પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 19 Munshi Premchand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 19

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(19)

સૌભાગ્યના કોરડા

બાળક સ્વભાવે જ ચંચળ હોય છે. સુખ કે દુઃખની સ્થિતિમાંય એ

વિનોદપ્રિય હોય છે. નથુવાનાં મા બાપ મરી ગયા પછી એ અનાથ છોકરો

ભોલેનાથ ને ઘેર જ મોટે ભાગે પડ્યો રહેતો હતો. રાય સાહેબ ભોલેનાથ

દયાળુ માણસ હતા. ક્યારેક તેઓ પેલા છોકરાનો વાપરવા અધેલોય આપતા.

એમના ઘરમાં એઠું જૂઠું ખાવનું તો એટલું બધું વધતું હતું કે આવાં તો કઇક

અનાથ બાળકોનું પોષણ થઇ શકે! નથુવાને પહેરવા ઉતરેલાં લૂંગડાં મળી

રહેતાં. એટલે નથુવા અનાથ હોવા છતાં દુઃખી ન હતો. રાયસાહેબે એને એક

ખ્રિસ્તીના પંજામાંથી છોડાવ્યો હતો. એ બાળક ખ્રિસ્તી બને એ એમને મંજૂર

ન હતું. પણ એ હિન્દુ રહી શકે તોય ઘણું હતું. એમના ઘરનું એઠું ખાવાનું

મિશન ના ભોજનથી અનેક ઘણું પવિત્ર હતું એમની નજરે!

બંગલાની સફાઇ કરવા સિવાય નથુવાને અહીં ખાસ કોઇ કામ

કરવાનું રહેતું નહીં. ખાવું પીવું અને રમતું ફરવું. કર્મ પ્રમાણે એની જાતિ પણ

નક્કી થઇ ગઇ. ઘરના બીજા નોકરો એને ભંગી કહેતા. નથુવાને એથી કશું

માઠું પણ લાગતું ન હતું. ભંગી થવામાં એને કશું નુકસાન પણ ન હતું. ઝાડું

મારતાં કોઇ કોઇ વાર એને કોઇના પડી ગયેલા પૈસા કે બીજી કોઇ કિંમતી

વસ્તુ મળી આવતી. એ ત્યારે સિગરેટ ખરીદતો અને પીતો. નોકરો સાથેના

સહવાસથી નાનપણથી જ એને તમાકુ અને સિગારેટની આદત પડી ગઇ

હતી.

રાયસાહેબના ઘરમાં નાનાં છોકરાની ખોટ ન હતી. કેટલાંય

ભાણા ભાણી અને ભત્રીજા ભત્રીજી ધામા નાખીને પડ્યાં રહેતાં એમને ત્યાં

પણ એમની પોતાની તો એક દિકરી જ હતી. નામ હતું રત્ના. રત્નાને

ભણાવવા શિક્ષકો ઘેર આવતા. એક ગોરી મેમ અંગ્રેજી ભણાવવા આવતી.

રત્ના ગુણવાન અને શીલવાન બને એવી રાયસાહેબની અભિલાષા હતી એ

જે ઘરમાં જાય એ ધરતી લક્ષ્મી બની ને ઘરને અજવાળે એવું એ ઇચ્છાતા

હતા. એ રત્નાને બીજાં બાળકો સાથે હળવા મળવા દેતા નહીં. એને માટે

વિશાળ બંગલામાં બે રૂમ અલગ ફાળવી દેવામાં આવ્યા હતા, એક વાંચવા

અને બીજો સૂવા બેસવા. લોકોનું કહેવું છે કે વધારે પડતાં લાડ પ્યારથી

છોકરાં વંઠી જાય છે. પણ રત્ના અતિશય લાડપ્યાર છતાં સુશીલ અને

સંસ્કારી રહી શકી હતી. નોકરો અને ભિખારીઓ સાથેય એ સૌજન્યથી

વર્તતી નથુવાને એ કોઇ કોઇ વાર વાપરવાના પૈસા આપતી તો ક્યારેક ખાવા

મિઠાઇ પણ આપતી. એ એની સાથે, સમય મળતાં વાતો પણ કરતી હતી.

એથી નથુવા એની સાથે હળીમળી ગયો હતો.

એક દિવસની વાત છે. નથુવા રત્નાના સૂવાના ઓરડાની સફાઇ

કરતો હતો. રત્ના બીજા ઓરડામાં મેમ સાહેબા સાથે અંગ્રેજી વાંચી રહી હતી.

નથુવાને કુમતિ સુઝી. ઝાડું મારતાં મારતાં એને રત્નાના પલંગમાં સૂઇ જવાની

ઇચ્છા થઇ ગઇ. ઊજળી ચાદર, નરમ ગાદલું, રેશમી ચાદર નથુવાનો જીવ

ઝાલ્યો ના રહ્યો. વિચારવા લાગ્યો - ‘‘રત્ના, કેટલા આરામથી સૂતી હશે આ

પલંગ પર! એટલે જ એનું શરીર આવું ગોરું ગોરું હશે! જાણે એના શરીરમાં પણ

રૂ ભરેલું છે!’’ અહીં કોણ જોનારું છે? એમ વિચારીને એ તો પલંગ પર ચઢી,

ચાદર ઓઢીને સૂઇ ગયો. ગર્વ અને આનંદથી એ ખુશખુશાલ થઇ ગયો.

આનંદના અતિરેકથી એ પલંગમાં ઊછળવા લાગ્યો. - ‘‘અહા, કેટલું સુખ!

કેવી મઝા! ભગવાને મને રાયસાહેબને ઘેર જન્મ કેમ ના આપ્યો? સુખનો

અનુભવ થતાં જ એને એની વાસ્તવિક સ્થિતિનું ભાન થયું અને એનું ચિત્ત

વિહ્વળ બની ગયું. એકાએક કોઇ કામ માટે રાયસાહેબ કોઇક કામસર રત્નાના

ઓરડામાં આવ્યા અને નથુવાને પલંગમાં સૂતેલો જોઇ એ આભા બની ગયા.

એમના શરીરમાંથી જાણે આગની જ્વાળાઓ નીકળી રહી હતી. ગર્જ્યા -

‘‘ગધેડા! ઊઠ ઊઠ અહીંથી, આ શું કરી રહ્યો છે તું?’’

નથુવાના હાંજા ગગડી ગયા. આંધીમાં થરથરતા કુમળા છોડની જેમ

થરથરવા લાગ્યો એ. પલંગમાંથી એ ઊભો થઇ ગયો અને ઝાડું લઇ ઓરડો

વાળવા લાગ્યો.

રાયસાહેબે પૂછ્યું - ‘‘શું કરતો હતો અલ્યા?’’

‘‘કશું નહીં સરકાર!’’

‘‘અલ્યા, ગધેડા! રત્નાના પલંગમાં સૂઇ જવાની તારી હિંમત શી

રીતે ચાલી? સાલા, નમકહરામ! લાવ મારું હંટર!’’

હંટર મંગાવીને સાયસાહેબે એને ફટકાર્યો. બિચારાનો બરડો સૂજી

ગયો. મારની પીડા એનાથી જીરવાઇ નહીં. એ હાથ જોડી કાલાવાલા કરવા

લાગ્યો. રાયસાહેબના પગમાં આળોટવા લાગ્યો. નથુવાની ચીસો સાંભળીને

ઘરના બધા નોકરો ભેગા થઇ ગયા. રાયસાહેબનો ક્રોધ શાંત થતો ન હતો.

બીજા નોકરોને એકઠા થયેલા જોઇને તો જાણે બળતામાં ઘી હોમાયું. રાય

સાહેબ નથુવાને લાતો મારવા લાગ્યા. રત્નાએ શોરબકોર સાંભળ્યો. એ

દોડીને ઓરડાની બહાર આવીને રાયસાહેબની પાસે જઇ એણે કહ્યું -

‘‘પિતાજી! પિતાજી ! બસ, બહુ થયું. મરી ગયો બિચારો.’’

‘‘મરી જશે તો ફેંકી દઇશ એની લાશને બંગલાની બહાર,

બિચારાં ગીધડાં કૂતરાંને તો દિવાળી થશેને!’’

‘‘બાપુજી! પણ એ મારા પલંગમાં સૂઇ ગયો હતો ને? એમાં શું થઇ

ગયું? હું એને માફ કરી દઉં છું.’’

‘‘રત્ના...આ! જા, જઇને તારા પલંગની દશા જોઇ આવ.

નાલાયકના ગંદા ગોબરા શરીરથી આખું ગાદલું મેલું થઇ ગયું છે. સાલાને,

આ શું સૂઝયું? બોલ અલ્યા. તને આવો વિચાર આવ્યો ક્યાંથી?’’ અને પાછા

એ નથુવા ઉપર તૂટી પડ્યા. નથુવા બીકનો માર્યો રત્નાની પીઠ પાછળ

સંતાઇ ગયો. એ સિવાય એને માટે બીજું કોઇ જ શરણું ન હતું. રત્ના રડતી

રડતી બોલી - ‘‘ પિતાજી! મારા કહેવાથી તો બિચારાને માફી આપો!’’

રાયસાહેબે આંખોમાંથી અંગારા વરસાવતાં કહ્યું - ‘‘આ તું શું

બોલે છે? રત્ના! આવા ગુનેગારને તો સજા જ કરવી જ પડે, ભલે તું કહેતા

હોઉં તો છોડી દઉં છું એને. નહીં તો આજે એને જાનથી મારી નાખત. નથુવા;

જો તારે જીવતા રહેવું હોય તો, નાલાયક! અબઘડી આ ઘરમાંથી નીકળી

જા.’’

નથુવા તો જાય નાઠો. પાછો ફરીને જો તો પણ ન હતો. છેક સડકે

પહોંચીને એ ઊભો રહ્યો. હવે રાયસાહેબ એને કશું કરી શકે એમ ન હતા.

હવે અહીં કોઇ એમની હામાં હા તો નહીં ભણેને! કોઇક તો કહેશેને કે

બિચારો છોકરો છે. થઇ જાય ભૂલ. હવે અહીં મને મારે તો ખરા. દોઢમણની

ગાળ ભાંળીને જ ચાલ્યો જાઉં. પછી કોની તાકાત છે કે પકડી શકે મને! એની

હિંમત વધી, રાયસાહેબના બંગલા ભણી મોંઢું રાખી બૂમ પાડી - ‘‘અહીં

આવો તો દેખાડી દઉં.’’ અને પછી મૂઠીઓ વાળીને નાઠો. એને થયું કે કદાચ

રાયસાહેબ સાંભળી ગયા હશે તો!

નથુવા થોડેક આઘે ગયો હશે ત્યાં રત્નાની મેમ સાહેબા બે પૈડાં

વાળી ખુલ્લી ગાડીમાં બેસી આવતી દેખાઇ. એને થયું, કદાચ પકડવા તો નહીં

આવતી હોય! એ નાઠો પણ થાકી ગયો એટલે પાછો ઊભો રહ્યો. થોજી

વારમાં મેમસાહેબની સવારી આવી પહોંચી. ગાડી થોભાવીને એણે પૂછ્યું -

‘‘ નાથું! ક્યાં જઇ રહ્યો છે?’’

‘‘કંઇ એ નહીં.’’

‘‘રાયસાહેબને ઘેર ફરી જઇશ નહીં. નહીં તો તને મારશે. ચાલ,

મારી સાથે આવવું છે? મિશનમાં રહેજે નિરાંતે. તું સારો માણસ થઇ

શકીશ.’’

‘‘પણ મેમ સાહેબ! તમે ખ્રિસ્તી તો નહીં બનાવોને?’’

‘‘ખ્રિસ્તી કઇં ભંગી કરતાં ખરાબ છે, પાગલ!’’

‘‘ના, ભઇ, ના! મારે ખ્રિસ્તી તો નથી થવું.’’

‘‘તારી ઇચ્છા ના હોય તો ખ્રિસ્તી ના થઇશ. કોઇ જબરજસ્તીથી

તમે ખ્રિસ્તી નહીં બનાવે.’’

નથુવા થોડીકવાર તો મેમની ગાડી સાથે ચાલ્યો. એના મનમાં

શંકા થતી હતી. એ ઊભો રહી ગયો. એને ઊભેલો જોઇને મેમ સાહેબાએ

પૂછ્યું - ‘‘આવવું નથી મિશનમાં?’’

‘‘મેં સાંભળ્યું છે કે જે મિશનમાં જાય છે એ વહેલો મોડો ખ્રિસ્તી થઇ જાય છે. મારે નથી આવવું. તમે ખાતરી આપો છો?’’

‘‘અરે, ગાંડા! તને ત્યાં ભણાવવામાં આવશે. કોઇની ગુલામી કરવી નહીં પડે સાંજે વળી હરવા ફરવાની કે રમવાની રજા મળી એ વધારામાં, કોટપાટલુન પહેરવાનાં મળશે. ચાલ, બેચાર દિવસ રહીને અનુભવ તો કરી જો.’’

મેમ સાહેબાની લોભામણી વાતોની નથુવા પર કોઇ અસર થઇ નહીં. એ તો ત્યાંથી નાસી છૂટ્યો. ગાડી ખૂબ દૂર નીકળી ગયા પછી તે ઊભો રહ્યો. નિરાંતે વિચારવા લાગ્યો - ‘‘ક્યાં જાઉં? કોઇ પોલીસવાળો પકડીને થાણે લઇ જશે તો? એણે વિચાર્યું - ‘‘મારી જ્ઞાતિના માણસો ત્યાં રહે છે. શું તેઓ મને નહીં સંઘરે? મારે કઇ બેઠાં બેઠાં ખાવું નથી. મહેનત કરીશ અને પેટ ભરીશ! બસ, મને કોઇકની ઓથ મળવી જોઇએ! આજે મને કોઇનો સથવારો મળી ગયો હોત તો રાયસાહેબની મજાલ હતી કે મને આંગળી અડાડે! અમારી આખી વસ્તી ભેગી થઇ જાત. ઘરની સાફ સૂફી બંધ થઇ જાત. અરે! બંગલાના આંગણામાંય કોઇ ઝાડુ મારવાની હિંમત કરત નહીં. આખી રાયસાહેબની હવા નીકળી જાત. એ ભંગાઓની વસ્તીમાં જઇ પહોંચ્યો. દિવસ નમવા આવ્યો હતો. કેટલાક ભંગીઓ મહોલ્લાના ચોકમાં એક ઝાડ હેઠળ બેઠા બેઠા તબલાં અને શહનાઇ વગાડતા હતા. એ દરરોજ આમ મહાવરો કરતા. એ એમની આજીવિકા હતા નથુવા જઇને ત્યાં ઊભો રહી ગયો. એને ધ્યાનથી ત્યાં સાંભળતો જોઇ પૂછ્યું - ‘‘ અલ્યા, તને આવડે છે ગાતાં?’’

‘‘ગાતો તો નથી,પણ શીખવાડો તો ગાઉં.’’

‘‘રૈ’વાદ્યે, રૈ’વાદ્યે, હવે તારું ડા’પણ! બધાં બા’નાં મેલી ને ગાવા માડ્ય જે આવડે ઇ. ગાઊં તો ખબર પડે ને કે તારું ગળું કેવુંક છે! ગળું સારું હોય તો ગાતાં શીખવાડાય ને?’’

સામાન્ય છોકરાઓની જેમ નથુવાય કોઇ કોઇ વાર કશુંક ને કશુંક ગાઇ લેતો. એણે તો ગાવાનું શરૂ કર્યું. ઉસ્તાદ તો સાંભળીને ઝૂમી ઊઠ્યો. જાણકાર હતો એ. સમજી ગયો કે છોકરો કાચનો કટકો નથી. તેણે પૂછ્યું - ‘‘ક્યાં રહે છે, લ્યા.’’

નથુવાએ એની વીતકકથા સંભળાવી. એને આશરો મળી ગયો. ત્રણ વર્ષ વીતી ગયાં. નથુવાનાં ગીતોની આખા શહેરમાં પ્રસંશા થવા લાગી. એના ગળા પાછળ લોકો પાગલ થઇ ગયા હતા. ગાવું, શહનાઇ વગાડવી, પખવાજ, સારંગી, સિતાર અને તંબૂરો વગાડવાં. જેવી તમામ કાળાઓ એને સુપેરે હસ્તગત થઇ ગઇ હતી. ભલભલા ઉસ્તાદોય એની આગળ પાણી ભરતા. જાણે એના પૂર્વજન્મના સંસ્કારો સાકાર થયા હતા.

સંજોગવશાત્‌ એ દિવસોમાં ગ્વાલિયરમાં એક સંગીત સંમેલન થયું. દેશદેશાવરથી સંગીતના આચાર્યોને નિમંત્રણો અપાયાં. ઉસ્તાદ ઘૂરે ને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. નથુવા ઘૂરેનો ચેલો હતો. ઉસ્તાદ ગ્વાલિયર ગયા તો નથુવાને પણ સાથે લેતા ગયા. એક અઠવાડિયા સુધાી ગ્વાલિયરમાં ધૂમધામ મચી ગઇ. નથુરામને ત્યાં ઘણી નામના મળી. ગ્વાલિયરના સંગીત વિદ્યાલયના અધ્યક્ષને નથુવાને વિદ્યાલયમાં દાખલ કરવા આગ્રહ કર્યો. ઘૂરે ને એમની વાત માનવી પડી. નાથુરામ પણ રાજીરાજી થઇ ગયો.

પાંચ વર્ષની સખત સાધના પછી નાથુરામે વિદ્યાલયની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરી લીધી. સાથે સાથે ભાષા, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં પણ એની બુદ્ધિ ખીલી ઊઠી. એ સમાજમાં ખૂબ નામ કમાયો. હવે કોઇ એની જાતિ પૂછતું નહીં. એની રહેણી કરણી પણ સભ્ય અને શિક્ષિત માણસ જેવી થઇ ગઇ. એણે માંસ મદિરાનો ત્યાગ કર્યો. નિયમિત સંધ્યા પૂજા પણ કરવા લાગ્યો. એ જોતજોતામાં ના.રા. આચાર્ય તરીકે પ્રસિદ્ધ થઇ ગયો. લોકો એને આચાર્યના લાડકા નામે ઓળખવા લાગ્યા. રાજા દરબાર તરફથી પણ એને સારી કમાણી થવા લાગી. અઢાર વર્ષની નાની ઉંમરમાં આટલી ખ્યાતિ મેળવવી એ વિરલ જ ગણાયને!

મહાશય આચાર્યએ વધુ ખ્યાતિ મેળવવા યુરોપ પ્રસ્થાન કર્યું. જર્મનીના સંગીત વિદ્યાલયમાં એ દાખલ થઇ ગયો. પશ્ચિમના સંગીતનો અભ્યાસ કરી આચાર્યની પદવી સાથે એ પાંચ વર્ષ બાદ પાછો ગ્વાલિયર આવ્યો. આવતાંવેંત મદન કંપનીએ એને માલિક રૂપિયા ત્રણ હજારના પગારે પોતાની તમામ શાખાઓના નિરીક્ષક તરીકે નીમી દીધો.યુરોપમાં પણ ઘણી ઓપેરાઓમાંથી અને નાટ્યશાળાઓમાંથી એને સારી કમાણી થઇ હતી. લખનૌ પ્રત્યે એને વિશેષ લગાવ હોવાથી એણે ત્યાં જ વસવાનું પસંદ કર્યું.

આચાર્ય મહાશય લખનૌ પહોંચ્યા તો તેમનું હૈયું ગદ્‌ગદ્‌ થઇ ગયું.

અહીંમ જ એમણે બાળપણ વીતાવ્યું હતું. આ જ શહેરની ગલીઓમાં એ

અનાથ થઇ પતંગો લૂંટતા ફરતા હતા. અહીંનાં બજારોમાં એ ભીખ માગતા

ફરતા હતા. અહીં જ એમણે હંટરોનો માર ખાધો હતો. ચાબૂકનો નિશાનીઓ

એને સૌભાગ્યની રેખાઓ જેટલી પ્રિય લાગતી હતી. વાસ્તવમાં એ

કોરડાઓનો માર એમને માટે વરદાનરૂપ સાબિત થયો હતો. હવે એમના

મનમાં રાયસાહેબ પ્રત્યે જરા પણ ધૃણા કે વેરભાવના ન હતી. રાયસાહેબની

ભલાઇ એને યાદ આવી ગઇ. રત્નાની દયા અને વાત્સલ્યથી સભર યાદ

એની આંખોમાં આનંદનાં આંસુ છલકાવવા લાગી. ગાડીમાંથી ઉતરતાં જ

હૈયું જોરજોરથી ધબકવા લાગ્યું. દસ વર્ષની ઉંમરનો બાળક આજે ત્રેવીસ

વર્ષનો નવ યુવાન થઇ ગયો હતો. પાછો શિક્ષિત અને સભ્ય.

સ્ટેશનમાંથી બહાર આવ્યો ત્યારે તેણે જોયું કે શહેરની અનેક નાની

મોટી હસ્તીઓ એનું સ્વાગત કરવા ટોળે વળી હતી. એમાં એક યુવતી પણ

હતી. બરાબર રત્નાની હમશકલ. લોકોએ હાથ મિલાવી એમનું અભિવાદન

કર્યું અને રત્નાએ એમના ગળામાં ફૂલમાળા પહેરાવી. પરદેશમાં ભારતનું

નામ રોશન કરવાની એ ભેટ હતી. રત્નાએ આજે સૌંદર્ય, લજ્જા, ગર્વ અને

વિનયની દેવીનું રૂપ ધારણ કરી લીધું હતું. રત્નાની સામે જોવાની એમની

હિંમત ચાલી નહીં.

એ ઉતારા પર આવ્યા. જ્યાં એમને ઉતારો આપવામાં આવ્યો હતો

એ બંગલો જોઇને એ ચક્તિ થઇ ગયા. આ એ જ બંગલો હતો જ્યાં એ

રત્નાની સાથે રમતા હતા. એ જ રાચરચીલું, એ જદ સાજ સજાવટ. કોઇ

દેવદેવીના મંદિરમાં જતાં ભક્તના મનમાં જેવો ભાવ જાગૃત થાય તેવો ભાવ

આ બંગલામાં આવતાં આચાર્યજીના મનમાં જાગૃત થયો. રત્નાના

શયનકક્ષમાં જતાં હૈયામાં એવી વેદના થઇ આવી કે એ આંસુઓ ખાળી

શક્યા નહીં. એ જ પલંગ, એ જ નરમ ગાદલું, એ જ રજાઇ. અને એ જ

ઓશિકું! એમણે અધીરાઇથી પ્રશ્ન કર્યો. - ‘‘કોનો છે આ બંગલો?’’

મદન કંપનીનો મેનેજર આચાર્યની સાથે જ હતો. તેણે જવાબ

આપ્યો - ‘‘છે એક રાયસાહેબ ભોલેનાથ. એમનો આ બંગલો છે.’’

‘‘રાયસાહેબ ક્યાં ગયા છે?’’ આચાર્યએ આતુરતાથી પૂછ્યું.

‘‘એ તો જાણે ઉપરવાળો. આ બંગલો દેવાની પંચાતમાં હરાજ થતો

હતો. મને થયું કે આપણા થિયેટરની પાસે છે એટલે મેં ખરીદી લીધો.

કંપનીના નામે રૂપિયા ચાલીસ હજારમાં અંદરના તમામ રાચરચીલા સાથે

બંગલો ખરીદી લીધો છે.’’

‘‘તો તો મફતમાં મળ્યો કહેવાય. પણ હાં, તમને રાયસાહેબની

કોઇ ખબર નથી?’’

‘‘સાંભળ્યું હતું કે યાત્રાએ ગયા હતા. પાછા આવ્યા કે નહીં એ તો

રામ જાણે!’’

આચાર્ય મહાશય સાંજના બેઠા હતા ત્યારે એક માણસને પૂછ્યું -

‘‘ઉસ્તાદ ઘૂરેના સમાચાર જાણો છો? એમનું નામ તો બહુ સાંભળ્યું છે.’’

કરુણાર્દ્ર ભાવથી તેણે જવાબ આપ્યો - ‘‘જવા દો એમની વાત!

શરાબ પીને આવતાં રસ્તામાં જ બેભાન થઇ પડી ગયા. પડતાંવેંત જ હરાયા

આખલાની જેમ વેગથી દોડી આવતો એક ખટારો ફરી વળ્યો એમની ઉપર.

સવારે લાશ હાથમાં આવી. ખુદાવંત, એમની કળામાં તો એ અજોડ હતા.

એમના જવાથી આખું લખનૌ જાણે ઉજ્જડ થઇ ગયું છે. લખનૌ જેના પર

ગૌરવ કરી શકે એવું હવે કોઇ નથી. નથુવા નામનો હતો કોઇ એમનો એક

શિષ્ય. સાંભળ્યું છે કે એ એમનાથી સવાયો છે કળામાં. પણ કાશ, એ તો

અત્યારે લખનૌમાં નથી. વિદ્યાભણી ગણીને એ ચાલ્યો ગયો છે.

ગ્વાલિયરમાં એક એને માટે આશા હતી. પણ આજે તો એનોય પત્તો નથી.’’

સાંભળીને આચાર્યના પ્રાણ નીકળી જવા લાગ્યા જાણે! વાત ખુલ્લી

થઇ જવાની અણી ઉપર હતી. પણ તોય ભેદ ખુલતો ખુલતો રહી ગયો.

નવી આણાત વહુ સાસરીમાં રહે તેમ આચાર્ય આ બંગલામાં રહેતા

હતા. એમના હૃદયમાં પહેલા જૂના સંસ્કારોની છાપ ભૂંસાતી નથી. આ ઘર

સાથેની જૂની આત્મીયતાની યથાર્થતાથી એ અલિપ્ત થતા જતા હતા. મિત્ર ગણ

આવીને શોરબકોર કરતો તો એમનું મન શંકાશીલ થઇ જતું હતું. લખવા

વાંચવાના ઓરડામાં એ સૂઇ જતા તો આખી રાત પાસાં ઘસવાં પડતાં. રત્નાના

શયનકક્ષને તો એમણે ક્યારેય ઉઘાડ્યો ન હતો ફરીવાર. એ જેમનો તેમ બંધ

હતો. એ બંધ ઓરડાને દરવાજે જતાંય એમના પગ ધ્રુજવા લાગતા હતા.

લખનૌમાં અનેકવાર તેમણે વિશ્વવિદ્યાલયમાં તેમની કલાનિપુણતાનો

પરિચય કરાવ્યો હતો. લાખ્ખો રૂપિયાને ઠોકરે મારી ને પણ એ અમીર

ઉમરાવોને ઘેર જલસો કરવા જતા નહીં. એ એમના જીવનનું વ્રત હતું. એમનું

અલૌકિક સંગીત સાંભળીને લોકો પણ અલૌકિક આનંદ માણતા હતા.

એક દિવસ વહેલી સવારે પૂજાપાઠથી પરવારી આચાર્યજી બેઠા હતા

ત્યાં જ રાયસાહેબ ભોલાનાથ એમને મળવા આવ્યા. આચાર્ય તો ગભરાઇ

ગયા. યુરોપમાં વિશાળ થિયેટરોમાંય એ ક્યારેય આટલા ગભરાયા ન હતા.

તેમણે જમીન સુધી વળી ને રાયસાહેબ સલામ કરી. ભોલાનાથ એમની

વિનમ્રતાથી પ્રભાવિત થઇ ગયા. હવે એવા દિવસો આવ્યા હતા કે લોકો

રાયસાહેબને સલામ કરવાને બદલે એમની મજાક ઊડાડતા હતા. ખુદ રત્ના

પણ લજ્જિત થઇ જતી હતી.

રાયસાહેબે વેધક દ્રષ્ટિથી પૂછ્યું - ‘‘આ જગા તો પસંદ છે ને

આપને?’’

‘‘હા,હા. આથી બીજી ઉત્તમ જગાની કલ્પના કરવી પણ અયોગ્ય

છે.’’

‘‘આ મારો બંગલો છે. મેં જ એને બનાવડાવ્યો હતો અને મેં જ એને

બગાડી મૂક્યો.’’

સંકોચાતાં રત્નાએ કહ્યું - ‘‘પિતાજી, હવે એવી નકામી વાતો

ઉખેડવાથી શો લાભ?’’

‘‘બેટી, ફાયદો તો કશો નથી. તો પછી નુકસાન પણ શું છે? સારા

માણસો સમક્ષ હૈયાની વેદના ઠાલવવાથી હૈયું હળવું થાય છે. મહાશય! હું

હતો આ બંગલાનો ખરો માલિક. આખા ઇલાકામાંથી વાર્ષિક પચાસ

હજારની આવક મળતી હતી. પણ કેટલાક માણસોની સોબતથી સટ્ટો

રમવાની આદતનો ગુલામ બન્યો. બે ચાર વાર બાજી જીતી ગયો. મારી

હિંમત વધી. વિશ્વાસ દ્રઢ બન્યો. પછી તો લાખ્ખોની હોડ બકાવા લાગી. અને

એક દિવસ માથે સાડાસાતીની પનોતી બેસી ગઇ. મારી તમામ મિલકત હું

ગુમાવી બેઠો. વિચાર તો કરો; પચીસ લાખનો સોદો ઓછો હતો. આજે તો

મારા ભૂતકાળને વાગોળતો વાગોળતો આ બંગલાને જાઉં છું ને કાળજું બાળું

છું. મારી દિકરી રત્નાને આપના સંગીત પ્રત્યે અનહદ પ્રેમ છે. જ્યારે જોઉં

ત્યારે આપની જ વાત હોય છે એના હોઠો પર. મેં એને બી.એ. સુધી

ભણાવી છે.....’’

રત્નાનો ચહેરો શરમથી લાલ કંકુ જેવો બની ગયો. તેણે કહ્યું -

‘‘પિતાજી! આચાર્યજી મારી મનોદશા બરાબર જાણે છે. એમને મારો પરિચય

આપવાની જરૂર નથી. મહાશય, પિતાજીનું મન ત્યારથી જરા વિક્ષુબ્ધ થઇ

ગયું છે. ક્ષમા કરશો. એ તો એવી અરજ ગુજારવા આવ્યા છે કે આપને કોઇ

વાંધો ના હોય તો કોઇ કોઇ વાર આ બંગલાની મુલાકાતે તેઓ આવતા રહે.

એમના આત્માને સંતોષ થશે આપના આવવાથી વળી આ બંગલાનો માલિક

એમનો મિત્ર છે એવો પણ એમને સંતોષ થશે.’’

‘‘તે મને શો વાંધો છે? તમારું ઘર છે. જ્યારે તમારી ઇચ્છા થાય

ત્યારે આવજો. એને જોવા. અરે, હું તો કહું છું કે તમારે રહેવું હોય તો રહી

પણ શકો છો. આ બંગલામાં. હું તો વળી બીજો મુકામ શોધી લઇશ.’’

રાયસાહેબ આભાર માની ચાલતા થયા. એ બીજે ત્રીજે દિવસે

અહીં આવતા અને કલાકો સુધી બેસી રહેતા. રત્ના પણ એમની સાથે

આવતી. કેટલાક દિવસ આમ ચાલ્યું. પણ પછી તો તેઓ દરરોજ અહીં

આવવા લાગ્યા.

એક દિવસ રાયસાહેબે આચાર્ય મહાશયને એકાંતમાં બોલાવી કહ્યું

- ‘‘આપ આપના પરિવારને અહીં કેમ તેડાવતા નથી? આપને એકલાને તો

મુશ્કેલી પડતી હશે?’’

આચાર્યએ ઉત્તર આપ્યો - ‘‘મારાં લગ્ન પણ હજુ થયાં નથી અને

કોઇ દિવસ થવાનાં પણ નથી.’’

‘‘અરે, એમ કેમ? લગ્નથી આપને નફરત છે શું?’’

‘‘કોઇ ખાસ કારણ નથી. પણ લગ્ન કરવાની મારી ઇચ્છા નથી.’’

‘‘આપ બ્રાહ્મણ છો?’’ રાયસાહેબે સીધો પ્રશ્ન કર્યો.

આચાર્યના મોં ઉપરનું તેજ ઊડી ગયું. તેમણે સસંકોચ કહ્યું -

‘‘યુરોપની યાત્રાએ જઇ આવ્યા બાદ હું વર્ણભેદમાં માનતો નથી. મારો જન્મ

ગમે તે જ્ઞાતિમાં થયો હોય, પણ હું કર્મે તો શુદ્ર છું.’’

ભોલાનાથે કહ્યું - ‘‘ધન્ય છે તમારી વિનમ્રતાને! આપના દેવા

સજ્જનો બહુ થોડા હોય છે દુનિયામાં. હું પણ કર્મથી જ વર્ણમાં માનું છું.

નમ્રતા, વિવેક, સત્ચરિત્ર, આચાર, ધર્મનિષ્ઠા, વિદ્યાપ્રેમ વગેરે બ્રાહ્મણોના

ગુણો છે અને હું તો આપને, આપનામાં એ તમામ ગુણો હોવાથી બ્રાહ્મણ જ

સમજું છું. જેનામાં આ ગુણો નથી એ બ્રાહ્મણ નથી. રત્નાને આપની ઉપર

ઘણો જ પ્રેમ છે. આજ સુધી કોઇ પુરુષ એની આંખોમાં સમાયો નથી. એના

હૈયામાં વસ્યો નથી. પણ આપે, આપની કળાએ એને વશ કરી દીધી છે.

મારી ધૃષ્ટતા ક્ષમા કરશો. આપનાં મા બાપ....’’

આચાર્યએ નમ્રતાથી ઉત્તર આપ્યો - ‘‘આપ જ મારાં મા બાપ.

મને કોણે જન્મ આપ્યો છે તે તો હું ખુદ પણ નથી જાણતો. હું બહુ નાનો હતો

ત્યારે જ મા બાપનું મૃત્યું થઇ ગયું હતું.’’

‘‘અરેરે! ભગવાન! આજે એ જીવતાં હોત તો આપને જોઇને એમને

કેટલો આનંદ થતો હોત! તમારા જેવા સપૂત બહુ ઓછાંને પ્રાપ્ત થાય છે.’’

એટલામાં રત્ના કાગળ લઇ આવી અને રાયસાહેબના હાથમાં

આપતાં બોલી - ‘‘પિતાજી! આચાર્યજી કાવ્યરચના પણ કરી જાણે છે. જુઓ,

આ હું એમના ટેબલ પરથી લઇ આવી છું. સરોજિની નાયડુની કવિતા

સિવાય મેં આટલી સારી કવિતા ક્યાંય નથી જોઇ.’’

રત્નાની આંખોમાં ઉભરાતો આનંદ જોઇ રાયસાહેબે કહ્યું -

‘‘બેટી, મને એવી કવિતામાં શી સમજ પડે?’’

રત્ના અને આચાર્ય સદ્‌ગુણો અને મોહનો સંગમ પરસ્પર પ્રેમમાં

આશક્ત. બંન્ને એકબીજાથી વશ થઇ ગયાં. જીતાઇ ગયાં. પ્રેમ ના જીતી શકે

એવું હૃદય જોયું છે તમે ક્યાંય?

પણ આચાર્ય માટે આ પ્રેમે સમસ્યા ઊભી કરી. એમનું મન મૂંઝાતું

હતું. એ વિચારવા લાગ્યા ‘‘મારી અસલિયત છતી થઇ જશે ત્યારે? રત્નાને

કેટલું દુઃખ થશે? એ મારા પર તિરસ્કાર નહીં કરે તેની શી ખાતરી? ભલે

મારા તરફની સ્વભાવગત ઉપેક્ષા એ શી રીતે ટાળી શકશે? મારો આ નકાબ

ઉતરી ગયા પછી એના હૈયાના ચૂરેચૂરા થઇ જશે. એનાથી મારે કશું જ

છુપાવવું નથી. એમ કરવું એ તો કાયરતા છે. કપટ છે દગો છે. સાચો પ્રેમ

એ બધાંથી દૂર રહે છે.

એ નિર્ણય કરી શક્યા નહીં. રાયસાહેબની આવજા વધી ગઇ.

એમની વાતો પરથી એમનો આશય સ્પષ્ટ થતો હતો. ત્રણ ચાર માસ આમ

જ વીતી ગયા. આચાર્યજી નો વિચારતંતુ લંબાયો. - ‘‘આ એ જ રાયસાહેબ

છે કે જેમણે મને માત્ર રત્નાના પલંગમાં સૂઇ જવાની નાની અમથી ભૂલ

બદલ મારમારીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. એમને જ્યારે અબર પડશે

કે હું એ જ અનાથ, અછૂત, નિરાધાર નથુવા છું. ત્યારે એમના કાળજાને

કેટલી વ્યથા કોતરી ખાશે! એમને કેટલો આઘાત લાગશે! કેટલો પસ્તાવો થશે

એમને!’’

રાયસાહેબ પ્રસ્તાવ મૂક્યો - ‘‘આચાર્યજી, લગ્નની તિથિ તો નક્કી

કરી નાખવી જોઇએ.’’

‘‘કેવી તિથિ, રાયસાહેબ?’’

‘‘અરે! રત્નાના લગ્નની જ સ્તો.’’

‘‘લગ્નની!?’’

‘‘હા,હા, હું કુંડળીમાં તો નથી માનતો, પણ લગ્ન તો સારા

મુહૂર્તમાં જ થવું જોઇએ ને?’’

આચાર્ય જમીન ખોતરવા લાગ્યા. એમનાથી કશું જ બોલી શકાયું

નથી.

રાયસાહેબે કહ્યું - ‘‘હવે હું તો રહ્યો પાંકુપાન. બસ, એક માથે

રત્નાની જ ચિંતા છે. રત્નાને આપ જાણ છો. આપની આગળ એનાં વખાણ

કરવાં વ્યર્થ છે. એ ગમે તેવી હોય તોયે આપે એનો સ્વીકાર કરવો જ પડશે.’’

આચાર્યની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.

રાયસાહેબે આગળ ચલાવ્યું - ‘‘ઇશ્વરે રત્નાને માટે જ આપને

અહીં મોકલ્યા છે. તમારું બંન્નેનું જીવન સુખેથી વીતે એવી મારી ઇશ્વરને

પ્રાર્થના છે. મારે માટે એથી વધારે આનંદની વાત બીજી કોઇ નથી.’’

‘‘રાયસાહેબ! રાયસાહેબ! આપ તો મારા પિતા સમાન છો.

પણ...પણ હું કોઇ રીતે રત્નાને માટે લાયક નથી.’’ આટલું બોલતાં

આચાર્યનો કંઠ અવરોધાઇ ગયો.

રાયસાહેબે આચાર્યજીને ગળે વળગાડી દીધા ગદ્‌ગદ્‌ હૈયે બોલ્યા

- ‘‘બેટા, તમે સર્વગુણ સંપન્ન છો. સમાજનું ભૂષણ છો. મારે માટે એ

ગૌરવની વાત છે કે તમારા જેવો જમાઇ હું મેળવી રહ્યો છું. હું આજે જ

તિથિ વાર નક્કી કરીને જણાવીશ તમને.’’

રાયસાહેબ ચાલ્યા ગયા. આચાર્યને કશુંક કહેવું હતું પણ એમની

હિંમત ચાલી નહીં. કદાચ એવી તક પણ ના મળી હોય! સંભવ છે કે એટલું

દ્રઢ મનોબળ નહીં હોય!

લગ્નને એક મહિનાનો સમય વીતી ગયો હતો. રત્નાના

આગમનથી પતિનું ઘર દેદિપ્યમાન થઇ ગયું અને પતિનું હૈયું પવિત્ર થઇ

ગયું. જાણે સમુદ્રમાં કમળ ખીલી ઊઠ્યું! રાત્રિનો સમય હતો. આચાર્ય

મહાશય જમી પરવારીને પેલા જ પલંગ ઉપર સૂતા હતા. જેણે એમના

ભાગ્યનું પરિવર્તન કરી દીધું હતું.

રત્નાને એ રહસ્ય બતાવવાની પેરવીમાં હતા. એ એવું માનવા

તૈયાર ન હતા કે એમનું સૌભાગ્ય એમના ગુણોને આભારી હતું. પણ તક

મળતી ન હતી. રત્નાની સામે નજર મળતાં જ એ મંત્રમુગ્ધ થઇ જતા.

એટલામાં રત્ના હસતી હસતી આવી. દીવાનું તેજ મંદ પડી ગયું

હતું.

આચાર્યએ હસીને કહ્યું - ‘‘હવે દીવો બુઝાવી દઉંને?’’

‘‘કેમ? શરમાઓ છો મારાથી?’’

‘‘હા, રત્ના. ખરેખર મને શરમ આવે છે.’’

‘‘એટલા માટે કે મેં તમને જીતી લીધા છે?’’

‘‘ના, એટલા માટે કે મેં તારી સાથે કપટ કર્યું છે , રત્ના.’’

‘‘કપટ?! ના,ના. એવું ના બને. તમારામાં તો એવી શક્તિ જ

નથી.’’

‘‘તને શી ખબર! મેં તને બહુ જ ભારે દગો દીધો છે.’’

‘‘હું બધું જ જાણું છું.’’

‘‘તું બધું જ જાણે છે? કહે, હું કોણ છું?’’

‘‘મને બધી જ ખબર છે ઘણા દિવસોથી હું તમને ઓળખું છું

બગીચામાં આપણે રમતાં હતા. હું તમને મારતી હતી અને એંઠી મિઠાઇ

ખાવા આપતી હતી. તમે રડતા હતા અને મારા હાથમાંથી મિઠાઇ ઝૂંટવી

લેતા હતા. ત્યારથી જ હું ચાહું છું તમને.’’

‘‘રત્ના, એ જાણવા છતાં પણ તેં મારી...’’

‘‘હા,હા, જાણતી ના હોત તો કદાચ લગ્ન ના કરી શકી હોત

તમારી સાથે.’’

‘‘આ એ જ પલંગ છે.’’ આચાર્યએ કહ્યું.

‘‘અને હું ધોખેબાજ છું.’’ રત્નાએ કહ્યું.

‘‘તું તો મારી દેવી છે દેવી.’’

‘‘ના, દેવી નહીં. દાસી.’’

‘‘રાયસાહેબને ખબર છે આ વાતની?’’

‘‘ના, એમને કશી ખબર નથી. એમને ભૂલથીયે વાત ના કરશો,

નહીં તો એ આપઘાત કરી બેસશે.’’

આચાર્યએ કહ્યું - ‘‘મને એમના કોરડાનો માર હજુ આજેય યાદ

છે.

રત્ના બોલી - ‘‘પિતાજીની પાસે પ્રાયશ્ચિત કરવા હવે કશું બચ્યું

નથી. શું હજુ પણ તમને સંતોષ થતો નથી.?’’

***