આસ્થા એ રૂમ નો દરવાજો ખોલ્યો ને તે સાથે જાણે જુની યાદો ને જુના રહસ્યો ખોલી ગયા હતા. એક તીવ્ર વાસ આસ્થા ને આવવા લાગી. તેણે ટોચૅ ચાલુ કરીને ઉંડો શ્વાસ ભર્યો ને રૂમ માં દાખલ થઈ. તે હજી રૂમ ની અંદર દાખલ થઈ હતી ત્યાં જ અચાનક રૂમ નો દરવાજો જોર થી બંધ થઈ ગયો.
આસ્થા એ ચોંકીને પાછળ જોયું પણ પછી મન મક્કમ કરીને તે આગળ વધી. તે ચારે તરફ જોઈ રહી હતી ત્યાં તેને અચાનક બુક સ્ટેન્ડ તરફ એક પરછાઈ જોઈ. આસ્થા એ ટોચૅ ના પ્રકાશ માં તે તરફ જોયું તો ત્યાં કોઈ ન હતું. આસ્થા થોડી ડરી ગઈ હતી. પણ તે છતાં તેણે મન મક્કમ કર્યું.
રૂમ માં એકદમ નીરવ શાંતિ હતી. રાત નો સન્નાટો વાતાવરણ ને વધારે ભયંકર બનાવી રહૃાો હતો. આસ્થા ઘીમે ઘીમે બુક સ્ટેન્ડ તરફ આગળ વધી રહી હતી. ત્યાં અચાનક એક બુક સ્ટેન્ડ પર થી પડી ગઈ. ને તે બુક માંથી થોડા જુના ફોટા બહાર આવી ગયા. આસ્થા એ તે બુક ને ફોટા ઉપાડી લીધા.
તે ફોટા માં આસ્થા ની મમ્મી રોઝી ને તેના પપ્પા મહેશ ના જ હતા. બંને ના લગ્ન થયા પછી ના ફોટા હતા. બંને ના ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી. એક બે ફોટા માં તે બંને સાથે એક યુવાન બીજો પણ હતો. આસ્થા તે યુવાન ને જોઈને વિચાર માં પડી ગઈ. તેણે તે યુવાન ને કંઈક જોયો હતો. તેણે થોડું વિચાર્યું ત્યાં તેને યાદ આવ્યું કે આ તે જ યુવાન હતો જેનો ફોટો તેણે મિસિસ ડીસોઝા ના આલ્બમ માં જોયો હતો.
આસ્થા એ વિચાર્યું કે આ યુવાન કોણ હતું. તેનો મમ્મી પપ્પા સાથે શું સંબંધ હતો. આસ્થા હજી આ બધા વિચારો માં ગરકાવ હતી ત્યાં રૂમ ના બીજા છેડે થી કોઈ વસ્તુ પડવાનો અવાજ આવ્યો. આસ્થા એ ટોચૅ નો પ્રકાશ તે તરફ નાખ્યો. તેને એવું લાગ્યું કે બે મોટી મોટી આંખો તેની તરફ જોઈ રહી હતી. આસ્થા ગભરાઈ ગઈ. તેને ત્યાં થી ભાગી જવાનું મન થયું. તેણે ફોટા હાથ માં લીધા ને તે રૂમ ની બહાર જવા જતી હતી. ત્યાં તેને પાછળ થી કોઈ ના હસવાનો અવાજ સંભળાયો.
આસ્થા એકદમ ચોંકી ગઈ. તેણે પાછળ ફરીને જોયું તો કોઈ ન હતું. આસ્થા એ કહ્યું," કોણ છે ?"
ફરી થી હસવાનો અવાજ સંભળાયો. આસ્થા હવે બહુ જ ગભરાઈ ગઈ હતી. પણ તેણે હિંમત રાખીને આગળ જવાનું નક્કી કર્યું. હસવાનો અવાજ રૂમ ના અંધારા ખુણામાંથી આવતો હતો. આસ્થા ધીમે ધીમે તે તરફ આગળ વધી રહી હતી. તે ખુણામાં જુનો સામાન પડ્યો હતો. થોડી વાર રહીને ફરી થી કોઈ ના હસવાનો અવાજ આવવા લાગ્યો ને આસ્થા ધ્રુજી ઉઠી પણ કોઈ અજ્ઞાત શક્તિ તેને પોતાની તરફ ખેંચી રહી હતી. આસ્થા જેવી ત્યા નજીક પહોંચી તેવો તેને ખ્યાલ આવ્યો કે કોઈ જુના બકસા માંથી થોડી થોડી વારે હસવાનો અવાજ આવી રહ્યો હતો.
આસ્થા ધ્રુજતા હાથે એક પછી એક બકસા ખોલવા લાગી. બધા માં જુનો સામાન જ હતો. એક બકસા ને તાળું મારેલું હતું. હવે હસવાનો અવાજ બંધ થઈ ગયો હતો. આસ્થા ને રૂમ માં એક હથોડી મળી આવી . આસ્થા એ તે બકસા નું તાળું હથોડી થી તોડી નાખ્યું. તે બકસા માં એક ઢીંગલો હતો. તેની કાળી મોટી આંખો હતી ને ચહેરા પર હાસ્ય હતું. આસ્થા ને યાદ આવ્યું કે તે નાની હતી ત્યારે આ ઢીંગલા થી ખુબ રમતી હતી . તેને આ ઢીંગલો ખુબ જ ગમતો હતો. તેના પપ્પા એ તેને ગિફ્ટ માં આપ્યો હતો. આસ્થા નાનપણ ની યાદો માં ખોવાયેલી તે ઢીંગલા સામે જોઈ રહી હતી.
ત્યાં અચાનક કોઈ એ રૂમ નો દરવાજો ખોલ્યો ને રૂમ માં દાખલ થયું. આસ્થા ચોંકી ગઈ ને ટોચૅ નો પ્રકાશ ફેંકતા બોલી," કોણ છે ?"
ત્યાં સામે અમર ઉભો હતો. આસ્થા અમર ની જોઈને નવાઈ પામી ને બોલી," તમે અહીં શું કરો છો ?"
અમર એ કહ્યું," મને ઉંધ નહોતી આવતી તો હું રીડીગ કરી રહૃાો હતો. મેં તમને બારી માંથી બગીચા તરફ આવતા જોયા મને થોડું અજીબ લાગ્યું. તમે ઘણી વાર થી આ રૂમ માં હતા એટલે મને ચિંતા થઈ એટલે હું અહીં આવી ગયો."
આસ્થા એ થોડી રુક્ષતા થી કહ્યું," અડધી રાતે કોઈ ના ઘર માં તાકાઝાકી ન કરવી જોઈએ."
" એક્સ કયુઝ મી , હું એક ઇન્સ્પેક્ટર છું. તમને આવી રીતે જતા જોયા એટલે જ તપાસ કરવા આવ્યો ને મને ગ્રેની એ પણ તમારું ધ્યાન રાખવાનું કહ્યું હતું . પણ ભલાઈ નો તો જમાનો જ નથી." અમર એ થોડા અકળાઈને કહ્યું ને તે જવા લાગ્યો.
આસ્થા એક પળ માટે વિચાર માં ખોવાઈ ગઈ ને પછી તે બોલી," અમર, એક મિનિટ."
અમર રૂમ ની બહાર નીકળી ગયો હતો. તે ઉભો રહી ગયો. આસ્થા તેની પાસે આવીને બોલી," આઈ એમ સોરી. હું તમને ગલત સમજી હતી."
અમર ના ચહેરા પર ગંભીરતા હતી. તેણે આસ્થા સામે જોયું . પરસેવા થી રેબઝેબ , થોડી ડરેલી આસ્થા ના ચહેરા પર એક માસુમિયત છલકાતી હતી. તેની આંખો માં નિદોર્ષતા હતી.
અમર એક પળ તેની આંખો માં જોઈ રહૃાો . તેનો ગુસ્સો ઓગળી ગયો ને તેના ચહેરા પર સ્મિત આવી ગયું.
તે બોલ્યો," ઈટસ ઓકે આસ્થા."
આસ્થા બોલી," અમર , તું મારું એક કામ કરીશ."
અમર એ પુછ્યું ," શું ?"
આસ્થા એ કહ્યું," ચાલ મારી સાથે." આસ્થા અમર ને ઘર ની અંદર લઈ ગઈ. આસ્થા પોતાના રૂમ માં ગઈ ને થોડી વાર રહીને બહાર આવી. તેના હાથ માં જોકર ના કપડા હતા. તેણે અમર ને બધી વાત કરીને કહ્યું," મને આ મિ. ફેડરિક વિશે જણાવું છે. તું મને આ માહિતી લાવી આપીશ ?" આસ્થા બોલી.
અચાનક આસ્થા ને અહેસાસ થયો કે તેણે અમર ને અજાણતાં તું કહી દીધું. તે બોલી," સોરી..તમે .."
અમર બોલ્યો," ઈટસ ઓકે આસ્થા. હું તને બે ત્રણ દિવસ માં તપાસ કરીને કહીશ. પણ બદલા માં મને શું મળશે ?"
આસ્થા એ ચોંકીને પુછ્યું," મતલબ ? "
" ડોન્ટ વરી. આઈ એમ જસ્ટ કીડીગ." અમર એ કહ્યું.
આસ્થા એ ગંભીર અવાજે કહ્યું," અમર, મને આ માહિતી જાણવી ખુબ જરૂરી છે. હું તારા પર ગ્રેની ના લીધે ભરોસો કરું છું."
અમર એ કહ્યું," આસ્થા, તું મારા પર વિશ્વાસ કરી શકે છે. હું તારો વિશ્વાસ ક્યારેય નહીં તોડું." અમર ના અવાજ માં ગંભીરતા હતી. તેની આંખો માં અલગ જ કશિશ હતી. આસ્થા તેની સામે એક પળ જોઈ રહીને પછી અમર ઘર ની બહાર જતો રહ્યો.
સવાર ના શૈલા ઉઠીને હોલ માં આવી ત્યારે તેણે જોયું કે આસ્થા હોલ માં બેસીને ચા પી રહી હતી. તેની સામે ટેબલ પર પહેલો ઢીંગલો રાખેલો હતો. શૈલા એ નવાઈ થી પુછ્યું," આ ક્યાં થી આવ્યો ?"
" કાલે રાત્રે હું પહેલા રૂમ માં ગઈ હતી ત્યાંથી મને મળી આવ્યો. હું નાનપણ માં આ ઢીંગલા થી ખુબ જ રમતી હતી. " આસ્થા એ કહ્યું.
" આસ્થા, તું દરરોજ રાત્રે તે રૂમ માં કેમેરા જાય છે ?" શૈલા એ પુછ્યું.
" મને એવું લાગ્યું કે તે રૂમ માં જ મને મારા સવાલો ના જવાબ મળશે એટલે હું ગઈ હતી." આસ્થા એ કહ્યું. ત્યાં તેના મોબાઈલ ની રીંગ વાગી.
આસ્થા એ ફોન રિસીવ કર્યો તો તેના ફઈ નો અવાજ તેને સંભળાયો.
" આસ્થુ, કેમ છે તું ?"
" ફાઈન . તમે કેમ છો ? ક્યારે આવો છો ?" આસ્થા એ કહ્યું.
" બેટા, મારી નણંદ ની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેને હોસ્પિટલમાં દાખલ કરી છે. હું હમણાં નહીં આવી શકું. " સરલાબેન એ ચિંતા થી કહ્યું. સરલાબેન ના પતિ વહેલાં મૃત્યુ પામ્યા હતા . તેમના સાસરા માં એક માત્ર નણંદ હતા. જે અપરિણીત હતા. સરલાબેન નું તેની સાથે સારું બનતું હતું. તેમનું નામ કમલાબેન હતું.
" ફઈ, તમે ચિંતા ન કરો. તમે કમલા આન્ટી પાસે રહો. અહીં બધું બરાબર છે." આસ્થા એ કહ્યું.
" હા બેટા, હું જલ્દી આવવાની કોશિશ કરીશ . પણ ત્યાં સુધી તું પહેલા રૂમ થી દુર જ રહેજે." સરલાબેન એ કહ્યું.
" હા ફઈ." આસ્થા એ ફોન મુકી દીધો.શૈલા આસ્થા સામે જોઈ રહી. આસ્થા ને ખોટું બોલ્યા નું દુઃખ થયું પણ તેણે સત્ય જાણવાનું નક્કી જ કરી લીધું હતું.
************************
બે દિવસ સડસડાટ પસાર થઈ ગયા. મોહિત બે દિવસ સુધી દેખાયો ન હતો. તે શૈલા નો સામનો હમણાં કરવા માંગતો ન હતો. શૈલા પણ પોતાના દિલ ના ધાવ રુઝાવવા ના પ્રયત્ન કરી રહી હતી. આસ્થા ને લાગ્યું કે શૈલા કોઈ વાત છુપાવી રહી હતી પણ શૈલા હજી આસ્થા સાથે આ વિશે વાત કરવા તૈયાર ન હતી. અમર પણ આસ્થા ને એકાદ બે વાર રસ્તા માં મળી જતો પણ સ્મિત ની આપ લે સિવાય કોઈ વાત થઈ ન હતી.
આસ્થા ને આ બે દિવસ દરમિયાન ન કોઈ સપના આવ્યા કે ન કોઈ અવાજ સંભળાયો હતો. બે દિવસ પછી આસ્થા સાંજ ના ફરી વોક માં નીકળી ત્યારે તેણે અમર ને ઘર ની બહાર બેઠેલો જોયો. તે સીધી અમર પાસે પહોંચી ગઈ.
" હાય " આસ્થા એ કહ્યું.
" હાય આસ્થા." અમર એ કહ્યું.
" કામ આપ્યું એટલે તું તો ગાયબ જ થઈ ગયો." આસ્થા એ હસતા કહ્યું.
" ના , એવી વાત નથી. પણ હજી મને બે દિવસ આપ. હું તારી આખી ગુંથી સુલઝાવી ને આપીશ." અમર એ કહ્યું.
" ઓહોહો, આટલો બધો આત્મવિશ્વાસ ?" આસ્થા એ કહ્યું
" હા " અમર એ પુરા વિશ્વાસ થી કહ્યું.
" અમર, તું જો ખરેખર આ ગુંથી સુલઝાવી દે તો હું તું જે કહે એ તને આપું." આસ્થા એ લાગણીશીલ થઈને કહ્યું.
અમર આસ્થા ની થોડી નજીક આવી ગયો. તેના ચહેરા પર રમતિયાળ સ્મિત હતું. તે બોલ્યો," જે કહીશ તે આપીશ." આસ્થા ની આંખો માં જોતા તે બોલ્યો.
આસ્થા થોડો સંકોચ અનુભવવા લાગી. પણ પછી તે બોલી," ઇન્સ્પેક્ટર સાહેબ, બહુ હોશિયારી ન મારશો." તે હસીને દુર જતી રહી.
અમર એ કહ્યું," આસ્થા, બે દિવસ પછી હું તને ફોન કરીશ." આસ્થા એ અમર ને પોતાના નંબર આપી દીધા હતા.
આસ્થા એ કહ્યું," ઓકે." તે ત્યાંથી જતી રહી. અમર પોતાના વિચારો માં ખોવાઈ ગયો .
***********************
બે દિવસ પછી સાંજ ના આસ્થા ના મોબાઈલ પર અમર નો ફોન આવ્યો. તેણે કહ્યું," આસ્થા, અત્યારે પાંચ મિનિટ માં તું ગ્રેની ના ઘરે આવ. તારા બધા જ સવાલોના જવાબ તને મળી જશે."
આસ્થા ખૂબ જ ઉત્સાહ માં આવી ગઈ. તેણે કહ્યું," ઓકે" તે ઝડપ થી તૈયાર થઈને ઘર ની બહાર નીકળી ગઈ. તે ઝડપ થી ચાલી રહી હતી. તે ખુબ જ ઉત્સાહ માં હતી. તેનુ દિલ જોર થી ધડકી રહ્યું હતું. આજે તેને તેના બધા સવાલો ના જવાબ મળી જવાના હતા.
આસ્થા જેવી મિસિસ ડીસોઝા ના ઘરે પહોંચી તેવું તેણે જોયું કે ઘર નો દરવાજો ખુલ્લો હતો. તે સીધી ઘર માં દાખલ થઈને બુમ પાડી ," અમર.." પણ કોઈ જવાબ ન આવ્યો.
તેણે કીચન માં જોયું. ત્યાં પણ કોઈ ન હતું. તે અંદર બેડરૂમમાં ગઈ. ત્યાં તેણે જે દશ્ય જોયું તેનાથી તેનું લોહી થીજી ગયું. તેણે જોર થી ચીસ પાડી," ગ્રેની.."
સામે બેડ પર મિસિસ ડીસોઝા અવાચક સુતેલા હતા. તેમની આંખો ખુલ્લી હતી. ને તેમાં ડર ડોકાઈ રહ્યો હતો. આસ્થા દોડતી ગઈ તેમની પાસે ને તેણે તેમના શ્વાસ અને ધબકારા ચેક કર્યા. આસ્થા ને ખબર પડી કે મિસિસ ડીસોઝા નું ડેથ થઈ ગયું હતું. મિસિસ ડીસોઝા ની ખુલ્લી પહોળી આંખો જાણે આસ્થા સામે જોઈ રહી હતી ને કંઈ કહેવા માંગતી હતી. આસ્થા પોક મૂકીને રડવા લાગી.
***********************
હેલ્લો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી રહી છે તે જરૂર થી જણાવજો.. આભાર...