વિષાદ યોગ- પ્રકરણ-23 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષાદ યોગ- પ્રકરણ-23

વિષાદયોગ-23

‌‌‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________

વિલીએ ફેરીમાંથી કાર ઉતારીને સીધીજ ભાવનગર તરફ જવા દીધી. વિલીએ કાર ભાવનગર સીટી ક્રોસ કરી સામે છેડે દરીયા કાઠે આવેલા ‘ઇસ્કોન ક્લબ રીસોર્ટ’માં પાર્ક કરી અને રૂમ બુક કરાવ્યો. વિલીને ખબર હતી કે તેને હવે ભાવનગરમાં બે ત્રણ દિવસ રોકાવુંજ પડશે એટલે તેણે રિસોર્ટમાંજ રહેવાનું પસંદ કર્યુ. આમ પણ વહેલી સવારનો તે સતત મુસાફરી કરી રહ્યો હતો એટલે ખુબ થાક્યો હતો. રૂમમાં દાખલ થઇ તરતજ તેણે બાથરૂમમાં જઇ બધાજ કપડા કાઢી નાખ્યા અને સાવર નીચે ઊભો રહી ગયો. ઠંડા પાણીના સાવરથી તેનો થાક ધીમે ધીમે ઉતરવા લાગ્યો તે આમને આમ અડધો કલાક સુધી સાવર નીચે ઊભો રહ્યો. આખા દિવસનો થાકથી તન અને મન બંને એકદમ લસ્ત થઇ ગયા હતા. શાવર માત્ર શરીરનેજ નહીં પણ મનને પણ ફ્રેસનેસ આપતું હતું. ત્યારબાદ તે બહાર નિકળ્યો અને નાઇટ સુટ પહેરી તેણે ઘરે ફોન કરી વાતો કરી અને પછી કારમાં સાથે લાવેલ સિગ્નેચર વિસ્કીની બોટલ કાઢી. આ બ્રાન્ડ વિલીને ફેવરીટ હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા બધેજ દારૂ મળી રહે છે પણ આ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ અમુક જગ્યાએજ મળે, તેથી વિલી એકાદ બોટલ પોતાની સાથેજ રાખતો. હજુ સુધી કોઇની પણ હિંમત થઇ નહોતી કે વિલીની કાર ચેક કરે. વિલીએ રિસેપ્શન પરથી બાઇટીંગ મંગાવ્યું અને સિગ્નેચરની મોજ માણવા લાગ્યો. ડ્રિંક અને બેડમાં અત્યાર સુધી વિલી ક્યારેય એકલો ના રહેતો પણ હવે તેને ધીમે-ધીમે પોતાના કર્મનો ડર ઘેરવા લાગ્યો હતો એટલે તેણે પોતાની ઐયાસી પર કાબુ રાખવાનું નક્કી કર્યુ હતું, પણ જ્યારે ઐયાસીની ટેવ પડી જાય છે ત્યારે તેના વગર ચાલતું નથી. વ્યસન કોઇ પણ શરૂઆતમાં શોખથી શરૂ થાય છે પણ પછી તે તમને તેના ગુલામ બનાવીને જ છોડે છે. વિલી પણ આ ઐયાસીનો ગુલામ બની ગયો હતો પણ, જ્યારથી તેનો દીકરો તેને કાલી ઘેલી ભાષામાં પ્રશ્નો પુછવા લાગ્યો, ત્યારથી તેની અંદર સુતેલો એક સારો માણસ જાગૃત થઇ ગયો હતો. હવે તેને ડર લાગવા લાગ્યો હતો કે તેના ખરાબ કર્મનો બદલો જો તેના નિર્દોશ પરિવારને ચુકવવો પડશે તો તે કેમ જીવી શકશે? આજ પ્રશ્ન તેને હવે ઐયાસીથી દૂર કરી રહ્યો હતો અને એટલેજ તે અત્યારે એકલો બેસીને શરાબ પી રહ્યો હતો. બાકી તો આ સમયે તેના રૂમમાં કોઇ છોકરીના હોય એવું બને જ નહીં. વિલીને જે ડર લાગતો હતો તે પણ કુદરતનીજ કરામત હતી. કહેવાય છે કે માણસ અનિષ્ઠના ભણકારા સાંભળી શકે છે તે વાત અત્યારે વિલી માટે એકદમ સાચી હતી. વિલીને પણ આવનારી આંધીના ભણકારા સંભળાતા હતા ગમે તેવો ખરાબ અને ક્રુર માણસ પણ અમુક સમયે ડરી જાય છે અને જ્યારે વાત ફેમીલીની આવે ત્યારે તો મોટા મોટા ગેંગસ્ટર પણ ધ્રુજી જતા હોય છે. આજે જે ડર વિલી મહેસુસ કરી રહ્યો હતો તે ભવિષ્યની ઘટનાઓના ભણકારા હતા. વિલી શરાબ અને થાકને લીધે થોડીજ વારમાં ગાઢ નિંદ્રામાં સરી પડ્યો.

--------------********----------------*******------------********----------------

વિલીને એ લોકો સુર્યેશ્વર મહાદેવ પહોંચ્યા અને બાબાની ઓરડી તરફ ગયા. બાબાની ઓરડીમાં બે માણસો બેઠા હતા તે થોડીવાર બાદ બહાર નીકળ્યા જેમાંથી એકને જોઇને સમીર અને નિશીથની આંખમાં ચમક આવી ગઇ. આ તેજ માણસ હતો જે અનાથાશ્રમનો ચોકીદાર હતો. તેને ગઇકાલેજ નિશીથે અનાથાશ્રમમાં તપાસ કરવા દેવા માટે દસ હજાર રૂપિયા આપ્યા હતા. તે બંને સુરસિંહ અને વિરમ હતા. સુરસિંહ તો સામે નિશીથ અને સમીરને જોઇને રીતસરનો ડઘાઇ ગયો. તેને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો બેસતો કે જે યુવાનને શોધવા માટે તે લોકોએ ખૂબ મહેનત કરી હતી, તે આમ અચાનક સામે આવી જશે. સુરસિંહ તો નિશીથને ફાટી આંખે જોઇ રહ્યો અને તે લોકો ઓરડીમાં ગયાં ત્યાં સુધી તે એમજ ઊભો રહ્યો. નિશીથને એ લોકો બાબાની ઓરડીમાં દાખલ થયા અને સામે પડેલા આસન પર બેઠા. બાબા યુવાનોને આવેલા જોઇને સમજી ગયા કે આ લોકો ચોક્કસ કોઇ કામે આવ્યા છે કારણકે આ યુવાનોને પ્રવચન તો નાજ સાંભળવું હોય. બાબાએ થોડીવાર બાદ કહ્યું “બોલો દીકરા, કેમ અહીં સુધી આવવું પડ્યું?” આ સાંભળી નિશીથે કહ્યું “અમને ભિમસિંહ બાપાએ સિંહોરથી અહીં તમારી પાસે મોકલ્યા છે.” નિશીથ થોડું રોકાયો અને ફરીથી બોલ્યો “ મારે તમારી પાસેથી થોડી માહિતી જોઇએ છે.” આટલું કહી નિશીથે બાબાને તેના સ્વપ્નની બધીજ વાત કરી. સ્વપ્નની વાત સાંભળી બાબાના ચહેરા પરના હાવભાવ બદલાઇ ગયા અને બોલ્યાં “હરીઓમ. કુદરત પણ કેવા કેવા ખેલ ખેલે છે. જે સ્વપ્નની તું વાત કરે છે તે ઘટના મે મારી નજર સમક્ષ જોયેલી છે. મને વિશ્વાસ નથી આવતો કે આવું બની શકે છે. આવી ઘટનાજ કુદરતના અસ્તિત્વની સાક્ષી આપે છે. જન્મ વખતે તે જે ઘટના જોઇ હોય તે તને યાદ તો ન જ હોય તો પણ તે તને સ્વપ્નમાં આવે આ એક ચમત્કાર નહીં તો બીજું શું છે? માણસ ગમે તેટલા હવાતિયા મારે પણ કુદરત પાસે તો તેની કોઇ વિસાત નથી.”

નિશીથને લાગ્યું કે બાબા બીજી વાત પર ચડી ગયા છે એટલે તેણે વાતને મુળ મુદા પર લાવવા ફરીથી પુછ્યું કે “બાબા મારે તમારી પાસેથી એ જાણવું હતું કે હું તમારી પાસે ક્યાંથી કઇ રીતે આવેલો?” આ સાંભળી બાબા આંખો બંધ કરીને થોડા વિચારમાં ખોવાઇ ગયા અને થોડીવાર બાદ બોલ્યા “જો દિકરા આ વિસ વર્ષ પહેલાની વાત છે એટલે અત્યારે મને બધુજ તો યાદ નથી પણ આવી ઘટના ભુલી શકાય નહીં એટલે જેટલું મને યાદ છે તે તને કહીશ.” એમ કહી બાબાએ વાતની શરૂઆત કરી “ તે રાત્રે હું કોઇક કામે સુર્યગઢ ગયો હતો. મારા આશ્રમથી મુખ્ય રસ્તા પર જઇએ તો સુર્યગઢ ચાર કિલોમિટર થાય પણ આશ્રમની પાછળથી એક રસ્તો જતો જે આમતો જંગલમાંથી પસાર થતો પણ એકદમ ટુંકો હતો. આ રસ્તે સુર્યગઢ એક કિલોમિટર જ થાય. તે રાતે હું આજ રસ્તે આવતો હતો ત્યાં મને દૂરથી એક વાહનનો અવાજ સંભળાયો એટલે મને નવાઇ લાગી. આવી અંધારી રાતે જંગલમાં કોઇ વાહન લઇને શું કામ નિકળે? આ પ્રશ્ન થતાજ હું ઊભો રહી ગયો. હું ઊભો હતો તેના થોડે દૂરથી મે એક જિપને જતી જોઇ. આ જોઇ મને કુતુહુલ જાગ્યું એટલે જિપ જે તરફ ગઇ હતી તે તરફ હું આગળ ગયો. લગભગ 10 મિનિટ આગળ ચાલ્યો પછી નદીના પટમાં મે જિપ ઉભેલી જોઇ. હું દૂર એક ઝાડ પાછળ ઊભો રહી ગયો અને શું થાય છે તે જોવા લાગ્યો. થોડે દૂર નદીમાં હોડી પાસે ઉભેલા બે માણસોમાંથી એક હોડીમાં ચડ્યો અને બીજો નિચે ઉભો રહ્યો. એકતો રાતનું અંધારું હતું અને હું ઘણો દૂર ઊભો હોવાથી ચોક્કસ દ્રશ્ય નહોતું દેખાતું માત્ર ઓળા જ દેખાતા હતા. થોડીવારબાદ પેલો હોડીમાં ચડેલો માણસ નીચે ઉતર્યો અને પછી બંને જણાએ એક વ્યક્તીને ઉંચક્યો જે નદીના પટમાં પડ્યો હતો. આ આખું દ્રશ્ય એજ છે જે તને સ્વપ્નમાં આવતુ હતું. તે લોકો જિપ લઇને જતા રહ્યા એટલે હું નદીના પટમાં ઉતર્યો અને હોડી પાસે ગયો. હોડી પાસે જઇને મે અંદર જોયું એ સાથેજ હું ચોંકી ગયો. હોડીમાં એક બાળક હતું. મે તે બાળકને ઉંચકી લીધું અને ફરીથી જંગલમાં જતો રહ્યો. હજુ હું થોડે દુર ગયો ત્યાં તો જિપ ફરીથી પાછી આવતી જોઇ એટલે હું એક જગ્યાએ છુપાઇ ગયો. તે લોકો ફરીથી હોડી પાસે ગયા અને બાળકને શોધવા લાગ્યા. આ જોઇ મને સમજાઇ ગયું કે આ બાળકની જિંદગી પણ ખતરામાં છે. પેલા બંને આ બાળકને મારવાજ પાછા આવ્યા હોવા જોઇએ. હું તે લોકોથી છુપાઇને ત્યાં ઊભો રહ્યો. તે લોકોએ હોડીમા તપાસ કરી અને થોડીવાર ઊભા રહ્યા પછી જિપ લઇને ત્યાંથી જતા રહ્યા. તે લોકો સુર્યગઢ બાજુથી આવેલા હતા એટલે મને વિશ્વાસ હતો કે તે પહેલા એ તરફ જ તપાસ કરશે. તે લોકો જતા રહ્યા પછી થોડીવાર હું ત્યાજ ઊભો રહ્યો. ત્યારબાદ આજુબાજુ કોઇ નથી તે તપાસ કરી હું નદીના પટમાં ઉતર્યો અને હોડી પાસે ગયો. થોડીવાર મે આજુબાજુ જોયું તો કોઇ દેખાયુ નહીં. આ તકનો લાભ લઇ મે બાળકને હોડીમાં સુવડાવ્યો અને હું પણ હોડીમાં ચડી ગયો અને હોડીને નદીમાં આગળ જવા દીધી. થોડીવારમાં હું નદીને સામે છેડે પહોંચી ગયો. ત્યાં હોડીને મે જાડી જાંખરાથી ઢાંકી દીધી જેથી કોઇને શક ન જાય. ત્યારબાદ ત્યાંથી સીધોજ હું અનાથાશ્રમ ગયો અને રઘુવિરભાઇને મળ્યો. તે સમયે રઘુવિરભાઇ હજુ અનાથાશ્રમમાં જોડાયા તેને એક વર્ષજ થયું હતું. તે મારા આશ્રમ પર ઘણીવાર આવતા અને હું પણ ક્યારેક અનાથાશ્રમ જતો એટલે તે મને સારી રીતે ઓળખતા હતા. મે તેને રાત્રે ઉઠાડીને કહ્યું “ રઘુવિરભાઇ, આ બાળકને તમારા અનાથાશ્રમમાં રાખવાનો છે અને જેમ બને તેમ જલદી તેને અહીંથી કોઇ લઇ જાય એવી વ્યવસ્થા કરવાની છે.” આ સાંભળી રઘુવિરભાઇ વિચારમાં પડી ગયા અને બોલ્યા “બાબા પણ આખી વાત શું છે તે તો કહો.”

“ એ બધી વાત કરવાનો અત્યારે સમય નથી. તમે પહેલા હું કહું છું તે સમજી લો. આ બાળક ક્યારે? અને ક્યાંથી આવ્યુ છે? અને કોણ અહીં લાવ્યું છે? તે કોઇને ખબર ન પડવી જોઇએ. અને આ બાળકને જેમ બને તેમ જલદી અહીંથી ક્યાંક મોકલી દેવાનું છે. એટલુ સમજી લો કે આજ પ્રભુની ઇચ્છા છે.” ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગયો અને પછી ફરીથી ક્યારેય અનાથાશ્રમ ગયો નથી. તે બે માણસો જે તને મારવા આવેલા તે ચોક્કશ સુર્યગઢનાં હતાં પણ તે કોણ હતા? તે હું જાણતો નથી.” આટલું કહી બાબાએ બોલવાનું પુરુ કર્યું.

બાબાની વાત સાંભળી નિશીથના ચહેરા પર થોડી હતાશા છવાઇ ગઇ આ જોઇ બાબા બોલ્યા “દીકરા, ઉદાસ શું કામ થાય છે? જે શક્તિ તને અહીં સુધી લઇ આવી તેજ શક્તિ તને અહીંથી આગળ જવાનો માર્ગ પણ બતાવશે. કુદરતની લીલા અપરંપાર હોય છે. તું કે હું તો માત્ર પ્યાદા છીએ. સાચી રમતતો ઉપરવાળો રમે છે.” આમ કહી બાબાએ આંખ બંધ કરી દીધી. આ જોઇને બધા ઊભા થયા અને ત્યાંથી બહાર નીકળ્યાં. નિશીથને એ લોકોને ખબર નહોતી કે સુરસિંહ અને વિરમે બહાર ઊભા રહી બાબાની આખી વાત સાંભળી હતી. ચારેય મિત્રો બહાર નિકળ્યા ત્યારે લગભગ દિવસ આથમવાની તૈયારી હતી. બધા કારમાં ગોઠવાયા એટલે “નિશીથે પુછ્યું હવે શું કરીશું?”

“એક કામ કરીએ હવે આમપણ રાત થશે, એટલે કોઇ જગ્યાએ રોકાવું તો પડશે જ. ચાલો ત્યાં જઇનેજ વિચારીશું કે હવે શું કરવુ જોઇએ?” બધાનેજ આ વાત યોગ્ય લાગી એટલે નિશીથે કારને ફરીથી સિહોર હાઇવે તરફ જવા દીધી. તે જ્યારે ત્યાંથી નિકળ્યા ત્યારે સુરસિંહ અને વિરમ એક બાજુ છુપાઇને તે લોકોને જોઇ રહ્યા હતા. તે ગયા એ સાથેજ સુરસિંહે તેની પાછળ બાઇક જવા દીધી. નિશીથે કારને ફરીથી “રંગોલી પાર્ક” હોટલ પર જવા દીધી. નિશીથની કાર હોટલમાં એન્ટર થઇ ત્યાં સુધી વિરમ અને સુરસિંહે તેનો પીછો કર્યો. નિશીથને એ લોકોને હોટલમાં દાખલ થતા જોઇ સુરસિંહે વિરમને બાઇક અનાથાશ્રમ પર લઇ લેવા કહ્યું. સુરસિંહ અને વિરમ વચ્ચે ઢાબા પર ઊભા રહ્યા અને જમીને પછી અનાથાશ્રમ પર ગયાં.

બધા હોટેલમાં જઇ ફ્રેસ થયાં અને પછી નીચે જમવા માટે ડાઇનીંગ હોલમાં ગયાં. જમતી વખતે બધા હવે શું કરવું તેના વિચારમાં ખોવાયેલા રહ્યા થોડીવારતો કોઇ કંઇ બોલ્યું નહીં.

“હવે શું કરીશું? અહીંથી ફરી વખત સામે ડેડ એન્ડ આવી ગયો હોય એવુ લાગે છે.” નિશીથે વાતની શરૂઆત કરતા કહ્યું.

“હવે તો સાચેજ કંઇ સમજાતું નથી કે શું કરવું? બાબા સુધી પહોંચવાની આપણી પાસે લીંક હતી. હવે તેનાથી આપણી ચેઇન તુટી જાય છે એટલે બીજો છેડો કઇ રીતે શોધવો તે કંઇ સમજાતું નથી.” કશિશે પણ નિશીથની વાતને સમર્થન આપતા કહ્યું.

“યાર, ક્યાંક કોઇક માહિતી ખુટે છે? કોઇક લીંક આપણે મિસ કરતા હોઇ એવુ લાગે છે.” નૈનાએ વાતમાં જંપલાવતા કહ્યું.

બધા આ વાતો કરતા હતા ત્યારે સમીર કોઇક વિચારમાં ખોવાયેલો હતો. તે ઘણીવાર સુધી કંઇ બોલ્યો નહીં એટલે નિશીથે સમીરને કહ્યું “તું ક્યારનો શું વિચારે છે? તારે આ બાબતમાં કંઇ કહેવું નથી?”

આ સાંભળી સમીર થોડો રોકાયો અને બોલ્યો “ નિશીથ તે એકવાત નોંધી કે આપણે જ્યારે અનાથાશ્રમમાં તપાસ કરવા ગયા હતા અને જ્યારે તું પેલા ચોકીદારને પૈસા આપતો હતો ત્યારે તે તારા હાથ પરના ટેટુને જોઇને ચોંકી ગયો હતો અને રીતસરનો ડરી ગયો હોય એવુ લાગતું હતું.”

આ સાંભળી નિશીથને પણ સુરસિંહના તે સમયના હાવભાવ યાદ આવી ગયા. તેને પણ સમીરની વાત સાચી લાગી પણ તે કંઇ બોલ્યો નહીં એટલે સમીરે આગળ કહ્યું “ આજ માણસ આપણને બાબાને મળવા ગયા ત્યારે પણ મળ્યો હતો અને ત્યારે પણ તેના હાવભાવ એવાજ હતા. અને મને એવુ લાગતુ હતુ કે તે આપણી વાત બહાર ઊભા રહી સાંભળી રહ્યો હતો. આ બધા પરથી મને એવું લાગે છે કે તે ચોક્કસ કઇક જાણે છે અથવા કોઇક રીતે આ ઘટના સાથે સંકળાયેલો છે.” સમીરની વાત સાંભળી કશિશે કહ્યું “સમીર તારી કોઇ ભુલતો નથી થતીને. તે કોઇ બીજા કારણસર ડરી ગયો હોય એવું પણ બને ને?”

“ ના ના, સમીરની વાત સાચી છે હવે મને પણ અત્યારે સમજાઇ છે કે તે ચોક્કસ કંઇક જાણે છે કેમકે અહીં આવતી વખતે પણ તે લોકો આપણો પીછો કરી રહ્યા હતા. મે બે ત્રણ વાર મિરરમાં તે લોકોને બાઇક પર આવતા જોયા હતાં, પણ ત્યારે તેને સિરિયસ નહોતું લીધું પણ અત્યારે તું કહે છે ત્યારે મને સમજાય છે કે તે લોકો આપણને ફોલો કરે છે.”

આ સાંભળી કશિશે કહ્યું “ ઓહ માય ગોડ. તો તો તે લોકો આપણા વિશે ચોકકસ કઇક જાણે છે. હવે આપણે સાવધ રહેવુ પડશે.”

“જો કશિશ ગભરાવાની કોઇ જરૂર નથી. જો તેણે આપણી વાત સાંભળી હશે તો તેને સમજાઇ ગયું હશે કે આપણને બાબા પાસેથી જોઇતી માહિતી મળી નથી. એટલે જો તે લોકો આમાં સંડોવાયેલા હશે તો હમણા કંઇજ એવુ નહીં કરે જેથી તે બહાર પડી જાય. તે લોકો આપણી હિલચાલ પર નજર રાખશે. આપણે પણ એ રીતેજ રહેવાનું કે તેના વિશે કંઇ જાણતા નથી. જોઇએ તે લોકો શું કરે છે. જો પછી એવુ લાગશે તો તેમને પકડી વાત કઢાવવી પડશે.”

“એક કામ કરીએ આપણે તેની પાછળ કોઇ માણસ મુકાવી દઇએ તો?” સમીરે સલાહ આપતા કહ્યું.

“હા, નિશીથ એ વાત બરાબર રહેશે તે લોકો આપણા વિશે માહિતી મેળવે તે પહેલા આપણને તેના વિશે માહિતી મળી જાય તો પછી કઇ રીતે આગળ વધવુ તે ખબર પડે”

“હા, નિશીથ મને પણ આ વાત યોગ્ય લાગે છે.” નૈનાએ સંમતિ આપી.

“ એક કામ કરીએ પ્રશાંતને બોલાવી લઇએ આ લોકો એ આપણી સાથે તેને જોયો નથી એટલે તે આ લોકો પર નજર રાખશે.” સમીરે સુચન કર્યું.

“ના, તે ભલે ત્યાંજ રહ્યો. તેનો ઉપયોગ ઇમરજન્સીમાંજ કરીશું. હમણા તો આપણી પાસે એક માણસ અહીંજ છે.” એમ કહી તે ઊભો થયો અને તેની બાજુના ટેબલ પર બેઠેલા એક માણસ પાસેથી પસાર થયો અને બોલ્યો “મને વોસ રૂમમાં મળો. હું બધુજ જાણું છું.” આમ કહી નિશીથ વોસરૂમ તરફ આગળ વધ્યો. થોડીવાર બાદ પેલો માણસ પણ ઊભો થયો અને વોસરૂમમાં ગયો.

પાંચેક મિનિટ પછી નિશીથ પાછો ટેબલ પર આવીને બેઠો અને બોલ્યો “ચાલો એ કામ થઇ ગયું. હવે તેની દરેક હિલચાલ આપણને ખબર પડશે.” આ સાંભળી બધાજ વિચારમાં પડી ગયાં. કશિશે પુછ્યું “ નિશીથ એ કોણ હતું. તું તેને કંઇ રીતે ઓળખે છે?” એ બધું હું તમને રૂમમાં જઇને કહિશ. અને પછી બધા જમીને નિશીથના રૂમમાં ગયાં.

---------------*****************----------------------------------- ********************-------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whatsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***************--------------------**************------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM