પ્રેમચંદજીની
શ્રેષ્ઠ વાર્તાઓ
(20)
સાચું સમર્પણ
હોળીનો દિવસ હતો. મિસ્ટર એ.બી.ક્રોસ શિકારે ગયા હતા. ગાડીવાન, પટાવાળો, ભિસ્તી, ધોબી વગેરે તમામ હોળીનો ઉત્સવ મનાવવામાં ખોવાઇ ગયા હતા. સાહેબના ગયા પછી બધાએ ખૂબ ભાંગ પીધી હતી. અત્યારે તેઓ બગીચામાં બેસીને હોળીના ફાગ ગાઇ રહ્યા હતા. તેમ છતાં બધાંની નજર તો બંગલાના દરવાજા ભણી હતી. કદાચ સાહેબ આવી જાય તો? એટલામાં શેખ નૂરઅલી ત્યાં આવીને ઉભો રહ્યો.
ગાડીવાને પૂછ્યું - ‘‘સાહેબ ક્યારે આવશે?’’
‘‘એમની મરજી હશે ત્યારે આવશે. મેં તો રાજીનામું આપી દીધું છે. હું હવે એમની નોકરી કરવાનો નથી.’’
પટાવાળાએ કહ્યું - ‘‘જે કરો તે વિચારીને કરજો. આવી નોકરી ફરી નહીં મળે. પસ્તાશો પાછળથી.’’
નૂરઅલીએ કહ્યું - ‘‘ધિક્કાર છે આવી નોકરીને! હવે મારાથી ગુલામી નહીં થાય! એ આપણને ખાસડાં ફટકારે ને આપણે એમની ગુલામી કરીએ? આજે જ હું તો ઉચાળા ભરું છું. આવો, તમને બધાંને ખુશ કરી દઉં. ચાલો, ગોઠવાઇ જાવ ટેબલ ઉપર. એવી શરાબ પીવડાવું કે કાળજાં ટાઢાં થઇ જાય.’’
‘‘અને સાહેબ આવી જશે તો?’’
‘‘હમણાં એ આવવાના નથી. ચાલો...ચાલો.’’
મોટા ઘરના નોકરો ઘણું ખરું ખરાબ હોય છે. માલિક જ જ્યાં પાણીની જગાએ દારૂ ઢીંચતા હોય તેયાં નોકરોનું તો પૂછવું જ શું? બધા તો રાજીના રેડ થઇ ગયા. ભાંગનો નશો તો ચઢેલો જ હતો. બધા ઢોલ મંજીરા છોડીને સાહેબના બંગલામાં ગયા અને ટેબલ ઉપર ગોઠવાયા. નૂરઅલીએ શરાબની બોટલ ખોલીને જામ ભર્યાં. બધાએ જામ ઉપર જામ ગટગટાવ્યાં. બધાંએ એટલો બધો પીધો કે એમનાં માથાં ઠેકાણે ના રહ્યાં. શરાબના નશામાં એ તો ગાવા મંડ્યા. નૂરઅલીએ પેલાં ઢોલ મંજીરા ત્યાં લાવીને મૂક્યાં. બસ, જામી ગઇ મહેફિલ! ગાતાં ગતાં તેઓ નાચવા લાગ્યા. અને પછી? પછી શું? બધા સાહેબના ઓરડામાં કૂદવા લાગ્યા. જોતજોતામાં ધમાચકડી મચી ગઇ. કબીર, ફાગ, ચૌતાલ, ગાળાગાળી, મારામારી એક પછી એક નંબર આવતો જતો હતો. હવે કોઇને કશી બીક ન હતી. ખુરશી ટેબલ આડાં ઊભાં પડી ગયાં હતાં. દીવાલો પર ટાંકેલા ફોટા તુટીને હેઠે પડ્યા હતા.
તાયફો બરાબર જામ્યો હતો. ત્યાં જ શહેરના જાગીરદાર લાલા ઉજાગરમલનું આગમન થયું. એ તો આ કૌતુક જોઇને આભા બની ગયા. એમણે નૂરઅલીને પૂછ્યું - ‘‘શું માંડ્યું છે આ બધું? સાહેબ જાણશે તો શું થશે, ખબર છે?’’
‘‘સાહેબે જ કહ્યું છે. પછી શું થાય! એમણે જ હોળી નિમિત્તે એમના નોકરોને મિજબાની આપી છે. લાટસાહેબનો હુકમ છે કે પ્રજાની સાથે હળીમળીને એમના તહેવારોમાં ભાગીદાર થવું, એઠલે તો સાહેબે આવો આદેશ આપ્યો છે. નહીં તો આપ એમનો સ્વભાવ ક્યાં નથી જાણતા? આવો, આપ પણ માણો મિજબાની, બોલો, મજેદાર ચીજ લાવું? હમણાં જ વિલાયતથી પારસલ આવ્યું છે.’’
રાય ઉજાગરમલ ઉદાર વિચારો ધરાવતા માણસ હતા. અંગ્રેજોની મિજબાનીઓમાં તેઓ કોઇ પણ જાતના ખચકાટ વિના સામેલ થતા હતા. તેમની રહેણીકરણી અંગ્રેજી હતી. તેઓ યુનિયન ક્લબના એક માત્ર સર્વેસર્વા હતા. મિ. ક્રોસના એ પરમ સ્નેહી હતા. ક્લેક્ટરની સાથે પણ એમના સંબંધો ઘનિષ્ટ રહેતા હતા. નૂરઅલીની વાત સાંભળતા જ એક ખુરશી ઉપર બેસીને તેમણે કહ્યું - ‘‘ઓહો! એમ વાત છે? તો પછી લાવો કોઇ મજેદાર ચીજ. શરાબની સાથે થોડો નાસ્તો પણ જોઇશે, હોં!’’
‘‘હજૂર! આપને માટે બધું જ તૈયાર છે.’’
લાલા સાહેબ આમ તો ઘેરથી પીને જ નીકળેલા. અહીં વળી થોડા
ગ્લાસ ગટગટાવ્યા. નશો ચઢતાં જીભ લોચવાવા માંડી. તેમણે કહ્યું -
‘‘નૂરઅલી! શું ઉં...સા...હે...બ આજે હોળી રમ...શે?’’
‘‘હા,હા, કેમ નહીં રમે?’’
‘‘પણ હું રંગબંગ તો લાવ્યો નથી. કોઇ પટાવાળાને મારે ઘેર
મોકલી રંગ અને પિચકારી મંગાવી લ્યો. આજે તો ખૂબ આનંદ છે.’’
ઉજાગરમલે કહ્યું.
‘‘આનંદની તો વાત ના પૂછો, સરકાર! આજે તો હોળી છે.
હોળી.’’ ગાડીવાને કહ્યું.
‘‘આજે સાહેબને ખરેખરી હોળી રમાડી દઉં. જોજેને, સાહેબને
ખબર પડી જશે!’’
ગાડીવાને કહ્યું - ‘‘ખૂબ અબીલ ચોપડીશ.’’
ભિરતી બોલ્યો - ‘‘ગુલાલના ખોબા ઉડાડીશ.’’
ધોબીએ કહ્યું - ‘‘હું તો બોટલ પર બોટલ ચઢાવીશ.’’
પટાવાળો બોલ્યો - ‘‘આજે તો મન ભરીને હોળીના ફાગ
સંભળાવીશ.’’
ઉજાગરમલે કહ્યું - ‘‘સાહેબની સાથે મન ભરીને હોળી રમીશ
આજે તો.’’
ત્યાં જ બધાંને નૂરઅલીએ સાવધ કરતાં કહ્યું - ‘‘જુઓ, બધા
સાવધાન થઇ જાઓ. સાહેબની મોટર! આવતી લાગે છે. શેઠજી, લ્યો આ
રંગપિચકારી. બસ, એક ગીત લલકારીને, સાહેબ આવે કે તરત જ એમની
ઉપર રંગ છાંટી દેજો. અને તમે બધા પણ ગુલાલથી સાહેબનું મોં રંગી
નાખજો, સાહેબ ખુશીના માર્યા ફુલાઇ જશે. ચાલો, બધા તૈયાર થઇ જાઓ.
મોટર આવવાની તૈયારીમાં છે.’’
હાથમાં બંદૂક લઇ ક્રોસ સાહેબ મોટરમાંથી નીચે ઊતર્યા કે એમણે
નોકરોને બૂમ પાડી પણ એમનો અવાજ કોણ સાંભળે! અહીં તો ફાગ ગવાતા
હતાં. શોરબકોર સાંભળીને ક્રોસ સાહેબ દંગ રહી ગયા. ‘‘શું છે આ બધું?
અને તે પણ મારા બંગલામાં!’’ ગુસ્સાના આવેશમાં ઝડપભેર એ બંગલામાં
દાખલ થયા. જોયું તો ડાઇનિંગ રૂમમાંથી ગાવાનો અવાજ સંભળાતો હતો
તેમના ગુસ્સાનો પાર ના રહ્યો. હંટર લઇ એમણે ડાઇનિંગ રૂમ ભણી પગ
ઉપાડ્યા. પણ બારણાની બહાર બે ત્રણ ડગલાં જ દૂર, હશે ત્યાં તો શેઠ
ઉજાગરમલે એમની ઉપર પિચકારી છોડી સાહેબનાં કપડાં રંગાઇ ગયાં. હજુ
તો એ આંખો લૂંછતાં હતા ત્યાં જ નોકરોએ આવી એમના મોંઢે ગુલાલ
ઘસવા માંડ્યો. અટકચાળા ધોબીએ તો તેલમાં કાલવેલી મેંશ ચોપડી દીધી.
સાહેબનો ચહેરો વાંદરાના મોંઢાથીયે ભૂંડો થઇ ગયો.
સાહેબે મિજાજ ગુમાવ્યો. એ તો હંટર લઇ આડેધડ ઝૂડવા મંડ્યા.
બિચારા નોકરોએ તો વિચારેલું કે સાહેબ રાજી થઇને હોળીનું ઇનામ આપશે
પણ? ઉપરા ઉપરી હંટર પડતાં ગયાં અને નશો ઉતરતો ગયો. બધા બૂકના
માર્યા આમતેમ નાસી ગયા. શેઠ ઉજાગરમલ નુરઅલીની ચાલ સમજી ગયા.
એ પણ એક ખૂણામાં લપાઇ ગયા. નોકરોના ચાલ્યા ગયા પછી ક્રોસ સાહેબ
શેઠ ઉજાગરમલ પાસે ગયા. લાલા સાહેબના તો હોશકોશ ઊડી ગયા.
ઓરડામાંથી બહાર નીકળીને એ તો જીવ લઇને નાઠા. ક્રોસ સાહેબ પણ
એમની પાછળ નાઠા. શેઠની ગાડી દરવાજે જ ઊભી હતી. ગાડીમાં બેસતા
પહેલાં જ ઘોડાઓ પણ સમજી ગયા. અને કાન ઊંચા કરી તેજ ચાલે ગાડી
ચાલવા લાગ્યા.
અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું. આગળ ખાલી ઘોડા ગાડી જતી હતી.
પાછળ શેઠ ઉજાગરમલ દોડતા હતા. અને એમની પાછળ હાથમાં હંટર લઇ
ક્રોસ સાહેબ દોડતા હતા. ગભરાટના માર્યા શેઠ ઠોકર ખાઇને જમીન પર
પડી ગયા. પણ પાછા ઊભા થઇને નાઠા. છેવટે ક્રોસ સાહેબ ઊભા રહી
ગયા. કાબરચીતરું મોં લઇ આગળ વધવું ઠીક ના લાગ્યું. લોકોમાં મશ્કરી
થવાની બીક હતી. એમને એમ પણ થયું કે શેઠને પૂરેપૂરી સજા મળી ગઇ છે.
હવે નોકરોની ખબર લેવી વધું જરૂરી હતું. તેઓ ત્યાંથી જ પાછા વળી ગયા.
શેઠ ઉજાગરમલના જીવમાં જીવ આવ્યો. તેઓ બેસી ગયા અને
જોરજોરથી હાંફવા લાગ્યા.
લાલા ઉજાગરમલ સમાજના આગળ પડતા નેતા હતા. એમને
અંગ્રેજો ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. અંગ્રેજી કારોબારનાં એ ભરપેટ વખાણ
કરતા હતા. અંગ્રેજોમાં પણ એમનાં સારાં માનપાન હતાં. અંગ્રેજોની ભલી
લાગણી ને લઇ એમને મોટીમોટી એજન્સીઓ મળતી હતી. અંગ્રેજો સાથેના
સહકારને લીધે તેઓ ખૂબ ધન કમાયા હતા. આમ છતાં અસહકારની તેઓ
ઉન્નતિ ઇચ્છતા હતા. એમને વિશ્વાસ હતો કે અસહકારની તો એક હવા છે.
ચાલે ત્યાં સુધી ઠીક! એ હવામાં આપણે આપણાં ભીનાં લૂગડાં સૂકવી લેવાં!
તેથી જ તેઓ અસહકારની પ્રવૃત્તિઓનાં પેટ ભરીને વખાણ કરતા.
માનપાનની સાથે તેમનું આત્માભિમાન પણ વધ્યું હતું. હવે તેઓ પહેલાંની
જેમ ડરપોક રહ્યા ન હતા.
ગાડી ઉપર બેઠા પછી એ વીતી ગયેલા પ્રસંગને વાગોળવા લાગ્યા -
‘‘અચૂક નૂરઅલીએ મને દગો કર્યો! અસહયોગીઓની સાથે એ મળેલો લાગે છે!
તેઓ હોળી નથી રમતા તો પછી તેમનું આમ આટલું બધું ગુસ્સે થવું શું સૂચવે
છે? એનો અર્થ એ જ કે એ લોકો અમને કૂતરાથીયે બદતર સમજે છે. એમને
એમની મોટાઇનું કેટલું અભિમાન છે? મારી પાછળ હંટર લઇ મારવા દોડ્યા!
એનો અર્થ એ જ કે મારા પ્રત્યેનો એમનો આદર માત્ર દંભ હતો. વાસ્તવમાં એ
મને નીચ અને નાલાયક જ સમજે છે.’’
‘‘લાલ રંગ એ કઇં તીર તો ન હતું કે એનાથી વીંધાઇ જવાય!
નાતાલના દિવસોમાં આપણે ગિરજાઘરોમાં જઇ મેવા મિઠાઇની છાબડીઓ
ભેટ આપીએ છીએ એમને. ભલે નાતાલ આપણો તહેવાર ના હોય! અને
આજે જરાક રંગ છાંટવાથી એ ગુસ્સે થઇ ગયા. કેવું ઘોર અપમાન! મારે
ખુલ્લંખુલ્લો એનો વિરોધ કરવો જોઇતો હતો. હું નાઠો એ તો મારી કાયરતા
હતા. એમ કરવાથી તો એ લોકો સિંહ થઇ જાય છે. સિંહ! એમની નમ્રતા
અને સજ્જનતા તો એમનો ભારોભાર સ્વાર્થ છે.’’
શેઠના અંતરમાંથી ઊઠેલી લાગણીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું.
‘‘મારી આવી અવદશા! અપમાનનો કડવો ઘૂંટડો ઊબકાઇ ઊબકાઇને બહાર
આવતો હતો. આ મારા એમના પ્રત્યેના સહકારનું જ પરિણામ છે. હું આવી
સજાને જ લાયક છું. એમની લોભામણી વાતો સાંભળીને તો હરખાતો હતો હું
આજ સુધી! પણ હું એના સમજી શક્યો કે સ્વતંત્રતા અને પરતંત્રતા વચ્ચે કોઇ
સમન્વય સધાઇ શકે નહીં. અત્યાર સુધાતો હું અસહકારવાદીઓને હસતો હતો.
પણ હવે મને મારી ભૂલ સમજાય છે. તેઓ હાસ્યાસ્પદ નથી, પણ હું સ્વયં
નિંદાપાત્ર છું.’’
એ સીધા જ કોંગ્રેસ સમિતિની કચેરીએ પહોંચ્યા. ત્યારે ત્યાં એક મોટી
સભા મળી હતી. સમિતિ એ નાના મોટા છૂત અછૂત સૌને હોળી રમવા માટે
નિમંત્ર્યા હતા. હિન્દુ મુસલમાન સાથે બેસી હોળી મનાવતા હતા. ફળાહારની પણ
વ્યવસ્થા કરવામાં આવી હતી. એ પહોંચ્યા ત્યારે વ્યાખ્યાન ચાલતું હતુ. શેઠને
સભામાં જતાં સંકોચ થતો હતો. સંકોચાતાં સંકોચાતાં એ એકબાજુ જઇ ઉભા
રહ્યા. એમને જોઇને લોકો અચંબામાં પડી ગયા. બધા વિસ્ફારિત આંખોએ એમની
સામે તાકવા લાગ્યા. સૌને થયું ખુસામત ખોરોના ગુરૂ આજે અહીં શી રીતે આવી
ચઢ્યા. એ તો સહકારવાદીઓની સભામાં અંગ્રેજો પ્રત્યેની રાજભક્તિનું વ્યાખ્યાન
આપતા જ શોભી શકે! હાં, કદાચ એઓ ભેદ પામવા આવ્યા હશે કે અહીં આપણે
શું કરી શરીએ છીએ! એમને અકળાવવા માટે લોકોએ કહ્યું - ‘‘કોંગ્રેસની જય’’
ઉજાગરલાલે ઊંચા સાદે કહ્યું - ‘‘અસહકારની જય!’’
પાછો અવાજ આવ્યો - ‘‘ખુશામતખોરો મુર્દાબાદ.’’
શેઠે બમણા ઊંચા અવાજે કહ્યું - ‘‘જી હજૂરો, મુર્દાબાદ.’’
લોકોના આશ્ચર્ય વચ્ચે તેઓ મંચ ઉપર ચઢી ગયા. ગંભીર અવાજે
બોલ્યા - ‘‘મિત્રો અને સજ્જનો! મેં આપ સૌ સાથે આજ સુધી અસહયોગ
આદર્યો છે તે બદસ સૌની માફી માંગું છું. મને આપ જાસૂસ ના સમજશો. આજે,
મોડે મોડે પણ મારી આંખનાં પડદો ઊઘડી ગયો છે. આ પવિત્ર હોળીના દિવસે હું
આપ સૌનો પ્રેમ પામવા અત્રે ઉપસ્થિત થયો છું. આપ સૌ મને અપનાવી લેશો
એવો વિશ્વાસ છે. મને મારી ભૂલની સજા મળી ગઇ છે. કલેક્ટર સાહેબે મારું
હળહળતું અપમાન કર્યું છે. હું આજ સુધી દેશદ્રોહી હતો, મિત્રદ્રોહી હતો. મેં મારા
અંગત સ્વાર્થને લીધે દેશનું ઘણું અહિત કર્યું છે. એ બધું યાદ આવતાં મને થઇ
આવે છે કે મારા પ્રાણ ત્યજી દઊં!’’
સભામાંથી કોઇકનો અવાજ આવ્યો - ‘‘હા, હા, પ્રાણ ત્યજી દો
એમાં જ તમારી ભલાઇ છે.’’
‘‘કરીશ, સમય આવો એમ પણ કરીશ. પણ મને મારા પાપના
પ્રાયશ્ચિત માટે સમય આપો એવી મારી આપ સૌને નમ્ર પ્રાર્થના છે.આશા છે
કે મારા જીવનના શેષ દિવસો પ્રાયશ્ચિત કરવામાં અને મારા જીવનમાં
લાગેલા કલંકને ધોવામાં વીતાવું. મને આત્મસુધારણા માટેની તક આપો
એવી મારી આગ્રહભરી વિનંતી છે. હું આજથી આપ સૌનો સેવક છું. હું
તન, મન અને ધન બધું દેશ માટે સમર્પણ કરું છું.’’
***