પ્રેમચંદજીની
શ્રેષ્ઠ વાર્તાઓ
(21)
મુક્તિ માર્ગ
પોતાના રૂપને દર્પણમાં જોતાં કોઇ રૂપવતી નારીને જેવો આનંદ થાય, તેવો જ આનંદ મોલથી હર્યાંભર્યાં ખેતરોને જોઇ ખેડૂતને થાય છે. શેરડીથી લહેરાતાં ખેતરોને જોઇ ઝીંગુરને એક અજબ પ્રકારનો કેફ થઇ આવતો. ત્રણ વીઘાં શેરડી હતી. રૂપિયા છસો તો અમથા અમથાય મળી જાય. અને જો ઇશ્વર પાઘરો ઉતર્યો તો તો વાત જ પૂછવા જેવી ના રહે. એના બંન્ને બળદો ઘરડા થઇ ગયા હતા. ક્યાંક બે વીઘાં જમીન વધારે મળે તો લખાવી લેવાય એમ હતું. પૈસાની હવે શી ચિંતા હતી? વાણિયા તો અત્યારથી જ એની ખુશામત કરતા હતા. એ ગામમાં પોતાની જાતને દાદો માનતો. કોઇની સાથે લડ્યા વગર રહ્યો ન હતો.
સાંજનો સમય હતો. ઝીંગુર એના દીકરાને ખોળામાં લઇ વટાણાની શિંગો તોડતો હતો. ત્યાં તેણે ઘેટાંના એક ટોળાને પોતાની તરફ આવતાં જોયું. તે ગણગણ્યો આ કઇ ઘેટાંને જવાનો રસ્તો છે! શેઢા ઉપરથી શું ના જઇ શકે એ? ઘેટાંને અહીં લાવવાની શી જરૂર? સાલાં કચડી કાઢશે બધા વટાણા! આખું ખેતર ભેલાઇ જશે. એનો દંડ કોણ ભરશે? લાગે છે કે બુદ્ધ ભરવાડનાં છે એ બધાં. બચ્ચાને અભિમાન આવી ગયું લાગે છે. માથું ધડ ઉપર લાગતું નથી. નઇં તો ઘેટાંને આમ ખેતરમાં આડફેટાં ના નાખે! એની અકડાઇ નો તો પાર નથી. હું જોઉં છું ને એ તો ઘરાર ખેતરની વચ્ચેથી ઘેટાં હાંકી જાય છે. મારે એની સાથે શી લેવા દેવા છે તે વેઠી લઉં એની કનડગત? હમણાં એક ઘેટું વેચાતું લેવાનું કહું તો પાંચ રૂપિયાથી ઓછું ના કહે. આખી દુનિયામાં ચાર રૂપિયામાં કામળો વેચાય છે, પણ એ તો મારો બેટો પાંચથી ઓછું જ ના કહે.
એટલામાં ઘેટાં ખેતરની લગોલગ આવી ગયાં. ઝીંગુરાએ રાડ પાડી - ‘‘અલ્યા, તારાં ઘેટાં લઇને એમ ક્યાં હેડ્યો આવે છે?’’
‘‘અરે, શેઢેશેઢે હેંડ્યાં જશે. ફરીને જઉં તો એક ગાઊનું ચક્કર થઇ જાય.’’ - બુદ્ધુએ કહ્યું.
‘‘તે તારું ચક્કર બચાવવા, લ્યા મારું ખેતર ભેલાડવાનું? આલ્યા, તને અહીંથી જ જવાનું સૂઝયું? શું તું મને આલીમવાલી જાણે છે? વાળ, પાછાં વાળ કહું છુ.ં’’
બુદ્ધુએ વિનંતી કરતાં કહ્યું - ‘‘આટલી વાર જવા દો. અહીંથી, ફરી આ બાજુ ડાફરેય નઇં મારું. અને ફરીવાર આ બાજુ ફરકું તો મન ફાવે એ સજા કરજો.’’
‘‘એકવાર કહ્યું ને કે લ્યા, પાછો વળી જા! એકાદ ઘેટું જો પેઠું છે તો તારી ખેર નથી.!’’
‘‘અરે કાકા! તમારું આટલું અમથુંય બગડે તો મને ગોળીએ દેજો જાવ, બસ હવે.’’
બુદ્ધુને પાછા વળવું અપમાનજનક લાગતું હતું. એને થયું કે આમ ને લોકોની ધમકીથી ગભરાઇ જઇને ઘેટાં પાછાં વાળશે તો પછી એમને એ ચરાવશે ક્યાં? પછી તો બધાય માથે છાણાં થાપવા જ મંડી પડે.
બુદ્ધુ પહોંચેલો માણસ હતો. ઝાઝાં ઘેટાં બકરાં હતાં એની પાસે. ખેતરમાં ઘેટાં બેસાડ્યાના રોજના આઠ આના મળતા. ઉપરાંત એ દૂધમાંથી રળી લેતો. ઘેટાંના ઉનમાંથી ધાબળા બનાવી વેચતો. એણે વિચાર્યું - ‘‘એટલા બધા ધખી જઇને શું કરી લેવાના છે? કઇં એમનો દબઇલો તો નથી ને? ઘેટાંને તો શું! જરાક લીલું ભાળ્યું નથી કે એપા વળ્યાં નથી!’’ છતાં બુદ્ધુ એમને વારવાની કોશિષ કરતો હતો. ઘેટાં વારંવાર ખેતરમાં પેસતાં હતાં.
ઝીંગુર રાતો પીળો થઇ ગયો. બોલ્યો - ‘‘લ્યા, તારે જબરઇ કરવી છે મારી જોડે? તારો અકડાટ ઘડીના છઠ્ઠા બાગમાં ઉતરી જશે, હાં.’’
‘‘તમે જરા પાછા ખસી જાઓ. તમને જોઇને ચમકે છે. હું બધાં પાછાં વાળીને હેંડતો થઉં છું.’’
ઝીંગુરે છોકરાને ખોળામાંથી હેઠે ઉતારી મૂક્યો. લાકડી લઇને એ તો તૂટી પડ્યો. ઘેટાં પર...કોઇને પગ ભાગ્યો, કોઇનું શિંગડું તૂટ્યું, તો કોઇની કેડ ભાગી ગઇ. બધાં ઘેટાં બકરાંએ કકળાટ કરી મૂક્યો. બકરીઓ બેં બેં કરવા લાગી. બુદ્ધુ સ્તબ્ધ બની તાકી રહ્યો હતો. ના તો એ ઝીંગુરને વાળતો હતો કે ના તો ઘેટાં બકરાને પાછાં વાળતો હતો. બસ, ઊભો ઊભો તમાશો જોઇ રહ્યો હતો. થોડી પળોમા જ આખાયે કાફલાને ત્યાંથી મારી હઠાવ્યો ઝીંગુરે, પછી ગર્વથી બુદ્ધુ ભણી જોઇને એણે કહ્યું - ‘‘જા, હેંડતો થા. હવે ફરીવાર આણી પા ઢૂંકતો નઇ. નઇં તો....’’
ઘવાયેલાં ઘેટાં બકરાં ભણી જોઇ બુદ્ધુએ કહ્યું - ‘‘ઝીંગુર! તમે આ હારું નથી કર્યું. પસ્તાશો પાછળથી.’’
ખેડૂત સાથે વેર વાળવું બહુ સહેલું હોય છે. એની વરસ આખાની કમાણી ખેતરના ખળામાં રહેતી હોય છે. ઘણી બધી મુશ્કેલીઓ પછી જ એ અનાજ ઘરમાં આવે છે.
ઘેર આવી ઝીંગુરે આખી વાત લોકો ને કહી સંભળાવી. કોઇકે એને કહ્યું - ‘‘આ સારું નથી કર્યું તે! તું હજુ બુદ્ધુને ઓળખતો લાગતો નથી. બહુ માથાભારે માણસ છે. હજુ વડી પાપડ વંઠી ગયા નથી. જા, જઇને એને રાજી કરી લે, નહીં તો પાપડી ભેગી અમારા જેવી ઇયળોય બફાઇ જશે.’’ ઝીંગુરને વાત સમજાઇ. એને પસ્તાવો થવા લાગ્યો. એ બુદ્ધુને ઘેર જવા ઇચ્છતો ન હતો. પણ આખરે મજબૂર થઇ જવું પડ્યું એને.
માગશરના દિવસો હતા. ઝાકળ અને ધુમ્મસ પડતાં હતાં સવારે. ચારે બાજુ અંધકાર છવાયેલો હતો. જરાક મોડી રાતે એ ખેતરમાં જવા નીકળ્યો ત્યાં દૂરથી જ એણે ખેતરમાં દવ લાગતો જોયો. શેરડીમાંથી ભડકા ઊઠતા હતા. એનું હૈયું ઝાલ્યું ના રહ્યું. આખું ખેતર ભડકે, બળતું હતું.
ઝીંગુરે રાડો પાડવા માંડી. ગામનું લોક ભેગું થઇ ગયું. બધા ખેતર ભણી દોડ્યા. તુવેરના છોડ ઉપાડી ઉપાડી આગહોલવવા મથતા હતા બધા. આગ કાબૂમાં આવી નહીં. બધું બળીને ભસ્મ થઇ ગયું. આસપારનાં ખેતરો પણ આગની જ્વાળાઓમાં લપેટાઇ ગયાં હતાં. એક પહોર સુધી હાહાકાર મચી ગયો.
આગ કોણે લગાડી હતી એ તો સૌ જાણતા હતા. પણ કોઇના
કહેવાની હિંમત ચાલી નહીં, કોઇની પાસે કશી સાબિતિ ન હતી. સાબિતિ
વગરની વાતનો કશો અર્થ પણ ન હતો. ઝીંગુરને હવે ઘરમાંથી બહાર
નીકળવું ભારે પડી ગયું હતું. એ જ્યાં જતો ત્યાં લોકો મેણાં મારતા હતા.
લોકો કહેતા હતા - ‘‘તારાં કાળાં ક્રતૂતોનું આ પરિણામ છે. તેં જ બધાંનું
સત્યાનાશ વાળી નાખ્યું. તું તો મર્યો પણ આખા ગામનેય મારી નાખ્યું.
બુદ્ધુને હેરાન ના કર્યો હોત તો આજે આવી દશા ના થઇ હોત!’’
ઝીંગુર તો લોકોના મેણાંના મારથી જ જાણે મરી ગયો. આખો
દિવસ ઘરમાં જ ભરાઇ રહેતો. પોષ મહિનો આવ્યો. જ્યાં આખી રાત
ગોળનાં કોલું ચાલતાં હતાં ત્યાં નિસ્તબ્ધતા છવાઇ ગઇ હતી. ઠંડીના માર્યા
લોકો સાંજથી જ ઘરમાં ભરાઇ રહેતા હતા. અને ઝીંગુરને મનમાં ને મનમાં
ગાળો દેતા હતા. માગશર મહિનો એથીયે વધારે કાષ્ટકર બની રહ્યો.
શેરડી તો ખેડૂતની જીવનદાતા હતી. એનાથી ખેડૂતોની ટાઢ ઊડતી.
લોકો ગરમ ગરમ રસ પીતા. શેરડીનાં પાન બાળી ટાઢ ઊડાડતા. એના કૂચા
ઢોરને ખવડાવતા. ઘાસચારાના અભાવથી ગામનાં ઢોર મરવા પડ્યાં. આ
બધા માટે લોકો ઝીંગુરને દોષિત માનવા લાગ્યા.
ઝીંગુરે વેર વાળવાનો પાકો નિશ્ચય કર્યો. એણે વિચાર્યું - ‘‘હું પણ
એનો સર્વનાશ કરીને જ ઝંપીશ.’’
હવે બુદ્ધુએ આ તરફ આવવાનું છોડી દીધું હતું. ઝીંગુરે બુદ્ધુ સાથે
મનમેળ રાખવાનું શરૂ કર્યું. પોતાને બુદ્ધુ ઉપર કોઇ જ દ્વેષ નથી એવું તો
બતાવવા માગતો હતો. એ એક દિવસ કામળો લેવાના બહાને એની પાસે
ગયો. બીજે દિવસે એક દૂધ લેવાના બહાને ગયો. બુદ્ધુ એને ઠીકઠીક આદર
આપવા લાગ્યો. એ ઝીંગુરને દૂધ પીવડાવ્યા વિના આવવા દેતો નહીં.
ઝીંગુર આજકાલ શણના કારખાનામાં મજૂરી કરવા જતો હતો.
એને મજૂરી એકસામટી મળતી. બુદ્ધુને કારણે ઝીંગુરનું રોજનું ખર્ચ નીકળતું.
આથી ઝીંગુરે બુદ્ધુ સાથેનો વહેવાર ઘનિષ્ટ કર્યો હતો. એકવાર બુદ્ધુએ પૂછ્યું
- ‘‘ઝીંગુર! તમારી શેરડીમાં દેવતા મેલનાર. હાય આવે તો શું કરો સાચું
કહેજો?’’
‘‘હું તો કહું કે તેં જે કર્યું છે તે સારું જ કર્યું છે. મારું અભિમાન
ઓગાળી દીધું.’’
‘‘અરે! હું જો તમારી જગાએ હોઉં તો એનું ઘર બાળ્યા વગર ના
રહું.’’
‘‘ભઇ, આ ચાંદરણા જેવી જિંદગીમાં દુશ્માનવટ વધારવાથી શો
લાભ?’’
‘‘બસ, હવે સાચું બોલ્યા તમે! પણ ભાઇ, ગુસ્સામાં માણસ બધુંય
ભૂલી જાય છે.’’
ફાગણ મહિનો આવ્યો. ખેડૂતો શેરડી વાવવા ખેતરો તૈયાર કરતા
હતા. બુદ્ધુને ઘેર ખેડુતોનો તડાકો પડ્યો હતો. બધા ખેતરો ખતરાવવા આતુર
હતા. સૌ કોઇ બુદ્ધુની ખુશામત કરતા. પણ રવાનો ભાવ એણે બમણો કરી
દીધો. કોઇ જીવ બાળતું તો તરત એ સંભળાવતો - ‘‘ભાઇ! ઘેટાં બકરાં
તમારે ગળે તો નથી બાંધી જતો ને પરાણે! ના પોષાય તો ના બેસાડશો.
પણ એક પાઇ ઓછી નઇં થાય મારાથી. પણ લોકોને ગરજ હતી. તેની વાત
માન્યા વગર છૂટકો ન હતો.’’
બુદ્ધુના ઘર ઉપર લક્ષ્મીની કૃપા વરસી. હવે તેણે નવું ઘર
બનાવડાવ્યું. ખેડૂતોએ એને લાકડું, વાંસ, પથ્થર વગેરેની મદદ કરી. લગભગ
મફતમાં જ આખું ઘર તૈયાર થઇ ગયું. બુદ્ધુએ વાસ્તુની તૈયારીઓ કરવા
માંડી.
ઝીંગુર આખો દિવસ વૈતરું કરતો ત્યારે માંડ માંડ પેટ ભરાય
એટલું રળી લેતો. જ્યારે બુદ્ધુને ઘેર લક્ષ્મીની છોળો ઊડતી હતી. ઝીંગુર તો
જોઇને બળીને ખાક થઇ જતો હતો. એનાથી આ ભારોભાર અન્યાય સહન
થઇ શક્યો નહીં.
ફરતો ફરતો એ એકવાર ચમારોની વસ્તીમાં પહોંચ્યો. એણે
હરિહરને બૂમ પાડી. હરિહરે આવીને એને રામરામ કર્યા અને ચલમભરી
બંન્ને ચલમ ફૂંકવા લાગ્યા. એ ચમારાનો મુખી ઘણો દુષ્ટ માણસ હતો. બધા
ખેડૂતો એનાથી થરથર ધ્રુજતા હતા.
ઝીંગુરે ચલમ પીતાં પીતાં કહ્યું - ‘‘આજ કાલ ફાગ બાગ નથી
થતો કે શું? કશું સંભળાતું નથી ને?
‘‘પેટની વેઠમાંથી ટેમ જ ક્યાં મળે છે. તે ફાગ ગઇએ? કહો,
કેવુંક ચાલે છે તમારે?’’
‘‘મારી તો વાત જ ના પૂછો. સાડાસાતી બેઠી છે લોઢાને પાયે.
આખો દિવસ પરસેવો પાડું ત્યારે સાંજે માંડ માંડ ઘેર ચૂલો સળગે છે.
આજકાલ તો ઘેટાંય લીધાં વધારે. વાસ્તુપૂજાની તૈયારી ઓ ચાલે છે હમણાં
તો!’’
હરિહરે કહ્યું - ‘‘પૈસો આવે છે એટલે માણસને ઘમંડ આવી જાય
છે. ધરતી માથે જાણે એના પગ જ ટકતા નથી.’’
‘‘આ ગામમાં બુદ્ધુની હોડબકે એવો એક પણ માણસ દેખાય છે
તમને? પણ યાર, આવી હડહડતી અનીતિ જોઇ જતી નથી. ભગવાન પૈસો
આલે તો જરા હેઠા નમીને હેંડવું જોઇએ. એની વાતો સાંભળું છું ને સળગી
જાઉં છું હું તો! કાલનો ભિખારી આજે શેઠ થઇને અક્કડ બની ગયો છે. ગઇ
કાલે તો લંગોટી મારી ને ખેતરમાં ભટકતો હતો, ને આજે તો એના નામના
દીવા સળગે છે.’’
‘‘કહેતો હોય તો કઇંક પેરવી કરું?’’
‘‘શું કરશો. આ બીકે જ એ ગાય ભેંશ પાળતો નથી.’’
‘‘ઘેટાં બકરાં તો છે ને?’’
‘‘પાડો વાઢીએ ત્યારે પૂડું હાથ આવે એના જેવો ઘાટ થાય!’’
‘‘તો તમે વિચારી કાઢો.’’
‘‘એવી તરકીબ વિચારો કે પછી જરાય આઘો પાછો ના થાય.’’
પછી કાનાફૂસી થતી રહી. એ એક રહસ્ય છે કે ભલાઇમાં જેટલો
દ્વેષ હોય છે એટલો જ બુરાઇમાં પ્રેમ હોય છે. વિદ્વાન વિદ્વાનને જોઇને. સંત
સંતને જોઇને, કલાકાર કલાકારને જોઇને અને કવિ કવિને જોઇને અદેખાઇ
કરે છે. પણ, શરાબી શરાબીને જોઇને, જુગારી જુગારીને જોઇને અને ચોરા
બીજા ચોરને જોઇને ખૂબ હરખાય છે. તેઓ મુશેકેલીના સમયમાં એકબીજાને
મદદ કરે છે. ખરાબ માણસોમાં પરસ્પર પ્રેમ હોય છે. આખી દુનિયા
ભલાઇનાં ગુણગાન ગાય છે તેથી જ ભલા માણસોમાં પરસ્પર વિરોધ હોય
છે.
ઝીંગુર અને હરિહરે મસલત કરી, કપટ કરવાની યોજના ઘડી.
તેનો સમય, સ્વરૂપ અને ક્રમ નક્કી થયાં.
બીજે દિવસે કામ પર જતા પહેલાં ઝીંગુર બુદ્ધુને ઘેર ગયો. એને
જોઇને બુદ્ધુએ પૂછ્યું - ‘‘કેમ, આજે કામ પર ગયા નથી કે શું?’’
‘‘આ હેંડ્યો, તમને કહેવા આવ્યો છું કે મારી વાછડીને તમારાં
જાનવરો સાથે ચરાવવા લઇ જજો જરા. કેટલાય દા’ડાથી લીલું તરણુંય
ભાળ્યું નથી. ભૂખે મરવા બેઠી છે.’’
‘‘ભાઇ હું ગાયો ભેંશો નથી રાખતો. ચમારો તો ઢોરના દુશ્મન
હોય છે. આ હરિહરે જ મારી એ ગાયો મારી નાખી હતી. કોણ જાણે શું
ખવડાવે છે? તે દા’ડાથી જ મેં કાનની બૂટ ઝાલી છે કે ગાય ભેંશ રાખવાં
નહીં. પણ તમારી તો એક વાછડી જ છે ને! મરવા પડે ત્યારે મેલી જજો.’’
બુદ્ધુએ વાસ્તુની સામગ્રી ઝીંગુરને દેખાડી. ઘી, ખાંડ, મેંદો,
મસાલો, શાકભાજી બધું તૈયાર હતું. સત્યનારાયણની કથા જ બાકી હતી
માત્ર ઝીંગુરની આંખો ઊઘડી ગઇ. એ મનમાં ને મનમાં બળતો ત્યાંથી
ચાલ્યો ગયો. એ મજૂરીમાંથી પાછો ફર્યો કે તરત જ એણે જ વાછડીને બુદ્ધુને
ઘેર પહોંચાડી દીધી. એ રાતે જ બુદ્ધુને ઘેર સત્યનારાયણની કથા થઇ.
બ્રહ્મભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બુદ્ધુ બ્રાહ્મણોના આદર
સત્કારમાંથી નવરો પડ્યો નહીં. સવારે એ ઊઠ્યો છે તરત કોઇકે ખબર કરી
કે ઘેટાં બકરાંની વચ્ચે ઝીંગુરની વાછડી મરવા પડી હતી.
બુદ્ધુને ભારે આઘાત લાગ્યો. ઝીંગુર પણ ત્યાં જ હાજર હતો. એણે
કલ્પાંત કરતાં કહ્યું - ‘‘હાય રે...મારી વાછડી મરી ગઇ!’’ અને એ મરેલી
વાછડી પાસે દોડી ગયો. પાછળ બુદ્ધુ પણ ગયો.
ઝીંગુરે કહ્યું - ‘‘અરેરે! મેં તો એને ગાળિયું ય બાંદ્યું ન’તું! એના
ગળામાં આ આવ્યું શી રીતે? હું તો એને તમારાં ઘેટાં બકરાંમાં છુટ્ટી મૂકી હેંડતો
થયો’તો. તમે એને ગાળિયું કે વારે ઘાલ્યું’તું?’’
‘‘ભગવાનના સમ જો મેં એને કશુંય બાંધ્યું હોય તો! હું તો આ
ધમાલમાં હાડા ભણી ગયો જ નથી.’’
‘‘તમે ના ગયા હોતો એને ગાળિયું બાંધે કોણ? ગયા હશો તમે.
ભૂલી ગયા હશો!’’
એક બ્રાહ્મણે કહ્યું - ‘‘પણ વાછડી મરી છે તો ઘેંટાના વાડામાં ને?
લોકો તો એમ જ માનવાના, ભઇ! પછી એના ગળે ગાળિયું ગમે તેનું હોય!’’
હરિહરે કહ્યું - ‘‘સાંજે જ એને વાડામાં વાછડી બાંધતો જોયો હતો.’’
બુદ્ધુએ નવાઇ પામતાં કહ્યું - ‘‘મને?’’
‘‘કેમ? તમે ખભે ડાંગ મેલી વાછડી નતા બાંધતા? ભૂલી ગયા?’’
‘‘કેવી વાત કરે છે તું? તેં મને વાછડી બાંધતાં જોયો હતો?’’
હરિહરે કહ્યું - ‘‘તે મને શું કરવા તતડાવો છો? તમે ના બાંધ્યું હોય
તો નહીં.’’
બ્રાહ્મણે કહ્યું - ‘‘એ નક્કી કરવું પડશે. ગૌહત્યાનું પ્રાયશ્ચિત કરવું
પડશે. આ તે કઇ ઠઠ્ઠા મશ્કરી કરવા જેવી વાત છે?’’
ઝીંગુરે કહ્યું - ‘‘મહારાજ! જવા દ્યો ને એ વાત! જાણી જોઇને તો
ગળે ગાળિયું નઇ ઘાલ્યું હોય ને!’’
‘‘એથી શું? ગાળિયું ઘાલ્યું હોય કે ના ઘાલ્યું હોય! પણ ગાય મરી છે
તો બુદ્ધુના વાડામાં જ ને?’’
ઝીંગુરે ધીમે રહીને કહ્યું - ‘‘હા, ગાય વાછડાં છોડવાં બાંધવાં એ
જોખમનું કામ તો છે જ!’’
‘‘શાસ્ત્રમાં ગૌહત્યાનું પાપ મહાપાપ કહેવાયું છે. ગાયની હત્યા
બ્રહ્મહત્યાથી ઉતરતી ના ગણાય.’’
‘‘ખરી વાત મહારાજ! આખરે ગાય તે ગાય. એટલે તો એ ગાય
માતા કહેવાય છે. એમ કરો મહારાજ! સસ્તામાં પતે એવું કરો. બિચારો
માર્યો ના જાય.’’
બુદ્ધુતો હતપ્રભ બની ઊભો હતો. એને માથે પરાણે હત્યાનો દોષ
ઠોકી બેસાડવામાં આવી રહ્યો હતો. એને આમાં ઝીંગુરનું કપટ જણાતું હતું.
પણ હવે લાખવાર કહેવા છતાં મારી વાતને કોઇ સાચી માનવાનું ન હતું.
બ્રાહ્મણ દેવતાનેય પ્રાયશ્ચિતથી લાભ થવાનો હતો. આવી હાથમાં
આવેલી તક જતી કરાય! આખરે બુદ્ધુને માથે ગૌહત્યા ચોટી. આમ તો
બ્રાહ્મણો પણ એનાથી બળતા હતા. ત્રણ માસની ભિક્ષાની સજા થઇ. ઉપરથી
સાત તીર્થસ્થાનોની યાત્રા! ઓછું હોય તેમ પાંચસો બ્રાહ્મણોને જમાડવાનું
અને પાંચ ગાયોનું દાન કરવાનું નક્કી થયું. બુદ્ધુના તો હોશકોશ ઊડી ગયા.
એ તો કાકલુદી કરવા લાગ્યો. ભિક્ષાની સજામાં ઘટાડો કરી બે માસ કરી
દેવામાં આવ્યા. એ સિવાય બીજી કોઇ છૂટછાટ મૂકવામાં આવી નહીં. બુદ્ધુની
કોઇ અપીલ દલીલ ચાલી નહીં. એનો એ શિક્ષા સ્વીકાર્યે છૂટકો થયો.
બુદ્ધુએ ઘેટાં બકરાં ઇશ્વરને ભરોસો સોંપ્યો. છોકરા નાના હતા.
પત્ની એકલી શું શું કરી શકે? એ ઘેર ઘેર ભિક્ષા માટે ફરતો, ભિક્ષા તો એને
મળતી પણ ભિક્ષાની સાથે સાથે તિરસ્કારભર્યાં મ્હેણાંય સાંભળવાં પડતાં.
દિવસે ભિક્ષામાં જે મળતું તે સાંજે રાંધીને ખાઇ લેતો અને ત્યાં જ કોઇ ઝાડ
નીચે પડી રહેતો. ભિક્ષા માગવા કરતાં લોકોનાં મેણાં એને કઠતાં હતાં. પણ
કોઇ ઉપાય ન હતો.
બે મહિના પછી એ ઘેર પાછો ફર્યો. દાઢી વાળી વધી ગયાં હતાં.
દુર્બળ થઇ ગયો હતો. હવે તીર્થયાત્રા માટે પૈસાની વ્યવસ્થા કરવાની હતા.
ઘેટાં બકરાં પર તો કયો મહાજન પૈસા ધીરે! ઘેટાં બકરાંનો શો ભરોસો? કાં
તો એક રાતમાં જ સોથ વળી જાય! વળી આ તો જેઠ મહિનો હતો. ઘેટાં
બકરાંમાંથી કશી ઉપજ જ મળે એમ ન હતી. એક ઘાંચી રાજી થયો પણ
રૂપિયે બે આના વ્યાજ ગણવા કહેતો હતો. આઠ મહિનામાં તો વ્યાજ મૂડી
જેટલું થઇ જાય. એનો પૈસા લેવાની જીગર ના ચાલી. બે મહિનામાં તો એનાં
કેટલાંય જાનવરો ચોરાઇ ગયાં હતાં. કોઇ રસ્તો ન હતો. આખરે એણે
લાચાર થઇને એક કસાઇને પાંચસો રૂપિયામાં એનું બધું ધન વેચી દીધું.
એમાંથી એ બસો રૂપિયા લઇ જાત્રા કરવા ચાલ્યો હતો. બાકીના રૂપિયા
બ્રહ્મભોજન અને ગૌદાન માટે રાખ્યા.
બુદ્ધુના ગયા પછી એને ઘેરે બે વાર ચોરી થઇ. પણ સદ્ભાગ્યે
રૂપિયા બચી ગયા હતા.
શ્રાવણ મહિનો હતો. ચારેબાજુ હરિયાળી છવાઇ હતી. ઝીંગુરને
બળદો તો હતા નહીં પોતાના એણે ખેતરો ભાગે ખેડવા આપી દીધાં હતાં.
બુદ્ધુ પ્રાયશ્ચિતમાંથી પાર ઉતરી ગયો હતો. હવે એનું મન માયામાંથીયે ઊઠી
ગયું હતું. ઝીંગુરની પાસે કશું બન્યું ન હતું કે ન હતું બચ્યું કશું બુદ્ધુની પાસે
હવે કોઇ કોની ઉપર અદેખાઇ કરે?
શણનું કારખાનું બંધ થઇ ગયું હતું. ઝીંગુર હવે માટીકામ કરી
પેટિયું રળતો હતો. શહેરમાં એક ધર્મશાળા બંધાતી હતી. સેંકડો મજૂરો કામ
કરતા હતા. ઝીંગુર પણ ત્યાં કામ કરતો હતો. દર સાતમા દિવસે એ રોજી
લઇ ઘેર આવતો અને રાત રહીને બીજે દિવસે પાછો કામ પર ચાલ્યો જતો.
બુદ્ધુ પણ કામ શોધતો શોધતો ત્યાં જઇ પહોંચ્યો. દેહ તો એનો
દુર્બળ હતો. છતાં ગારો બનાવવા એને રાખી લેવાયો. એણે અહીં ઝીંગુરને
કામ કરતો જોયો. બંન્નેએ એકબીજાને રામરામ કર્યા. ઝીંગુરે ગારો તગારામાં
ભરીને બુદ્ધુને માથે તગારું ચઢાવ્યું. આખો દિવસ બેય જણા બોલ્યા ચાલ્યા
વગર કામ કરતા રહ્યા.
સાંજના સમયે ઝીંગુરે પૂછ્યું - ‘‘કશું રાધવું તો પડશે ને?’’
‘‘હાસ્તો, નહીં તો શું ખઇશ?’’ બુદ્ધુએ જવાબ આપ્યો.
‘‘હું તો એક ટંક ચાવણું, ફાકી લઉં છું. સાંજે તો સત્તુ ખાઇ લઉં
છું. કોણ લમણાઝીંક કરે?’’
બુદ્ધુએ કહ્યું - ‘‘જાવ, તમે થોડાં લાકડાં એકઠાં કરી લાવો. હું લોટ
તો લેતો આયો છું ઘેરથી. હું લોટ બાંધું છું તમે મારા ઘડેલા રોટલા તો પાછા
ખાશો નહીં, એટલે તમે જ શેકી કાઢજો રોટલા. ને આપણે બેય ખાઇશું.’’
પણ તવો તો છે નઇ!
‘‘અરે આ શું રહ્યો તોવો!’’ કહીએ ગારનું તગારું ધોઇ લાવ્યો.
ઝીંગુરે કાચા પાકા રોટલા ઘડ્યા. વાટેલાં મરચા જોડે બંન્નેએ
રોટલા ખાધા. પછી ચલમ ભરી. બંન્ને જણા પથ્થરની શિલાઓ ઉપર પડ્યા
પડ્યા ચલમ ફૂંકવા લાગ્યા.
બુદ્ધુએ કહ્યું - ‘‘તમારી શેરડીમાં મેં દેવતા ચાંપ્યો હતો. ઝીંગુર!’’
‘‘જાણું છું હું એ વાત.’’
થોડીવાર પછી ઝીંગુરે કહ્યું - ‘‘અમે તારા વાડામાં વાછડી મેં જ
બાંધી હતી. હરિહરે એને કશુંક ખવડાવી દીધું હતું.’’
બુદ્ધુએ કહ્યું - ‘‘હું પણ એ જાણું છું.’’
અને પછી અક્ષરેય બોલ્યા વગર બંન્ને જણા સૂઇ ગયા.
***