નવી ફરાળી વાનગીઓ
ભાગ-૨
સંકલન- મિતલ ઠક્કર
જનમાષ્ટમી, શિવરાત્રી જેવા પવિત્ર તહેવાર, શ્રાવણનો પવિત્ર મહિનો, વિવિધ વ્રત કે અગિયારસ વખતે ફરાળી વાનગીઓમાં વૈવિધ્ય હોય તો ખાવાનો આનંદ વધી જાય છે. આ વખતે વેબસોર્સથી કેટલીક નવી રીતથી ફરાળી વાનગીઓ શોધીને આપી છે. છેલ્લે સાબુદાણા પલાળવાની રીત અને ફરાળી ખોરાકમાંથી શરીરને કયા પોષક તત્વો મળે છે તેના વિશે માહિતી આપી છે. ઉપરાંત ઉપવાસમાં વાનગીઓ બનાવવાની ટિપ્સ તો ખરી જ.
*ફરાળી પેટીસ*
સામગ્રી: ૫૦૦ ગ્રામ બટાકા, ૫૦ ગ્રામ શિંગોડાનો લોટ, ૫૦ ગ્રામ રાજગરાનો લોટ, ૧૦૦ ગ્રામ સાબુદાણા, ૧/૨ કપ સીંગદાણાનો ભૂકો, ૧/૨ કપ તલ, સિંધાલૂણ – પ્રમાણસર,૧ કપ લીલી ચટણી, ૪ ટેબલ સ્પૂન આદું-મરચાની પેસ્ટ, ખાંડ, લીંબુ - પ્રમાણસર તેલ.
રીત:બટાકાને બાફીને માવો કરો. સાબુદાણાને એક કલાક પલાળી રાખી પાણી નિતારીને બટાકાના મિશ્રણમાં ભેળવો. સીંગદાણા અને તલને અધકચરા ક્રશ કરી લો. રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, પાંચ ચમચી તેલ, પાંચ ચમચી સીંગદાણાનો ભૂકો, આદું-મરચાની પેસ્ટ, લીંબુ, ખાંડ, સિંધાલૂણ બધું મિક્સ કરો. બટાકાના મિશ્રણમાંથી ગોળા વાળી તેને સીંગ અને તલના ભૂકામાં રગદોળીને ધીમા તાપે તેલમાં બદામી રંગની પેટીસ સાંતળી લો. લીલી ચટણી સાથે સ્વાદ માણો.
* શિંગોડાના લોટની ખાંડવી*
સામગ્રી: ૨૦૦ ગ્રામ શિંગોડાનો લોટ, ૫૦૦ મિલી છાશ, મીઠું સ્વાદ મુજબ, આદુંનો નાનો ટુકડો, ૪-૫ લીલાં મરચાં, ૧ ચપટી હળદર, ૧/૨ કપ લીલા નાળિયેરનું છીણ, તેલ વઘાર માટે, ૧ ટીસ્પૂન જીરું, ૧ ચપટી હિંગ.
રીત: શિંગોડાના લોટમાં છાશ નાખીને તેમાં મીઠું, આદું-મરચાંની પેસ્ટ અને હળદર નાખી ધીમી આંચ પર રાખી સતત હલાવતાં રહો જેથી તેમાં ગાંઠા ન બાઝી જાય. બરાબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો. પહોળી થાળીને તેલવાળી કરી તેમાં આ ખીરાનું પાતળું પડ પાથરો. પછી ઠંડું થાય એટલે તેમાં ચપ્પુથી કાપા કરી રોલ વાળો. તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગનો વઘાર કરી ખાંડવી પર રેડો. ઉપર નાળિયેરનું છીણ અને સમારેલી કોથમીર ભભરાવીને ખાવ.
*ફરાળી હાંડવો*
સામગ્રીઃ ૧ કપ સામો, ૧/૪ કપ સાબુદાણા, ૧/૪ કપ રાજગરાનો લોટ, ૧ કપ દહીં, ૧ ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, સિંધવ મીઠું સ્વાદ મુજબ, ૧ કપ છીણેલી દૂધી, ૧ બાફીને છીણેલું બટેટું, ૧ કપ ધોઈને ઝીણી સમારેલી કોથમીર
વઘાર માટેઃ તલ ૨ ટે.સ્પૂન, ૧ ટે.સ્પૂન જીરૂં, ૬-૭ કઢીપતાં, તેલ
ચટણી માટેઃ૧/૨ કપ મગફળી અથવા લીલું નાળિયેર, દહીં અથવા લીંબુ, ૧/૨ કપ ધોઈને સમારેલી કોથમીર, ૨-૩ લીલાં મરચાં, સિંધવ મીઠું સ્વાદ મુજબ.
રીતઃ સામો તેમજ સાબુદાણાને મિક્સરમાં કરકરા દળી લો. એમાં રાજગરાનો લોટ, દહીં તેમજ આદુ-મરચાંની પેસ્ટ, કોથમીર, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દો. જો તમે ખાતાં હોવ તો છીણેલી દૂધી તેમજ બટેટું ઉમેરી દો. મિશ્રણ એકરસ કરી દો. એ ઢોકળાના ખીરા જેવું હોવું જોઈએ.
સૌપ્રથમ વઘારીયામાં ૨ ટે.સ્પૂન તેલ લઈ ગરમ કરો. અને એમાં જીરૂં તેમજ તલનો વઘાર કરો. સાથે કઢીપતાં ઉમેરી દો. આમાંથી અડધા વઘારને લોખંડની એક જાડી કઢાઈમાં રેડી દો. હવે એમાં ખીરૂં રેડી દો અને ઉપર બાકી રાખેલો વઘાર રેડીને ચારેબાજુએ ફેલાવી દો. ગેસ ચાલુ કરીને મધ્યમ ધીમી આંચે હાંડવાની કઢાઈ ઢાંકીને ગરમ કરવા મૂકો. ૫-૧૦ મિનિટ બાદ ચેક કરો. નીચેથી હલકું ગુલાબી થયું હોય તો એને ધીમેથી ઉથલાવી દો. અને ફરીથી ૫-૧૦ મિનિટ થવા દો. હાંડવામાં છરી નાખીને, બહાર કાઢીને જોઈ લો. છરી લીસી બહાર આવે તો હાંડવો તૈયાર છે. નહીં તો ફરીથી ૫ મિનિટ માટે કઢાઈ ગરમ કરવા મૂકો. હાંડવાને એક પ્લેટમાં કાઢીને ટુકડા કરી લો. અને કોથમીરની ચટણી સાથે પિરસો.
ચટણી માટે ઉપર આપેલી સામગ્રી મિક્સરમાં પીસીને ચટણી તૈયાર કરી લો.
હાંડવાના મિશ્રણને તમે નોન-સ્ટીક ફ્રાઈપેનમાં પેનકેકની જેમ પણ બનાવી શકો છો
* સાબુદાણા- રાજગરાના ફરાળી મુઠીયા*
સામગ્રી: ૧ કપ બાફીને છીણેલો બટાકો ૧/૨ કપ શેકેલા શીંગ દાણા નો ભૂકો ૧/૨ કપ રાજેગરા નો લોટ ૧/૨ કપ દહીં ૧/૨ કપ પલાળેલા સાબુદાણા સ્વાદ પ્રમાણે સિંધવ ૧ ટી સ્પૂન લીલા મરચા (ક્રશ કરેલા) ૧/૪ ટી.સ્પૂન આદુ(ક્રશ કરેલું) ૧ ટી.સ્પૂન લાલ મરચું પાવડર ૧ ટેબ.સ્પૂન ખાં ૧ ટેબ.સ્પૂન તેલ ૧/૪ ટી.સ્પૂન જીરું ૧/૨ ટી.સ્પૂન તલ ઝીણી સમારેલી કોથમીર
રીત: સૌ પ્રથમ બટાકા ને બાફીને છીણી લો.ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા,રાજેગરાનો લોટ, દહીં અને શીંગ નો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સિંધવ, આદુ અને મરચા નાખી હલાવી મુઠીયા નો શેપ આપી ગ્રીસ કરેલી કાણા વાળી ડીશ માં મૂકી ૧૦-૧૨ મિનિટ માટે વરાળે બાફી લો. તૈયાર મુઠીયા ઠંડા થાય એટલે કટ કરી લો. વઘરિયામાં તેલ મૂકી જીરું નો વઘાર કરી તલ નાખી મુઠીયા પર રેડી દો. કોથમીર વડે ગાર્નીશ કરી ગરમા ગરમ સર્વ કરો.
* ફરાળી રોસ્ટી*
સામગ્રી: ૫૦૦ ગ્રામ રતાળુ, ૨ નંગ બટાકા, ૨ ટેબલ સ્પૂન ફરાળી લોટ. મીઠું જરૂરિયાત મુજબ, એક ટેબલ સ્પૂન ઝીણાં સમારેલાં મરચાં, તળવા માટે તેલ એક ટેબલ સ્પૂન બટાકા વેફરનો ભૂકો
રીત: સૌ પ્રથમ રતાળુની છાલ ઉતારીને તેના મોટા ટુકડા કરી લેવા અને તેના પર મીઠું નાખી થોડી વાર રાખી મૂકવા. બટાકાની છાલ ઉતારી અધકચરા બાફી લેવા. હવે રતાળુને પણ પાણીથી બરાબર ધોઈને બાફી લો. ત્યારબાદ ફરાળી લોટમાં સહેજ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરવું. નોનસ્ટિક ગરમ કરો, ધીમી આંચ રાખવી. તેમાં બે ચમચી તેલ મૂકવું. હવે તવીમાં છીણીથી એક લેયર બટાકાનું અને એક લેયર રતાળુનું છીણ પાડવું સાથે સહેજ મીઠું અને મરચાંના ટુકડા તેમજ ઉપર તળેલી વેફરનો ભૂકો ભભરાવવો. હવે મિશ્રણની ફરતે ફરાળી લોટનું ખીરું મૂકો. સાથે એક ચમચી તેલ પણ રોસ્ટીની ફરતે મૂકો. હવે સાચવીને તેને ઉથલાવો. થોડું તેલ મૂકી બીજી બાજુ પણ શેકી લો. ગરમગરમ રોસ્ટી રતાળુને કારણે સ્વાદિષ્ટ અને કલરફુલ લાગશે તેને ટૉમેટો કેચપ સાથે સર્વ કરો.
* ફરાળી પનીર પકોડા*
સામગ્રી: ૪૦૦ ગ્રામ પનીર, અડધો કપ સામો કે મોરૈયો, પ કપ સિંગોડાનો લોટ, બે ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, બે ઝીણાં સમારેલાં લીલાં મરચાં, પા ચમચી કાળામરી, એક ચમચી સિંધવ મીઠું, તળવા માટે તેલ.
રીત: સૌપ્રથમ મોરૈયાને કે સામાને મિક્સરમાં પીસીને લોટ બનાવી લો. ત્યારબાદ ધોઇને એક પાણીમાં પલાળી દો. ત્યારબાદ સિંગોડાના લોટને મોરૈયાની પેસ્ટમાં મિક્સ કરી દો બરાબર. પેસ્ટ વધારે જાડી લાગે તો અંદર થોડું પાણી એડ કરવું. પેસ્ટ મિડિયમ બનવી જોઇએ, ત્યારબાદ અંદર પા ચમચી કાળામરી પાવડર અને અડધી ચમચી સિંધવ મીઠું એડ કરો. સાથે લીલું મરચું અને કોથમીર એડ કરી બરાબર મિક્સ કરી લો. હવે પકોડા તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દો.
*સૂરણના દહીંવડા*
સામગ્રી: ૫૦૦ ગ્રામ સૂરણ, ખજૂર-આંબોળિયાંની ચટણી, બે વાટકી દહીં, શેકેલા જીરાનો પાઉડર, લાલ મરચું પાઉડર જરૂર મુજબ, તળવા માટે તેલ, કોથમીર, મીઠું જરૂર મુજબ, મરી પાઉડર એક ચમચી, આદું-મરચાંની પેસ્ટ એક ચમચી, ફરાળી લોટ જરૂરિયાત મુજબ.
રીતઃ સૂરણની છાલ ઉતારી ટુકડા કરી તેના પર મીઠું ભેળવી રાખી મૂકો. થોડી વાર પછી ચોખ્ખા પાણીથી સૂરણને ધોઈ કૂકરમાં બાફી લેવું. ઠંડું થાય એટલે તેને છીણીને માવો તૈયાર કરવો. હવે માવામાં આદું-મરચાંની પેસ્ટ મીઠું અને મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેને ફરાળી લોટમાં રગદોળી લો. ત્યારબાદ તેનાં ચપટાં નાનાં વડાં તૈયાર કરો. હવે વડાંને નોનસ્ટિક તવીમાં તેલ મૂકી ગુલાબી રંગનાં તળી લો. એક ડિશમાં વડાં મૂકી તેના પર મોળું વલોવેલું દહીં, મીઠી ચટણી, કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તેના ઉપર બટાકાનું તળેલું છીણ પણ ઉમેરો, તે ફરાળી વડાંને વધુ ક્રિસ્પી બનાવે છે.
*ફરાળી ઉત્તપમ*
સામગ્રી: ૧ વાટકી રાજગરાનો લોટ, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, ચપટી મરી પાવડર, અડધી વાટકી છાશ, ૧ ઝીણું સમારેલું લીલું મરચું, ૧ બટાકાના નાના-નાના ટુકડા, ઝીણી સમારેલી કોથમીર.
રીત: સૌપ્રથમ ઉત્તપમનું ખીરું બનાવવા માટે એક બાઉલમાં એક વાટકી રાજગરાનો લોટ લઈ અંદર અડધી વાટકી છાશ, સ્વાદ અનુસાર સિંધવ મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરો. ત્યારબાદ અંદર મરી પાવડર નાખી હલાવીને ઢોસા જેવું ખીરું બનાવી લો. એક બાઉલમાં ઝીણી સમારેલી કોથમીર, બટાકું અને લીલું મરચું તૈયાર રાખવું. ૫ થી ૧૦ મિનિટ બાદ નોનસ્ટિક તવી પર ઉત્તપમનું ખીરું પાથરી ઉપર સલાડ ભભરાવો. આછું ગુલાબી શેકી લો. ફરાળી ઉત્તપમને ગ્રીન ચટણી સાથે સર્વ કરો. બજારમાં મળતા તૈયાર ફરાળી લોટનો ઉપયોગ પણ કરી શકાય છે. તેમાં બીજા કોઇ લોટ મિક્સ કરવાની જરૂર નથી.
*નાળિયેરની ફરાળી કચોરી*
સામગ્રી: બટાકા - ૫૦૦ ગ્રામ નાળિયેર, ૧ નંગ રાજગરાનો લોટ, ૨ ચમચા આરારોટ, ૨ ચમચા લીલાં મરચા, ૬-૭ નંગ સમારેલી કોથમીર, અડધી વાટકી લીંબુ, ૧ નંગ તજ, લવિંગ, મરી ૩-૪ નંગ, ખાંડ ૧ ચમચી, સિંધાલૂણ સ્વાદ મુજબ.
રીત: નાળિયેરને છીણી, તેમાં સમારેલી કોથમીર, મરચાં, લીંબુ, ખાંડ, સિંધાલૂણ, મરી, તજ, લવિંગનો પાઉડર નાખીને મિશ્રણ તૈયાર કરો. બટાકા બાફીને તેમાં સિંધાલૂણ અને રાજગરાનો લોટ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાંથી પ્રમાણસર ગોળા લઇ તેને હથેળીમાં દબાવીને વચમાં નાળિયેરનું પૂરણ મૂકીને ફરીથી ગોળા વાળી કચોરી તૈયાર કરો. આ કચોરીને આરારોટમાં રગદોળો અને કડાઇમાં તેલ ગરમ કરીને ધીમી આંચે આછા ગુલાબી રંગની તળો અને ખજુર-આંબલીની ચટણી સાથે સર્વ કરો.
* સાબુદાણાની ફરાળી ઈડલી*
સામગ્રીઃ૧ કપ સાબુદાણા, ૨ ટી.સ્પૂન તેલ, ૨ કપ છાશ, ૧/૨ ટી.સ્પૂન ખાવાનો સોડા, ૨ ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૩-૪ લીલાં મરચાં ઝીણાં સુધારેલાં, ૧ કપ મોરૈયાનો લોટ (લોટ ન લેવો હોય તો આખો સામો પણ લઈ શકો છો), સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું) સ્વાદ પ્રમાણે,
ફરાળી ચટણી માટે સામગ્રીઃ૧ કપ કોથમીર, ૧ કપ શીંગદાણા અથવા 1 તાજું નાળિયેર, ૧ ટી.સ્પૂન બારીક સુધારેલું આદુ, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, ૧ ટે.સ્પૂન લીંબુનો રસ.
રીતઃ એક કઢાઈમાં ૧ ટી.સ્પૂન તેલમાં સાબુદાણા ૫ મિનિટ માટે સાંતડો. ત્યારબાદ સાબુદાણાને છાશમાં ૫-૬ કલાક માટે પલાળો. ૬ કલાકમાં સાબુદાણા ફુલી જશે. હવે એને મિક્સીમાં ક્રશ કરી લો. અને સમારેલાં મરચાં, કોથમીર, સ્વાદ મુજબનું મીઠું મિક્સ કરી લો. સોડા નાખીને હલાવી લો. ઈડલીના વાસણમાં તેલ ચોપડી, ખીરૂ રેડીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ગરમાગરમ ઈડલી ઉતારી લો. અને ફરાળી ચટણી સાથે પીરસો. ફરાળી ચટણી માટે આપેલી સામગ્રી લઇ મિક્સીમાં પીસી લો.
ફરાળી ખોરાકમાંથી શરીરને કયા પોષક તત્વો મળે છે તેના વિશે માહિતી.
રાજગરો : રાજગરો પોષકતત્વોથી ભરપૂર છે. ઘઉં, ચોખા અથવા જવ કરતાં આમાં ૩૦% વધુ પ્રોટીન છે. તે વિટામિન 'એ', બી૬+, વિટામિન 'સી'થી ભરપૂર છે. તેમાં ઓક્ઝિલિક એસિડ વધુ છે, જેથી કેલ્શિયમ અને ઝિંકનું શરીરમાં એબ્સોર્બશન ઓછું થાય છે. કિડનીના રોગી તેમ જ ગાઉટ અને રુમેટોઇડ આર્થ્રાઇટિસના દર્દીઓએ વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો નહીં. ૧૦૦ ગ્રામ રાજગરામાં કેલરી : ૩૭૪, ફેટ : ૭ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ : ૬૬ ગ્રામ, પ્રોટીન : ૧૪ ગ્રામ હોય છે. રાજગરો પોષણથી ભરપૂર છે, પરંતુ તેનો શીરો અથવા પૂરી બનાવવા કરતાં ભાખરી કે થેપલાં થોડા તેલમાં બનાવી ખાવાથી વધુ ફાયદો થાય છે.
મોરૈયો: ઉપવાસ દરમિયાન મોરૈયો પણ સ્વાદિષ્ટ લાગે છે. તેને ભાત અથવા ઘેંશની જેમ બનાવવામાં આવે છે. તેમાં એમિનો એસિડ વિપુલ પ્રમાણમાં મળે છે. તેમાં દૂધી, બટાકા વગેરે ઉમેરી શકાય છે. ઉપવાસ દરમિયાન મોરૈયો એક સમયે ખાવો હિતાવહ રહે છે. ૧૦૦ ગ્રામ મોરૈયામાં કેલરી લગભગ : ૩૫૦, મેંગેનીઝ : ૯૬ મિલીગ્રામ, મેગ્નેશિયમ : ૮૯ મિ.ગ્રા., આયર્ન : ૩.૯૩ મિ.ગ્રા., કોપર : ૦.૩૫ મિ.ગ્રા., ફોસ્ફરસ : ૧૭૪ મિ.ગ્રા. હોય છે.
સાબુદાણા: સાબુદાણા પોષણ ધરાવતા નથી. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ જ છે. પ્રોટીન, વિટામિન કે મિનરલ્સ નથી, પણ તે સહેલાઈથી પચી જાય છે. સાબુદાણાની ખીચડી ઉપવાસમાં ખાઇ શકાય છે. તેમાં આવતું કાર્બોહાઇડ્રેટ ઉપવાસ દરમિયાન શરીરને તાકાત આપે છે. તેમાં બદામ, સિંગ નાખીને વધુ પોષક બનાવી શકાય. મલાઈ વિનાના દૂધમાં બનાવેલી સાબુદાણાની ખીરમાં ખાંડ ઓછી હોય તો પેટ ભરાવા સાથે શરીરને પોષકતત્વો પણ મળી રહેશે.
* ખીચડી બનાવવાની હોય અને સાબુદાણા ચીકણા રહી જાય તો ખીચડીની મજા જ મરી જાય. જાણી લો સાબુદાણા પલાળવાની સાચી રીત.
* સાબુદાણા પલાળતી વખતે વધારે પાણી નંખાઇ જાય તો, સાબુદાણાની બધી જ વાનગીઓ પણ ચીકણી બની જશે.
* સાબુદાણા સૂકા પડી જતા લાગે તો, એક મોટી ચમચી પાણી છાંટી સરખી રીતે મિક્સ કરી લો.
* જરૂર મુજબ વધારે પાણી પણ નાખી શકાય છે, પણ એકસાથે વધારે પાણી ન નાખવું.
* જો સાબુદાણા મોટા હોય તો તેને આખી રાત પલાળી રાખવા. બે કલાકમાં નહીં પલળે.
* એક કપ સાબુદાણા પલાટવા એક કપ પાણી લેવું, એટલે જેટલા સાબુદાણા હોય એટલું જ પાણી લેવું.
* ઝીણા સાબુદાણા હોય તો તેને પાણીમાં ૩૦ મિનિટ પલાળવા. ત્યારબાદ તેમાંથી પાણી કાઢી ૨-૩ કલાક રાખ્યા પછી ઉપયોગમાં લેવા.
* ફરાળી વાનગીઓ માટે ટિપ્સ :
* ઉપવાસમાં ફરાળી વાનગી બનાવવા માટે સીંગતેલ, સીંગદાણા, સાબુદાણા,
શક્કરિયાં, બટાકા, સૂરણ, રતાળુ, મોરૈયો, રાજગરો, દહીં, મીઠી ચટણી કોથમીરથી વગેરે અનેક ચીજોનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે.
* રામનવમી હોય અને શક્કરિયાં ન હોય તેવું બને જ નહીં. માટે રામનવમીના
ઉપવાસમાં શક્કરિયાંની ખીર, બેક્ડ શક્કરિયાં, શક્કરિયાંનો શીરો, શક્કરિયાંની સૂકી ભાજી, શક્કરિયાં બટાકા, સૂરણનાં મિક્સ ભજિયાં વગેરે અનેક વાનગી બનાવી શકાય છે.
* રતાળુ અને સૂરણને વાનગીમાં ઉપયોગમાં લેતા પહેલાં હંમેશાં તેની છાલ ઉતારી ટુકડા કરી તેને મીઠામાં રગદોળી દેવા. અડધો કલાક રાખી મૂક્યા બાદ સ્વચ્છ પાણીથી બરાબર ધોઈ લેવા. ત્યારબાદ જ રસોઈમાં ઉપયોગમાં લેવા. આ બંને ચીજો સીધી ઉપયોગમાં લેવાથી જીભ ચચરે છે.
* ફરાળી દહીંવડાં બનાવવા માટે સૂરણ ઉપરાંત બટાકા કે રતાળુનો ઉપયોગ
પણ કરી શકાય. તેમાં થોડા પલાળેલા સાબુદાણા મિક્સ કરીને સાબુદાણા વડાં પણ બનાવી શકાય જે સ્વાદિષ્ટ લાગે છે.
* કંદમાં પુષ્કળ પ્રમાણમાં સ્ટાર્ચ હોવાથી શક્તિ મળે છે તેમાં કાર્બોહાઈડ્રેટના કારણે શરીરનું પ્રોટીન તેમજ ચરબી પોતાના અગત્યનાં કામ કરી શકે છે.
* બટાકામાં કેલરી ઓછી હોય છે. બટાકામાં આર્યન, પ્રોટીન, કેરોટીન અને વિટામિન સી જેવાં પોષકતત્ત્વો રહેલાં છે
* શક્કરિયાં અને સૂરણમાં વિટામિન સી, કેરોટીન અને ક્ષાર પુષ્કળ પ્રમાણમાં છે.
* માનવ શરીરના પોષણ માટે કંદ મહત્ત્વનો ભાગ ભજવે છે.