પ્રેમચંદજીની
શ્રેષ્ઠ વાર્તાઓ
(4)
સાચું દર્શન
વિપિનબાબુ સ્ત્રીને સંસારનું સૌથી સુંદર સર્જન માનતા હતા. એ
કવિ હતા. એમની કવિતાનો મુખ્ય વિષય હતો સ્ત્રી અને સ્ત્રીનું સૌંદર્ય, સ્ત્રીને
એ માધુર્ય સૌંદર્ય અને યૌવનની જીવતી જાગતી પ્રતિમા માનતા. સ્ત્રી શબ્દ
સાંભળતાં જ એમની હૃદયવીણા પુલકિત થઇ ઊઠતી. એમનું મન મલ્હાર
આલાપવા બેસી જતું. પાકી સમજણ આવી ત્યારથી તેમણે કામિનીની
કલ્પના કરવાની શરૂઆત કરી દીધી હતી. એવી કામિની કે જે એમના
હૃદયની રાણી બનશે, એનામાં ઉષાની પ્રફલ્લતા હશે. ફૂલની સુકુમારતા
હશે. સુવર્ણની ચમક હશે, વસંતની માદકતા હશે અને કોયલનો મીઠો ટહુંકાર
હશે. ટૂંકમાં એ કવિ વર્ણિત તમામ ઉપમાઓથી વિભૂષિત હશે. તેઓ એ
કલ્પના મૂર્તિના ઉપાસક હતા. કવિતાઓમાં એના રૂપને કંડારતા,મિત્રોમાં
એના કલ્પિત લાવણ્યની રસિક ચર્ચા કરતા. નિત્ય એનાં સ્વપ્નોમાં નિમગ્ન
રહેતા. એમની કલ્પનાઓ સાકાર થવાનો દિવસ આવી પહોંચ્યો હતો.
કોલેજની વાર્ષિક પરીક્ષા પૂરી થઇ ગઇ હતી અને લગ્નના સંદેશા આવવા
લાગ્યા હતા.
વિવાહ નક્કી થઇ ગયા. વિપિનબાબુનો ઘણો આગ્રહ હતો કે એ
કન્યાને જોઇ લે; પણ જ્યારે તેમના મામાએ વિશ્વાસ પૂર્વક જણાવ્યું કે છોકરી
અત્યંત સ્વરૂપવાન છે ત્યારે તે લગ્ન માટે રાજી થઇ ગયા. ધામધૂમથી જામ
જોડાઇ. લગ્નનું મુહૂર્ત નજીક આવ્યું. નવવધુના શણગાર સજીને કન્યા
માંહયરામાં આવી કે વિપિન બાબુની નજર એના હાથ પગ ઉપર પડી.
દીપશિખાઓ જેવી એની સુંદર આંગળીઓ હતી. અંગોનું લચીલાપણું કેવું
મનોહર હતું! વિપિનબાબુ રાજી રાજી થઇ ગયા. બીજે દિવસે કન્યાને
વિદાય આપવામાં આવી. એ સમયે તેઓ પત્નીના મુખલાવણ્યને નીરખવા
એવા અધીરા થઇ ગયા કે રસ્તામાં ભાઇઓએ પાલખી નીચે ઉતારી ત્યારે
તેઓ પત્નીની પાસે પહોંચી ગયા. તે ઘૂમટો આઘો કરીને, પાલખીનો ---
હટાવી બહાર જોઇ રહી હતી. વિપિનબાબુની નજર પત્ની ઉપર પડી. અને
એમનામાં તિરસ્કાર, ગુસ્સો અને નિરાશાનું ભારે લખલખુ ફરી વળ્યું. એમણે
જે સ્ત્રીની કલ્પના કરી હતી તેવી તે ન હતી. એ તો એક અત્યંત કદરૂપી સ્ત્રી
હતી. રંગ તો ગોરો હતો પણ એ ગોરા રંગમાં સફેદી હતી. વિપિનબાબુનો
ઉત્સાહ ઠંડો પડી ગયો. - ‘‘આહ! એને મારે ગળે જ પડવું હતું? શું મારા
વિના એને આ દુનિયામાં બીજો કોઇ ના મળ્યો?’’ એમને મામા ઉપર ગુસ્સો
ચડ્યો. જો આ વખતે એ મળી જાય તો વિપિનબાબુ એવી ખબર લઇ નાખવા
ઇચ્છતા હતા કે જિંદગી આખી એ મામો યાદ કરે.
વિપિનબાબુને જીવન દોઝખ જેવું લાગવા માંડ્યું. તેઓ મામા
સાથે લડ્યા, સસરાને એક લાંબો કાગળ લખી ધમકાવ્યા. મા બાપ સામે પણ
વિરોધ નોંધાવ્યો. આ બધાથી પણ મનને સંતોષ ના થતાં ઘર છોડી નાસી
જવાનો વિચાર કર્યો. આશા ઉપર એમને દયા અવશ્ય આવતી હતી. એમને
થતું - ‘‘એમાં એ બિચારીનો શો દોષ? એણે જબરજસ્તીથી તો મારી સાથે
લગ્ન નથી કર્યાં ને? પણ આશાને જોતાં એના પ્રત્યે એમના મનમાં જે નફરત
થઇ આવતી હતી તે દયાને દબાવી દેતી હતી. આશા સારામાં સારાં કપડાં
પહેરતી, રોજ નવી નવી રીતે વાળ ઓળતી, કલાકો સુધી દર્પણ સામે ઊભી
રહી શૃંગાર કરતી પણ એ બધું કરવા છતાં વિપિનબાબુને તો એ કઢંગી જ
લાગતી હતી. તે દિલથી ચાહતી હતી કે પતિને પ્રસન્ન કરે, એમની સેવા કરે
પણ વિપિનબાબુતો એનાથી દૂર ને દૂર જ નાસતો ફરતો હતો. એમ કરતાં
કદાચ જો પત્ની ભેટી જાય તો તેઓ એવી આડી અવળી વાતો કરતા કે આશા
ત્યાંથી રડતી રડતી ચાલી જતી.
પણ પરિણામ એ આવ્યું કે એ ચારિત્ર્ય ભ્રષ્ટ થવા લાગ્યા. એ
એમના લગ્નને ભૂલી જવા મથતા હતા. દિવસો સુધી હવે આશાને એનાં
દર્શન પણ થતાં નહીં. એ માત્ર પતિદેવનો અવાજ જ સાંભળી શકતી. મિત્રો
સાથે મઝા કરવા જતા દૂરથી જોઇ રહેતી.’’
એક દિવસ ખાતાં ખાતાં તેણે કહ્યું - ‘‘હવે તો તમે મને મળતાય
નથી ને! શું મારે લીધે ઘર છોડી દેશો?’’
‘‘ઘરની બહાર જ તો રહું છું ને? નોકરીની શોધમાં છું. એટલે
દોડાદોડી વધારે રહે છે.’’
આશાએ કહ્યું - ‘‘કોઇ ડૉક્ટર પાસે મારે ચહેરો સારો કેમ નથી
કરાવડાવી દેતા? મેં સાંભળ્યું છે કે આજકાલ ચહેરો સુંદર બનાવી આપનારા
ડૉક્ટરોય નીકળ્યા છે.’’
‘‘નકામી શું કરવા મને ગુસ્સે કરે છે? તને અહીં કોણે બોલાવી
હતી?’’
‘‘પણ આ રોગની દવા કોણ કરશે?’’
વિપિનબાબુએ કહ્યું - ‘‘આ રોગની કોઇ જ દવા નથઈ. જે કામ
ઇશ્વનથી ના થઇ શક્યું એ માણસથી તે શું થવાનું હતુ?’’
‘‘તે ઇશ્વરની ભૂલથી શિક્ષા મને કરો છો? દુનિયામાં એવો કયો
માણસ છે કે જેને સારો ચહેરો પણ ખરાબ લાગતો હોય, પણ તમે કોઇ
પુરુષને માત્ર કદરૂપા હોવાને લીધે કુંવારો રહેલો જોયો છે? કદરૂપી
છોકરીઓ પણ માબાપને ઘેર બેસી રહેતી નથી. કોઇને કોઇ રીતે એમનો
ગુજારો થઇ રહે છે. એમના પતિ ભલે એમના પર પ્રાણ ન પાથરતા હોય
પણ દૂધમાં પડેલી માખ તો નથી જ સમજતા.’’
વિપિનબાબુએ આવેશમાં આવી કહ્યું -‘‘શા માટે નકામું માથું
ખાય છે.? હું તારી સાથે ચર્ચા કરવા નથી માગતો. મારા હૃદય પર તારી
દલીલોથી કોઇ જ અસર થશે નહીં. હું તને કશુંય કહેતો નથી પછી શા માટે
તું મારી સાથે લમણાઝીંક કરે છે?’’
આશા તો કડવાં વેણ સાંભળી ચાલી ગઇ. એને ખબર પડી ગઇ
હતી કે વિપિનબાબુએ હવે સદાને માટે એનાથી મોં ફેરવી લીધું છે.
વિપિનબાબુતો લહેર કરતા. કોઇક કોઇક વાર રાત્રે રાત્રે ઘર
બહાર રહેતા. આશા આશા નિરાશા વચ્ચે ઝોલાં ખાતી બિમાર પડી ગઇ.
વિપિનબાબુ તો એની સારવાર પણ કરતો નહીં કે દેખભાળ પણ રાખતો
નહીં. એ તો એમ ઇચ્છતો કે એ મરી જાય તો બલા ટળે. અને પોતે પોતાની
પસંદગી પ્રમાણે ફરીવાર લગ્ન કરે.
હવે તેમણે વધારે પ્રપંચ આદર્યો. પહેલાં તો એ આશાથી ગભરાતા
હતા. એમને એટલી બીક હતી કે પોતાની ચાલચલત ઉપર કોઇક નજર
રાખનારું છે પણ હવે તો કોઇ બીક રહી નથી. કુવાસનાઓથી એ ઘેરાઇ
ગયા. વિષયભોગમાં ભાન ભૂલ્યા. વિષયભોગની લાલસાથી માત્ર ધનનો જ
ક્ષય થતો નથી પણ બળ અને બુદ્ધિનોય વિનાશ થાય છે. વિપિનબાબુનો
ચહેરો ફિક્કો પડવા લાગ્યો. છાતીનાં પાંસળાં દેખાયાં, આંખોની આસપાસ
કાળાં કુંડાળાં દેખાતાં થયાં. પહેલાં કરતાં અનેક ઘણી સારી રીતે ફેશન પરસ્ત
રહેવા છતાં, મોં પર તેજ નહીં હોવાથી તેમની સુંદરતા ઉપસી આવતી નહીં.
આશા પલંગ પર સૂઇ રહી હતી. કેટલાય દિવસોથી એને
વિપિનબાબુને જોયા ન હતા. એની ઇચ્છા પતિમાં દર્શન કરવાની થઇ આવી.
એને બીક તો હતી કે એ આવશે નહીં, તેમ છતાં એ મનની લાલસાને રોકી
શકી નહીં. વિપિનબાબુને એણે કહેણ મોકલાવ્યું. વિપિનબાબુને પણ આશા
પર દયા આવી હતી. એ આવીને ત્યાં ઊભા રહી ગયા. આશાએ એમનો
ચહેરો જોયો અને એ કંપી ઊઠી, એ એટલા તો દુર્બળ થઇ ગયા હતા કે
ઓળખી શકવા પણ મુશ્કેલ હતું. તેણે કહ્યું - ‘‘શું માંદા છો તમે? તમે તો
મારા કરતા પણ વધારે દુબળા થઇ ગયા છો ને?’’
વિપિનબાબુએ જવાબ આપ્યો - ‘‘જિંદગીમાં એવું છેય શું?
જીવવાની તે વળી ચિંતા કરવાની હશે?’’
‘‘જીવવાની ચિંતા નહીં કરનારા આટલા બધા અશક્ત નથી
હોતા. તમે તમારી કોઇ દવા શા માટે નથી કરતા?’’ - આટલું કહેતાંમાં તો
તેણે પતિનો હાથ ઝાલી લીધો. વિપિનબાબુએ હાથ છોડવવાની કોઇ ચેષ્ટા
કરી નહીં. એનામાં નમ્રતાનો સંચાર થયો. એની વાતો માંથી નિરાશા ટપકવા
લાગી. ગુસ્સા ઉપર કોઇક પ્રચ્છન્ન લાગણીએ વિજય મેળવ્યો હતો. અની
આંખમાં આંસુ છલકાઇ ગયાં.
‘‘વિપિનબાબુએ પલંગ પર બસતાં કહ્યું - ‘‘મારી દવા તો હવે
મોત કરશે. હું ખોટું કહેતો નથી. તને દુઃખી કરવા હું આમ કહેતો નથી. હવે
હું વધારે દિવસો જીવી શકીશ નહીં. મને પણ ભયંકર રોગનાં ચિહ્નો દેખાઇ
રહ્યાં છે. દાક્તરોનું પણ આમ જ કહેવું છે. તને મેં ઘણી જ દુઃખી કરી છે
એનું મને દુઃખ છે. મને માફ કરી દે, આશા.’’
કહેતાં કહેતાં વિપિનબાબુ કંપી ગયા. આઘતનો અસહ્ય માર
જીરવી ન શકવાથી એ બેભાન થઇ પલંગ પર ઢળી પડ્યા. શરીર ખેંચાવા
લાગ્યું. જોરજોરથી હાથ પગ પછડાવા લાગ્યા. શરીર આખું પરસેવે લથબથ
થઇ ગયું હતું.
મહિનાઓની અશક્ત શરીરવાળી આશામાં આ સમયે સ્ફુર્તિ
આવી ગઇ હતી જાણે! એણે પતિના મોં પર ઠંડુ પાણી છાંટ્યું. દોડતી પંખો
લઇ આવી અને પવન નાખવા લાગી. જોતજોતામાં વાત વહેતી થઇ. લોકભેગું
થઇ ગયું. ડૉક્ટર બોલાવવામાં આવ્યા. ઘણો બધો પ્રયત્ન કરવા છતાં પણ
વિપિનબાબુએ આંખો ના ખોલી તે ના જ ખોલી. સંધ્યાકાળ થવામાં તો
આખું મોં ખેંચાઇ ગયું. ડાબું અંગ જૂઠ્ઠું પડી ગયું. હવે એમનાથી કશું જ
બોલી શકાતું ન હતું. એ મૂર્છા ન હતી, લકવો હતો.
લકવાના રોગીની સેવા કરવી એ જેવું તેવું કામ નથી. આશા
મહિનાઓથી મંદવાડમાં ભોગવતી હતી પણ આ દારુણ સ્થિતિમાં તે પોતાનો
રોગ ભૂલી ગઇ. પંદર દિવસ સુધી વિપિનબાબુની હાલત ગંભીર રહી. રાત
દિવસ આશા એમની પાસે રહેતી હતી. એ એમને માટે જરૂરી ખાવાનું
બનાવતી. ખોળામાં લઇ દવા પીવડાવતી, ઉજાગરો, થાક અને માંદગીને લીધે
એનું માથું સતત દુઃખતું હતું અને શરીરમાં તાવ ભરાયેલો રહેવા છતાં એને
એની જરાપણ પરવા ન હતી.
અથાગ સેવા ચાકરી અને સતત દવાદારૂના પરિણામે પંદર દિવસ
બાદ વિપનબાબુની હાલતમાં થોડો સુધારો થયો હતો. હવે એ થોડુંક અસ્પષ્ટ,
પણ બોલતા થયા. શરીર રબરના રમકડાની જેમ ખેંચાઇને વાંકુવળી ગયું
હતું. જાણે આખી આકૃતિ જ બદલાઇ ગઇ હતી. ઘોડીની મદદથી જરાવાર
માટે ઊભા રહેવાતું, પણ ચાલી શકવાની શક્તિ ન હતી.
એકવાર સૂતાંસૂતાં જ એમને કઇક વિચાર આવી ગયો. પત્ની
પાસે દર્પણ માગ્યું. એ એમાં પોતાનો ચહેરો જોવા લાગ્યા. એ પોતાના
પ્રતિબિંબથી જ ડરી ગયા. આટલો બધો કુરૂપ ચહેરો એમણે આ અગાઉ
ક્યારેય જોયો નહતો. ધીમેથી આશા સામે જોયું અને તેમણે કહ્યું - ‘‘આશા!
ઇશ્વરે મને મારાં કર્મોની કઠોરમાં કઠોર સજા આપી છે. મેં તારી સાથે જે
આચર્યું છે. તેનું જ આ પરિણામ છે. મારું તદ્દન બેડોળ અને કઢંગુ મોં જોઇને
તું તારી નજર મારા ભણીથી ફેરવી લઇશ તો પણ હું તને ફરિયાદ નહીં કરું
કે નહીં હોય મને એનો જરા સરખોય વસવસો. મારી ઇચ્છા છે કે મેં તારી
સાથે કરેલા દુર્વ્યવહારનો બદલો લેવાની હાથમાં આવેલી તક તું ગુમાવીશ
નહીં.’’
કોમળ અને આર્દ્રસ્વરે આશાએ કહ્યું - ‘‘હું તો તમને પહેલાં જોતી
હતી એ જ દ્રષ્ટિ અને લાગણીથી આજે પણ જોઉં છું. મને તો આપના
પહેલાંના અને આજના રૂપમાં કોઇ તફાવત જણાતો નથી.’’
વિપિનબાબુએ કહ્યું - ‘‘વાહ રે! વાંદરા જેવુ મારું મોંઢું દેખાય
અને તું કહે છે કે કોઇ તફાવત જણાતો નથી? હવે મારાથી તો ઘરની બહાર
પણ નહીં નીકળાય. ઇશ્વરે મને ખરેખર શિક્ષા કરી છે.’’
ઘણાં પ્રયત્નો કરવા છતાં વિપિનબાબુનો ચહેરો સીધો થયો નહીં.
હા, શરીરમાં એટલી શક્તિ આવી ગઇ હતી કે હવે તેમનાથી હરીફરી શકાતું
હતું.
આશાએ પતિની બિમારીમાં માતાની માનતા માની હતી. આજે
એની પૂજાનો ઉત્સવ હતો. ફળિયાની સ્ત્રીઓ સોળે શણગાર સજીને એકઠી
થઇ હતી. નાચ ગાન પણ થઇ રહ્યાં હતા.
એક સ્ત્રીએ કહ્યું - ‘‘આશા, હવે તને તો એમનું મોંઢું જોવુંય નહીં
ગમતું હોય?’’
‘‘મને તો પહેલાં કરતાંય એ વધારે સુંદર લાગે છે.’’
‘‘જા જા, હવે ગાંડી.’’
‘‘સાચું કહું છું. મને તો એમનો આત્મા મળી ગયો. મારે મન રૂપ
કરતાં આત્મા વધારે કીમતી છે.’’
વિપિનબાબુ ઓરડામાં બેઠા હતા. એમની પાસે કેટલાક મિત્રો
પણ હતા. બધા પત્તાં રમી રહ્યાં હતાં.
ઓરડામાં એક બારી હતી જે ઘરના ચોકમાં ઊઘડતી હતી.
અત્યારે તે બંધ હતી. એક મિત્રે તેને ઊઘાડી નાખી અને દર્પણમાં જોઇ
વિપિનને કહ્યું - ‘‘આજે તો ભલા, અહીં પરીઓનો મેળો જામી ગયો છે ને?’’
વિપિનકુમારે કહ્યું - ‘‘પણ મને તો એ બધી સ્ત્રીઓમાં પેલી
થાળીમાં ફૂલો લઇને ફરે છે એ જ સ્ત્રી વધારે સુંદર દેખાય છે.’’
‘‘વાહ રે, તને તો સુંદરતાનીય સાચી પરખ કરતાં નથી આવડતું.
મને તો એ જ સૌથી વધારે કદરૂપી દેખાય છે.’’
‘‘એટલા માટે કે તું માત્ર એનો ચહેરો જુએ છે, જ્યારે હું એનો
આત્મા જોઉં છું.’’
‘‘ઓહ, તો એ શ્રીમતી વિપિન છે?’’
‘‘હા, એ એ જ દેવી છે.’’
***