VAFADARI books and stories free download online pdf in Gujarati

વફાદારી.

વફાદારી.

મારા ગળામાં સળવળાટ થવા લાગ્યો. મારા દિમાગ ઉપર અચાનક જાણે રુધિરાભિસરણ તંત્રનો હુમલો ન થયો હોય! કદાચ છેલ્લા છ મહિનાથીકે એક વર્ષથી કે કદાચ ચાર પાંચ વર્ષથી, મને નથી ખબર, પણ આવો હુમલો ક્યારેય નથી થયો. કદાચ મારો અંત નજીક હોય એવું લાગે છે. ખરેખરે મારી સાથે શું થયું હતું? મારું ચેતન મન આંદોલિત થઈ રહ્યું હતું. પાછલા દિવસોની ધૂંધળી સ્મૃતિઓ મારા દિમાગના દરવાજા ખખડાવી રહી હતી. મને આવેલાં સપનાં, વિચારો, સાંભળેલા આવજો, જોયેલાંદૃશ્યો! ઓહ! આજે પહેલીવાર મારા કપાળ ઉપરથી પરસેવાના ટીપાંની ઊની ભીનાશ હું અનુભવી રહ્યો છું. ભૂતકાળની એ સ્મૃતિ મારા દિમાગમાં તૂટક તૂટક અને વણ જોડાયેલી આવવા લાગી.

શીતલ મારી બાજુમાં બેઠી બેઠી વાતો કરી રહી હતી. મારી સામે એક મોટું દીવાલ ઘડિયાળ લાગેલું હતું. સારી વાત એ હતી કે એ ઘડિયાળ સમય, તારીખ અને મહિનો બતાવતું હતું. વર્ષ? ના, વર્ષ નહોતું બતાવતું. સવારે દસ વાગ્યે શીતલ આંટો મારવા આવતી અને સાંજે છથી સાતની વચ્ચે શીતલ અને મયૂર બંને આવતાં અને મારી સાથે વાતો કરતાં.

મને ક્લાસિકલ ગીતો સાંભળવાનો ખૂબ શોખ હતો, એટલે જ એ આવતાની સાથે જ ધીમા અવાજમાં મોબાઈલમાંથી જૂના ગીતો મને સંભળાવતી. સાથે અરુણને પણ લાવતી. અરુણ મારી સાથે વાતો કરતો.

“પપ્પા,ઊઠો ને! જાદુઈ પરીની સ્ટોરી સંભળાવો ને.”

અરુણ જયારે પણ આવતો મારા કાન પાસે આવીને બોલતો. હું જયારે પણ આંખ ખોલતો મારી સામે ઘડિયાળનો ટક-ટક અને બીપ-બીપનો જો છેદ ઉડાડવામાં આવે તો નીરવ શાંતી જ! મારી સૌથી મોટી કમજોરી એ હતી કે હું સાંભળી શકતો હતો.વિચારી શકતો, જોઈ શકતો. હોસ્પીટલમાં ક્યારેક નર્સનો અવાજ તો ક્યારેક ડોકટરોનો અવાજ તો ક્યારેક દર્દીઓનો શોરબકોર.

શીતલ અને મયૂર હંમેશા વાતો કરતાં કે,

“નીરજ જલ્દી ઠીક થઈ જશે, ઊભો થઈ જશે, પહેલાંની જેમ જ ખંતથી ઓફિસે જતો થઈ જશે.”

મને ઊભો કરવા માટેના, જીવતો રાખવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા હતા, જે મને નહોતું ગમતું.

મને સતત એવો વિચાર આવતો કે, આ લોકો આટલી મહેનત શા માટે કરી રહ્યાં છે? મારી પીડામાં સતત વધારો કેમ કરી રહ્યાં છે? ખરેખર તો આ લોકોએ મારી વિચારવાની, સાંભળવાની અને સપનાં જોવાની મારામાં રહી ગયેલી ઊર્જા છે એને પણ ખતમ કરી દેવી જોઈએ.

પણ આ જીવલેણ અકસ્માત પછી એય સમજાયું કે મારા માટે તો આ અકસ્માત ખરેખરો જીવલેણ રહ્યો હોત તો સારું રહેત. જો હું કારને રોડ ઉપરથી નીચે ન ઉતારત અને ત્વરિત નિર્ણય ન લેત, તો કદાચ શીતલ ઘટના સ્થળે જ મરી ગઈ હોત. કદાચ અમે બંને મરી ગયાં હોત. મને એટલું તો સમજાયું કે મારી જગ્યાએ શીતલને જોબ મળી ગઈ. મારા અને શીતલના લવ મેરેજ થયેલા, સાથે જ ડીગ્રી કરી અને સાથે જ એમબીએ. પરિવારમાં અરુણના આગમન પછી શીતલ ઘરગ્રહ્સ્તીમાં અને અરુણમાં વ્યસ્ત થઇ ગઈ હતી.

શીતલ મયૂર સાથે જ કામ કરે છે એ વિચારીને મને આનંદ પણ થયો હતો. પણ પછી શું થયું હતું?

એ દિવસે ઘડિયાળનો અવાજ બદલી ગયો હતો, આજુબાજુનું વાતાવરણ ફરી ગયું હતું. કદાચ હું ઘરે હતો. હા, મને હોસ્પિટલથી ઘરે લઈ આવવામાં આવ્યો હતો.

સવારે નર્સ આવી જતી અને શીતલ નોકરી ઉપર જતી રહેતી.

“અરુણને હોસ્ટેલમાં મોકલી દઈએ તો?”

આવું જ કંઈક મયૂરે શીતલને કહ્યું હતું.

પછી જે મને યાદ આવ્યું એ અસહ્ય હતું. આ બધું મને કેમ યાદ આવી રહ્યું છે?

શું મારું મગજ ફ્લેશ ન થઈ શકે? સુન્ન ન થઈ શકે?

“મયૂર, કોન્ડમ વગર નહીં, પ્લીઝ.”

નીરવ શાંતી વચ્ચે મને આવું કંઈક સંભળાયું હતું.

નો…નો…નો… નોટ પોસીબલ... મને આવો વિચાર જ કેમ આવ્યો?

મારી સાથે શીતલ આટલો મોટો દગો કેમ કરી શકે? મારી જીભ થોથવાતી હતી. હોઠ ફફડતા હતા. હું બોલવા પ્રયત્ન કરતો હતો. એક પાઈપ મારા મોંમાં ફસાવેલી હતી, એટલે કદાચ હું બોલીનહોતો શકતો. મેં મારો હાથ ઉપર ઉઠાવવા પ્રયત્ન કર્યો, પણ ફક્ત આંગળા હલાવી શક્યો હતો. શીતલ અને મયૂર હસી હસીને વાતો કરી રહ્યાં હતાં. તેઓ રેસ્ટોરન્ટમાં જવાની વાતો પણ કરતાં હતાં. વેકેશન છે, અરુણ આવવાનો છે એવી વાતો કેટલીય વખત કરતાં હતાં. કેટલી વખત તો અરુણ મારી સામે આવીને બોલ્યો હતો.

“પપ્પા, હું પાસ થઈ ગયો. પાંચમાં ધોરણમાં એઈટી ફાઈવ પરસેન્ટ.”

અરુણ તો નાનો હતો... પહેલા ધોરણમાં... શું મેં એને જોયો છે? યાદ નથી આવતું. જે યાદ આવતું હતું એ ગમતું નહોતું અને ગમતું યાદ નહોતું આવતું.

મારી નજર ઘડિયાળ ઉપર પડી. તે ઘડિયાળની વેદના કેવી? મારી સામે પાંચ વર્ષ વિતાવ્યાં! એકની એક વ્યક્તિ સામે પાંચ વર્ષ? ના, ઘડિયાળ બદલી ગઈ લાગે છે. આ ઘડિયાળ તો નાની છે. હોસ્પીટલમાં જે ઘડિયાળ હતી તે મોટી હતી. કદાચ શીતલે વિનંતી કરી હશે, એટલે મારી સામે ઘડિયાળ રાખવામાં આવી હશે. આ કમરામાં, આ દીવાલ ઉપર ક્યારેય કોઈ ઘડિયાળ હતી જ નહીં. કદાચ મને સમયનું ભાન કરાવવા!કે સમયસર ભાનમાં લાવવા? જો કે હું સમયસર ભાનમાં નહોતો આવ્યો, પણ ભાનમાં આવ્યો ત્યારે સમય જરૂર પારખી ગયો હતો.

ચાર દિવસમાં હું નોર્મલ થઈ ગયો, વાતચીત કરતો થઈ ગયો.

મન મક્કમ કરીને એક જ નિર્ણય ઉપર પહોંચી શકાયું. હવે શીતલ સાથે એક છતની નીચે તો ન જ રહી શકાય. સાંજે એ ઘરે આવતી, મારી સાથે વાત કરવા પ્રયત્ન કરતી. છેલ્લાં ચાર વર્ષમાં એણે મેળવેલી સિદ્ધિઓ, હિસાબો બતાવવા લાગી. એણે જોયેલા ઉતાર-ચઢાવનો હિસાબ આપવા લાગી. મારું મન મક્કમ હતું. ચિંતા હતી તો બસ અરુણની. અરુણ માટે મારે જે કરવું પડશે એ હું કરીશ.

હું ફરી મારા રૂટીનમાં આવી ગયો, નોકરી ઉપર જતો થઈ ગયો. અને એ દિવસ પણ આવી જ ગયો. જે મારે શીતલને કહેવાનું હતું તે કહી દીધું.

“છૂટાછેડા લેવા માટેની તારી કિંમત બોલ. અને રોજ રોજ આ હિસાબો આપવાનું બંધ કર.”

“શું? હું એમ વિચારતી હતી કે તું ધીરે ધીરે બોલતો થઈ જઈશ. બધું નોર્મલ થઈ જશે. પણ આવું? મારા પ્રેમમાં શું અધુરપ રહી?”

“પ્રેમમાં અધૂરપની વાત નથી. વાત નૈતિકતાની છે, વફાદારીની છે.”

“ઓહ! હવે સમજાયું. તારે છૂટાછેડા જોઈએ છે ને? હવે તું નોર્મલ છો, અને તું આઝાદ છો. મને એક પાઈ પણ નથી જોઈતી. તું કહેતો હોય તો હું કોરા કાગળ ઉપર લખી આપું.”

“ઓહ! આ તો ભાવતું હતું અને વૈદે કહ્યું એવી વાત થઈ.”

આમ અમારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. હું શાંતિ ઈચ્છતો હતો એટલે હું મારા એક મિત્રના ઘરે ચાલ્યો ગયો. હું જાણતો હતો કે છૂટાછેડા ઘણો સમય માંગી લેશે અને હવે એ જટિલ પ્રક્રિયામાંથી પસાર નથી થવું. ખોટું માનસિક દબાણ ન જ જોઈએ.

એમ વિચારી મારા મિત્રની મદદથી ચાઈના જવાનું નક્કી કર્યું. અહીં રહીશ તો કદાચ મારો ભૂતકાળ મારો પીછો નહી છોડે. પ્રકૃતિની કોઈ એવી ગોઠવણ હોત કે બિનજરૂરી વિચારોને રીસાયકલ બીનમાંથી પણ કાયમી નસ્ટ કરી શકાય.

ત્રણ દિવસમાં મિત્રના ઘરે રહીને હું મક્કમ થઈ ગયો. એ ત્રણ દિવસ દરમિયાન શીતલે મને કેટલીય વખત ફોન કર્યા. કાકલુદી કરી, આજીજી કરી, પણ વફાદારી નામની પણ કોઈ ચીજ હોય છે. એ મારો પ્રેમ ન જ સમજી શકી. પાંચ વર્ષ એની સાથે વિતાવ્યા, એની બધી જ જરૂરિયાતો પૂરી કરી, પરિવારનો ભાર એકલે હાથે વેંઢારતો રહ્યો. એનો આ બદલો?

એ દિવસે નક્કી કર્યા મુજબ હું રાત્રે અગિયાર વાગ્યે ઘરે ગયો. દરવાજો ખૂલતાં જ મેં જે જોયું તે અસહનીય હતું. મયૂર સોફા ઉપર બેઠો બેઠો ચા પી રહ્યો હતો અને શીતલ એની સામે જ બેઠી હતી.

“આ બધું શું ચાલી રહ્યું છે?”

“નીરજ, હું હમણાં જ આવ્યો છું. એ પણ શીતલનો ફોન આવ્યો એટલે.”

“ચુપ, હું તારી સાથે વાત નથી કરી રહ્યો. હું શીતલને કશું પૂછી રહ્યો છું. હું મારી પત્ની સાથે વાત કરી રહ્યો છું.”

“નીરજ, તું જેવું વિચારે છે એવું કશું નથી.”

“તો રાત્રે અગિયાર વાગ્યે આ લફંગો અહીં શું કરી રહ્યો છે?”

“નીરજ, દરવાજો ખુલ્લો છે. તું જે વિચારે છે એ માટે દરવાજાને કડી મારવાની હોય. અને એવું જ કરવું હોત તો તું સાડા ચાર વર્ષ પથારીમાં રહ્યો...”

“તો? તો એ દરમિયાન તમે બંને એ બાકી પણ શું રાખ્યું છે? છે કોઈ જવાબ?”

હું જરા ઊંચા આવજે બોલ્યો. હોલમાં એક સન્નાટો છવાઈ ગયો. મયૂર ચાનો કપ આગળ પાછળ કરવા લાગ્યો, ટીપોયના ખૂણા ઉપર હાથ રાખી ખોતરવા લાગ્યો. શીતલ નીચું જોઈ રડવા લાગી. તે મગરમચ્છના આંસુ સારવા લાગી. જોવા જેવી વાત એ હતી કે બંનેમાંથી એકેય મારી સામે નજર નહોતા મિલાવી રહ્યાં.

આખી વાત કળી જતાં મને વાર ન લાગી.

મારે મોડું થતું હતું. પાસપોર્ટ વિઝા કલેક્ટ કરવાના હતા એટલે હું મારો સમાન પેક કરી, બેગ ઉઠાવી ચાલતો થયો. મયૂર અને શીતલ લગભગ અડધા કિલોમીટર સુધી મારી પાછળ કાકલુદી કરતાં કરતાં આવ્યાં.

“નીરજ પ્લીઝ, અરુણનો તો વિચાર કર. બધું નોર્મલ થઇ જશે. પહેલા જેવું જ.”

પણ હું મક્કમ હતો. મેં ટેક્સી ઉભી રાખવી. ટેક્સીમાં બેસવા જતો હતો ત્યારે શીતલે મારા પગ પકડી લીધા, કરગરતા બોલી.

“નીરજ પ્લીઝ મને છોડીને ન જા, અરુણને છોડીને ન જા

“ચાલ ભાઈ આ મગરમચ્છનાં આંશુ છે. તું પટેલ ટ્રાવેલ્સ જવા દે.”

*****

હોંગકોંગ આવ્યા પછી હું આઝાદીની અનુભૂતિ કરી રહ્યો હતો. ત્રણ મહિનામાં હું જોબમાં સેટ થઇ ગયો હતો. ભૂતકાળના અંધકારને ભૂલાવવા મેં હોંગકોંગની જ એક યુવતી સાથે મનમેળ કરી લીધો હતો.

ચાઈનાની યુવતી સાથે લગ્ન થોડા કરાય? પેઈડ ગર્લ હતી પણ જબરી વફાદાર!

મારા સિવાય કોઈ બીજા પાસે ન જવાની પણ હું એને કીમત આપતો.

સેક્સની ભૂખનો ઉભરો તો શાંત થવો જોઈએ ને?

સમાપ્ત.

-નીલેશ મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

ઈમેઈલ:- nileshmurani@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED