“કહાનને પ્લીઝ સાચવી લેજો. હું હવે ક્યારેય...” ઉર્વાથી એક નિસાસો નંખાઈ ગયો. પોતાની આંખમાં આવેલા ઝળઝળિયાંને આંખમાં જ રોકી રાખીને તેણે ઉમેર્યું, “હું હવે ક્યારેય તેની સાથે કોઈ જ વ્યવહાર નથી રાખવા માંગતી. પ્લીઝ”
“ઉર્વા... કહાન મરી જશે!” દેવ બહુ સારી રીતે જાણતો હતો કે કહાનની હાલત શું થશે ઉર્વા વિના. સ્વાતિના મૃત્યુ પછી રેવાએ અને રેવાના મૃત્યુ પછી ઉર્વાએ જ તેને સાચવ્યો હતો. ઉર્વા વિનાના કહાનની તો કલ્પના પણ શક્ય નહોતી થઇ રહી તેના માટે. દેવે ફટાફટ કહાનના રૂમમાં ડોકિયું કરી જોઈ લીધું કે તે સુતો હતો એટલે ત્યાંથી ધીમા પગલે નીકળી પોતાના રૂમમાં બારી પાસે બેસી ફરી વાત કરવા લાગ્યો
“તમે સાચવી લેશો એને આઈ નો... પ્લીઝ દેવ અંકલ... મારા માટે” ઉર્વા સતત પ્રયાસ કરી રહી હતી તેના શબ્દોમાં ભીનાશ ના લાવવાની પણ કહાનથી દુર જવું તેને પણ તકલીફ આપી રહ્યું હતું.
“ઉર્વા, એ દીકરો છે મારો. તને ખબર જ છે એ કેટલો પ્રેમ કરે છે તને! શું કામ આવું કરે છે?” દેવને પોતાને નહોતું સમજાતું કે ઉર્વાનો સાથ આપે કે એને સમજાવે. “જો હું એમ નથી કહેતો કે તું એને માફ કર. એને ભૂલ કરી છે એ હું પણ સ્વીકારું છું અને બીલીવ મી જો મને ખબર હોત કે એ આવું કંઈ કરવાનો છે તો હું જ એને એવું કંઇજ ના કરવા દેત. પણ...” દેવ આટલું કહી એકક્ષણ અટકી રહ્યો અને પછી ઉમેર્યું, “પણ સજા આપવી અલગ વસ્તુ છે ને ઝીંદગી છીનવી લેવી અલગ વસ્તુ છે!! ઉર્વા વિચારી લે હજી.” દેવનો જીવ હવે રહેતો નહોતો એટલે તે રૂમના ખૂણામાં પડેલા ડેસ્ક પર પગ ચડાવી બેસી ગયો.
“તમારી એકેએક વસ્તુ સાચી છે દેવ અંકલ પણ ઝીંદગી એ આપી શકે જેની અંદર ઝીંદગી બચી હોય. હું જે રસ્તે નીકળી પડી છું ત્યાં કહાન મરી સાથે નહિ ચાલે એ મને ખબર છે. એને ચાલવું પણ ના જોઈએ એ રસ્તે. હું ગુસ્સામાં કે આઘાતમાં આ નિર્ણય નથી લેતી અત્યારે.” ઉર્વા દેવના મગજનું સમાધાન કરી રહીને પછી ઉમેર્યું, “હું બધુંય વિચારીને અને સમજીને કહું છું. કહાનના અને મારા રસ્તા હવે અલગ છે. અને...” ઉર્વા આટલું કહી આગળ ના બોલી શકી. તેને ખબર હતી કે તે આગળ જે કહેવા જઈ રહી છે દેવને બિલકુલ નહિ ગમે.
“અને શું??” દેવ ઉતાવળે પૂછી રહ્યો
“અને હું હવે મુંબઈ પાછી નથી આવવાની ક્યારેય... ઇટ્સ ઓલ ઓવર.” ઉર્વા સીધું જ બોલી ગઈ.
“તું પાગલ છે? અહિયાં ઘર છે તારું. ક્યાં જઈશ તો? કહાનને ભલે તું લાઈફટાઇમ ના મળતી પણ તારા ઘરે તો આવી જા.” દેવના મસ્તિષ્કમાં કહાનની ચિંતાનું સ્થાન ઉર્વાની ફીકરે લઇ લીધું.
“આઈ અઝ્યુંમ અહીં જે કંઈપણ થયું એ બધુંજ રચિત તમને કહી ચુક્યો છે તો એ રીપીટ કરવાનો મતલબ નથી. બીજું જે છોડી દીધું તેની તરફ પાછળ ફરીને જોવું એ મને ગમતું નથી. અને રહી વાત ઘરની તો એ ચાર દીવાલના ખાલી મકાનમાં હવે કઈ રીતે રહું જ્યાં રેવા સાથેની બધી જ લાગણીઓ કણેકણમાં પડી છે અને રેવા છે જ નહી. એ ઘરમાં હવે કેમ રહું જ્યાં કહાનની અઢળક યાદો વેરવિખેર પડી છે અને કહાન પણ મારી ઝીંદગીમાં છે જ નહી. તો એ ઘરે આવીને કરીશ શું?” ઉર્વાની અંદરની લાગણીઓ ધીમે ધીમે પીગળી રહી હતી.
“ઉર્વા શું કરવા બેઠી છે તું? અને શું કામ કરે છે તું પોતાની જાત સાથે આવું?” દેવ હવે મૂંઝાઈ રહ્યો હતો.
“વેલ અત્યારે તો એક જ કામ કરવા બેઠી છું...” ઉર્વાને જેવો અનુભવ થયો કે પોતે પીગળી રહી છે તેણે તરત જ સુર બદલી નાંખ્યો.
“અને એ શું છે?” દેવનો પણ મિજાજ બદલાયો
“ઉર્વિલને હેરાન!” ઉર્વા સાવ ધીમેથી મસ્તીમાં બોલી.
“માતાજી!!” દેવ પણ નોર્મલી વાત કરવાની કોશિશ કરી રહ્યો.
“લીસ્ટન, રચિત કાલે કે પરમદિવસે આવશે કાર લેવા. પછી જે કંઈ થાય એ હું અપડેટ આપીશ. ઓકે?” ઉર્વાના મગજમાં જોરદાર પ્લાનિંગ ચાલી રહ્યું હતું પણ રઘુવાળી વાત તેણે જાણીજોઈને દેવથી છુપાવી.
“તો રચિત ક્યારે નીકળવાનો છે! તે બધી વાત કરી લીધીને?!” દેવને હજુ તેના પ્લાનમાં સમજ નહોતી પડતી પણ તેની પાસે હા માં હા કરવા સિવાય છૂટકો પણ નહોતો. તે ડેસ્ક પરથી ઉતરી ફરી બારી પાસે જવા ગયો ત્યાં જ તેની નજર દરવાજા પાસે ઉભેલા કહાન પર પડી.
“હું ફોન કરું!” કહી દેવે સીધો ફોન કાપી નાંખ્યો.
***
ઉર્વિલ નાહીને નીકળ્યા પછી પણ રૂમની બહાર નહોતો આવ્યો. તે પોતાના રૂમમાં જ બેડ પર બેઠા બેઠા બુક વાંચવાનો ડોળ કરી રહ્યો હતો. તેને મનસ્વીને પૂછવું હતું ઉર્વા વિષે એટલે તે રૂમમાં જ તેના આવવાની રાહ જોઈ રહ્યો હતો. તેને જરાપણ ચેન નહોતું પડી રહ્યું એટલે તે ઉભો થઇ રૂમના આંટા મારવા લાગ્યો. હજુ બે આંટા પણ પુરા નહોતા થયા કે ફરીથી વિચારોએ તેને ઘેરવાનું શરુ કરી દીધું.
તે રૂમના દરવાજા પાસે જઈ થોડુક ખોલી જોઈ રહ્યો કે મનસ્વી આસપાસ છે કે નહિ! તેને ત્યાંથી કંઈ સરખું દેખાતું નહોતું એટલે સાવ ધીમા પગલે તે પગથિયા પાસે આવી ગયો ત્યાંજ તેને કિચનથી હોલ તરફ આવતી મનસ્વી દેખાઈ ગઈ.
“મનસ્વી!!” તેણે ધીરેથી પણ બહુ વિચિત્ર રીતે બુમ પાડી.
મનસ્વીએ ફક્ત આંખના ઈશારેથી જ કંઈ જોઈએ છે એવું પૂછ્યું.
ઉર્વિલને કંઈ વધુ સમજાયું નહિ એટલે તેણે હાથથી ઈશારો કરી ઉપર આવવાનું જ કહી દીધું. મનસ્વીને પણ આમ ઉર્વિલનું બોલાવવું સમજાયું નહી. આવું ઉર્વિલે ક્યારેય કર્યું જ નહોતું એટલે તેને બહુ નવાઈ લાગતી હતી. પણ પછી તેના જ મગજે જવાબ આપી દીધો કે કદાચ ઉર્વાના હોવાના લીધે પણ હોય...
“હા ઉર્વિલ શું હતું?” રૂમમાં જઈ દરવાજો અટકાવતા જ મનસ્વી પૂછી બેઠી.
“અરે આ આરતીના દીકરાની ફ્રેન્ડ... એ કોણ છે?” ઉર્વિલના ચેહરા પર આ પ્રશ્ન પૂછતી વખતે પણ પરસેવો થઇ રહ્યો.
“અરે હા એ તમને કહેવાની જ હતી હું બધું...” મનસ્વી ઉર્વિલની સામે બેડ પર બેસી ગઈ. ઉર્વિલ પણ તેની બેસવાની સ્ટાઈલથી સમજી ગયો કે વાત લાંબી ચાલશે એટલે તે પણ બેડરેસ્ટને ટેકો દઈ ગોઠવાઈ ગયો.
“રચિત ને ઉર્વા કંઇક કામથી આવ્યા હતા અમદાવાદ ને પાછુ રચિતને મુંબઈ જવાનું થયું તો ઉર્વાને એટલી હોટેલમાં ના રખાયને એટલે અહીં મૂકી ગયો. એની કાર પણ અહીં જ છે. ૧-૨ દિવસમાં આવી જશે એ. બહુ ડાહી છોકરી છે એ.” મનસ્વી બહુ સહજતાથી બોલી.
“અચ્છા... એટલે રચિત આવશે એટલે એ ચાલી જશે!” ઉર્વિલના મનનું હજુ સમાધાન નહોતું થઇ રહ્યું. તે નહોતો સમજી શકતો કે ઉર્વા ખરેખર તેના ઘરમાં કરી શું રહી છે!
“હા, એટલે એમ તો એવું જ છે પણ...” મનસ્વી સંકોચાતી હતી ઉર્વિલને કહેતા.
“એટલે શું?” ઉર્વિલનો ડર વધી રહ્યો.
“એમાં એવું છે ને કે છોકરી બહુ જ ડાહી ને સરસ છે... અને એના મમ્મીની થોડા ટાઈમ પહેલા જ ડેથ થઇ છે. એની ફેમીલીમાં પણ બીજું કોઈ નથી...” મનસ્વી આટલું કહી ઉર્વિલના રીએક્શન જોવા અટકી પણ તે સાવ બ્લેન્ક જ હતો એટલે આગળ વધાર્યું,
“આપણે આટલા મોટા ઘરમાં બેય એકલા જ રહીએ છીએ તો એ પી.જી તરીકે રહે તો...!” મનસ્વીના વાક્ય પૂરું કરતા જ ઉર્વિલની આંખો પહોળી થઇ ગઈ.
“પી.જી.? એને કહ્યું રહેવાનું?” ઉર્વિલનો ડર હવે તેના પર કાબુ કરવા લાગ્યો.
“ના ના એણે કંઇજ નથી કહ્યું. આ તો હું વિચારું છું.” મનસ્વી ઉર્વિલની થોડું નજીક સરકી, “ઉર્વિલ આ ઘર હવે બહુ ખાલી ખાલી લાગતું રહ્યું છે મને પણ એના આવવાથી અહિયાં રોનક થઇ ગઈ. તમને ગમે તો પ્લીઝ એને અહીં રાખવા દો ને.”
ઉર્વિલ એક જ ક્ષણ માટે આંખ મીંચી ગયો. ભગવાનનો પાડ માને કે ઝઘડો કરે તે જ સમજાતું નહોતું તેને તો. ઉર્વા સાથે એક છત નીચે રહેવા મળે તેનાથી વધારે સારું હોય પણ શું શકે! પણ ઉર્વાની હકીકત મનસ્વીને ખબર પડી ગઈ તો!!
“ઉર્વિલ... તમને ના ગમે તો હું નહિ કહું.” ઉર્વિલની મીંચેલી આંખો જોઈ થોડું વિહ્વળ થતા મનસ્વી પૂછી રહી.
“ના ના તને ગમે તો પૂછી જો એને. એને અહીં રહેવું ફાવશે કે નહિ...” ઉર્વિલનું વાક્ય પૂરું થતા જ મનસ્વીના ચેહરા પર સ્મિત રેલાઈ રહ્યું.
“થેંક્યું સો મચ.” મનસ્વી ખુશ થઇ રહી.
“અરે મારી જાન! તારા માટે કંઈપણ...” ઉર્વિલથી અનાયાસ જ બોલાઈ ગયું ને મનસ્વી બે પળ તેની સામે જ જોઈ રહી.
“અરે ૯ વાગી ગયા?” ઉર્વિલે વાત ફેરવતા પોતાની ઘડિયાળમાં જોતા કહ્યું અને પછી ઉમેર્યું, “ચલને જમી લઈએ.” કહી ઉર્વિલ રૂમની બહાર નીકળી ગયો. મનસ્વી ત્યાં બેઠી બેઠી ઉર્વિલના શબ્દો “અરે મારી જાન! તારા માટે કંઈપણ...”ને ફરી ફરીને વાગોળી રહી. ધીમું ધીમું હસતી રહી.
***
કહાનને આમ દરવાજે ઉભેલો જોઈ દેવને ફાળ પડી.
“ઉર્વા...” કહાને સુક્કા અવાજે કહ્યું ને દેવ ફક્ત ગરદન હલાવી શક્યો.
“એ ઠીક છે?” કહાનના આ સવાલનો જવાબ પણ દેવે ઈશારાથી જ આપ્યો.
“એક કામ કરશો ખાલી? રચિતને કન્વીન્સ કરશો કે મને લઇ જાય એની ભેગો! પ્લીઝ”
***
(ક્રમશઃ)