Hasina mani jashe books and stories free download online pdf in Gujarati

હસીના માની જાશે.

હસીના માની જાશે.

મુંબઈ આવ્યો એને હજુ એકાદ મહિનો પણ નહોતો થયો. હજુ માંડ નોકરીમાં સેટ થયો હતો અને હુસેનનો ફોન આવ્યો.

“બોલ ભાઈ હુસેન, કેમ મજામાં ને?”

“ભાઈ મજામાં હોઉં તો હું તને ફોન થોડો કરું ?,”

“કેમ શું થયું?”

“અરે ભાઈ આ શકીલ અને હસીનાના જુના ડખા, તને ખબર તો છે બધી.”

“એ હા ભાઈ, એ પણ બચ્ચાની જેમ ઝગડા કર્યે રાખતા હોય છે. એ સમાધાન થઈ જશે ભાઈ,” મેં હસતા હસતા આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“ભાઈ એવું હોત તો હું તને ફોન થોડો કરત? હસીના ઘર છોડીને જતી રહી છે. ખૂબ સમજાવી પણ ટસ ની મસ ના થઈ. ભાઈ તારે આવવુજ પડશે, આમાં તારા વગર મેળ નહી પડે.”

“હું કોશીષ કરું છું જો ફોન ઉપર પતતું હોય તો હું ધકો નહિ ખાઉ.”

“હા શૈલેશ, મુકું ત્યારે.”

“એ હા.”

સાલું, આ તો ગજબ થયું. બહુ મોટા ઉપાડે શકીલ અને હસીનાએ લવ મૅરેજ કર્યા હતા, એ પણ મેં માથે રહીને કરાવ્યા હતા. એ નિકાહ માટે બન્નેના માં-બાપને પણ માંડ સમજાવ્યા હતા. હવે આ નવી મુસીબત આવી. ચાલો મારે જવુંજ પડશે બંનેમાંથી એકપણ ફોન ઉપર સમજે એવા નથી. મને વિશ્વાસ હતો, એટલે નછૂટકે મેં બે-ચાર દિવસ ની રજા લઈને અહીં આવવા નકી કર્યું હતું, અને પહેલા સીધો શકીલ પાસેજ ગયો, એ લમણે હાથ દઈને જાણે લોકસભાની ચૂંટણી હારી ગયો હોય એમ બહાર ખાટલે બેઠો હતો,

“કેમ અલ્યા શકીલ શું થયું?

શકીલ શાયરી ના મૂડમાં આવી ગયો હોય એમ બબડ્યો.

याद करते है तुम्हे तनहाई में,दिल डूबा है गमो की गहराई में,हमें मत ढूंढना दुनिया की भीड़ में,हम मिलेंगे तुम्हे तुम्हारी परछाई में।

અલ્યા હું મુંબઈથી અહીં આ તારી બકવાસ શાયરીઓ સંભાળવા નથી આવ્યો. શું થયું એ જણાવ.

શકીલ શાયરીનાં મૂડમાંથી બહાર આવ્યો અને ઉદાસ ચહેરે કહેવા લાગ્યો.

“થાય શું? એ રોજ પિયર ચાલ્યા જવાની ધમકી આપતી હતી, અને સાચે ચાલી ગઈ,”

“તે રોકી નહી ?”

“રોકવાનું શું હોય મને એમ હતું કે સાંજે એ પડીકું પાછું આવશે,”

“તો શું થયું ? એ પાછી આવી ?,”

“ના ભાઈ એ સમ ખાઈને ગઈ છે કે હવે તારા ઘર માં પગ નહી મુકું,”

“તો હવે તારે શું કરવું છે ? તું કહેતો હોય તો હું જાઉં એને સમજાવું”

“કોઈ મતલબ નથી, બધાએ ટ્રાય મારી લીધી, કોઈના બાપનું નથી માનતી, એકજ જીદ પકડીને બેઠી છે, અહીં થી ગઈ ત્યારે જ કહી ને ગઈ કે હું સમ ખાઈને જાઉં છું કે હવે તારા ઘરમાં પગ નહી મુકું.””

“ભલે હવે હું એક ટ્રાય મારું?”

“બેસ થોડી વાર મોલવી સાહેબ અને મારા અબુ આજે ત્રીજીવાર ગયા છે સમજાવવા જોઈએ હવે શું થાય છે?”

સાલું મને ચિંતા થવા લાગી બંનેનું આમ હસી-મજાક કરતા ઝગડો આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેશે એવીતો મને કલ્પના પણ ન હતી, લવ મૅરેજ કરવા માટે બંનેએ માબાપને ભાગી જવાની ધમકી આપી હતી, ભાગી જવા માટે તૈયાર પણ થઈ ગયા હતા, આતો હું સમયસર પહોંચી ગયો હતો અને બંનેને સમજાવ્યા હતાં, રેલવે સ્ટેશનેથી પાછાં ઘરે લાવ્યો હતો અને હસીનાના ભાઈ અને ડોસીને સમજાવ્યા હતા, અને શકીલના બાપાને પણ મહા મુસીબતે રાજી કર્યા હતા.બંને જણાએ આખું ગામ માથે લીધું હતું, એટલે કંઈ પણ થાય માછલાતો મારી ઉપર જ ધોવાવાનાં હતા, અને હું બંનેને સારી રીતે ઓળખતો, શકીલ પણ કંઈ કમ ન હતો એક દિવસ હસીનાએ શકીલને મિલ્ક-કેક લેવા મોકલ્યો હતો, અને આ શકીલ ગામની બેકરીઓમાં દોડતો થઈ ગયો હતો, ગામની પંદર બેકરી ફરી આવ્યો અને હસીનાને કીધું કે

“આ તારી મિલ્ક કેક અહીં નથી મળતી,”

પછીતો હસીનાએ ઊધડો લીધો હતો અને રિક્ષામાં બેસાડી અને મિલ્ક-કેક લાવી હતી,, ત્યારે શકીલને ખબર પડી હતી કે મિલ્ક-કેક બેકરીમાં ન મળે પણ મીઠાઈની દુકાને મળે. આ શકીલ આવાજ કાંડ કરતો અને બંનેમાં ઝગડા થયે રાખતા.

હસીનાનું પણ એવુંજ હતું શકીલ સિવાય કોઇપણ માઈનો લાલ હસીનાનું નામ ના લઈ શકે, ગામમાં શકીલની ધાક હતી પણ હસીના પાસે તો મિયાંની મીંદડી બની જતો.

એક દિવસ કોઈ સરાફ ઉઘરાણી કરવા દરવાજે આવી અને ઊભો રહ્યો, ત્યારે હસીનાએ શકીલને કીધું કે “જાઓ પેલો સરાફ આવ્યો છે પૈસા લેવા.“

ત્યારે શકીલએ કહ્યું કે “એને કહી દે કે હું ઘરે નથી”

ત્યારે હસીનાએ સરાફને એમ કહી દીધું કે “એમને એમ કીધું કે એ ઘરે નથી”

બોલો હવે આમાં શકીલ ક્યાં માથા ફોડે? પેલો સરાફ ઘરમાં આવી અને ઝગડો કરી ગયો હતો,

તો પણ આ શકીલ અને હસીનાની જોડી ગામમાં પ્રખ્યાત હતી, બંને વચ્ચે જેટલી નોક જોક થતી એટલોજ એક બીજાને પ્રેમ પણ કરતા, થોડી વારે ગુસ્સો આવી જાય તો થોડી વારે ફરી હસી મજાક કરવા લાગે.

જરૂર કોઈ આંટી ઘૂંટી આવી ગઈ છે, નહી તો હસીના આટલી જિદ્દી નથી, હું થોડી વારે વિચાર માં પડી ગયો અને શકીલ હજુ લમણે હાથ દઈને બેઠો હતો મને એમ હતું કે એ મને જોઈને ખુશ થઈ જશે તેના ચહેરા પર આશાની કોઈ કિરણ ઊભરી આવશે, અને શકીલની આતુરતાનો અંત આવશે, હું હસીનાને સમજાવી આવીશ બેઠક કરાવીશ અને સામસામે બેસાડી અને સમાધાન કરાવીશ, પણ શકીલના ચહેરા પર આવી કોઈ આશા જણાઈ નહી અને ઉપરથી હસીનાને સમજાવવા ત્રીજી વખત ગયા છે, મતલબ મામલો સીરીયસ છે.

મારું માથું જકડાઈ રહ્યું હતું હું બહાર સિગરેટ પીવા નીકળી આવ્યો, મેં મુંબઈથી ખાસ શકીલ માટે ધક્કો ખાધો હોવાનો શકીલ ને જરા પણ અણસાર ન હતો, શકીલનાં ઘરની સામેજ પાનનાં ગલ્લાવાળા પાસે જઈને મેં સિગરેટ સળગાવી,ને પેલાં પાનનાં ગલ્લાવાળાએ આંગળી કરી,

“જોયું ને શૈલેશ ભાઈ !,, આ લવ લફરાંમાં આવુંજ થાય, મોટે ઉપાડે તમે લગ્ન કરાવ્યા હતા, અને આ હસીના મગજ વગર ની કેવો મોટો ઝગડો કરી ને ગઈ?”

પાનવાળા ભાઈની વાત સાંભળી મને લાગ્યું કે જે કંઈ પણ થયું છે મોટા પાયે થયું છે અને આ સાલો શકીલ સાચી વાત કરતો નથી, કે સાચું કહેતો નથી,મેં પાનવાળા રમેશ ને પૂછ્યું,

“શું થયું હતું તે દા’ડે રમલા ?”

“અરે ભાઈ શેરીમાં સમાય નહી એટલું માણસ ભેગું કર્યું હતું આ હસીનાએ તો.”

“એમ ? એવું તે શું થયું હતું?

“ખબર નહી થોડી વાર તો ઘરમાં તાવડા અને તપેલા ઊડતા હતા, ઘરમાંથી બબંનેનો જોર જોર થી અવાજ આવતો હતો, અને પેલાં શકીલ્યા એ તો કહી દીધું કે ઊપડ અહીંથી, આવજે નહી પાછી, તારા જેવી સતર મળી જશે સમજી ?”

“ઓહ ! એમ? પછી?”

પછી શું ? હસીના પણ જતાં જતાં સમ ખાઈને ગઈ છે કે હવે શકીલ્યા તું ભૂલી જા, કે હું તારા ઘરમાં પગ મૂકીશ, આજ આ ઉભા છે એ માણસોની વચ્ચે સમ ખાઈને જાઉં છું કે તારા ઘરમાં પગ નહી મુકું.”

મને હવે થોડું થોડું સમજાઈ ગયું હતું હું વિચારોમાં ને વિચારોમાં મારા હાથમાં પકડેલી સિગરેટની આગ મારી આંગળી સુધી પહોચી આવી, સિગરેટ ફેંકી અને હું હજુ શકીલનાં ઘર તરફ જતોજ હતો અને શકીલનાં બાપુ અને મૌલવી સાહેબ પણ આવી ગયા હું ઉત્સુકતાવશ તેમની પાસે ગયો.

મને નિરાશાજ સાંપડી મૌલવી સાહેબે પણ એજ શબ્દો ઉચાર્યા કે હવે હસીના અહીં ક્યારેય નહી આવે,, મને મગજમાં કંઈક ક્લિક થયું. મેં મૌલવી સાહેબ ને અને શકીલનાં બાપાને એક ચાન્સ માટે તૈયાર કર્યા, શકીલને પણ કીધું કે,

“બકા તૈયાર થઈજા ચાલ આજ તારી રાણીને મનાવીને લાવવી છે.”

હું એટલાં આત્મવિશ્વાસ થી બોલતો હતો કે મૌલવી સાહેબ અને શકીલનાં બાપા મારી સામે તાકી તાકીને જોઈ રહ્યા હતા, શકીલ તૈયાર થઈ રહ્યો હતો અને શકીલને તૈયાર થતો જોઈ મૌલવી સાહેબ અને શકીલનાં બાપા પણ મારી સાથે આવવા તૈયાર થઈ ગયા..શકીલ શર્ટ ની બાંયું ચડવાતો રિક્ષામાં બેસી ગયો, મૌલવી સાહેબ અને શકીલનાં બાપા પણ બેસી ગયા.

મને ખ્યાલ હતો કે હસીના આમ જિદ્દ કરે એવી નથી, પણ જરૂર કંઈક તો કારણ છેજ અને એ કારણનો મને અંદાજો આવી ગયો હતો બસ આજ ખૂબી છે મારી, આમ તો સાલાઓને બંનેને મેં મેળવી દીધા મને મળ્યું શું?. ખાયા પિયા કુછ નહી ગ્લાસ તોડા બારહ આના ?

અને હવે તો મારી ઇજ્જતનો પણ સવાલ હતો, કેમ પણ કરી ને હસીનાને મનાવીને લાવવી જ હતી.

રિક્ષા હસીનાનાં ઘરની બહાર ઊભી રાખી મેં બધાને બહાર બેસવા કહ્યું અને લગભગ પંદર મિનિટમાં હું બહાર આવી ગયો,

“હસીના માન ગઈ”

શકીલને કીધુંજ હતું અને શકીલ કુદકો મારી અને રિક્ષા માંથી બહાર આવ્યો અને કહેવા લાગ્યો

“શું વાત કરે છે શૈલા?”

“હા એજ વાત કરું છું,જે તું સાંભળે છે.”

મૌલવી સાહેબ અને શકીલનાં બાપા મારી સામે તાકી તાકી આશ્ચર્યવશ જોઈ રહ્યા. હું જાણે કોઈ જાદુઈ છડી લઈને અંદર ગયો હોઉં ને પંદર મિનિટમાં હસીનાને મનાવી અને બહાર આવી ગયો. થોડીવાર તો મૌલવી સાહેબ અને શકીલનાં બાપાનાં ચહેરા પર પ્રશ્નાર્થચિહ્ન જાણે હેંગ થઈ ગયો હોય એમ જોતા રહ્યા...શકીલનાં બાપાએ મારી પાસે આવી મને પૂછ્યું.

“શૈલેશભાઈ આ હસીનાએ એમ કેમ હા પડી દીધી ? અમે છેલા એક મહિનાથી ચપ્પલ ઘસીએ છીએં અને આ અમારો ચોથો ધક્કો છે, અને ફોનતો લગભગ વીસેક વખત કર્યા હશે.

શકીલ પણ પૂછવા લાગ્યો.”

ભાઈ હવે તો સસ્પેન્સ ખોલીજ નાખ, કારણ કે આ મારી હસીના એટલી આસાનીથી માની જાય એવી તો નથી, મને વિશ્વાસ છે. તું એને કેવી ગોળી પાઈ આવ્યો ?”

“મેં કોઈ ગોળી નથી પાઈ, હસીના એક વાત પકડીને બેઠી હતી, કે મેં સમ ખાધા છે કે હું હવે શકીલના ઘરમાં નહી બેશુ, એટલે નહી જ બેસું”

,બસ પછી મેં પણ હસીનાને કહ્યું.

“ હા તારી વાત સાચી છે હસીના.તારે હવે એ નાલાયકના ઘરમાં બેસવુજ ન જોઈએ.”

“પછી શું થયું ? સાલા શૈલા તું મારી વાટ લગાવવા આવ્યો છો કે સમાધાન કરાવવા આવ્યો છે?” શકીલ એ ગુસ્સા માં આવી ને પૂછ્યું..

“શાંતિ રાખ શાંતિ રાખ, આગળ સાંભળ પછી મેં હસીનાને કહ્યું

“ ઓકે નો પ્રૉબ્લેમ તારે શકીલનાં ઘરમાં નથી બેસવાનું, આપણે શકીલને તારા ઘરમાં બેસાડી દઈએ, બોલ પછી તો તને કોઈ વાંધો નથી ને ?, “

અને શકીલ તને ખબર છે હસીનાએ શું જવાબ આપ્યો?

“શું,,,,,શું? જલદી બોલ.

“હા શકીલ મારા ઘરમાં બેસે તો મને કોઈ વાંધો નથી,”

બસ એટલી વાત સાંભળી અને હું સીધો બહાર આવતા આવતા હસીનાને કહેતો આવ્યો છું કે, હમણાંજ શકીલને મોકલું, શકીલની ફેવરેટ ચિકન બિરયાની બનાવી રાખજે,,”

“પછી,?”

“પછી શું? ચિકન બિરયાની બનાવવા માટે એક કિલો ચિકન અને ચિકન મસાલા લઈને તારે જવાનું છે, પછી તું અહીં રોકાઈ જા તારા કપડા અને સમાન જે લેવાનું હોય તે સવારે લઈ જાજે ”

ત્યાર બાદ શકીલ ત્યાજ રોકાઈ ગયો અને હસીના સાથે ચાર પાંચ મહિના રહી અને પછી ફરી શકીલના ઘરે શિફ્ટ થઈ ગયા આજે શકીલનાં ઘેર એક બાળક છે, અને પહેલાની જેમજ નાની નાની નોક જોક થયા રાખે છે..

સમાપ્ત..

લેખક :-નીલેશ મુરાણી.

ઈમેઈલ:- nileshmurani@gmail.com

મોબાઈલ:- 9904510999

બીજા રસપ્રદ વિકલ્પો