આસ્થા આજે વહેલી સવારે ઉઠી ગઈ. આજ નો દિવસ તેના માટે ખુબ મહત્વ નો હતો. તે આજે પોતાના જુના ઘરે જવાની હતી. ૨૩ વર્ષ ની આસ્થા સુંદર , શાંત અને સમજદાર હતી. તે ૮ વર્ષ ની હતી ત્યાર થી પોતાની ફઈ પાસે રહેતી હતી. તેના ફઈ સરલાબહેન ને કોઈ સંતાન ન હતું. તે આસ્થા ને પોતાની દીકરી જ સમજતા હતા.
આસ્થા પીળા રંગ નો ટોપ અને જીન્સ પહેરીને બાથરૂમ માંથી બહાર આવી તેના ભીના વાળ માંથી પાણી ટપકી રહ્યું. તે અરીસા સામે ઉભી રહી. તેના રૂપાળા ચહેરા પર કપાળ પર જમણી બાજુ એક નાનકડો નિશાન દેખાય રહ્યો હતો. આસ્થા એ તે નિશાન પર હાથ ફેરવ્યો તે સાથે જુની યાદો તાજા થઈ ગઈ. તેણે મન મક્કમ કર્યું ને ઝડપ થી તૈયાર થવા લાગી.
તેણે હાથ માં એક હેન્ડબેગ લીધી ને ખભા પર એક નાનકડો થેલો લટકાવ્યો ને પોતાના રૂમ માંથી બહાર નીકળી ને તે હોલમાં આવી. સરલાબેન કીચન માં હતા. આસ્થા એ થેલો અને હેન્ડબેગ હોલ માં જ મુકી દીધા ને તે કીચન માં ગઈ.
સરલાબેન કીચન માં નાસ્તો બનાવી રહ્યા હતા. તે ઉંડા વિચારોમાં ખોવાયેલા હતા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. આસ્થા હળવે થી કીચન માં આવી પણ સરલાબેન નું ધ્યાન ન હતું. આસ્થા એ સરલાબેન ને પાછળ થી પકડી લીધા ને ભેટી પડી. સરલાબેન ની આંખો માંથી આંસુ સરી પડ્યા.
આસ્થા એ તેમનો ચહેરો પોતાના હાથમાં લેતાં કહ્યું," શું થયું ? તમે આમ રડશો તો હું કેવી રીતે જઈશ?"
" તને જરુર શું છે તે અપશુકનિયાળ ઘર માં જવાની ?" સરલાબેન એ થોડા ગુસ્સામાં કહ્યું.
" મને સત્ય જાણવું છે." આસ્થા એ મક્કમતાથી કહ્યું.
સરલાબેન એ આસ્થા ની આંખો માં જોતા કહ્યું," તું ત્યાં ન જાય તેમાં જ તારી ભલાઈ છે."
" આસ્થા એ કહ્યું," એક વાર મને ત્યાં જવું છે. આખરે મારી મમ્મી સાથે શું થયું તે જણાવું છે ?"
" પ્લીઝ , આસ્થુ , ત્યાં ન જઈશ. તારા સિવાય મારું કોઈ નથી. તને કંઈ થઈ જશે તો હું કેવી રીતે જીવીશ?" સરલાબેન એ રડતા કહ્યું.
" મને કંઈ જ નહીં થાય. આટલા વર્ષો માં મેં તે ઘર નો ક્યારે ઉલ્લેખ નથી કર્યો. પણ તે સપનું આવ્યા પછી મને તે ઘરે એકવાર તો જવું જ છે." આસ્થા એ કહ્યું. તે સાથે આસ્થા ને અઠવાડિયા પહેલાં આવેલું સપનું યાદ આવી ગયું.
આસ્થા એ સપના માં પોતાના જુના ઘર ને જોયું હતું .આસ્થા નું જુનું ઘર નાનકડું એક હોલ અને બે રુમ અને કીચન વાળું સુંદર હતું. તેના ઘર ની બહાર એક નાનકડો બગીચો હતો. તે બગીચા ની પાસે એક રૂમ હતો.જે હંમેશા બંધ રહેતો હતો. નાનકડી આસ્થા ઘર માં ચારેતરફ પોતાની મમ્મી ને શોધી રહી હતી. તે ઘર ની બહાર બગીચામાં આવી ગઈ.
તે જોર જોર થી બુમો પાડી રહી હતી." મમ્મી.. મમ્મી.." ત્યાં બગીચા પાસે આવેલા રૂમ નો દરવાજો હળવે થી ખુલી ગયો. નાનકડી આસ્થા ગભરાતા ગભરાતા અંદર ગઈ. રૂમ માં ખુબ અંધારું હતું. આસ્થા ડર ના લીધે કાંપતી હતી. ત્યાં તેના ખભા પર કોઈ એ હાથ મુકયો. તે ખુન થી ભરેલો હાથ હતો. આસ્થા એ ગભરાઈ ને પાછળ જોયું તો તેની મમ્મી ઉભી હતી. તે લોહીલુહાણ હાલતમાં હતી. તે આસ્થા સામે બેભાન થઈને ઢળી પડી.
તે સાથે આસ્થા ની આંખો ખુલી ગઈ. તે એક સપનું હતું. આસ્થા ખુબ જ ડરી ગઈ હતી. તે પરસેવા થી નાહી ગઈ હતી. તેણે પાણી પીધું ને સ્વસ્થ થઈ ગઈ. તેણે તે જ રાત્રે નક્કી કર્યું કે તે એક વાર પોતાના જુના ઘર માં જરૂર જશે.
આસ્થા ને તે સપના ની વાત યાદ આવી ગઈ. આસ્થા ના પપ્પા તો તે ૩ વર્ષ ની હતી ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. તેના મમ્મી અને આસ્થા એ બંને જ તે જુના મકાનમાં રહેતા હતા. પણ જ્યારે આસ્થા ૮ વર્ષ ની થઈ ત્યારે એક રાતે એક ભયંકર ઘટના બની હતી. તે રાત્રે શું થયું તે કોઈ જાણતું ન હતું પણ બીજે દિવસે સવારે તે બગીચા ની પાસે આવેલા રૂમ માંથી આસ્થા ના મમ્મી નો લોહીલુહાણ મૃતદેહ અને બેભાન હાલતમાં આસ્થા મળી આવ્યા હતા.
નાનકડી આસ્થા ને તે રાત્રે શું થયું તે કંઈ જ યાદ ન હતું. તેના ફઈ તેને પોતાના ઘરે લઈ ગયા. સરલાબેન ના પ્રેમ અને હુંફ ના લીધે આસ્થા ધીમે ધીમે ભુતકાળ ની કડવી યાદો ભુલી ગઈ હતી. તેને ક્યારેક તેના મમ્મી ની યાદ આવતી. પણ જયાર થી તે સપનું તેને આવ્યું ત્યાર થી તેને પોતાના જુના ઘરે જવાની ઈચ્છા થઈ હતી.
આસ્થા તેની દોસ્ત શૈલા અને તેના ભાઈ મોહિત સાથે પોતાના જુના ઘરે જવાની હતી. આસ્થા નું જુનું ઘર ૬૦ કિમીના અંતરે આવેલા રાયપુર માં હતું. શૈલા અને મોહિત આવી ગયા ને આસ્થા એ તેના ફઈ ને કહ્યું," હું જાઉં છું. જલ્દી આવી જઈશ."
સરલાબેન એ આસ્થા ની આંખો માં જોતા કહ્યું," આસ્થુ, કેટલીક વાતો વણઉકેલી રહે તે જ યોગ્ય છે. ન જા તે ઘરમાં. તે ઘર માં કોઈ સુખી નથી થયું."
" ફઈ, મને એવું લાગે છે કે તે સપના માં મમ્મી મને કંઈક કહેવા માંગતી હતી. મને એક વાર તે ઘર માં જવું જ છે. થોડા સમય ની વાત છે. હું જલ્દી પાછી આવી જઈશ. તમને હું રોજ ફોન પણ કરીશ. પ્લીઝ ફઈ, હવે રડવાનું બંધ કરો." આસ્થા એ સરલાબેન ના આંસુ લુછતા કહ્યું.
ત્યાં મોહિત નો અવાજ સંભળાયો. ," આસ્થા , જલ્દી કર. મોડું થઈ રહૃાું છે."
આસ્થા સરલાબેન ને ભેટીને ઘર ની બહાર નીકળી ગઈ. સરલાબેન એ મનોમન ઈશ્વર ને પ્રાર્થના કરી કે આસ્થા ની રક્ષા કરે.
********************
આસ્થા મોહિત ની કાર માં રાયપુર જઈ રહી હતી. આસ્થા મોહિત ને સ્કુલ ના સમય થી ઓળખતી હતી. મોહિત ને આસ્થા બેસ્ટ ફ્રેન્ડ હતા. મોહિત ને આસ્થા ના મમ્મી ના મૃત્યુ ની અને તે સપના ની વાત ખબર હતી. મોહિત ના પપ્પા મોટા બિઝનેસમેન હતા. તે પણ તેમને બિઝનેસ માં મદદ કરી રહૃાો હતો.
તે બિઝનેસ ના કામે રાયપુર જઈ રહૃાો હતો એટલે આસ્થા તેની સાથે કાર માં જઈ રહી હતી. શૈલા આસ્થા ની કોલેજ ફ્રેન્ડ હતી.પણ બંને વરચે ગાઢ દોસ્તી હતી. શૈલા પણ આસ્થા ના બાળપણ વિશે બધુ જાણતી હતી એટલે તે આસ્થા ની મદદ કરવા તેની સાથે આવી રહી હતી. આસ્થા ને શૈલા બિઝનેસ પાર્ટનર પણ હતા. બંને જણા ઓનલાઇન ડીઝાઈનર કુર્તી નો બિઝનેસ કરતા હતા. તેમનો બિઝનેસ સારો એવો જામી ગયો હતો.
શૈલા મોર્ડન અને straight ફોરવર્ડ યુવતી હતી. તે જે હોય તે સીધું મોંઢા પર કહી દેતી હતી. તેના મમ્મી પપ્પા તે નાની હતી ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. તેના દુર ના મામા પાસે તે ઉછેરાઈ હતી. હવે તે તેમના થી અલગ પોતાની રીતે એકલી રહેતી હતી. તેને આસ્થા માટે ખુબ લાગણી હતી. એટલે જ તે આસ્થા સાથે તેની મદદ કરવા આવી રહી હતી.
" આસ્થુ, તારું ઘર અત્યારે કંઈ હાલત માં હશે ? કેટલા વર્ષ થી તે બંધ પડ્યું હતું !! " શૈલા એ કહ્યું.
" ના શૈલા, મારા ઘર ની બાજુ માં મિસિસ ડીસોઝા રહે છે. ફઈ એ તેમને જ ઘર ની ચાવી સોંપી હતી. તેમણે જ આટલા વર્ષો ઘર ની દેખરેખ રાખી છે. ફઈ મની ઓર્ડર કરીને તેમને રુપિયા મોકલાવી દે છે." આસ્થા એ કહ્યું.
" સરલાફઈ પણ વિચિત્ર છે. તેમને એ ઘર થી આટલી નફરત છે તો પછી તેને વહેંચી કેમ નથી દેતા ?" મોહિત એ કહ્યું. મોહિત પણ સરલાબેન ને ફઈ જ કહેતો હતો.
" મોહિત, તે ઘર મારા પપ્પા એ ખુબ મહેનત થી બનાવ્યું હતું. ફઈ ને આ વાત ની ખબર છે. પપ્પા અને મમ્મી ની યાદો પણ તે ઘર સાથે જોડાયેલી છે. એટલે જ તે ઘર ફઈ નથી વહેંચતા." આસ્થા એ લાગણીશીલ થઈને કહ્યું.
થોડી વાર માટે બધા ચુપ થઈ ગયા પછી મોહિત બોલ્યો," રાયપુર માં ફરવા જેવું છે કે નહીં ?"
" વેલ તને ત્યાં ડીસ્કો થેક કે ક્લબ નહીં મળે." આસ્થા એ મોહિત ની ખીચાઈ કરતા કહ્યું. મોહિત ને પાર્ટી ને ક્લબ નો ખુબ શોખ હતો.
" નો પ્રોબ્લેમ, મારા મનોરંજન માટે તમે બે વાંદરીઓ જ કાફી છો." મોહિત એ હસતા કહ્યું.
શૈલા કાર ની પાછળ સીટ પર બેઠી હતી. તેણે ત્યાંથી મોહિત ના ખભા પર મારતાં કહ્યું," યુ મન્કી" ત્રણેય હસી પડ્યા.
કલાક ની ડ્રાઈવ પછી ત્રણેય જણા રાયપુર પહોંચી ગયા. મોહિત ને એક જમીન જોવા જવાની હતી.તેને જમીન બતાવવા માટે એક દલાલ ત્યાં ગામ ના ચોરાહ પર રાહ જોઈ રહૃાો હતો. એટલે મોહિત શૈલા અને આસ્થા ને ગામ ના ચોરાહ પર ઉતારીને તે દલાલ ને લઈને જતો રહ્યો. રાયપુર એક નાનકડું ગામ હતું. ત્યાં ખેતરો ઘણા હતા.
પોતાના ગામ માં આટલા વર્ષો પછી આવ્યા હોવાથી આસ્થા કંઈક અલગ જ ઉત્સાહ અનુભવી રહી હતી. આસ્થા ના મન માં ઝાંખી ઝાંખી સ્મૃતિ હતી પણ પહેલા કરતા ગામ ઘણું બદલાઈ ગયું હતું. આસ્થા નું ઘર ગામ ની વસાહત થી દુર છેવાડે હતું. આસ્થા ને શૈલા પુછતા પુછતા અંતે આસ્થા ના ઘર પાસે પહોંચી ગયા.
આસ્થા નુ ઘર સમય સાથે જુનું થઈ ગયું હતું પણ તોય હજી પણ સુંદર લાગી રહૃાું હતું. આસ્થા ને શૈલા મિસિસ ડીસોઝા ના ઘરે ગયા.
આસ્થા એ ઘર ની ડોરબેલ વગાડી ને થોડી વાર પછી એક વૃદ્ધ અને અશક્ત સ્ત્રી એ દરવાજો ખોલ્યો . તે એક ઘડી આસ્થા સામે જોઈ રહી. તે સ્ત્રી એ એક સાવ સાદો ફોકૅ પહેર્યો હતો. તેની આંખો ખુબ જ ભાવનાશીલ હતી. તે એકીટશે આસ્થા સામે જોઈ રહીને બોલી," તું રોઝી ની દીકરી છો ને ?" તે સાથે તેના ચહેરા પર સ્મિત આવી ગયું.
આસ્થા એ નવાઈ થી કહ્યું," હા, હું આસ્થા છું. પણ તમે મને કેવી રીતે ઓળખી ગયા ?"
" પહેલા તમે બંને અંદર આવો. આ આંખો ભલે નબળી થઈ ગઈ હોય પણ હજી કામ કરે છે." મિસિસ ડીસોઝા એ હસતા કહ્યું.
શૈલા અને આસ્થા ઘર માં ગયા ને ખુરશી પર બેઠા. મિસિસ ડીસોઝા એ કહ્યું," તારો ચહેરો તારી માં રોઝી જેવો જ છે. મને સરલા એ ફોન પર કહ્યું કે આસ્થા આવે છે ત્યારે હું બહું જ ખુશ થઈ ગઈ."
શૈલા એ નવાઈ થી કહ્યું," આસ્થા, તારા મમ્મી ખ્રીસ્તી હતા ?"
" યસ , રોઝી અને મહેશ એ લવ મેરેજ કર્યા હતા. તે સમય માં તેમના મેરેજ થી ગામ માં ખુબ ખળભળાટ મચી ગયો હતો. પણ બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા. ઈટ વોઝ પ્યોર લવ." મિસિસ ડીસોઝા એ જુની યાદો વાગોળતા કહ્યું.
આસ્થા ની આંખો આ સાંભળી ને ભીની થઈ ગઈ. તે બોલી," ગ્રેની, સોરી હું તમને ગ્રેની કહું ને ?"
" અફકોસૅ માય ચાઈલ્ડ, હું તમારા બંને માટે ઠંડુ લઈ આવું." મિસિસ ડીસોઝા એ ઉભા થતા કહ્યું.
" નો ગ્રેની, તમે બેસો ને અમને બધી વાત કરો. મારા મમ્મી પપ્પા ની બધી વાત કરો." આસ્થા એ કહ્યું.
" હું બધી વાત કરીશ પણ પહેલા તમે બંને ફ્રેશ થઈ જાવ ને જમી લો. પછી નિરાંતે આપણે બધી વાતો કરીશું." મિસિસ ડીસોઝા એ કહ્યું.
" ગ્રેની, મને પહેલા મારા ઘરે જાવું છે. તમે મને ચાવી આપશો." આસ્થા બોલી.
મિસિસ ડીસોઝા એક ઘડી આસ્થા સામે જોઈ રહૃાા ને કહ્યું," ઓકે, પણ જમવાનું મેં અહીં જ બનાવ્યું છે. તમારા બંને ને અહીં જ જમવાનું છે. અત્યારે તમારો સામાન રાખીને બને પાછા આવજો."
મિસિસ ડીસોઝા ઉભા થયા ને બીજા રૂમ માંથી ચાવી લઈ આવ્યા. તે ચાવી આસ્થા ને આપી દીધી. આસ્થા ને શૈલા મિસિસ ડીસોઝા ના ઘર માંથી બહાર નીકળ્યા. આસ્થા એ ઉત્સાહ થી પોતાના ઘર નો ગેટ ખોલ્યો. આસ્થા ના શરીર માંથી ઝણઝણાટી પસાર થઈ ગઈ. તેણે મેઈન ડોર પર લાગેલો તાળો ખોલ્યો ને દરવાજો ખોલીને બંને ઘર માં દાખલ થયા.
**********************
હેલ્લો મિત્રો, તમને આ સ્ટોરી નો પહેલો ભાગ કેવો લાગ્યો તે જરૂર થી જણાવજો.