વિષાદ યોગ- પ્રકરણ-22

                                                                 વિષાદયોગ-22

‌‌‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________

સુરસિંહની વાત સાંભળી વિરમને પણ જટકો લાગ્યો પણ તેને લાગ્યું કે આ સુરસિંહનું જેલમાં રહીને અને શરાબ પીને છટકી ગયું લાગે છે. બાકી તે કહે છે તે કંઇ રીતે શક્ય બને. તેણે સુરસિંહને ધમકાવ્યો પણ રહી રહીને તેને પણ હવે ડર લાગવા લાગ્યો હતો. વિરમ તો સુરસિંહ કરતા પણ પોચા હ્રદયનો હતો. જે વાતથી સુરસીંહ ધ્રુજી ગયો તે વાતનો ડર હવે વિરમને પણ લાગ્યો એટલે તેણે સુરસિંહને કહ્યું “તમે મને કહો કે તમે શું જોયું. આમ હાથ પગ વિનાની વાતમાં મને શું સમજ પડે?”

સુરસિંહે વિરમની દશા જોઇ સ્મિત કર્યુ. આ સ્મિતમાં રહેલો વ્યંગ વિરમ સમજી ગયો અને બોલ્યો “જો તમને તો ખબર છે કે આપણે તો બલીના બકરા બની ગયા હતા. આપણે ખોટા માણસનો સાથ આપ્યો હતો એટલે આપણને પણ સજા થઇ હતી. તમારી જેમ મારો આત્મા પણ મને ડંખે છે. તમને શું લાગે છે આચાર્યનું ખુન કરવાનો પસ્તાવો તમને એકનેજ થાય છે? મારી પણ તમારા જેવીજ હાલત છે એટલે તો મે આ બધી મહેનત કરી હતી. તમારી જેમ મને પણ ઘણી રાતો આ જ વાતે સુવા નથી દીધો કે મે એક એવા નિર્દોશ માણસની હત્યા કરી છે કે જેને બધા ભગવાનની જગ્યાએ પુજતા હતા. જે લોકોના દુઃખ સુખમાં સાથે રહેતા હતા. આજ ગીલ્ટની લાગણી મને આ બધા સબુત સુધી લઇ ગઇ છે. તમે મને ડરાવવા માટે આ બધુ કહેતા હોય તો એક વાત સમજી લેજો કે હું તો પહેલેથીજ ડરેલો છું અને એ પણ સમજુજ છું કે મારા ખરાબ કર્મનો બદલો મને મળવાનોજ છે.” આ સાંભળી સુરસિંહને વિરમની દયા આવી. તે ઊભો થયો અને વિરમના ખભા પર હાથ મુક્યો અને બોલ્યો “વિરમ, મને ખબર છે કે આપણે બંને એકજ નાવના પ્રવાસી છીએ પણ તું મને સમજવામાં ભુલ કરે છે. હું જે કઇ પણ કહું છું તે મે મારી નજર સામે જોયેલી વાત છે. ચાલ હું તને આખી વાત કહું છું.” એમ કહી સુરસિંહ ફરીથી ખાટલામાં બેસી ગયો અને પછી બોલ્યો “ આજે સવારે હું અહી મેદાનમાં બેઠો હતો ત્યાં બે યુવાન આવ્યાં અને મને કહ્યું કે અમારે અહીં અનાથાશ્રના જે રેકર્ડ સચવાયેલા છે તેમાંથી થોડી માહિતી જોઇએ છે અને તેના બદલામાં તમને દસ હજાર રૂપીયા આપીશું. આ સાંભળી મે વિચાર્યુ કે આ અનાથાશ્રમ આમ પણ હમણા તોડીજ પાડવાનો છે તો પછી તેના રેકર્ડ આમ પણ કોઇ કામના નથી જો તેમાથી દસ હજાર રૂપીયા મળતા હોય તો તે ફાયદાનોજ સોદો કહેવાય એટલે મે તે લોકોને રેકર્ડ જોવા દીધા. તે લોકો જ્યારે કામ પતાવી બહાર આવ્યા તો તેમાંથી એક છોકરાએ શર્ટ કાઢી નાખ્યો હતો. કદાચ ખરાબ થઇ ગયો હતો એટલે તેને સાફ કરવા માટે તેણે શર્ટ કાઢી નાખ્યો હશે. તે લોકોને બહાર આવેલા જોઇને હું તેની પાસે ગયો અને મે તે છોકરાની સામે જોયું તો તેના હાથ પર ખભા પાસે એવુંજ ચીત્ર હતું જે આપણે પેલા આચાર્યના છોકરાના હાથ પર જોયુ હતું”

આ વાત સાંભળીને વિરમ વિસ વર્ષ પહેલાની રાતના વિચારમાં ખોવાઇ ગયો. વિરમ તે છોકરાને મારવા માટે હોડીમાં ચડ્યો ત્યારે તેણે અને સુરસિંહે આછા પ્રકાશમાં પણ છોકરાના હાથમાં રહેલ ચિત્ર જોયું હતું. જેમાં અર્ધા ત્રિશુલ જેવો આકાર હતો. આ જોઇનેજ સુરસિંહે વિરમને રોકી દીધો હતો કે આ છોકરાને નથી મારવો. આ ચિત્ર અત્યારે પણ વિરમની નજર સામે તરવરતું હતું. થોડીવાર આમને આમ વિચારમાં ખોવાયેલા રહ્યા બાદ વિરમે પુછ્યું “તમને જોવામાં કોઇ ભુલ તો નથી થઇને? કદાચ તેના જેવુજ બીજુ કોઇ ચિત્ર હોય?” આ સાંભળી સુરસિંહે વિરમ સામે જોયું અને કહ્યું “ જે ચિત્ર મને અનેક રાત્રે સપનામાં દેખાયું હોય, જે ચિત્રે મારી રાતોની ઊંધ હરામ કરી દીધી હોય તેને ઓળખવામાં હું કેવી રીતે ભુલ કરી શકું.” વિરમને સમજાતું હતું કે સુરસિંહ જે કહી રહ્યો હતો તે સાચું છે. તેને પણ આ ચિત્ર ઘણીવાર સ્વપ્નમાં દેખાયું હતું.

“તે લોકો અહીં શું તપાસ કરવા આવ્યાં હતાં?” વિરમે પુછ્યું.

સુરસિંહને પણ આ પ્રશ્ન સાંભળી તેની ભુલ સમજાઇ પણ હવે કંઇ થઇ શકે તેમ નહોતું એટલે તેણે વાતને કાપવા કહ્યું

“હું તો અહીં બહાર હતો મને કેમ ખબર પડે કે તે લોકો અહીં શું તપાસ કરવા આવ્યા હતા?” ત્યાં અચાનક તેને યાદ આવ્યુ એટલે તે બોલ્યો “હા, તે છોકરાએ કહ્યું હતુ કે તેને અહીં દતક લીધેલા છોકરાની કોઇ માહિતી જોઇતી હતી.” આ સાંભળી વિરમ ચોંકી ગયો અને બોલ્યો “ઓહ માય ગોડ. તને આ પરથી કંઇ સમજાય છે?” સુરસિંહે વિરમની સામે જોયું અને તેનો ચહેરો જોઇ તેને પણ મગજમાં એકદમ જ જબકારો થયો અને તે બોલ્યો “એલા હા, મને પણ હવે સમજાય છે કે તેને કોઇએ આ જ અનાથાશ્રમમાંથી દત્તક લીધો હશે અને તેનો મતલબ એમ કે આપણે જ્યારે તે છોકરાને હોડીમાં મુકીને આચાર્યની લાસને લઇને નીકળ્યા ત્યારે કોઇ આ છોકરાને ત્યાંથી લઇ ગયું અને આ આશ્રમમાં મુકી ગયું. જો આ આશ્રમમાં તેની વિગત હશે તો તો તે આપણા સુધી ચોક્કશ પહોંચશે. તે આપણા સુધી પહોંચે તે પહેલા આપણે તેના સુધી પહોંચવું પડશે.” સુરસિંહને આવેશમાં આવી જતો જોઇ વિરમે તેને અટકાવ્યો અને બોલ્યો “ તું ખૂબ આગળ વિચારે છે. તે કહ્યું તે બધૂજ હું પણ વિચારતો હતો પણ તું એક વાત ભુલી જાય છે કે તે છોકરાને હોડીમાંથી લઇ જનાર વ્યક્તિએ આપણને જોયા નહીં હોય અને જોયા હોય તો પણ રાતના અંધકારમાં તેણે આપણને ઓળખ્યા નહીં હોય.” આ વાત સાંભળી સુરસિંહે કહ્યું “તો પણ આપણે રિસ્ક શું કામે લેવું જોઇએ આપણે તે છોકરાને શોધવોજ પડશે.”

“અને શોધીને શું કરીશું? મારી નાખીશું? આટલા પાપ ઓછા છે કે હજુ વધારે કરવા છે?” વિરમે સુરસિંહને પુછ્યું.

“ના યાર, તું મારી વાત હજુ સમજ્યો નથી. આ કૃપાલસિંહે આપણને જે શોધવા માટે મોકલ્યા હતા તે આપણને આચાર્ય પાસેથી મળ્યું નહોતું. કદાચ એવું બને કે તે આ છોકરા પાસે હોય અને આપણને આ કૃપાલસિંહની કોઇ દુખતી નસ હાથમાં આવી જાય અને તેને આપણે બ્લેકમેલ કરી શકીએ. શું તુ ભુલી ગયો છે કે તેણે આપણને કેવી રીતે ફસાવ્યા હતા? શું તેને તેના ગુનાની સજા ન મળવી જોઇએ?” આ સાંભળી વિરમ વિચારમાં પડી ગયો તેને પણ સુરસિંહનો તર્ક સાચો લાગતો હતો એટલે તેણે કહ્યું “ તો હવે તે છોકરાને શોધવા શું કરવુ છે?”

આ સાંભળી સુરસિંહે કહ્યું “પહેલા તો તે છોકરો અહીંથી શું માહિતી લઇ ગયો છે તે શોધવું પડશે તેના પરથીજ ખબર પડશે કે હવે શું કરવું છે?” આ સાંભળી વિરમે કહ્યું “જો તેને જે પણ અહીં મુકી ગયું હશે તેની વિગત રેકર્ડમાં હશે કદાચ તે પણ તેજ શોધતો હશે. ચાલ ચાવી લઇલે આપણે અંદર જઇ તપાસ કરીએ કે રેકર્ડમાં શું લખેલું છે?”

ત્યારબાદ તે લોકો અનાથાશ્રમના રેકર્ડ રૂમમાં ગયાં અને તે લોકોએ તારીખ યાદ કરી તેની આજુબાજુના દિવસોના રેકર્ડની તપાસ કરવા લાગ્યા. બે ત્રણ કલાકની મહેનત પછી નિશીથે જે પેજનો ફોટો પાડેલો તે પેજ પર આવ્યા. પણ તેની આસપાસની તારીખમાં પાંચ નામ હતા જે બાળકો અનાથાશ્રમમાંથી દત્તક લેવાયા હતા. અમુકમાં વિગત લખેલી અને અમુક ખાલી હતા. તે બંને થોડીવાર ગુંચવાયા પછી નિશીથના પેજ પર આવીને અટક્યા અને તેની સામેના ખાનામાં હરિઓમ લખેલું જોયું. આ હરિઓમ વિશે તે લોકોને કંઇ સમજાયું નહીં. એટલે તે લોકો કંટાળીને બહાર નીકળ્યા. ત્રણ ચાર કલાકની મહેનત પછી પણ તે લોકોને કંઇ મળ્યું નહીં એટલે બંનેનો મૂડ ખરાબ હતો. બંને બહાર નીકળીને મેદાનમાં બેઠા થોડીવાર બાદ સુરસિંહ બોલ્યો “ આ હરીઓમ તો કોઇ બાબાના મંત્ર જેવુ લાગે છે.” આ સાથેજ વિરમે કહ્યું “હા, બાબાની વાત પરથી યાદ આવ્યું પેલા ઇશ્વરાનંદ બાબા ફરી આવ્યા છે અને સુર્યેશ્વરમાં રોકાયા છે. કાલે તું આવ તો આપણે મળવા જઇએ. તેને મળી કંઇક સારુ લાગશે. તેણે આપણને સુધારવાની કેટલી મહેનત કરેલી પણ આપણે કોઇ દિવસ તેનું સાંભળ્યું નહીં. આમાથી તેજ કોઇ માર્ગ કાઢશે.”

“સારુ, હું કાલે તને ફોન કરીશ ત્યારે મંદીરે મળીશું.” સુરસિંહે કહ્યું.

ત્યારબાદ વિરમ થોડી આડાઅવળી વાતો કરી ત્યાંથી નીકળી ગયો.

બીજા દિવસે બપોર સુધીતો સુરસિંહ ઉંઘ્યા જ કર્યો. બપોર બધાજ નિત્યકર્મ કરવામાં અને જમવામાં જતી રહી. બપોર પછી સુરસિંહે વિરમને ફોન કરી કહ્યું “એકાદ કલાક પછી સુર્યેશ્વર મંદિરે આવીજા. હું પણ અહીંથી નીકળું છું.” કાલે રાતે વિરમે તેને કહ્યું ત્યારથીજ સુરસિહને બાબાને મળવાની તિવ્ર ઇચ્છા થઇ હતી. સુરસિંહ મંદિરે પહોચ્યો અને મહાદેવના દર્શન કર્યા ત્યાં વિરમ પણ આવી ગયો એટલે બંને મંદિરની સામે આવેલી ઓરડી તરફ આગળ વધ્યા. ઓરડીમાં પહોંચી બંનેએ જોયું તો બાબા પદ્માશન વાળી આંખો બંધ કરીને બેઠા હતા. બંને અંદર જઇ બાબાને પગે લાગ્યા અને સામે રાખેલા આસન પર બેઠા. બે ચાર મિનિટ બાદ બાબાએ આંખો ખોલી અને સામે સુરસિંહ અને વિરમને બેઠેલા જોઇ તેના ચહેરા પર એક પ્રેમાળ  હાસ્ય આવી ગયું અને તે બોલ્યા “હરીઓમ” સામે વિરમ અને સુરસિંહે પણ કહ્યું “હરિઓમ.”

બાબાએ થોડીવાર તે બંનેના ચહેરા સામે જોયું અને ચહેરા વાંચતા હોય તેમ તે બંનેના ચહેરા જોતા હતા. ત્યાં વિરમે હિંમત કરી કહ્યું “બાબા તમે અમને ખૂબ સમજાવ્યા હતા પણ અમે તમારું ન માન્યા અને તેનાજ ફળ અમે ભોગવિએ છીએ.” આ સાંભળી બાબાએ  સ્નેહાળ અવાજે કહ્યું “ એમા તમારો કોઇ વાંક નથી જે નસીબમાં લખેલુ હોય છે તે ભોગવવું જ પડે છે.”

આ સાંભળી સુરસિંહે કહ્યું “ બાબા, પણ હવે આ ગુનાનો પડછાયો હવે અમારો પીછો નથી છોડતો. હવે આ ઓથારમાંથી છુટવા માટે અમારે શું કરવું જોઇએ?”

“ કર્મ કોઇને છોડતા નથી. તમે કરેલા કર્મનો બદલોતો તમને મળવાનોજ છે. પ્રાયશ્ચિત એક જ એવો માર્ગ છે જે કરેલા કર્મમાં થોડા અંશે માફી આપે છે. જો તમને સાચેજ તમે કરેલા કર્મનો પસ્તાવો હોય તો પ્રાયશ્ચિત કરો.” ત્યારબાદ બાબાએ તે લોકોના મનનો ભાર હળવો કરવા થોડી વાતો કરી અને તે લોકો ત્યાંથી બાબાની રજા લઇને ઊભા થયા.                  

-----------------------------*************--------------*****************-----------

નિશીથને એ લોકો ઘોઘાબંદરે ફેરીમાંથી ઉતરી સિંહોર તરફ આગળ વધ્યા. વચ્ચે એક ઢાબા પર કાર ઊભી રાખી જમ્યાં અને ફરીથી સિંહોર તરફ કાર જવા દીધી. સિહોર પહોંચી તે લોકો સિધાજ ભિમસિંહ બાપાને ઘરે ગયા. ભિમસિંહ બાપા પણ તે લોકોને જોઇને ખુશ થઇ ગયા અને બોલ્યા “આવો આવો હું તમને લોકોનેજ યાદ કરતો હતો.” એમ કહી તેણે બીજો ખાટલો પાથર્યો અને એક ખુરશી મુકી આપી. નિશીથને એ લોકો બેઠા એટલે પેલી છોકરી પાણી લઇને આવી. બધાએ પાણી પીધુ અને થોડીવાર બેઠા પછી ભિમસિંહ બાપાએ કહ્યું “તમારે ઇશ્વરાનંદબાબાનું કંઇક કામ છે એવું રઘુવિરભાઇએ કહ્યું હતું.” આ સાંભળી નિશીથે મોબાઇલ કાઢી પેલા રેકર્ડનો ફોટો બતાવ્યો અને બધીજ વાત કરી. આખી વાત સાંભળી ભિમસિંહબાપા બોલ્યા “તમે ખરેખર નસીબદાર છો. કુદરત ચોક્કસ તમારી સાથે છે. આ બાબા ઘણા વર્ષો પહેલા અહીંથી જતા રહ્યા હતા. મને કાલેજ સમાચાર મળ્યા કે તે બાબા આવ્યા છે અને તે સુર્યગઢની બહાર આવેલા શિવમંદિરમાં રોકાયા છે. બાબા હવે ફરીથી તેનો આશ્રમ ચાલું કરવાના છે. મે તો રઘુવિરભાઇને અમસ્તો જ ફોન કરેલો ત્યાં આ વાત નીકળીને મને યાદ આવ્યું કે બાબા તો અહીંજ છે.” આ વાત સાંભળી બધા એકબીજા સામે જોવા લાગ્યા. નિશીથે કહ્યું “આ બાબા અત્યારે ક્યાં મળશે?”

“લગભગ તો તે તમને તેના આશ્રમે જ મળી જશે, નહીંતર પછી તમારે સુર્યગઢ જઇને તેને મળવું પડશે.”

“આ આશ્રમ અને સુર્યગઢ અહીંથી કઇ રીતે જવાય છે?” કશિશે પુછ્યું.

“ નદીની એક બાજુ ખોડિયાર મંદિર અને અનાથાશ્રમ છે જ્યારે નદીની સામેની બાજુ બાબાનો આશ્રમ આવેલો છે. તમારે આશ્રમ અને સુર્યગઢ જવા માટે ખોડિયાર મંદિર પાસે ડાબી તરફ જતો રસ્તો પકડવાનો અને તે રસ્તા પર આગળ જતા એક પુલ આવશે જે નદી પર બાંધેલો છે. આ પુલ ક્રોસ કરીને જે રસ્તો જમણી તરફ જાય છે તેના પર જશો એટલે આશ્રમ આવશે. જો પુલ ક્રોસ કરીને જમણી બાજુ વળવાને બદલે સીધાજ આગળ વધશો તો સુર્યગઢ આવશે ત્યાં કોઇપણને પુછજો કે “સુર્યેશ્વર મહાદેવ”નું મંદિર ક્યાં આવેલું છે? આ મહાદેવના મંદિર પર બાબા તમને મળશે.”

આ સાંભળી નિશીથે ભિમસિંહબાપાનો આભાર માન્યો અને જવા માટે ઊભો થયો. આ જોઇ બાપાએ કહ્યું “દીકરા હવે આ છોકરી કંચન એકાદ દિવસમાં તું કહે ત્યારે રાજકોટ જવા નિકળશે. તેની વ્યવસ્થા કરી આપે તો સારું.”

આ સાંભળી નિશીથે તેના પપ્પાને ફોન કરી કહ્યું કે “ કંચન બુધવારે રાજકોટ આવશે તો તેના રહેવાની અને નોકરીની વ્યવસ્થા કરી આપજો.” ત્યારબાદ નિશીથે ખિસ્સામાંથી કાર્ડ કાઢી ભિમસિંહબાપાને આપતા કહ્યું “આ કાર્ડમાં લખેલા એડ્રેસ પર પહોંચી જશે એટલે બધીજ વ્યવસ્થા થઇ જશે. બાકી બીજી કોઇ જરૂર હોય તો મને ફોન કરજો.” એમ કહી તે લોકો ત્યાંથી નીકળી ગયાં. 

નિશીથે ત્યાંથી નિકળી કારને સીધીજ ખોડિયાર મંદિર તરફ જવા દીધી. ખોડિયાર મંદિર પહોંચી તે લોકોએ ડાબી તરફ જતા રસ્તા પર કારને વાળી. આ રસ્તો સીધો જ સુર્યગઢ તરફ જતો હતો. કાર ચારેક કિલોમિટર આગળ ચાલી ત્યાં એક પુલ આવ્યો. આ પુલ પુરો થતાજ જમણી બાજુ પર એક  નદીની સમાંતર એક કાચો રસ્તો જતો હતો. નિશીથે આ રસ્તા પર કાર વાળી અને આગળ જવા દીધી. એકાદ કિલોમીટર આગળ જતા એક જુની પુરાણી મઢુલી જેવી જગ્યા આવી. નિશીથે કારને ઊભી રાખી અને બીજા બધાને કારમાંજ બેસી રહેવા કહ્યું. નિશીથે કારમાંથી ઉતરી ત્યાં તપાસ કરી તો આજુબાજુ કોઇજ દેખાયું નહીં એટલે નિશીથ ફરીથી કારમાં બેઠો અને બોલ્યો “અહીં તો કોઇ નથી, હવે સુર્યગઢજ જવું પડશે.” એમ કહી તેણે કારનો યુ-ટર્ન લીધો અને ફરીથી આવ્યા હતા તે રસ્તા પર જવા દીધી. મેઇન રોડ આવતા તેણે કારને જમણી બાજુ પર સુર્યગઢ તરફ વાળી. લગભગ ચાર પાંચ કિલોમિટર કાર ચાલ્યા બાદ સુર્યગઢ આવ્યું. સુર્યગઢના પાદરમાંથી એક રસ્તો ગામની અંદર જતો હતો અને બીજો થોડો ફંટાઇને ગામની બોર્ડર પર આગળ જતો હતો. નિશીથે આ બોર્ડર પર જતા રસ્તા પર કાર જવા દીધી. આ રસ્તો આખા ગામના પરીઘ પર બનાવેલો હતો. થોડા આગળ જતા એક મંદીર દેખાયું જે સુર્યેશ્વર મહાદેવનું મંદીર હતું. નિશીથે કારને આ મંદીર પાસે ઊભી રાખી એટલે બધા નીચે ઉતર્યા અને અંદર દાખલ થયાં. મંદિર ઘણું જુનું હતું પણ દેખરેખને કારણે તેની આભા જળવાઇ રહી હતી. મંદિરમાં જઇ બધાએ મહાદેવનાં દર્શન કર્યા અને પછી તે લોકોએ ત્યાં બેઠેલા એક માણસને ઇશ્વરાનંદ વિશે પુછ્યું તો તેણે ઇશારો કરી સામે રહેલ એક ઓરડી તરફ જવાનું કહ્યું. બધાજ ઓરડી તરફ આગળ વધ્યા. ઓરડીમાં પહોંચી તેણે જોયું તો બાબા એક આસન પર બેઠા હતા અને તેની સામે બે માણસો બેઠા હતા. નિશીથે તે લોકો નીકળે તેની રાહ જોઇને ઉભા. થોડીવાર બાદ તે લોકો બહાર નિકળ્યા અને તેમાં રહેલા એક માણસને જોઇ સમીર અને નિશીથની આંખમાં ચમક આવી. સામે તે માણસતો આ બંનેને જોઇને ચોંકી ગયો.  

----------------*******************-------------*******************---------

વિલી જ્યારે સુરત પહોંચ્યો ત્યારે લગભગ 11 થવા આવ્યા હતા. તેણે સિધોજ બંને બિઝનેશમેનનો કોંટેક્ટ કર્યો અને કેસ તૈયાર રાખવા કહ્યું. ત્યારબાદ તે એક રેસ્ટોરંટમાં ગયો અને નાસ્તો કરી અને ફ્રેસ થયો. ત્યાંથી નીકળી તે બંને બિઝનેસમેનને મળ્યો અને તેની પાસેથી કેસ પૈસા લઇને તે સીધોજ નિકળી ગયો. સાહેબની સુચના હતી કે રાત્રે ભાવનગર પહોંચી જવું એટલે કોઇ પણ સંજોગોમાં પહોંચવું જ પડે. સાહેબની સુચનાનું ચુસ્ત પાલન કરવું તે વિલીની ડ્યુટી હતી. તેણે સીધીજ કારને દહેજ તરફ જવા દીધી. તે જ્યારે દહેજ જઇ રહ્યો હતો ત્યારે તેનાથી દસ કિલોમિટર આગળ નિશીથની કાર પણ સુરતથી દહેજ જવા માટે દોડી રહી હતી. વીલી જ્યારે દહેજ પહોંચ્યો ત્યારે ફેરી ઉપડવાની થોડીજ વાર હતી. તેણે ટિકિટ સુરતથીજ ઓનલાઇન બુક કરાવી દીધી હતી એટલે સીધીજ કારને ફેરીમાં ચડાવી તે ઉપર સીટીંગ એરીયામાં નિશીથને એ લોકો બેઠા હતા તેની પાછળ ગોઠવાયો. કુદરત હવે આ સ્ટોરીના કલાકારોને જુદી-જુદી દિશામાંથી એક જ જગ્યાએ ભેગા કરી રહી હતી અને કલાઇમેક્સની તૈયારી કરી રહી હતી. આગળ પાછળ બેઠેલા બંને જણા એ બાબતથી અજાણ હતા કે થોડા જ સમયમાં બંનેનો સામનો થવાનો છે. વિલી પણ તે બાબતથી અજાણ મોબાઇલ ફોન કાઢી તેની પત્ની સાથે વાત કરી રહ્યો હતો. માણસ ભલે બીજાને છેતરીને આગળ વધી જાય પણ તે પોતાના અંતરને છેતરી શકતો નથી. એક સમય એવો આવે છે કે હૈયા પરનો બોઝ એટલો વજનદાર બની જાય છે કે તેનો બોજો ઉચકવો અશક્ય બની જાય છે ત્યારે સતાની ટોચ પર બેઠેલો માણસ પણ સાવ નોધારો બની જાય છે. પછી આ માણસ કાતો તે આત્મ હત્યા કરે છે અથવા કુદરત તેનો હિસાબ કરે છે. વિલી પણ અત્યારે હવે આજ સ્થિતીમાં હતો. તેને પણ હવે રહી રહીને કુદરતનો ડર લાગતો હતો. તેની પત્ની અને દીકરાના નિર્દોશ ચહેરા જોઇ તેને તેના ગુનાની યાદ આવતી હતી અને ડર લાગતો કે ક્યાંક મારા ગુનાની સજા આ માસુમોને ન મળે. વિલી જ્યારે વાત કરવામાં મસગુલ હતો ત્યારે તેની પાછળ એક માણસ બેઠો બેઠો આખો નજારો જોઇ રહ્યો હતો. તે માણસનું ધ્યાન નિશીથ પર હતું.

‌‌‌‌‌‌‌‌----------------****************---------------***********-----------------

શું બાબા પાસેથી નિશીથને જોઇતી માહિતી મળશે? બાબાના રૂમમાંથી નિકળેલા બે માણસો કોણ છે? નિશીથ પર ધ્યાન રાખીને બેઠેલો વ્યક્તિ કોણ છે? સુરસિંહ અને વિરમ હવે શું કરશે? આ પ્રશ્નોના જવાબ માટે આ નોવેલ વાંચતા રહો.                                          

------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***************--------------------**************------------------

HIREN K BHATT :- 9426429160                      

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Jayesh Satasiya 1 માસ પહેલા

Verified icon

Kandhal 2 માસ પહેલા

Verified icon

Alpeshbhai Ghevariya 2 માસ પહેલા

Verified icon

Madhuben Bhatt 2 માસ પહેલા

Verified icon

Sonu 2 માસ પહેલા