પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 7 Munshi Premchand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 7

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(7)

નૈરાશ્ય - લીલા

પંક્તિ હૃદયનાથની અયોધ્યામાં ભારે બોલબાલા હતી. ખાસ

શ્રીમંત નહીં. પણ ખાધેપીધે સુધી ખરા મકાનના ભાડામાંથી નિર્વાહ કરતા

હતા એ. એ આમ તો ભણેલા ગણેલા વિચારશીલ માણસ હતા. દુનિયાનો

સારો એવો અનુભવ હતો એમને, પણ એમનામાં ક્રિયાશીલતાનો અભાવ

હતો. સમાજ એમની નજરોમાં એક ભયંકર ભૂત હતું. એ એનાથી ડરતા

હતા હંમેશાં. એમની પત્ની જોગેશ્વરી એમનું જ પ્રતિબિંબ હતી. પતિનો

વિચાર એ જ એનો વિચાર, પતિની ઇચ્છા એ જ એની ઇચ્છા. બંન્નેમાં કોઇ

મતભેદ ન હતો. જોગેશ્વરી શિવની ઉપાસક હતી. જ્યારે હૃદયનાથ વૈષ્ણવ

હતા. દાન અને વ્રતમાં બંન્નેને એક સરખી શ્રદ્ધા હતી. બન્ને પાકાં ધર્મનિષ્ઠ

હતાં. એનું કારણ કદાચ એ હશે કે એક દિકરી સિવાય સંતાનમાં બીજું કોઇ

ન હતું. એમને તેર વર્ષની ઉંમરે એના પીળા હાથ કરી દેવામાં આવેલા.

માતા પિતાની હવે એકમાત્ર ઇચ્છા હતી તેને પુત્રવતી થયેલી જોવાની, કે જેથી

પોતાની જે કઇ મિલકત હતી તે દૌહિત્રના નામે કરી નિશ્ચિંત થઇ જવાય.

પણ વિધાતાને આ મંજૂર ન હતું. કૈલાસકુમારી લગ્નનો અર્થ જાણે

એટલી સમજું થઇ ન હતી કે હજુ એનું આણું પણ કર્યું ન હતું. એટલામાં તો

એનું સૌભાગ્યતિલક ભૂંસાઇ ગયું. વૈધવ્યએ એની બધી આશાઓનું ગળું ઘૂટી

દીધું.

ઘરમાં રોકકળ મચી ગઇ. માતા પિતા માથું કૂટતાં હતાં. પણ

કૈલાસ કુમારી સ્તબ્ધ બની સૌનાં વિવશ મુખ ભણી તાકી તાકીને જોયા

કરતી હતી. લોકો શા માટે રડતાં કૂટતાં હતાં એ એને સમજાયું નહીં. એ

માબાપની એકની એક દિકરી હતી. માબાપ સિવાય આમેય કોઇ વ્યક્તિને

એ પોતાને માટે મહત્ત્વની સમજતી ન હતી. એની ક્લ્પનાઓમાં પતિ

નામની વ્યક્તિનો સમાવેશ હજુ થયો ન હતો. એ સમજતી હતી કે - ‘પતિ

સ્ત્રીનું અને બાળકોનું ભરણ પોષણ કરે છે, એટલે જ એના મૃત્યુ બાદ પત્ની

એની પાછળ વિલાપ કરે છે. પણ, મારા ઘરમાં તો કોઇ વાતની કમી નથી.

મારે એવી શી ચિંતા છે? મારી બધી જ જરૂરિયાતો પિતાજી પલવારમાં પૂરી

કરે છે. મા પણ વસ્તુ માગતા પહેલાં હાજર કરી દે છે. પછી હું શું કામ રડું?

એ માને રડતી જોઇને એના પ્રત્યેની લાગણીથી રડતી. એ વિચારતી હતી કે

મા બાપ કદાચ પોતાની દુર્લભ વસ્તુની માગણી ન સંતોષી શકવાની ચિંતામાં

રડતાં હશે. તેણે એવી વસ્તુ નહીં માગવા નક્કી કર્યું.’

માની પરિસ્થિતિ જુદી હતી. એની આંખોમાંથી આંસુ સૂકાતાં ન

હતાં. પિતાના દશા એથીયે વધુ ભયંકર હતી. લમણે હાથ દઇ એ એકલા

ઓરડામાં શૂન્યમનસ્ક બેસી રહેતા. હવે તો બાળપણની બહેનપણીઓ પણ

કૈલાસકુમારી સાથે રમવા આવતી નથી. એણે બહેનપણીઓને ઘેર જવા મા

પાસે રજા માગી ત્યારે મા ધ્રુસકેધ્રુસકે રડવા લાગી. હવે એ મા બાપની સામે

જતી નહીં. બેઠી બેઠી વાર્તાઓ વાંચ્યા કરતી. એની એકાંતપ્રિયતાનો મા બાપે

બીજો જ અર્થ લીધો. દિકરીના શોકગ્રસ્ત જીવને એમના ઉપર વજ્રઘાત કર્યો

હતો જાણે!

એક દિવસ હૃદયનાથે જોગેશ્વરીને કહ્યું - ‘મારાથી આ છોકરીની

વેદના જોઇ જતી નથી. થાય છે કે ઘર છોડીને ચાલ્યો જાઉં ક્યાંક.’

‘‘હું ય ભગવાનને અરજ ગુજારું છું કે હવે એ મને એની પાસે લઇ

લે. કાળજાને ક્યાં સુધી હવે કઠણ રાખવું?’’

‘‘ગમે તેમ કરીને એને રાજી રાખવાનો રસ્તો શોધી કાઢવો જોઇએ.

આપણને રડતાં જોઇને એનું હૈયું દુઃખ પણ વધી જાય છે.’’

‘‘મને તો કશું જ સમજાતું નથી.’’

‘‘આપણે આમ રડતાં જ રહીશું તો દિકરી જીવી નહીં શકે. હવે તું

એને કોઇ કોઇ વાર બહાર ફરવા માટે લઇ જતી રહે. કોઇવાર સિનેમા

બતાવવા પણ લઇ જા. એમ કરવાથી એના મનને થોડીક શાન્તિ થશે.’’

હૃદયનાથે પત્નીને સૂચના આપતાં કહ્યું.

‘‘પણ, હું એને જોતાં જ રડી પડું છું. છતાં કરી જોઇશ પ્રયત્ન.

તમારો વિચાર ખરેખર સારો છે. એમ કર્યા વગર એના મનનો ભાર હળવો

નહીં થાય.’’

‘‘હું પણ હવે એને આનંદ મળે એમ કરીશ. એક થાળી વાજું

મંગાવી લઉં છું. હવે એને કાયમ કોઇક ને કોઇક કામમાં પરોવાયેલી રાખવી

પડશે.’’ હૃદયનાથે જોગેશ્વરી આગળ અભિપ્રાય વ્યક્ત કર્યો.

એ દિવસથી કૈલાસકુમારીના આનંદપ્રમોદ માટે ઘરમાં નવી નવી

વસ્તુઓ આવવા લાગી. કૈલાસ માની પાસે આવતી ત્યારે હવે એની આંખોમાં

આંસુને બદલે આનંદની આભા ચમકતી દેખાતી. તે કૈલાસને હસતીહસતી

કહેતી - ‘‘બેટા, આજે થિયેટરમાં સરસ મજાનું નાટક છે. ચાલ, જોઇ

આવીએ.’’ કોઇવાર ગંગા સ્નાનનો કાર્યક્રમ ગોઠવવામાં આવતો.

નૌકાવિહાર પણ થતો. સંધ્યાકાળે બાગબગીચામાં જઇ દિલ બહેલાવાતું.

વખત જતાં હવે કૈલાસની પાસે એની સખીઓ પણ આવવા લાગી. બધી

ભેગી મળી પત્તાં રમતી. કોઇકવાર સંગીતની રમઝટ જામતી. કૈલાસને

આવો આનંદ ક્યારેય મળ્યો ન હતો.

આ રીતે બે વર્ષ પસાર થઇ ગયાં. કૈલાસથી હવે થિયેટરમાં ગયા

વિના ચાલતું નહીં. એ મોજમજાકથી ટેવાઇ ગઇ હતી. નાટક પછી

સિનેમાનોય એને ચસકો લાગ્યો. હવે જાદુ અને હિપ્નોટિઝમના કાર્યક્રમોમાં

પણ એ રસ લેતી થઇ ગઇ. નવી રેકર્ડ ઘરમાં આવતી રહી. સંગીતનો નશો

એના મન પર સવાર થયેલો રહેતો. કુટુંબનાં કોઇ ઉત્સવ ટાણે મા દિકરી

સાથે જવા લાગ્યાં. ભૌતિક દુનિયા સાથે જાણે હવે કૈલાસને કોઇ સંબંધ ન

હતો. એ તો સદા એની આગવી દુનિયામાં જ ખોવાયેલી રહેતી. હવે એ

નવા કલ્પનાલોકની રહેવાસી બની ગઇ હતી. પરિણામે બીજા લોકો માટે

એને કોઇ સહાનુભૂતિ ન હતી. કે કોઇના દુઃખ ઉપર એનામાં દયા

ભાવનાનો જરા પણ સંચાર થતો ન હતો. એ દિવસે દિવસે ઉરછૃંખલ થવા

લાગી. એ એની સુરુચિ ઉપર અભિમાન કરવા લાગી. સખીઓ આગળ

મોટી મોટી ડંફાસો હાંકવા લાગી. ‘અહીંના સોકો તો મૂર્ખ છે. સિનેમામાં શી

ખબર પડે એમને! સિનેમાની કદર તો પશ્ચિમના લોકો જ કરી જાણે. ત્યાં

હવા જેટલી જ અનિવાર્ય ગણાય છે મનોરંજનની સામગ્રી. એટલે જ એ

લોકો નિશ્ચિંત અને ખુશમિજાજ રહી શકે છે. અહીં તો લોકોને કશો રસ જ

નથી. જેમની પાસે પૈસા છે એ લોકો પણ સાંજે ગોદડીમાં મોં ઘાલી પડ્યા

રહે છે. સખીઓ કૈલાસનાં વખાણ કરતી હતી તેથી એની છાતી ગજગજ

ફૂલતી હતી.’

અડોસપડોસમાં કૈલાસના આવા વર્તનની ચર્ચા થવા લાગી.

લોકોને કોઇની કશી પડી નથી હોતી. કોઇ માથા પર જરાક ટોપી વાંકી રાખે

તો પણ લોકો ને મન એ ચર્ચાનો વિષય બની જતો. વિધવા એ તો પૂજા

પાઠમાં અને જપતપમાં મન પરોવવું જોઇએ. એને વળી ભોગ વિલાસ અને

રંગરાગની શી જરૂર? વિધાતાએ એની પાસેથી સુખ છીનવી લીધું છે. પછી

ખોટા સુખની શી આશા? દિકરી વહાલી હોય તેથી શું? બેશરમીની પણ હદ

હોવી જોઇએ. પણ મા બાપ જ એને માથે ચઢાવે, પછી એનો શો દોષ? પણ

એક દાડો આંખો ઊઘડશે. પછી પસ્તાવાનોય વારો નહીં રહે. બાપ તો પુરુષ

છે તે એને ખબર ના પડે. પણ માને નહીં સમજાતું હોય એ બધું? દુનિયા શું

કહેશે એનો જરા જેટલોય વિચાર નહીં આવતો હોય એને?

થોડા દિવસો આમ ને આમ અંદરોઅંદર ચર્ચા ચાલતી રહી. છેવટે

એક દિવસ કેટલીક સ્ત્રીઓ જોગેશ્વરીને ઘેર આવી પહોંચી. જોગેશ્વરીએ

એમનો સૌનો સારો સત્કાર કર્યો. થોડી આડીઅવળી વાતો પછી એક સ્ત્રીએ

મુખ્ય વાત ઉપાડતાં કહ્યું - ‘તું તો બેન નસીબદાર છું તે આનંદમાં દિવસો

વિતાવે છે. અમારે તો દિવસ મોટા પહાડ જેવો થઇ જાય છે. કોઇ કામ નહીં.

કોઇ ધંધો નહીં. વાતોય ક્યાં સુધી કરવી અને કેટલીક કરવી?’

બીજી સ્ત્રીએ મમરો મૂક્યો - ‘ભાગ્યની વાત છે એ બધી. બધાંય

હસતાં રહેશે તો પછી રડશે કોણ? આપણે તો દિવસ આખો દળવા

ખાંડવામાંથી અને ચૂલામાંથી જ ઊંચા નથી આવતાં ને? તો વળી એક

છોકરાને ઝાડા થાય, બીજાને તાવ ચઢે. કોઇ મિઠાઇ માટે રડે તો કોઇ પાઇ

પૈસા માટે રીસાય! આખો દહાડો હાયવલૂરામાં જ વીતી જાય. આખો દિવસ

પગવાળીને બેસવાનોય વારો ના આવે.’

ત્રીજાએ એ વાતનો વિરોધ કરતાં કહ્યું. ‘નસીબની વાત નથી. હૈયું

જોઇએ. એવું એતો. તને તો કોઇ રાજ સિંહાસન ઉપર બેસાડે તોય ચેન ના

પડે. ઊલટું વધારે હાય હાય કરવા મંડે તું તો!’

એક વૃદ્ધાએ કહ્યું - ‘બળ્યું એવું કાળજું! ઘરમાં આગ લાગે અને

લોકોમાં ઠઠ્ઠામશ્કરી થાય તોય માણસ બસ રંગરાગમાં જ મસ્ત રહે. એ તો

કાળજું શાનું, પથરો કહેવાય. પથરો આપણે તો ગૃહિણીઓ કહેવાઇએ.

આપણો જીવ તો ઘરકામમાં પરોવાય. મોજ મજા કરવી આપણું કામ નહીં.

એ આપણને ના શોભે, સમજી?’

વૃદ્ધાનાં વ્યંગ વચનોથી શરમાઇને બીજી સ્ત્રીઓ ભોંય ખોતરવા

લાગી. એમનો આશય જોગેશ્વરીને બાળવાનો હતો. દુઃખીને વધારે

રિબાવવાનો હતો. જોગેશ્વરીને એ મર્મ વચનો સમજતાં વાર લાગી નહીં.

સ્ત્રીઓના ગયા પછી પતિની પાસે જઇને એણે બધી હકીકત સંભળાવી.

હૃદયનાથ દરેક સમયે આત્મિક સ્વાધીનતા ના સ્વાંગમાં રાચનારા ન હતા.

તેમણે કહ્યું - ‘તો હવે શું કરીશું?’

જોગેશ્વરીએ કહ્યું - ‘‘તમે જ શોધી કાઢો ઉપાય?’’

હૃદયનાથ બોલ્યા - ‘પડોશીઓની વાત તદ્દન વ્યાજબી છે.

કૈલાસના સ્વભાવમાં મને પણ વિચિત્ર ફેરફાર થયેલો જણાય છે. એના

માનસિક આનંદ માટે આપણે હાથ ધરેલા ઉપાયો યોગ્ય નથી. વિધવાઓ

માટે આનંદપ્રમાદ સર્વથા ત્યાગપાત્ર હોય છે. એ એમની વાત સાચી છે. હવે

આપણે એ માપદંડ બદલવો જ પડશે.’

‘પણ કૈસાલને તો હવે એની ટેવ પડી ગઇ છે!’

‘એની મનોવૃત્તિઓ બદલવાની કોશિશ કરવી પડશે.’

ધીમે ધીમે વિલાસોન્માદ શમવા લાગ્યો. વાસનાનો તિરસ્કાર

કરવામાં આવ્યો. સંધ્યાકાળે પંડિતજી ગ્રામોફોન વગાડવાને બદલે ધર્મપુસ્તક

વાંચવા લાગ્યા. સ્વાધ્યાય, સંયમ, પૂજાપાઠમાં મા દિકરી વ્યસ્ત રહેવા

લાગ્યાં. કૈલાસને ગુરુજીએ દિક્ષા આપી. મહોલ્લાની સ્ત્રીઓ ભેગી થઇ. મોટો

ઉત્સવ થયો.

મા દિકરી દરરોજ મંદિરમાં જતાં. એકાદશીનું વ્રત કરતાં.

કૈલાસને ધર્મગુરુ સાયંકાળે દરરોજ ઉપદેશ આપતાં. થોડા દિવસ તો કૈલાસને

આ પરિવર્તન સાલ્યું! પણ થોડા દિવસોમાં એ ઘરેડમાં ગોઠવાઇ ગઇ. કારણ

કે ધર્મનિષ્ઠા સ્ત્રીઓનો સ્વાભાવિક ગુણ હોય છે. હવે એને એની સ્થિતિનું

સાચું ભાન થવા લાગ્યું. વિષય વાસનામાંથી એનું મન ઊઠી ગયું. ‘પતિ’નો

ખ્યાલ એને સમજાવા લાગ્યો. પતિ જ સ્ત્રીનો સાચો મિત્ર, સાચો પથદર્શક

અને સાચો મદદગાર છે. પતિ વગરનું હોવું સ્ત્રીને માટે ઘોર પાપના

પ્રાયશ્ચિત સમાન છે. એ વિચારવા લાગી - ‘મારા પૂર્વજન્મનું જ આ ફળ

હશે. પતિ જીવતા હોત તો હું ફરી માયામાં પડી જાત અને પ્રાયશ્ચિત કરવાનો

અવસર મળત નહીં. ગુરુજીની વાત સાચી છે કે ભગવાને જ મને

પૂર્વજન્મના પ્રાયશ્ચિત માટે આ તક આપી છે. વૈધવ્ય યાતના નથી. જીવનના

ઉદ્ધારનું સાધન છે. ત્યાગ, ભક્તિ, ઉપાસના અને વૈરાગ્યથી જ મારો ઉદ્ધાર

થશે.’

હવે એ લોકોથી અલગ રહેવા લાગી. દિવસમાં ત્રણવાર એ

સ્નાન કરતી. હંમેશાં ધર્મગ્રંથ વાંચતી રહેતી. સાધુ સંતોના આદર સત્કારમાં

મન પરોવતી. મન સંસારથી વિમુક્ત થવા લાગ્યું. ધ્યાનમાં એ સદા મગ્ન

રહેતી. સામાજિક બંધનોથી એ પર થઇ ગઇ.ત્રણ વરસમાં જ એણે સંન્યસ્ત

ધારણ કરવાનો નિશ્ચય કરી લીધો.

આ વાતની મા બાપને ખબર પડતાં જ એમના હોશકોશ ઊડી

ગયા. મા એ કહ્યું - ‘‘બેટા, હજુ તો તારી એવડી ઉંમર પણ ક્યાં થઇ છે કે

તું આવું વિચારે છે?’’

‘‘મોહ માયાથી જેટલું વહેલું નિવૃત્ત થવાય એટલું સારું.’’

‘‘મોહ માયાનું સ્થાન મન છે, ઘર નહીં. ઘરમાં રહીને શું માયાથી દૂર ના થઇ શકાય?’’ - પિતાએ કહ્યું.

જોગેશ્વરીએ ભય બતાવ્યો. - ‘‘એમ કરવાથી તો આપણી કેટલી બદનામી થશે?’’

‘‘હવે મેં મારી જાતને ભગવાનને સોંપી દીધી છે પછી મને બદનામીની શી ચિંતા?’’ કૈલાસે કહ્યું.

‘‘બેટા, બદનામીની ચિંતા તને નહીં હોય પણ મને તો છે. તું સંન્યાસી થઇ જઇશ પછી અમારો કોણ આધાર?’’

‘‘સૌનો આધાર ઉપરવાળો છે મા. બીજાનો આધાર રાખવો એ નરી મૂર્ખતા છે.’’

મહોલ્લામાં વાત વહેતી થઇ. લોકો કહેવા લાગ્યા - ‘‘એમાં નવું શું છે? એ તો થવાનું જ હતું. છોકરીઓને આમ આઝાદી આપવી જોઇએ નહીં. એમને તો એમ કે છોકરી જપ તપ અને પૂજા પાઠ કરે છે, વેદવેદાન્ત વાંચે છે. ધાર્મિક ચર્ચા કરે છે. પછી હવે શું કામ પસ્તાવો કરવાનો? ઉચ્ચવર્ગમાં આવી ચર્ચા કેટલાય દિવસો સુધી થતી રહી. પછી એ સમસ્યા દૂર કરવાનો ઉપાય લોકો વિચારવા લાગ્યા. કેટલાક માણસો હૃદયનાથની પાસે આવ્યા.’’

એક જણે કહ્યું - ‘‘સાંભળ્યું છે કે ડોક્ટર ગૌડની રજૂઆત બહુમતીથી મંજૂર રાખવામાં આવી છે?’’

બીજો બોલ્યો - ‘‘ધર્મનું કાસળ તો કાઢી નાખવામાં જ આવ્યું છે. હવે શું બાકી રહ્યું છે? આપણા સાધુસંતોજ નિર્દોષ અને ભોળી યુવતીઓને લલચાવીને ફાસાવવામાં પાછી પાના કરતા નથી. પછી સર્વનાશ ના થાય તો બીજું શું થાય?’’

હૃદયનાથે કહ્યું - ‘‘મારે માથે પણ એ જ આફત આવી છે.’’

‘‘તમારા એકલાને માથે નહીં, આપણ સૌને માથે આફત આવીને ઊભી છે.’’

‘‘અરે, આખા સમાજ ઉપર હોં.’’

હૃદયનાથે કહ્યું - ‘‘એમાંથી બચવાનો કોઇ રસ્તો વિચારવો પડશે.’’

‘તમે એને સમજાવી નહીં?’

‘‘તમે પહેલેથી જ ભૂલ કરી છે એને આ રસ્તે વાળવી જોઇતી જ ન હતી.’’

‘હવે પસ્તાવો કરવાથી શું વળશે? રસ્તો શોધી કાઢો કોઇક. એમ કરો. એને શિક્ષિકા બનાવી દો. એમ કરવાથી એ તમારી આંખો સામે રહેશે. કોઇક પ્રવૃત્તિ વગર માણસનું મન બગડી જાય છે. જે ઘરમાં કોઇ રહેતું નથી એ ઘર ચામાચિડીયાંનું નિવાસસ્થાન બની જાય છે.’

કોઇકે કહ્યું - ‘‘વાત તો સાચી છે. મહોલ્લાની પાંચ દસ છોકરાઓ ભણવા બોલાવી લ્યો. એમ કરવાથી આ છોકરીનું મન કામમાં પરોવાઇ જશે.’’

હૃદયનાથે પ્રતિભાવ આપ્યો - ‘‘ઠીક છે. એને સમજાવી જોઇશ.’’

લોકોના ગયા પછી હૃદયનાથે કૈલાસકુમારીની આગળ વાત મૂકી. કૈલાસ તો વાત સાંભળતાં જ છંછેડાઇ ગઇ. ક્યાં સાધુ સંતોના દર્શન, અને ક્યાં પ્રકૃત્તિની ગોદમાં વસવાટ, ક્યાં આત્મ ક્લ્યાણની ભાવના અને ક્યાં છોકરીઓ ભણાવવાની આ ક્ષુદ્ર વાત! આમ છતાં હૃદયનાથ એને સમજાવતા રહ્યા કે સેવા એ જ સાચો સંન્યાસ છે. પરમાર્થની વેદી ઉપર પ્રાણ પાથરવા એ જ સાચો સંન્યાસ છે. વેદ વેદાન્તની ઋચાઓ ટાંકી પિતાએ પુત્રનીને આ વાત સમજાવી. ધીમે ધીમે કૈલાસના વિચારોમાં પરિવર્તન થવા લાગ્યું. મહોલ્લાની છોકરીઓ દરરોજ એકઠી થવા લાગી. પાઠશાળાનો આમ જન્મ થઇ ચૂક્યો. જાતજાતમાં મિત્રો અને રમકડાં મંગાવવામાં આવ્યાં. સ્વયં પંડિતજી કૈલાસની સાથે છોકરીઓને ભણાવવા લાગ્યા. ધીમે ધીમે અનેક મહોલ્લાની છોકરીઓ પણ આવતી થઇ.

કૈલાસની સેવા પ્રવૃત્તિ દિવસે દિવસે વેગ પકડવા લાગી. પાઠશાળાએ પરિવારનું રૂપ ધારણ કર્યું. કોઇ છોકરી બિમાર પડતી તો કૈલાસ એને ઘેર જઇ સેવા ચાકરી કરવા લાગી જતી.

એક વર્ષ થયું હતું એની પાઠશાળાને. એક છોકરીને બળિયા નીકળ્યા હતા. મા બાપની ઘણી ના હોવા છતાં કૈલાસકુમારી એને જોવા ગઇ. છોકરીની હાલત ગંભીર હતી. કૈલાસને જોતાં જ જાણે એનું સઘળું દુઃખ દૂર થઇ ગયું. એક કલાક સુધી એ ત્યાં રોકાઇ. પછી જ્યારે એ ઊઠીને ઘેર આવવા નીકળી ત્યારે છોકરીએ રડવાનું શરૂ કર્યું. કૈલાસ મજબૂર થઇને પાછી બેસી ગઇ. ફરીવાર એ ઊભી થઇ ત્યારે છોકરી પાછી રડવા લાગી. આખો દિવસ આમને આમ પસાર થઇ ગયો. રાત્રે પણ એને ત્યાં જ રોકાઇ જવું પડ્યું. હૃદયનાથે ઘણીવાર એને બોલાવવા માણસ મોકલ્યો. પણ એણે માન્યું જ નહીં. કદાચ પોતે ત્યાંથી ઘેર આવવા નીકળે અને છોકરીને કઇંક થઇ જાય તો! બિચારીની મા અપરમા હતી. કૈલાસને એની મમતા ઉપર વિશ્વાસ ન હતો. એ લાગલગાટ ત્રણ દિવસ સુધી ત્યાં જ રહી. એને ઓશિકે બેસી એને પંખો નાખતી રહી અને વાતો કરતી રહી. ચોથે દિવસે છોકરીની હાલત સુધરતાં તે ઘેર પાછી ફરી. એ આવીને હજુ તો નાહી પણ ન હતી ત્યાં માણસ આવ્યો. તેણે કહ્યું - ‘‘જલ્દી ચલો, છોકરી રડી રડીને જીવ કાઢી નાખે છે.’’

હૃદયનાથે આગંતુકને કહ્યું - ‘‘કહી દો કે દવાખાનેથી નર્સ બોલાવી લ્યે.’’

કૈલાસકુમારીએ નમ્રતાથઈ કહ્યું - ‘‘પિતાજી ! તમે નકામા અકળાવ છે. એનો જીવ ઉગરી જતો હોય તો હું ત્રણ મહિના સેવા કરવા તૈયાર છું. છેવટે આ શરીર શા ખપમાં આવવાનું છે?’’

‘‘તો પછી છોકરીઓ ભણશે શી રીતે?’’

‘‘બે ત્રણ દિવસમાં તો એને સારું થઇ જશે. દાણા નમવા માંડ્યા છે. તમે એક બે દિવસ આ છોકરીઓને સંભાળજો.’’

‘‘પણ બેટા, આ તો ચેપી રોગ છે. તને...’’

હસીને કૈલાસે કહ્યું - ‘‘પિતાજી, મરી જઇશ તો આપને માથેથી ભાર હળવો થશે.’’ એમ કહીને એ ચાલી નીકળી.

હૃદયનાથે જોગેશ્વરીને કહ્યું - ‘‘લાગે છે કે હવે આ પાઠશાળા પણ જલ્દીથી બંધ કરવી પડશે.’’

‘‘નાવિક વગર નાવ હંકારવી કઠિન છે. જે દિશા તરફ પવન ફૂંકાય છે એ દિશામાં એ વળી જાય છે.’’

‘‘આપણો એકેય ઉપાય કારગત નીવડતો નથી. બદનામીનો ભય સામે જ આવે છે. લોકો કહેશે છોકરી લોકોને ઘેર રાતવાસો રહે છે!’’

‘‘તે એમ જ કહેને?’’ જોગેશ્વરીએ કહ્યું.

બે દિવસ બાદ કૈલાસકુમારી પાછી આવી ત્યારે હૃદયનાથે પાઠશાળા બંધ કરવાની વાત જણાવી. કૈલાસે ઉશ્કેરાટમાં આવી કહ્યું - ‘‘તમને જો બદનામીની બીક લાગતી હોય તો મને ઝેર આપી દો એટલે નિરાંત થાય. એ સિવાય બદનામીથી બચવાનો બીજો કોઇ રસ્તો નથી.’’

‘‘બેટા, સમાજમાં રહીએ એટલે સમાજથી ગભરાવું પડે.’’

કૈલાસકુમારીએ આવેશમાં આવી કહ્યું - ‘‘સમાજ શું ઇચ્છે છે મારી પાસેથી? મારામાં પણ જીવ છે. હું શા માડે જડ બની જાઉં? હું મારી જાતને અભાગી માની રોટલાના બે ટુકડા ખાઇ પડી રહું એ મારાથઈ નહીં બને. મારા પર ડગલેને પગલે શંકા કરવામાં આવે, મને ચાર દિવાલોમાં કેદ કરવામાં આવે એ બાબતને હું ઘોર અપમાન સમજું છું. હું ખુદ મારા આત્મસન્માનનું રક્ષણ કરી શકું એમ છું.’’

વધારે બોલાઇ જવાની બીકે એ ત્યાંથી ઊઠીને ચાલી ગઇ. એને પોતાની મજબૂર સ્થિતિનું વાસ્તવિક ભાન થવા લાગ્યું. સમાજના એની ઉપર થતા અત્યાચાર બદલ એ દાંત કચકચાવવા લાગી.

પાઠશાળા બીજા જ દિવસથી બંધ થઇ ગઇ. પણ હવે કૈલાસકુમારીને પુરુષો પ્રત્યે નફરત થવા લાગી. એ વારંવાર વિચારવા લાગી કે સ્ત્રીનું પુરુષ પર આટલું અવલંબન શા માટે? પુરુષ જ સ્ત્રીનો ભાગ્ય વિધાતા કેમ? સ્ત્રીને પુરુષોને આશરે જ શા માટે જીવવું પડે? એટલા માટેકે સ્ત્રીમાં અભિમાન નથી. આત્મસમ્માન નથી. નારી હૃદયની કોમળતા એને હવે કઠવા લાગી. પ્રેમ? કેવો પ્રેમ? એ તો માત્ર વાંચના છે, દંભ છે.

એક દિવસ એણે સરસ વાળ ગૂંથી અંબોડામાં ગુલાબનું ફૂલ નાખ્યું. મા તો જોઇને હોઠ વચ્ચે જીભ કરડવા લાગી.

હવે એણે રંગીન વસ્ત્રો પહેરવાં શરૂ કર્યાં. લોકોમાં ખૂબ ખૂબ ચર્ચા થવા લાગી.

એણે હવે એકાદશીના વ્રતનો પણ ત્યાગ ર્યો. એ કલાકો સુધી દર્પણ સામે ઊભી રહેતી અને વાળમાં વારંવાર કાંસકો ફેરવતી.

લગ્નના દિવસો આવ્યા. એના ઘરના બારણે થઇ જાન નીકળતી. મહોલ્લાની સ્ત્રીઓ ઘરનાં છતમાં ઊભી રહી જોતી. વરનાં ગુણગાન ગવાતાં. જોગેશ્વરી પણ વરઘોડો જોયા વિના રહી શકતી ન હતી. પણ કૈલાસ ભૂલથીયે કોઇ વરઘોડો જોવા નાકળતી ન હતી. લગ્નની વાત સાંભળતાં જ એ મોં ફેરવી લેતી. લગ્ન એ એને મન નિર્દોષ કન્યાઓનો શિકાર હતો. જાનૈયાઓને એ શિકારીઓના કૂતરા માનતી હતી. અને લગ્નને માનતી હતી સ્ત્રીઓનું બલિદાન.

ત્રીજનું વ્રત આવ્યું. ઘરમાં સાફસૂફી થવા લાગી. સ્ત્રીઓ વ્રતની તૈયારીઓમાં પડી. જોગેશ્વરી એ પણ વ્રતનો સામાન મંગાવ્યો. નવી સાડીઓ ઘરમાં આવી. કૈલાસને સાસરેથી આ દિવસે કપડાં અને મિઠાઇ આવતાં રહેતાં હતાં. આ વખતે પણ એ બધું આવતું હતું. આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓનું વ્રત છે. પતિના કલ્યાણનો એની પાછળનો હેતુ છે. છતાં વિધવાઓ પણ એમની રીતે એ વ્રત કરતી. કૈલાસ આજ સુધી આ વ્રત કરતી આવી હતી. પણ હવે એણે વ્રત નહીં કરવાનો મિશ્ચય કર્યો હતો. માએ આ વાત જાણી ત્યારે માથું કૂટ્યું. એણે કહ્યું - ‘‘બેટા, વ્રત કરવું એ તો સ્ત્રીનો ધર્મ છે.’’

કૈલાસે પૂછ્યું - ‘‘પુરુષો સ્ત્રીઓના કલ્યાણ માટે કોઇ વ્રત કરે છે?’’

‘‘ના, એવો રિવાજ નથી.’’

‘‘એટલા માટે કે સ્ત્રીઓને પતિનો જીવ જેટલો વ્હાલો હોય છે તેટલો પુરુષોને પત્નીનો જીવ વ્હાલો નથી હોતો?’’

‘‘સ્ત્રીઓ પુરુષોની બરાબરી શી રીતે કરી શકે? સ્ત્રીનો ધર્મ તો પતિની સેવા કરવાનો છે.’’

‘હું એને ધર્મ નથી સમજતી. મારી દ્રષ્ટિએ મારા આત્માના રક્ષણ સિવાય બીજો કોઇ ધર્મ નથી.’

‘બેટા, ગજબ થઇ જશે. લોકો શું કહેશે?’

‘‘પાછી એ જ દુનિયાની વાત? મારા આત્મા સિવાય હું કોઇથી જરા પણ ડરતી નથી.’’

આ વાતની જાણ થતાં હૃદયનાથને ભારે ચિંતા થઇ. એ વાતોનો શો અર્થ? કૈલાસમાં શું આત્મસમ્માનની ભાવના પ્રગટી હશે કે પછી ઘોર નિરાશા પ્રગટી હશે? દુઃખી માણસને દુઃખના નિવારણનો કોઇ રસ્તો નથી જડતો ત્યારે એ લાજ શરમને નેવે મૂકી દે છે. નિરાશાએ જ આ ભીષણ રૂપ ધારણ કર્યું છે એમાં શંકા નથી. લાગે છે કે આ નૈરાશ્યની અંતિમ અવસ્થા છે.

હૃદયનાથ આ વિચારોમાં લીન હતા ત્યાં જ જોગેશ્વરીએ પૂછ્યું - ‘હવે શું કરીશું?’

‘‘શું કહું?’’

‘‘છે કોઇ ઉપાય હવે?’’ જોગેશ્વરીએ પૂછ્યું.

‘‘છે એક ઉપાય. પણ કહેતાં મારી જીભ નથી ઊપડતી.’’

***