Bhukamp books and stories free download online pdf in Gujarati

ભુકંપ.

ભુકંપ.

સત્યાવીસ જાન્યુઆરી ૨૦૧૮ નો દિવસ હતો આજે સવારથી સુમનની યાદ આવી રહી હતી, કારણ કે સુમન સાથે મેં એ સમય વિતાવ્યો હતો. સુમનને યાદ કરીને ચહેરા ઉપર એક સ્મિત ફરી વળતું, પણ હવે સુમન સાથે વાત થયા પછી ચહેરા ઉપર એક ગમગીની છવાઈ જાય છે. એક અપરાધભાવ મગજમાં આવી જાય છે. તેર વર્ષ પછી બે દિવસ પહેલા સુમન સાથે વાત થઇ હતી. સુમને મારી સાથે સરખી રીતે વાત પણ ન કરી. કોઈ અજાણ્યા સાથે વાત કરી હોય એ રીતે વાત કરી. સુમન સાથે જે વાત થઇ એ વાતે આજે મને અકળામણમાં મૂકી દીધો. મારી પત્ની નસીમ મારી બાજુમાં સુતી હતી. હું સુમનના વિચાર કરતા કરતા સુઈ ગયો. રાત્રે એક વાગ્યે હું ઝબકીને ઉઠી ગયો, એટલા જોરદાર ઝટકા સાથે ઝબકી ગયો કે મારી પત્ની નસીમ ચોંકીને ઉઠી ગઈ.

શું થયું સમીર?”

કશુજ નહી, તું સુઈ જા.

કોઈ ખરાબ સપનું જોયું ?”

હા સપનામાં એક ભયાનક ભૂકંપ જોયો.

હું નસીમ પાસે ખોટું બોલ્યો. કદાચ હું જાણતો હતો કે હું ઝબકીને શા માટે ઉઠી ગયો. હું બેડરૂમની બહાર હોલમાં આવ્યો. ઘણી વખત એવું થતું હોય છે કે સુતા હોઈએ અને ઝબકીને ઊંઘ ઉડી જાય, પણ ઝબકી જવાનું કારણ શું? કોઈને નથી મળતું! કારણ એટલુજ કે આપણુ અચેતન મન જે વિચાર કરતું હોય એ આપણે ખબર નથી હોતી. મને આજે મારા ઝબકી જવાનું કારણ ખબર હતી. મારા બંને બાળકો બીજા બેડરૂમમાં ઘસઘસાટ ઊંઘી રહ્યા. મેં બંનેને ગાલ ઉપર કિસ કરી, ફરી હોલમા આવ્યો. સિગરેટ સળગાવી. સુમન સાથે થયેલી વાતચીત અંગે વિચારવા લાગ્યો.

પણ મેં સુમન સાથે વાત ન કરી હોત તો? મારા મગજમાં આ હડકંપ ન મચ્યો હોત! હું મારી જાત સાથે આજે યુદ્ધ કરી રહ્યો હતો. આજે મારી જાતને સવાલ પૂછી રહ્યો હતો. શું હું ક્યારેય આ વાત નસીમને કહી શકીશ? જયારે અકળાઈ જતો ત્યારે હું સુમન પાસે જતો રહેતો. મારી નાનીનાની વાત હું સુમનને કહેતો. જે વાત સુમન સાથે થઇ એ વાત તો હું મારી જાત સાથે પણ કરવા નથી માંગતો. મારી જાત, મારું મન પણ એ વાત સ્વીકારવા તૈયાર નથી. કાશ મેં સુમનને ફોન ન કર્યો હોત! અને એ સતર વર્ષ જુના વિચારોમાં ખોવાઈ ગયો..

***

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના સવારે પોણા નવ વાગ્યે આવેલ એ ગોઝારો ભુકંપ કોને યાદ ન હોય? ૨૭ જાન્યુઆરી ૨૦૦૧ નો એ દિવસ હતો. એક પછી એક ટ્રક, છકડો, માલ વાહક ગાડીઓ હોસ્પીટલના ચોગાનમાં ઉભી હતી. અને બીજા માલ વાહક વહનો તથા એમ્બ્યુલન્સ હોસ્પીટલમાં આવી રહી. આજુ બાજુ કિકિયારી ભર્યું વાતાવરણ. કોઈ નાના બાળકની ચીસો, તો કોઈ બુજુર્ગ મહિલા, પુરુષ, યુવાનની ચીસો આજુ બાજુ સંભળાઈ રહી. હું પાંચ ટ્રક ખાલી કરી ચુક્યો હતો. મારા કપડા, જીન્સનું જેકેટ લોહી લુહાણ થઇ ચુક્યું, પણ એની મને પરવાહ જરા પણ ન હતી. ગાડીઓ ખાલી કરતી વખતે કોઈ ટુટેલો પગ કે ટુટેલ હાથ, તો કોઈની ટુટેલી આંગળી, તો કોઈની આંખ હાથમાં આવી જતી. કોઈનો ભયાનક ચહેરો સામે આવી જતો. મેં ચહેરા ઉપર માસ્ક લગાવેલું હતું એ ક્યારેક ક્યારેક ઉતરી જતું. હું એની હું પણ પરવાહ નહોતો કરતો. ચાલો બીજી ગાડી લગાવો.

કણસતા અવાજમાં હું આટલુજ બોલી શકતો. કોઈ કોઈ સાથે વાત કરવાની સ્થિતીમાં ન હતું. મારી સાથે કામ કરતા અન્ય કાર્યકરો હોસ્પીટલની લોબીમાં એક પછી એક લાશને લાઈનમાં ગોઠવી રહ્યા. કોની બોડીનો હાથ કોની લાશ પાસે રાખવો, અને કોની બોડીનું મસ્તક ક્યાં રાખવું એવી મથામણમાં શરુ શરૂમાં પડ્યા, પણ જેમ જેમ લાશોનો ભરાવો થતો ગયો એ બાબતે કોઈ ધ્યાન આપવામાં નહોતું આવતું.

સાંજે સાત વાગ્યા સુધી આ કાર્ય ચાલ્યું. હોસ્પીટલની લોબી અને તમામ ખંડ લાશોથી ભરેલા હતા. હવે પછી આવતી ગાડીઓને ચોગાનમાં જ રાખવાની વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરવામાં આવી. મારું માથું ભારેભારે થઇ ગયું હતું. મારા હાથ પણ અકળાઈ ગયા હતા.મારી આંખો લાલચોળ થઇ ગઈ હતી. મારા મોમાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. હૃદય ભારે ભારે થઇ ગયું. આ કામ કરતા કરતા હું ઘડીએ ઘડીએ સુમનના વિચારો કરી રહ્યો. એની શું હાલત હશે? પણ એના પરિવારમાં કોઈને કશું થયું ન હતું, એ મને છવીસમી જાન્યુઆરીના દિવસે સવારે અગિયાર વાગ્યેજ સમાચાર મળી ગયા હતા. સુમનના મમ્મી અને પપ્પાતો હજુ બે દિવસ પહેલાજ એક મહિના માટે કરાચી ગયા હતા. અલબત સુમને જ મને આ પ્રકારે કામ કરવા હિંમત આપી હતી. પણ આજે મને એમ લાગી રહ્યું હતું કે મેં જરૂરત કરતા વધારે કામ કરી લીધું. હું થાકી ગયો હતો. લગભગ પહેલીવાર આટલો બધો થાકી ગયો હતો. ઘરે પહોંચ્યો, બધાજ મીણબતીના અંજવાળે બહાર તંબુમાં સુઈ રહ્યા.

આજુબાજુના લોકોએ કોલોનીના કાટમાળને વ્યવસ્થિત ગોઠવી રાખ્યો હતો. થોડો ઘણો સામાન કાટમાળ વચ્ચે વિખરાયેલો આમ તેમ પડ્યો હતો.મેં બાલદી શોધી, કાટમાળને ટપી અને પીપમાંથી એક બાલદી પાણી ભર્યું, અને બહાર તંબુ પાસેજ નહાયો.

કપડા બદલી થોડો ફ્રેશ થયો. તંબુમાં મારી અલગથી પથારી કરી હતી. મારી મમ્મીએ એક થાળીમાં ફૂડ પેકેટ મુકેલ, તે ખાઈને થોડીવાર બેડમાં આડો પડ્યો. થોડીવારમાં ઊંઘ આવી ગઈ પણ આખો દિવસ એ લોહીથી ખરડાયેલી લાશો, તૂટેલા હાથ,પગ, બહાર નીકળી આવેલી આંખો, ચેબાઈ ગયેલા કાન, એ ભયાનક ચહેરા જોયેલા એ બંધ આંખોએ સામે આવી જતા, અને હું ઝબકીને ઉઠી જતો..

એક વાગ્યા સુધીમાં આવું ત્રણથી ચાર વખત થયું. રાત્રે એક વાગ્યે મારી ઊંઘ ઉડી ગઈ. મેં હવે આશા છોડી દીધી હતી કે મને ઊંઘ આવશે. મારી બાજુમાં પાથરણા ઉપર મારા પપ્પા સુતા હતા. સામેની બાજુ મારી મમ્મી પણ ઘસઘસાટ ઉંધી રહ્યા. પપ્પાના ઓસીકા નીચે હાથ નાખીને સિગરેટ શોધી. તંબુની બહાર આવી સિગરેટ સળગાવી. મનોમન સુમનના વિચારોમાં ખોવાયો, સુમનની ખુબ યાદ આવી રહી. કદાચ સુમન મારી સામે હોત તો એના ખોળામાં માથું રાખીને સુઈ ગયો હોત. એની છાતીમાં માથું રાખીને થોડું રડ્યો હોત. કદાચ થોડું ભારણ ઓછું થયું હોત. એજ વિચારે રાત્રે એક વાગ્યે સિગરેટના દમ મારતો મારતો સુમનના ઘર તરફ ચાલતો થયો. આજુ બાજુના તંબુમાંથી લોકોનો કલબલાટ સંભળાઈ રહ્યો. રાત્રે એક વાગ્યે સુમનના ઘરે જઈશ તો કેવું લાગશે? મારે જવું જોઈએ? એની બંને નાની બહેનો કેવું વિચારશે? એના મમ્મી અને પપ્પા તો ઘરે નથી. મારે એના ઘરે જવામાં કોઈ વાંધો નથી. હિંમત કરીને હું સુમનના ઘરે ગયો. મારી લાલચોળ આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી. હથેળીથી બને આંખો સાફ કરી મેં દરવાજો ખખડાવ્યો. સુમન જાગતી હતી. જરાક નોક કરતા સુમન દરવાજો ખોલવા આવી ગઈ..

કેમ તમે બહાર તંબુ નથી લગાવ્યો.?” મેં પૂછ્યું.

ના નથી લગાવ્યો, અમારા ઘરમાં એક તિરાડ સિવાય વધારે નુકસાન નથી થયું, આજે સવારે એક ઇજનેર આવ્યો હતો, એને કહ્યું કે ચિંતા જેવું નથી.એમ કહેતા સુમને મને આવકાર આપ્યો,

હું અંદર ગયો, એની બંને નાની બહેનો ઘસઘસાટ ઊંઘી રહી..સુમન મારા માટે પાણી લાવી. મેં પાણી પીધું.સુમન મારે તારી સાથે વાત કરવી છે. પ્લીઝ મને થોડો સમય આપીશ?”

પણ અત્યારે? “ એટલું કહેતા એ અટકી અને મારી આંખોમાં જોવા લાગી, જાણે મારી અંદર ચાલતું ધમાસાણ એ કળી ગઈ હોય એમ બોલી.

ચાલ આપણે ઉપર જઈએ.એમ કહીને સુમન મારો હાથ પકડી મને ઉપરના બેઠક રૂમ તરફ લઈ ગઈ.ઉપરના બેઠક રૂમમાં પહોંચતાજ હું સોફા ઉપર ઢળી પડ્યો. હું નાના બાળકની જેમ રડી પડ્યો. એક મોટી ચીસ નીકળી ગઈ. સોફા પાસે ઘૂંટણીયે બેસી સુમને મને આલિંગનમાં લઈ લીધો. એ મારી આંખો ચૂમવા લાગી, મારા ગાલ ચૂમવા લાગી. સોફા પર બેસી મારું માથું એના ખોળામાં લઈ લીધું. મારી આંખોમાંથી વહેતી ધારાઓએ એની સલવાર પલાળી નાખી. સુમન મારા માથા ઉપર હાથ ફેરવી રહી અને હું થોડીજ વારમાં ઊંઘી ગયો. હું એ ભૂલી ગયો હતો કે હું સુમનના ખોળામાં સુતો છું. કદાચ મારી એક ઊંઘ, દોઢ કલાકની ઊંઘ થઇ હશે અને સુમનને પણ ઊંઘ આવવા લાગી. સુમન સોફા ઉપર મારી સાથે ઢળી પડી. રાત્રે ચાર વાગ્યે મારી આંખ ખુલી, હું હવે હળવું ફિલ કરી રહ્યો હતો, મારું મગજ હવે શાંત થઈ ગયું હતું, પણ હું સુમનને આલીન્ગ્નમાં લઈને ફરી સુઈ ગયો. એ રાત્રે અમારા પ્રેમ સંબંધના ત્રણ વર્ષ પછી તમામ સીમાઓ ઓળંગી લોધી. વહેલી સવારે પાછલા દરવાજેથી સુમને મને ઘરે જવા કહ્યું.

અને ત્યારથી એ મારો નિત્યક્રમ થઇ ગયો હતો, રાત્રે અગિયાર અને બાર વાગ્યાની વચ્ચે હું ચુપચાપ સુમનના ઘરે જતો અને સવારે ચાર પાંચ વાગ્યાની આસપાસ કોયલના ટહુંકે ઉઠીને ઘરે આવી જતો.આવું લગભગ મહિના સુધી ચાલ્યું.

જે દિવસે રાત્રે એના મમ્મી અને પપ્પા આવવાના હતા એ દિવસે સાંજે હું સુમનના ઘરે ગયો. એની બંને બહેનો ટીવી જોઈ રહી, સુમન મને ઉપરના બેઠક રૂમમાં લઈ ગઈ. હું એજ સોફા પર બેસી ગયો, સુમન મારી બાજુમાં આવીને બેસી ગઈ.

કેમ મારો હીરો આજે ઉદાસ ઉદાસ લાગે છે?” સુમને પૂછ્યું.

આજે તારા મમ્મી પપ્પા આવી જશેને?”

હા, આવી જશે, મને ખબર છે તને શું ચિંતા ખાઈ રહી છે. મમ્મીને તો આપણા સંબંધની ખબર છે, બસ પપ્પાને ક્ન્વેન્સ કરવાના છે, એ કામ મમ્મી ઉપર છોડ્યું, તું ફિકર ના કરીશ, એ માની જશે. અને એકજ મહિનામાં આપણા લગ્ન. બસ તારી તૈયારી હોવી જોઈએ.

હું તો તૈયાર છું ડીયર, છેલ્લા બે વર્ષથી તારી રાહ જોઇને બેઠો છું.

સમીર, મેં આપણા સેક્સ સંબંધ દરમિયાન કોઈ પ્રીકોસન નથી લીધું, કંઇ થશે તો નહીને?”

વ્હાટ? અરે પાગલ થઇ ગઈ છો શું?”

કેમ?”

એક મહિનો થયો, કમસેકમ મને કહ્યું હોત તો એ દિવસો દરમિયાન હું કાળજી રાખત.તારી તારીખ કઈ છે?”

ત્રેવીસ ચોવીસની આસપાસ તો આવીજ જાય છે, એકાદ બે દિવસ આગળ પાછળ થાય.

સુમન, આજે પચીસ ફેબ્રુઆરી થઇ, અને તું મને આજે કહે છે?”

કેમ તારે ધ્યાન ન રાખવું જોઈએ?તને તો તારીખ પણ ખબર નથી! ખાલી મારેજ ધ્યાન રાખવાનું? જોઈએ એક બે દિવસમાં કંઈ પરિણામ ન આવે તો વિચારીશું અત્યારે તું અહીંથી જા, મમ્મી-પપ્પા આવવાના છે અને મારે ઘણું બધું કામ છે. અને હા, જો પપ્પા માની ગયા તો એ બાબતે કશી ચિંતા કરવાની જરૂર નથી.

હું ત્યાંથી નીકળી ગયો, પણ મારી ચિંતા વધવા લાગી, સુમન પ્રેગનેન્ટ થઇ ગઈ હશે તો? હવે બે ચાર દિવસ રાહ જોવાની, અને જો સુમનના પપ્પા નહી માને તો કંઇક તો રસ્તો કાઢવોજ પડશે. હું મારા એક મિત્ર પાસે ગયો, એને મને સલાહ આપી કે બજારમાં એની ગોળીઓ મળી જશે, કોઈકે ટુટીફૂટી ખવડાવવાની સલાહ આપી, તો કોઈકે પપ્પૈયું ખવડાવવાની સલાહ આપી. મેં બધાની સલાહ સાંભળી લીધી પણ મારું મગજ કામ નહોતું કરતું, પચીસ તારીખે રાત્રે સુમનના મમ્મી અને પપ્પા આવી ગયા હતા. અને રોજ રાત્રે સુમનના ઘરે જવાનું મારું રૂટીન ટુટી ગયું હતું. ઉપરથી હું બીજી એક ચિંતામાં ખોવાયો.

પહેલી માર્ચના દિવસે સવારે દસ વાગ્યે મેં સુમનના ઘરે લેન્ડલાઈન ઉપર ફોન કર્યો..

સુમનના પપ્પા તો સવારમાં વહેલા ચાલ્યા ગયા હોય, અને એની મમ્મી કદાચ ફોન ઉઠાવે તો હું વાત કરી લેતો, પણ આ સમયે હું ફોન કરતો તો સુમન ન ઉઠાવતી અને સુમને જ ફોન ઉઠાવ્યો..

હેલ્લો

હેલ્લો સુમન, હું સમીર બોલું છું. શું થયું? કોઈ પરિણામ આવ્યું.? સુમનનો અવાજ ઓળખી લીધા પછી મેં

કહ્યું..

ના નથી આવ્યું, મને એજ ચિંતા ખાઈ રહી છે. એક અઠવાડિયું ઉપર થઇ ગયું. હવે શું કરીશું?”

તારી મમ્મીએ તારા પપ્પા સાથે આપણા લગ્ન માટે વાત કરી?”

હા કરી, એ શક્ય નથી, પપ્પા ના પાડે છે, કહે છે કે આપણી જ્ઞાતિમાં છોકરાઓની કમી છે શું કે આપણે બીજી જ્ઞાતિમાં પરણાવીએ?”

હવે?”

હવે શું? તું કાંઇક કર પ્લીઝ, તું પેલી ગોળી કહેતો હતોને એ લાવી આપ પ્લીઝ. નહીતો ગડબડ થઇ જશે.

સુમન ખુબ ગભરાયેલી હતી, મને એમ લાગી રહ્યું હતું કે એ મારી સાથે કોઈ વાત છુપાવી રહી હતી. હું મારા મિત્ર પાસે ગયો જેનું પોતાનું મેડીકલ સ્ટોર હતું. પણ એ મિત્રએ મને કડક શબ્દોમાં કહ્યું કેઅમે આ ગોળીઓ ડોકટરના પ્રીસ્ક્રીપ્સ્ન વગર નથી આપતા, તો પણ તું મારો મિત્ર છે એટલે તને આપું છું, બસ તારું કામ થઇ જવું જોઈએ.

એ મને ગોળીનું પાકીટ ખોલીને સમજાવવા લાગ્યો..

જો આ છ ગોળીઓ છે, પહેલા દિવસે સવારે આ ગોળી દૂધ સાથે લેવાની, અને રાત્રે બીજી દૂધ સાથે લેવાની, બની શકે તો ગરમ દૂધ સાથે લેવાનું કહેજે, અને હા, જો પછીના બીજા દિવસે બ્લીડીંગ ચાલુ થઇ જાય તો બીજી ગોળીઓ નહી ખાવાની, સમજાઈ ગયું? ત્રણ દિવસ સુધી આ ગોળી લેવાથી બ્લીડીંગ ચાલુ થઇ જશે, ડોન્ટ વરી.

ગોળીના ચમકદાર ખાલી બોક્સને ફાડીને કચરામાં ફેંકી દીધું. સૂચનાનું એક કાગળ હતું તે ખિસ્સામાં નાખી દીધું, અને ગોળીઓનું છાપાના એક કાગળમાં પાર્સલ બનાવી સાંજે સુમનના ઘરે ગયો. મારા મિત્રએ જે મુજબ સમજાવ્યું હતું એ મુજબ મેં સુમનને સમજાવી અને હું ઘરે આવી ગયો. સતત એજ ચિંતામાં રહ્યો કે આ ગોળીઓ કામ કરી જાય તો સારું.

બે દિવસ પછી સવારે અગિયાર વાગ્યે મને મારા મિત્ર પાસેથી સમાચાર મળ્યા કે સુમનને હોસ્પીટલમાં દાખલ કરી છે, એ સમાચાર મળતાજ હું હતપ્રત થઇ ગયો, અને સીધો હોસ્પિટલ પહોંચ્યો, સુમનને બાટલો ચડી રહ્યો હતા, એના મમ્મી એના બેડ પાસે બેસી રહ્યા. મેં ખુબ નાટકીય ઢબે એના મમ્મીને પૂછ્યું.

શું થયું આંટી.

કમજોરીના કારણે સુમનને તાવ આવી ગયો છે.

એમ કેમ કરતા કમજોરી આવી ગઈ?”

તને બધું ચોખવટ કરીને કહેવું? છોકરીઓને આવી કમજોરી આવી જતી હોય છે, આ વખતે જરા વધારે આવી ગઈ.

ડોક્ટર શું કહે છે?” મેં પુછ્યુ જ હતું અને ડોક્ટર સાહેબ આવી ગયા. મેં સીધું ડોક્ટર સાહેબને જ પૂછ્યું.

સર, સુમન ને શું થયું છે?.”

જોઈન-ડિસ્ક.ડોક્ટર સાહેબે એકજ શબ્દમાં જવાબ આપ્યો પણ ડોક્ટર સાહેબ મને તાકીતાકીને જોઈ રહ્યા, જાણે એ કાંઇક જાણતા હોય એ રીતે મારી સામે જોવા લાગ્યા, એ સમયે હું ડોક્ટર સાથે આંખ ન મિલાવી શક્યો.

સુમનના મમ્મી થોડીવાર માટે બહાર ગયા મેં સુમન ને પૂછ્યું.

આ બધું કેમ કરતા થયું?”

તારી પેલી ગોળીના કારણે. અને કાંઇક તો મારી મમ્મીના કારણે.

કેમ, મમ્મીએ શું કર્યું.?

અરે યાર એક તો આ ચિંતા ખાઈ રહી હતી અને ઉપરથી પપ્પા મારી વાત અમારા સમાજના એક છોકરા સાથે ચલાવી રહ્યા હતા, સવાર સવારમાં મમ્મીએ વધારે પડતી માથાકૂટ કરી અને મારું મગજ ફરી ગયું, હું એક સાથે ત્રણ ગોળીઓ ખાઈ ગઈ.

પાગલ થઇ ગઈ છો શું? મમ્મીને ખબર છે તે આવું કર્યું એ?”

નાં કોઈને ખબર નથી, પણ એ ગોળી ખાધા પછી એક કલાકમાં લોહીની ધારા વહેવા લાગી અને હું બેહોશ થઇ ગઈ, આંખ ખુલી તો હું હોસ્પીટલમાં હતી.

ઓહ નો, પણ તારે આવું નહોતું કરવું, પાગલ તને ખબર છે એ ગોળીઓ કેટલી ડેન્જર છે?”

અરે પાગલ હું એમને એમ થોડી મરી જઈશ, બસ હું ઠીક થઇ જાઉં એટલે અહીંથી ભાગી જઈએ?”

હા કાંઇક કરીએ તું ઠીક થઇ જા બસ.

સાંજે સાત વાગ્યે સુમનને હોસ્પીટલમાંથી રજા મળી ગઈ, પણ અમારા પ્રેમ સંબંધને જાણે કોઈની નજર લાગી ગઈ હોય. સુમન મારી સાથે લગ્ન કરવા માટે સતત ઘરમાં સંઘર્ષ કરતી રહી. એ દિવસે એ ભાગી જવા માટે તૈયાર થઇ હતી પણ એ ઉત્સાહમાં બોલી ગઈ હતી, પણ એનામાં ભાગી જવાની હિમત તો હતીજ નહી..થોડા મહિનામાં સુમન ઉચ્ચ અભ્યાસ માટે બેંગ્લોર જતી રહી. એક બે વાર હું સુમનને મળવા બેંગ્લોર પણ ગયો હતો, પણ એ હમેશા એકજ વાત કહેતી કે હું મારા પપ્પાની વિરુધમાં લગ્ન નહી કરું.

બસ હુજ બેવકૂફ હતો, ઘરમાં કોઈની પણ પરવાહ કર્યા વગર અને કોઈને પણ પૂછ્યા વગર સુમન સાથે પરણવા તૈયાર હતો. એ હમેશા મને રાહ જોવાનું કહેતી, મેં પાંચ વર્ષ એની રાહ જોઈ પણ મારી ધીરજ ખૂટી ગઈ, મેં મારા ઘરવાળાઓ પાસે હથીયાર ફેંકી દીધા, અને એમની મરજીથી એ જ્યાં કહે ત્યાં લગ્ન કરવા કમને રાજી થઇ ગયો. મારા ઘરવાળાઓએ મારા જ દુરના મામાની છોકરી નસીમ સાથે ગોઠવી નાખ્યું..

જો કે એ મને પાછળથી ખબર પડી કે નસીમ મને એકતરફી પ્રેમ કરતી હતી, અને એની જીદ્દને વસ થઈને જ મારા મામાએ મારા ઘરવાળાઓને કન્વેન્સ કર્યા હતા.

નસીમ મારી જવાબદારી હતી. મારા લગ્ન થયા તેનાથી પહેલા મેં સુમન સાથે છેલ્લીવાર વાત કરી ત્યારે તેને એક મોકો આપ્યો હતો. અરે હા ત્યારે તો મોબાઈલ ફોનની સુવિધા પણ આવી ગઈ હતી..મેં સુમનને ફોન કર્યો..

સુમન. હજુ મારી સગાઇ થઇ છે, અને હજુ પણ તું જ્યાં કહે ત્યાં તારી સાથે રજીસ્ટર મેરેજ કરવા તૈયાર છું. તું જ્યાં કહે ત્યાં આવવા તૈયાર છું. બોલ છે હિમત?”

સમીર, તારી મરજી પડે એમ કર, હવે હું તને કોઇપણ જાતનું દબાણ કરવા નથી માંગતી, અને આજ નહી તો કાલે, ભવિષ્યમાં ક્યારેક તો મારા પપ્પા માની જ જશે, પણ હું તને કોઈ ચોક્કસ સમય નથી આપી શકતી.

હા માં-બાપ તો તારેજ છે, હું તો ભાડા ઉપર લાવ્યો છું, જો હું મારા માં-બાપની વિરુદ્ધમાં તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, તો થોડીક તો હિમત તું કર! અરે યાર મારી સગાઇ થઇ ગઈ છે, આવતા મહીને મારા લગ્ન છે, તો પણ હું કેટલો બેવકૂફ છું કે તને ફોન કરીને પૂછી રહ્યો છું!

સુમને રડતા રડતા કહ્યું.સમીર તને જેમ અનુકુળ પડે એમ કર.

અનુકુળ પડે એટલે? સુમન મારા લગ્ન એકવાર નસીમ સાથે થઇ ગયા પછી તું ભૂલી જજે કે હું ક્યારેય પણ તારી સામે પણ આવીશ! અને જે દિવસે નસીમ સાથે મારા લગ્ન થઇ ગયા એ દિવસથી હું નસીમને વફાદાર રહીશ. હું નસીમને અંધારામાં નહી રાખી શકું.

સમીર તને કહ્યુંને, તને જેમ અનુકુળ પડે એમ કર.

સુમને રડતા રડતા ફોન કાપી નાખ્યો. મારા લગ્ન પહેલા આ સુમન સાથે છેલ્લી વાર વાત થઈ હતી..

***

પણ બે દિવસ પહેલા સુમન સાથે વાત કરી એ દિવસે તો જાણે મારા મગજમાં ભુકંપ આવી ગયો. એ વાતના અવાનવાર મારા મગજમાં આફ્ટર શોક આવ્યા રાખતા. એવું નથી હોતું કે ભૂકંપ ખાલી પૃથ્વી ઉપરજ આવે, આપણા શરીરનું બંધારણ પણ પૃથ્વી જેવુજ હોય છે. પૃથ્વી ઉપર પણ ત્રણ ભાગ પાણી અને એક ભાગ માટી હોય છે. એના ગર્ભમાં પણ ગરમી હોય છે. અસંખ્ય તરલ પદાર્થ હોય છે. અલગ અલગ પ્રકારનું કેમિકલ હોય છે. પણ પૃથ્વી ઉપર થતા ભૂકંપને તો બધાજ અનુભવી શકતા હોય, આ મગજમાં ચાલતા ભૂકંપને કોણ પારખી શકે? ખરેખર એ ૨૬ મી જાન્યુઆરીના ભૂકંપથી પણ ગોઝારો ભૂકંપ મારા દિમાગમાં થયો હતો. મારું દિમાગ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હું એવી હાલતમાં હતો કે એ જવાળામુખી મારા મગજમાં દબાવી બેઠો હતો. અને એ જ્વાળામુખી દબાવી નહોતો શકતો, એટલેજ કદાચ હું ઝબકીને ઉઠી જતો.. આજે તેર વર્ષ થઇ ગયા, સુમન એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતી હતી. એ દિવસે રાત્રે મારા લગ્નના તેર વર્ષ પછી મેં સુમનના ફોન નંબર મેળવી અને ફોન કરેલો, અને સુમને ફોન ઉપાડ્યો..

હેલ્લો.

હેલ્લો સુમન. હું સમીર. ઓળખાણ પડી?” મેં ઉત્સુકતા વસ કહ્યું.

થોડી વાર સુધી કોઈ જવાબ ન મળ્યો, મેં ફરી કહ્યું.

હેલ્લો સુમન.

ઓળખાણ? તને કેમ ભૂલી શકું? બસ તને યાદ કરી કરીનેજ આ જીવન વિતાવી રહી છું, એવો કોઈ દિવસ કે એવી કોઈ રાત નથી હોતી કે હું તને યાદ નથી કરતી.

મેં મનોમન ખુશ થતા કહ્યું..

હું પણ તને ખુબ યાદ કરું છું.

કેમ? તારી પત્ની છે ને? તારા બાળકો છે. સુખી છો. પછી કેમ યાદ કરે છે?”

કેમ તે લગ્ન નથી કર્યા?”

મારો સવાલ સાંભળી સુમન ખડખાડાટ હસવા લાગી, અને કહ્યું..

લગ્ન? કેવા લગ્ન? એક વાર લગ્ન કર્યા અને છ મહિનામાં જ છુટા છેડા! હવે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી.

કેમ છુટા છેડા? અને હવે ઈરાદો કેમ નથી?”

એ ફરી ખડખડાટ હસી પડી અને કાહ્યું..

આજકાલના પુરુષોને પત્નીના રૂપમાં એક સારી એવી કામવાળી અને બેચાર બચ્ચાઓ પેદા કરી આપે એવી પત્ની જોઈએ. અને હું ! મારા ગર્ભાશયમાં સોજો છે, હવે હું એકપણ બાળક પેદા કરી શકું એમ નથી. એટલે હવે લગ્ન એ મારા માટે સ્વપ્ન સમાન બની ગયું છે. હવે કદાચ કોઈ મારી હકીકત જાણીને પણ લગ્ન કરવા તૈયાર થાય, તો હવે હું તૈયાર નથી. ચાલ્યા કરે, ઓકે બાય એન્જોય યોર લાઈફ ડીયર બાય..

ટુ ...ટુ.....ટુ.…

સામેથી ફોન કટ થયો અને મારા દિમાગમાં એક જોરદાર ભુકંપ આવ્યો..

સમાપ્ત..

લેખક :- નીલેશ મુરાણી.

ઈમેઈલ:- nileshmurani@gmail.com

મોબાઈલ:- 9904510999

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED