પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 2 Munshi Premchand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 2

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(2)

રસિક સંપાદક

‘નવરસ’ ના સંપાદક પં. ચોખેલાલનાં ધર્મ પત્નીના અવસાન

બાદ એમને સ્ત્રીઓ પ્રત્યે સવિશેષ લાગણી થવા માંડી છે. એમનામાં

રસિકતાની માત્રા પણ વધી ગઇ છે. પુરુષ લેખકોના સારા લેખો પસ્તીમાં

જતા પણ સ્ત્રી લેખિકાઓના ગમે તેવા લેખ એ તરત જ સ્વીકારી લેતા. એટલું

જ નહીં. લેખના સ્વીકૃતિપત્ર સાથે એ પ્રસંશાનાં થોડાં વાક્યોય લખી નાખતા

કે - ‘‘આપનો લેખ વાંચીને હૈયું ગદ્‌ગદિત થઇ જાય છે. ભૂતકાળ આંખો

સમક્ષ સજીવ બને છે. આપની લાગણીઓ તો સાહિત્યસાગરનાં અણમોલ

રત્નો છે. અને આપની કવિતાઓ તો જાણે હૃદયવીણાના સૂરો!’’ પ્રસંશાની

સાથે મુલાકાતની અભિલાષા અભિવ્યક્ત કરવામાં આવતી હતી. - ‘‘આપ

આ તરફ આવવાનાં હો તો મને મળવાનું રાખશો જ. આવી કવિતાસૃષ્ટિની

નિર્માત્રીનાં દર્શન માટે ઝંખી રહ્યો છું હું.’’

લેખિકાઓ આવા ભાવમય પત્રો પામીને આનંદથી ઝૂમી ઉઠતી

હતી. જે લખો કમનસીબ ભિખારીઓની જેમ, પત્ર પત્રિકાઓનાં દ્વાર

ખટખટાવી નિરાશ થઇ પાછા આવતા હતા એમનો એવો આદર! લેખના

સદ્‌ગુણોનો પારખું સંપાદક કદાચ પ્રથમવાર જ જન્મ્યો હતો. બાકી બધા તો

અભિમાની હતા. જાણે એમની આગળ અન્યની કોઇ વિસાત ન હતી! આ

પણ સંપાદક હતા અને તે પણ જગવિખ્યાત પત્ર ‘નવરસ’ના. ‘નવરસ’

તમામ પત્રોમાં શિરમોર ગણાતું.

‘નવરસ’ના ગ્રાહકો ઝડપભેર વધવા લાગ્યા. અભિનંદન પત્રોનો

તો ધોધ વરસતો હતો જાણે! લેખિકાઓમાં ચોખેલાલજીની પૂજા થવા લાગી.

હવે જાત જાતના સમાચારો અને આમંત્રણના પત્રોનો ખડકલો થવા લાગ્યો.

કોઇક લેખિકા આશીર્વાદ માગતી, કોઇક ઘરના પ્રશ્નોમાં સલાહ માગતી તો

કોઇ વળી આશ્વાસનના બે શબ્દોની અપેક્ષા રાખતી. મહિનામાં પાંચ દસ સ્ત્રી

લેખિકાઓ એમને અચૂક મળવા આવતી. સંપાદકજી તો એમના આગમનના

સમાચાર મળતાં જ સ્ટેશન પર સામે તેડવા જતા. આગ્રહ કરીને આવેલ

અતિથિને રાત રોકાઇ જવા જણાવતા. એમની સારી પરોણાગત કરતા.

મહિલાઓ એમના સદ્‌ભાવ ઉપર વારી જતી.

શર્માજીને કેટલીયે સ્ત્રી લેખિકાઓ સાથે ઘરોબો બંધાઇ ગયો હતો.

પણ કશું ચોક્કસ કહેવું મુશ્કેલ છે. એટલું જ કહી શકીએ કે સ્ત્રીઓ એકવાર

અહીં આવતી તે શર્માજીની અનન્ય ભક્ત બની જતી. બિચારો સાહિત્યની

ઝૂંપડીનો સંન્યાસી છે. વિધુર જીવનની નિરાશાઓને અંતઃસ્તલમાં સંઘરી

રાખીને મૂંગી વેદનામાં પ્રેમ અને માધુર્યનું રસપાન કરી રહ્યો છે.

બીજી તરફ સંપાદકજીના જીવનની દ્રષ્ટિઓની પરિપૂર્તિ કરવી

સ્ત્રીઓએ તેમનો ધર્મ માન્યો હતો. કોઇ લેખિકા પારસલથી અથાણું મોકલતી

તો કોઇ લાડુ. એકે મહિલાએ હાથે વણેલું પૂજા માટેનું ઊનનું આસન

મોકલાવ્યું હતું. એક સ્ત્રી લેખિકા તો મહિનામાં એકવાર આવીને તેમનાં કપડાં

સાફ સૂફ કરી આપતી હતી. બીજી મહિનામાં ત્રણ ચાર વાર આવી એમને

સારી સારી વાનગી બનાવી જમાડતી. હવે તેઓ કોઇ એકના ના રહેતાં

સૌના થઇ ગયા હતા. સ્ત્રીઓ પાસેથી એમણે શ્રદ્ધા પૂર્ણ સહાનુભૂતિનો

આનંદ પ્રાપ્ત કર્યો હતો.

એકવાર એક સ્ત્રી કવયિત્રી તરફથી સંપાદકજીને એવી કવિતા પ્રાપ્ત

થઇ કે જેમાં ઉગ્ર પ્રેમનું એની ક્વયિત્રીએ દર્શન કરાવ્યું હતું. અન્ય

સંપાદકોની નજરે અશ્લીલ ગણાતું લખાણ ચોખેલાલના મને આદરણીય

જણાયું. કવિતા એટલા સુંદર અને સુડોળ અક્ષરોમાં લખેલી હતી તથા

લેખિકાનું નામ એટલું મોહક હતું કે સંપાદકના માનસપટ પર એક સુમધુર

કલ્પનાચિત્ર ખડું થઇ ગયું.

લાગણીશીલ સ્વભાવ, ઊર્મિશીલ હૃદય, કોમળ દેહલાલિત્ય,

આતુર નયનો, તરસતું ચાંચલ્ય! આ અતિ સુંદર કલ્પનાચિત્રનો અનુભવ

કરતાં કરતાં એમણે બે ત્રણવાર વાંચી પ્રત્યેક વાંચન વખતે મનમાં

ઉથલપાથલ મચાવી ગઇ.

કરી મુજ ત્યાગ તમે ચાલ્યા જશો?

ચાલ્યું જવાશે?

હું વળગી જઇશ તવ ગ્રીવાએ;

હું કરપાશ કરીશ કમરે તારી;

હું પગ પકડી રોકીશ તુજને;

એ પર ધારીશ શિર મારું.

કરી મુજ ત્યાગ તમે ચાલ્યા જશો?

ચાલ્યું જવાશે?

તુજ હોઠો પર ચીપકાવી દઇશ;

મુજ કોમલ પ્રેમોન્મત્ત બની;

કરી પાન સુધારસ માદકનું

થઇ જશે મસ્ત ઉન્મત્ત જ તું.

ને ભાન ભૂલી મારા ચરણો પર;

મસ્તક ધરશે તું દાસ થઇ.

કરી મુજ ત્યાગ તમે ચાલ્યા જશો?

ચાલ્યું જવાશે?

-‘કામાક્ષી’

શર્માજી વાંચતા અને રસમગ્ન થઇ જતા. એજ ક્ષણે એમણે

કામાક્ષી દેવીને નામે પત્ર લખ્યો.

‘‘આપની કવિતા વાંચી ચિત્ત ચગડોળે ચકરાવે ચઢી ગયું. હૃદયમાં

જાગેલી તૃષ્ણા મને બાળીને ભસ્મ કરી નાખે છે. શી રીતે એને શાંત કરું?

જ્યાંથી આ તૃષ્ણા પ્રાપ્ત થઇ છે ત્યાંથી જ એને તૃપ્ત કરનારી શીતળતા પ્રાપ્ત

થશે એવી આશા રાખું છું. જે હૃદયમાંથી આ ભાવ આર્વિભાવ પામ્યા છે

એમાં પ્રેમનો કેટલો અક્ષય ભંડાર છે. એ પ્રેમને માટે સર્વસ્વ સમર્પણ કરી

દેવા મન પ્રમત્ત બની ગયું છે. સાચું કહું છું મારા વિધુર મનમાં આંધી

જગાડનારી, મારી ચિત્તતંત્રીને રણઝણાવનારી આવી મધુર કવિતા મેં આજ

સુધી વાંચી સાંભળી નથી. આપે એક ગરીબની ઘાસની ઝૂંપડીને આગ ચાંપી

છે. પણ મારું મન એ સ્વીકારવા તૈયાર નથી કે એ માત્ર વિનોદ ક્રીડા હશે!

જેણે સાચી વેદના સહી હોય એવા હૃદયનું પ્રતિબિંબ આ શબ્દોમાં મને

મૂર્તિમંત થતું જણાય છે. જો આપનાં દર્શનનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થશે તો હું

મારી જાતને ધન્ય સમજીશ. મારી આ કુટિયા અનુરાગની ભેટ લઇ આપનું

સ્વાગત કરવા તડપી રહ્યું છે.’’

ત્રીજે દિવસે પ્રત્યુત્તર મળ્યો. જેમાં કામાક્ષીદેવીએ ભાવનાપૂર્ણ

શબ્દોમાં કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. વળી આગમનની તિથિ પણ જણાવી

હતી.

આજે કામાક્ષીદેવીના શુભાગમનનો દિવસ છે.

શર્માજીએ ઊઠતાંવેંત હજામત બનાવડાવી. સાબુ અને બેસનથી

સ્નાન કર્યું. ખાદીનું ઝીણું ધોતિયું, ચમકતો કુર્તો મલાઇ રંગની ચાદર ઓઢી

ઠાઠમાઠ કરી ઓફિસમાં બેઠા. આખી ઓફિસ ઝળાહળાં થઇ ગઇ.

કાર્યાલયને વાળીઝૂડીને સાફ કરાવ્યું. ઓરડામાં ફૂલનાં કૂંડાં ગોઠવી દેવામાં

આવ્યાં. ટેબલ પર ફૂલદાનીઓ સજાવી દેવામાં આવી. ગાડી નવ વાગે

આવવાની હતી. હજુ સાડા આઠ વાગ્યા હતા. નૌ વાગ્યા સુધીમાં એ અહીં

આવી જશે. કોઇ કામમાં જીવ લાગતો નથી. વારંવાર એ ઘડિયાળ સામે તાકે

છે. પછી દર્પણમાં ચહેરો જોઇ ઓરડામાં આમ તેમ આંટા મારે છે. મૂછોમાં

એક બે ધોળા વાળ દેખાયેલા એ વાળને ચૂંટી લેવાનું આ સમયે કોઇ સાધન

ન હતું.

બરાબર સાડા નવ વાગે નોકરે આવીને ચોખેલાલના હાથમાં એક

કાર્ડ મૂક્યું ઉપર લખ્યું હતું - ‘‘કામાક્ષી’’

શર્માજીએ કામાક્ષીદેવીને અંદર લાવવાની અનુમતી આપી. ફરી

એકવાર આયનામાં ચહેરો જોઇ લીધો. પછી એક દળદાર, પુસ્તક લઇ

વાંચવા લાગ્યાં. થોડીવારમાં આગંતુકા ઓરડામાં આવી પહોંચી. શર્માજીને

એના આવવાની ખબર પણ ના પડી.

કામાક્ષી છેક પાસે આવી ત્યારે જ શર્માજીની વિચાર સમાધિ તૂટી

જાણે! એમણે એકદમ ઊઠીને સ્વાગત કર્યું. પણ એમણે કામાક્ષીની જે કલ્પના

કરી હતી તે આ સ્ત્રી નહોતી.

આવનાર એક કાળી, ચંચળ અને આધેડ ઉંમરની સ્ત્રી હતી.

શર્માજીનો તમામ ઉત્સાહ, તમામ અનુરાગ બરફ જેવો ઠંડો થઇ ગયો.

મહિનાઓથી ખાધેલી કલ્પનાની મિઠાઇઓ પેટમાં પીડા કરવા લાગી. એ મૂઢ

જેવા થઇ ગયા. માત્ર એટલું જ બોલી શક્યા - ‘‘સંપાદકોનું જીવન

પશુઓના જીવન જેવું હોય છે. જરાય સમય ના મળે. કામના બોજાને લીધે

મારું સ્વાસ્થ્ય પણ સારું રહેતું નથી. રાતથી મારું માંથું દુઃખે છે. આપની શી

ખિદમત કરું?

કામાક્ષીદેવીના હાથમાં એક મોટું કાગળનું બંડલ હતું. ટેબલ ઉપર

લગભગ નાખતાં જ કોમળ અવાજે કહ્યું - ‘‘અરે, બહુ માઠા સમાચાર! હું

તો મારી સખીને મળવા જતી હતી. આપનાં દર્શન કરવાની ઇચ્છા થઇ અને

હું ચાલી આવી. પણ હવે આપની ખાતિરદારી માટે અહીં થોડા સમય માટે

રોકાઇ જવું પડશે. આપ અસ્વસ્થ હો અને હું ચાલી જાઉં એ ઠીક ન લાગે!

સંપાદન કાર્યમાં પણ હું મદદ કરીશ. આપની તંદુરસ્તી સ્ત્રી જાતિ માટે ખૂબ

ઉપયોગી છે. આપને આવી દશામાં છોડીને હું નથી જઇ શકતી.’’

શર્માજીનું લોહી જ જાણે થીજી ગયું. નાડી ધબકારા ચૂકી ગઇ. આ

ચુડેલની સાથે રહીને જીવન નરક બની જાય. મોટી કવિતા કરનારી ના જોઇ

હોય તો! કવિતાય નરી અશ્લીલતાથી ભરેલી! તદ્દન ગંદી! નાળાના ગંદા

કીચડ જેવી! એને આવી કવિતા કરવાનો અધિકાર પણ શો છે? એના કરતાં

તો ખૂણામાં બેસીને રામભજન કરતી હોય તો સારું. પાછી પૂછે છે - ‘‘મારો ત્યાગ

કરીને તમે ચાલ્યા જશો?’’ હું તો કહું છું કે તારી પાસે આવવા જ કોણ નવરું છે?

કવિતામાં ય કશો ભલીવાર ના મળે! જો તારા ગળામાં કવિતા વસતી હોય તો કાલે

ઊઠીને ગધાડાંય ગાવા માંડશે. એ રાંડને એટલી પણ ખબર નથી કે કવિતા કરવા

માટે રૂપ જોઇએ, યૌવન જોઇએ, નજાકત જોઇએ. ભૂતડી જેવો તો ચહેરો છે તારો.

રાત્રે જોતાં જ પરસેવો છૂટી જાય! ભૂખ્યા હોઇએ તેથી શું કઇં છાણ માટી ખવાય?

પાછી ચૂડેલ થોથું લઇને આવી છે. એમાંય ભરી હશે નરી ગંદકી!

એ બંડલ સામે જોઇ બોલ્યા - ‘‘ના, ના એવી ખાસ કોઇ વાત નથી.

નકામી આપે શા માટે તકલિફ ઉઠાવવી. બે ચાર દિવસના આરામ પછી મને સારું

થઇ જશે જ. આપની સખી આપની રાહ જોતી હશે!’’

‘‘અરે, આપ મહાશયને સંકોચ લાગતો હશે. પાંચ દસ દિવસ બાદ હું

જઇશ તોય વાંધો નહીં આવે.’’

‘‘ના, એવી કોઇ ખાસ જરૂર નથી.’’

‘‘આપની સજ્જનતાની શું વાત કરું, મહાશય? આપના જેવી

સૌજન્યશીલતા તો શોધી ના જડે! હું તો નિરાશ થઇ ગઇ હતી. આપે મારી રચનાનો

સ્વીકાર કરીને મને પ્રોત્સાહન આપ્યું છે. એ પ્રોત્સાહનના ફલ સ્વરૂપે જ મેં આટલી

બધી કવિતાઓ રચી નાખી. આપને પસંદ પડે એ રાખી લો આમાંથી. મેં નાટક

લખવાનું પણ શરૂ કર્યું છે. જલ્દીથી આપને મોકલાવી આપીશ. આપની ઇચ્છા હોય

તો મારી બે ચાર રચનાઓ સંભળાવું. આવો મોકો મને ફરી ક્યારે મળશે?’’

કામાક્ષીએ સંમતિની રાહ પણ ના જોઇ. તરત જ બંડલ ખોલીને

કવિતાઓ સંભળાવવા લાગી. શર્માજીને લાગ્યું કે એના માંથે કોઇ ખાસડાં ફટકારતું

હતું. જાણે હજાર ગધેડાં એના કાન પાસે ભૂંકતાં હતાં! કામાક્ષીના અવાજમાં કોયલની

મધુરતા હતી, પણ શર્માજીને એને અવાજ અપ્રિય લાગતો હતો. માથું ભમવા લાગ્યું.

આ ગધેડી અહીંથી જશે કે આમ જ માથું ખાતી બેસી રહેશે? એને મારા

મનોભાવોનું પણ ભાન નથી. એના આ મોંઢે તો મહાદેવી વર્મા કે સુભદ્રાકુમારી

ચૌહાણની કવિતાઓ પણ ધૃણા ઉત્પન્ન કરે.

છેવટે રહેવાયું નહીં. કહ્યું - ‘‘આપ આપની રચનાઓ અહીં

મૂકીને જ જજો. અનુકુળતા મળતાં જ હું વાંચી જઇશ. અત્યારે તો મારે ઘણું કામ છે.’’

કામાક્ષીએ દર્યાદ્ર ચહેરે કહ્યું - ‘‘આપની તબિયત નાદુરસ્ત હોવા છતાં આપ કામમાં આટલા બધા વ્યસ્ત રહો છો? મને તો આપની દયા આવે છે.’’

‘‘આપની ઘણી મહેરબાની.’’

‘‘આપને કાલે અનુકુળતા હશે? હું જરા નાટક વાંચી સંભળાવું?’’

‘‘અફસોસની વાત છે. કાલે હું પ્રયાગ જવાનો છું.’’

‘‘તો હું પણ આવીશ આપની સાથે ગાડીમાં. સંભળાવીશ નાટક.’’

‘‘કઇ ગાડીમાં જવું એ હજુ નક્કી નથી.’’

‘‘આપ ક્યારે પાછા ફરશો?’’

‘‘નક્કી નથી.’’

અને ટેલિફોન પર જઇ કહ્યું - ‘‘હલ્લો, હલ્લો... નંબર ૭૭.’’

કામાક્ષીએ અડધો કલાક રાહ જોઇ. પણ શર્માજી એક સજ્જન સાથે એવી મહત્ત્વની વાતો કરતા હતા કે જેનો અંત આવતો ન હતો.

નિરાશ થઇને કામાક્ષીદેવીએ વિદાય લીધી, ફરી આવવાનો વાયદો કરીને. શર્માજીએ ઊંડો શ્વાસ લઇને પેલા કવિતાના કાગળો પસ્તીની ટોપલીમાં નાખી દીધા. પછી મનોમન કહ્યું - ‘‘ઇશ્વર ના કરે કે ફરી એ ચૂડેલનાં દર્શન થાય. કેટલી બે શરમ છે! આજે એણે મઝા બગાડી નાખી.’’

પછી મેનેજરને બોલાવીને કહ્યું - ‘‘કામાક્ષીની કવિતા લેવાની નથી.’’

‘‘પણ સાહેબ, એનું ફરમું તો મશીન પર ચઢી ગયું છે.’’

‘‘ફરમું ઉતારી નાખો.’’

‘‘ઘણી વાર થશે, સાહેબ.’’

‘‘ભલે થાય. પણ એ કવિતા છાપવાની નથી.’’

***