કોઈ સામાન્ય દિવસ હોત તો ગ્રામ ફ્લોર અને બેસનની સ્મેલે મને હિપ્નોટાઈઝ કરી મૂકી હોત.

કિંજલ કાઉન્ટર પર કોફી ઓડર કરી ફરી મારી સામે આવી ગોઠવાઈ. વેઈટર ટેબલ પર આવી બે પેપર કપ કોફીના ભરી ગયો. કેટલમાંથી કોફીને પેપરકપમાં રેડાતી જોઈ મને જરાક રાહત થઇ. હું કોફી કપ હાથમાં લઇ વિચારોમાં ડૂબી ગઈ.

મેં પેપર કપ ટેબલ પર મુક્યો અને એને જોઈ રહી. એ કોફી મારા આજના કાળા દિવસ જેટલી જ કાળી દેખાઈ. મને ઊંઘવાની ઈચ્છા થઇ. મને ઘરે જવાની ઈચ્છા થઇ. મને એ કોલેજ છોડી કયાંક ચાલ્યા જવાની ઈચ્છા થઇ.

થેંકસ કિંજલ કે એ મને કંપની આપવા ત્યાં હતી.

“તું એકદમ ઓફ કેમ છે?” કિંજલે એની ખુરશીને ટેબલ નજીક ખસાવી.

“કઈ નથી..” મેં મારા અવાજમાં રોજની મીઠાસ લાવવા પ્રયાસ કર્યો પણ હું નિષ્ફળ રહી.

“કેમ તું મને ફ્રેન્ડ નથી સમજતી?”  

“તું એક જ તો આખી કોલેજમાં છો જેને હું ફ્રેન્ડ કહી શકું એમ છું.” મને માશીનો રોનિત યાદ આવ્યો પણ એણે કોઈ બીજી જ કોલેજમાં એડમિસન કરાવ્યું હતું. એની ગર્લ ફ્રેન્ડનું જે.એમ. વોહરાની યાદીમાં નહોતું આવ્યું એટલે એનું નામ યાદીમાં હોવા છતાં એ બીજી કોલેજમાં ચાલ્યો ગયો હતો.  કાશ! કે હું પણ કોઈ બીજી કોલેજમાં ગઈ હોત!

“તારો એની સાથે કઈ ઝઘડો થયો...?”

એ કઈ પૂછે એ પહેલા મેં એને વચ્ચે જ અટકાવીને કહ્યું, “એનું તો નામ જ ન લેતી.”

“કેમ શું થયું?”

“એ વિચિત્ર છે.”

“હા, અને દયાળુ પણ છે. કોલેજમાં બધાની મદદ એ જ કરે છે. કપિલ ન હોય તો નીલ જેવા સીનીયરો જૈનમ જેવા શાંત છોકરાઓને કોલેજમાં આવવાનો મોકો જ ન આપે.”

હું કપિલ પર ગુસ્સે હતી છતાં કિંજલે એના વખાણ કર્યા એ મને ગમ્યું. હવે મને સો ટકા ખાતરી થઇ કે હું એના પ્રેમમાં હતી.

“એટલે જ તો હું એને ચાહવા લાગી છુ.” હું હ્રદયની વાત કપિલને ન કહી શકી પણ કિંજલને કહ્યા વિના ન રહી શકી.

“વોટ?” કિંજલને એકદમ નવાઈ લાગી, “તું પાગલ થઇ ગઈ છો?”.

હું કઈ ન બોલી. ચુપ રહી. હું જાણતી હતી કે કિંજલના એક્સપ્રેસન એકદમ કુદરતી હતા. એ ઓવર રીએક્ટ નથી કરતી.

“એ એકદમ વિચિત્ર છે.”

“બટ...” હું અટકી ગઈ કહું કે નહી એ નક્કી ન કરી શકી.

“વોટ બટ...?”

“નથીંગ.”

“ઓહ! કમ ઓન, ટેલમી, આઈ એમ યોર ફ્રેન્ડ, યાર.”

“આઈ એમ ઇન લવ વિથ હીમ, લવ એટ ફસ્ટ સાઈટ.” મેં કહ્યું.

“વોટ?” કિંજલના મોમાંથી એક પ્રશ્નાથ વાક્ય સરી પડ્યું, એના ચહેરા પર નવાઈના ભાવ હતા, આઈ એમ સ્યોર, એ નેચરલ જ હતા.

“યસ, ધેટ ઈઝ ઈટ.” મેં કહ્યું.

“એની કોઈ દોસ્તી નથી કરતુ કે નથી એ કોઈની દોસ્તી કરતો, આખા વરસમાં માંડ એણે એક મિત્ર બનાવ્યો છે, તને લાગે છે કે તું એને લવ કરે છે?”

બેક્ડ પફની સ્મેલ મારા નાક સુધી પહોચી અને ત્યારબાદ વેઈટર અમારા ટેબલ પર બે પફ મૂકી ગયો. કિંજલ મને પૂછ્યા વિના જ કોફી સાથે બે પફ પણ ઓર્ડર કરી આવી હતી. એ કેન્ટીન કોન્ટરેકટ પર આપેલી હતી એટલે બધી સારી સુવિધા મળતી.

“મને ભૂખ નથી.” હું ફોર્માલીટી કરતી નહોતી પણ ખરેખર મને ભૂખ નહોતી.

“જરાક ખાઈ લે ફરી એનાથી લડવાનું થયું તો શરીરમાં શક્તિની જરૂર પડશે.” કિંજલ હસીને કહ્યું. મેં એની વાત માની લીધી.

એ સાચી પણ હતી મારે એની સાથે લડવાનું હતું - જોકે ખાલી દલીલોથી. મને ત્યારે ખબર ન હતી કે એક જન્મે હું એની ગરદન પર તલવાર સુધી મૂકી ચુકી હતી. અમારી પ્રથમ મુલાકાત તલવારોથી જ થઇ હતી.

“ઓ.કે.” મેં પફના એક નાનાં ટુકડાને મોર્સેલ બનાવ્યો.

“તે એક ચીજ નોટ કરી છે?”

“કઈ ચીજ..?”

“એની આંખો, એ આંખો ટેકનો-કલર છે, એની આંખો અજીબ છે.”

“હા, એમાં કોઈ ગહેરું દુખ સમાયેલું હોય એમ લાગે છે.”

“કેમ?”

“એતો ખબર નથી, પણ એના મમ્મી કલાર્ક મેમ પણ ક્યારેક ક્યારેક એના જેટલા જ ઉદાસ હોય છે.”

“કેમ?”

“એતો ખબર નથી, પણ એક સીક્રેટ કહું?”

“હા.”

“તારી આંખો પણ એમના જેવી જ છે. જ્યારે તું ખુશ હોય તારી આંખો એકદમ ડીપ ગોલ્ડ જેમ ચમકે છે અને ઉદાસ થતા જ તારી આંખો ડાર્ક થઇ જાય છે. એ લોકો જયારે ઉદાસ હોય ત્યારે એમની આંખોની ઉદાસી બધુ જ કહી જાય છે એ લોકો પણ તારા જેમ એમની ઉદાસી છુપાવી નથી શકતા. તમારા વચ્ચે કોઈ સંબંધ હોય એવું લાગે છે.”

મેં પહેલા ક્યારેય મારી આંખોને નોટીસ કરી જ નહોતી. મારી પોતાની આંખો? એ ટેકનો- કલર હતી. મારા ધ્યાનમાં ક્યારેય કેમ ન આવ્યું?

કદાચ હું ઉદાસ હોઉં ત્યારે આયનામાં ન જોઉ પણ મમ્મીના ધ્યાનમાં આવ્યા વિના તો ન જ રહે ને? મમ્મીએ મને ક્યારેય મારી આંખો વિશે કઈ કહ્યું કેમ નહિ? શું મમ્મી પપ્પા પણ કોઈ રહસ્ય મારાથી છુપાવી રહ્યા હશે? હું ડઘાઈ ગઈ હતી.

“અને એક બીજું પણ રહસ્ય છે.” કિંજલ મારા તરફ ટેબલ પર એકદમ જુકી ગઈ જેથી એનો ધીમો અવાજ પણ હું સાંભળી શકું, “એ પરિવારના લોકો જયારે મરજી હોય ત્યારે પોતાની સુંદરતા બદલી શકે છે.”

“એના પરિવારમાંથી બીજું કોઈ આ કોલેજમાં છે?”

“હા અશ્વિની એની કજીન છે. એનો સુકલકડી દોસ્ત અશ્વીનીનો બોયફ્રેન્ડ છે અને જયેશ પણ એના પરીવારમાંથી જ છે.”

“અશ્વિની તો તારી ફ્રેન્ડ છે ને તને ખબર હશે એ ક્યારેય ઉદાસ હોય છે?”

“હા, ક્યારેક ક્યારેક.”

“એનીયે સુંદરતામાં બદલાવ આવે છે?

“કપિલથીયે વધારે. એને જરાક દુ:ખ લાગે એવું કોઈ કહે તોયે એની આંખો ફિક્કી બની જાય છે.”

“તે ક્યારેય એને એ વિશે કઈ પૂછવાની કોશીસ નથી કરી?”

“ના.”

“કેમ?”

“કેમકે એ સારી મિત્ર છે અને હું એની દોસ્તી તોડવા નથી માંગતી.”

“મતલબ..?”

“મતલબ એ કે એને એવું કાંઈ જ પૂછનારથી ફરી એ ક્યારેય વાત નથી કરતી.”

“કપિલને પહેલા કોઈ છોકરી સાથે અફેર હતો? કોઈએ તેની સાથે ટ્રેચરી કરી હતી?” મેં એક સામટા ઘણા બધા સવાલો કિંજલને કરી નાખ્યા.

“એતો ખબર નથી.. આ કોલેજમાં તો એના કોઈ અફેર વિશે સાંભળ્યું નથી પણ કાદાચ એને હાઈ સ્કુલમાં કોઈ ટ્રેચરીનો અનુભવ થયો હોય.”

“કદાચ એવુ જ હશે કેમકે હાઈ સ્કુલમાં જ એના સાથે કોઈ ઘટના થઈ હશે જેની એના હ્રદય પર ઊંડી અસર થઇ હશે અને એથી જ એ સારા સ્વભાવનો હોવા છતાં આટલો રૂડ અને ગુસ્સાવાળો છે.” મેં કહ્યું અને કોફી પૂરી કરી.

“હોઈ શકે. પણ કયારેય એને એવું કાઈ પૂછીશ નહી.” કિંજલે પણ કોફી પૂરી કરી.

“હા હું સમજી શકું છું કે એને એ પસંદ ન આવે.” મને ખબર હતી કે કોઈને એના લવ અફેર વિશે સવાલો ન જ ગમે. ખાસ બ્રોકન અફેર વિશે તો ન જ ગમે, “પણ કઈક તો...”

હું મારું વાકય પૂરું કરું એ પહેલા લંચ ટાઈમ ઓવર થયાનો બેલ વાગ્યો. અમે ફટાફટ નાસ્તો પતાવી ટેબલ પરથી ઉભા થયા અને કલાસ તરફ ગયા. હું કલાસ તરફ જતી વખતે વિચારતી હતી કે શું હજુ કપિલ એ જ ગુસ્સામાં હશે પણ મને એ જાણવા ન મળ્યું કેમકે લંચ ટાઈમ પછી એ કલાસમાં આવ્યો જ નહી.

મેં મારી જાતને દબાણ પૂર્વક કલાસમાં બેસાડી રાખી. મને પણ કોલેજ બંક કરી નીકળી જવું હતું. છેલ્લા લેકચર સુધી હું માંડ કોલેજમાં બેસી શકી. કપિલ વિના મારા માટે એ આખી કોલેજ જાણે ખાલી હતી.

મેં માંડ છેલ્લા લેકચર સુધીનો સમય કપિલ વિશે વિચારવામાં જ પસાર કર્યો અને ફાઈનલ બેલ સંભળાતા જ બેગ લઇ કિંજલ સાથે ઘર તરફ ગઈ.

મારા દિવસો કોઈ ભયાનક ફેન્ટાસી ફિલ્મની કહાની જેમ પસાર થઇ રહ્યા હતા. એક વધુ દિવસ એવી રીતે જ ગયો. મારું જીવન કોઈ રહસ્ય કથા જેવું બની ગયું હતું પણ હું જાણતી નહોતી કે મારા જીવનનો પ્લોટ કોઈ ક્રીપી મુવી કે થ્રીલર સ્ટોરી કરતા પણ ક્રીપીઅર હતો. દિવસે ને દિવસે રહસ્યો વધુ ઘેરા થઇ રહ્યા હતા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

***

રેટ કરો અને રિવ્યુ આપો

Purshotam Patel

Purshotam Patel 2 અઠવાડિયા પહેલા

sukesha gamit

sukesha gamit 2 અઠવાડિયા પહેલા

Vaishali Patel

Vaishali Patel 3 અઠવાડિયા પહેલા

maya

maya 2 માસ પહેલા

nihi honey

nihi honey 5 માસ પહેલા