પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 18 Munshi Premchand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 18

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(18)

દિક્ષા

કિશોરાવસ્થામાં શાળામાં ભણતો હતો ત્યારે મને ખાસ વ્યવહારિક જ્ઞાન ન હતું છતાંય હું નશાનિવારણી સભાનો ઉત્સાહિત સભ્ય હતો. હું એના મેળાવડાઓ માં હાજરી આપતો. ફાળો ઉઘરાવતો. એટલું જ નહીં, હું અટલ વ્રતધારી પણ હતો. પ્રધાન મહોદયે દિક્ષા લેતી વખતે મને પૂછ્યું હતું ‘‘તમને વિશ્વાસ છે કે આજીવન તમે આ વ્રત પાળશો?’’ ત્યારે મેં નિશંકભાવે જવાબ જવાબ આપ્યો હતો કે ‘‘હા, મને પૂર્ણ વિશ્વાસ છે.’’ પ્રધાન મહોદયે પછી મારા હાથમાં પ્રતિજ્ઞા પત્ર મૂક્યું હતું. મને તે દિવસે અપાર આનંદ થયો હતો.

પિતાજી થાક દૂર કરવા સાંજે એક પ્યાલી પીતા ત્યારે તેમની સાથે હું ઝઘડી પડતો. પિતાજી પીતા હતા. પણ ધંધો કરતા. જ્યાં જરાક નશો થતો કે આંખોમાં એક અદ્‌ભુત આભા ઉપસી આવતી. પછી એ વાળુ કરવા બેસતા. ખાતા ઘણું ઓછું. આખી રાત એ મોહમાયામાં બંધનોથી મુક્ત થઇ જતા. હું એમને નશો નહીં કરવા સમજાવતો. એખવાર તો આખે આખી બોટલ અને પ્યાલો જ તોડી નાખેલાં મેં. મને પિતાના દુર્વાસા જેવા ક્રોધની પણ ચિંતા ન હતી.

પિતાજીએ જાણ્યું કે મેં બોટલ ફોડી નાખી છે. એ અક્ષરેય બોલ્યા વગર સીધા જ બજારમાં ગયા અને નવી બોટલ લઇ પાછા ફર્યાં. આવી ને એમણે મારા તરફ ઉત્સાહસભર આંખો એ જોયું. મને એમની આંખોમાં અલૌકિક પ્રેમનો અણસાર દેખાયો. એ ખડખડાટ હસી પડ્યા. એમના એ હાસ્યમાં કેટલો વ્યંગ હતો, મારા વ્રતનો કેવો ક્રૂર ઉપહાસ હતો અને મારી સરળતા પર કેટલી દયા હતી. તેનો મર્મ હવે આજે મને સમજાઇ રહ્યો હતો.

કોલેજમાં પણ મારા વ્રતની અટલતાને લીધે હું વિદ્યાર્થી ઓમાં ઉપહાસપાત્ર બન્યો. કોઇ મને ગમાર સમજતું, કોઇ મુલ્લાની પદવી આપતું તો કોઇ વળી દોઢ ડાહ્યો કહી મારી ઠેકડી ઉડાડતું. મિત્રોની ઓરડીઓમાંથી આવતો ચૂસકીઓનો અવાજ સાંભળી હું સમસમી જતો. મિત્રો ભાંગવાટતા હતા ને હું જોઇ રહેતો. લોકો આગ્રહપૂર્વક કહેતા - ‘‘અરે, જરા પી તો જો.’’ હું નમ્રતાથી કહેતો - ‘‘માફ કરજો. એ મારી સિસ્ટમ સાથે સૂટ થતું નથી.’’

સિદ્ધાંતને બદલે શારીરિક અશક્તિનું બહાનું શોધવું પડ્યું મારે. સત્યાગ્રહનો મારો જુસ્સો ધીમેધીમે ઓસરતો ચાલ્યો. હું ત્યારે કોલેજના છેલ્લા વર્ષમાં ભણતો હતો. મારે ત્યાંથી પુત્રજન્મના સમાચાર આવ્યા. મિત્રોએ તો વાત જાણી પાર્ટી માગી. મારે તેમના આગ્રહને વશ થઇ પાર્ટી ગોઠવવી જ પડી. એટલું જ નહીં, પણ મેં મારા હાથે જ સૌને પીવડાવ્યું. તે દિવસે મને શરાબ પીવડાવવામાં અવર્ણનીય આનંદ આવતો હતો. સિદ્ધાંતો અને આદર્શોમાંથી પીછે હઠ કરવી તેનું નામ જ ઉદારતા. સંસારમાં જો સૌથી સરળમાં સરળ કોઇ કામ હોય તો તે પોતાની જાતને છેતરવી એ છે. મેં પોતે તો પીધો ન હતો. પીવડાવ્યો હતો. એમાં મને શું નુકસાન? પોતે ના પીને પણ બીજાને પીવડાવ્યો એમાં જ ખરી મઝા.

કોલેજમાંથી તો હું નિષ્કલંક બહાર નીકળી ગયો. પછી તો મેં શહેરમાં વકીલાત કરી. સવારથી મોડી સાત સુધી કામમાં ડૂબેલો રહેતો. કોલેજની એ મઝા, એ આનંદપ્રમોદ હવે માત્ર સ્વપ્નો બની ગયાં હતાં. જીવન સંગ્રામની વિકટતાનો સાચો અનુભવ હવે થતો હતો. જીવનને સંગ્રામ કહેવો એ એક ભ્રમ છે. સંગ્રામનાં ઉમંગ, ઉત્તેજના, વીરતા અને જયઘોષ જીવનમાં ક્યાં જોવા મળે છે? જીવન એટલે તો ઢસરડા, વેઠ અને ધક્કામુક્કી. પત્નીના લસરકા સાંભળવા, નોકરની ગાળો ખાવી અને છેવટે નીચી મૂડીએ ત્યાંથી ચાલ્યા જવું. આખો દિવસ બેઠાં બેઠાં અરુચિ થઇ આવતી. મુશ્કેલીથી બે ભાખરી ખવાતી. મનમાં કહેતો - ‘‘શું માત્ર આ બે ભાખરી માટે આટલી મગજમારી અને દોડાદોડી? નકામું મરી જવાનું! અરમાન તો એવાં હતાં કે પોતાની મોટર હોય, મોટો બંગલો હોય, જમીન જાગીર હોય, બેંન્કમાં થોડાક રૂપિયા હોય પણ એ બધું હોય તોયે શું? એ તો સંતાનો ભોગવશે. હું વ્યર્થ વૈતરું કરું છું. હું તો ખજાનાને માથે બેઠેલો સાપ માત્ર છું. ના ના એમ નહીં થઇ શકે. બીજાને માટે શા માટે મરી જવું મારે? હું તો મારી મહેનતની મઝા પોતે જ માણીશ. શું કરું? ક્યાંક સૈર કરવા ચાલ્યો જાઉં? ના, અસીલો હાથમાંથી છટકી જશે. એવો ખ્યાતનામ વકીલ તો છું નહીં કે મારા વગર કામ જ ના ચાલે. અહીં તો નેતાઓની જેમ અસહયોગ વ્રત ધારણ કરવા છતાંય કોઇ મોટો શિકાર નજરે ચઢે તો ઝાપટ માર્યા વગર ના છોડું.’’

તો શું રોજ સિનેમા જોવા જવું? વ્યર્થ, રાત્રે બે વાગ્યા સુધી ઉજાગરો કરું તો વગર મોતે જ મરી જાઉં. મારા જેવા બીજા વકીલોય ક્યાં નથી? એ શું કરતા હશે કે હમેશાં ખુશ દેખાય છે? મને લાગે છે કે એમને કોઇ ચિંતા જ નથી. સ્વાર્થ સેવા, અંગ્રેજી શિક્ષણનો આત્મા છે. પૂર્વના દેશો બાળકો, કીર્ર્તિ અને ધર્મ માટે જીવ આપી દે છે જ્યારે પશ્ચિમના દેશો પોતાને માટે જ મરી જાય છે. પૂર્વમાં ઘરનો માલિક સૌનો સેવક ગણાય છે. તે સૌને સારું સારું ખવડાવે છે. પીવડાવે છે તથા સારું સારું પહેરાવે ઓઢાડે છે જ્યારે પશ્ચિમમાં વ્યક્તિ જાતે જ સારું સારું ખાય છે, સારું સારું પહેરે ઓઢે છે. આપણા દેશમાં કુટુંબ સર્વોપરિ છે. જ્યારે પશ્ચિમમાં વ્યક્તિ સર્વોપરિ છે. આપણે બહારથી પૂર્વના છીએ અને અંદરથી પશ્ચિમના છીએ. આપણા સારા આદર્શો દિવસે દિવસે નષ્ટ થતા જાય છે.

મને વિચાર આવ્યો કે આટલા દિવસોની તપસ્યાથી હું લાધ્યું મને? આખો દિવસ ઢસરડા કરવા અને રાત્રે મોંઢે માથે ઓઢીને સૂઇ જવું. એ શું જીવન છે? કોઇ સુખ નહીં, મનને કશો આનંદ નહીં. જીવનને રસિક બનાવવા નો મારા મતે એક જ ઉપાય છે. આત્મવિસ્મૃતિ. હું મારી જાતને ભૂલી જાઉં મારી સ્થિતિને ભૂલી જાઉં. એક ચૂસકી ભરું ને બધુંય દુઃખ ગાયબ! એ વ્રત શું અને એ પ્રતિજ્ઞા શું? એ તો બાળપણના ચાળા હતા. તે વખતે મને શી ખબર કે મારી આવી હાલત થશે! ત્યારે તો જુવાનીનોં જુસ્સો હતો. અને હવે? આવા વિચારો મારા પૂર્વસંચિત સંસ્કારોને હચમચાવવા લાગી. શું હું જ સૌથી વધુ બુદ્ધિમાન છું? બધાય ક્યાં નથી પીતા?

જૂના જમાનામાં તો આવા નિયમો નભ્યે જતા. ત્યારે આજીવિકા આટલી કઠોર ન હતી. પણ તો પછી લોકો મારી મજાક ઊડાવશે. કહેશે કે ના જોઇ હોય તો મોટી વ્રતધારીની પૂછડી, મેં નકામો ટેક લીધો. પીધો નહીં તેથી કેવોક મોટો માણસ થઇ ગયો? ક્યું સન્માન મળ્યું? મેં વાંચ્યું હતું કે પીવાથી નુકસાન થાય છે, પણ મેં તો આજ સુધી કશું નુકસાન થતું જોયું જાણ્યું નથી. હા, પીનારો ભાન ભૂલી જાય છે એ વાત સાચી છે. એ પણ સાચું છે કે વધારે પીવાથી નુકસાન થાય છે. કોઇ પણ વસ્તુનો અતિરેક આમ તો સારો નથી. જ્ઞાન પણ મર્યાદા બહાર જવાથી નાસ્તિકતાના પ્રદેશમાં પહોંચી જાય છે. મારે એવી વ્યવસ્થા કરવી જોઇએ કે લોકો મને પરાણે પીવડાવે. પછી મારો ટેક તૂટે તો મારે એની કશી સ્પષ્ટતા કરવાની જરૂર રહે નહીં. ઘરનાંની સામે પણ નીચીજોયું થાય નહીં.

હોળીના દિવસે નાટક ભજવવાનો મેં નિશ્ચય કર્યો. આવી દિક્ષા માટે બીજું ક્યું સારું મૂહુર્ત હોઇ શકે? હોળીતો પીવા પીવડાવવાનો દિવસ.

હોળી આવી. દિક્ષાની તૈયારી કરી મેં. કેટલાક પીનારા મિત્રોને નિમંત્ર્યા. વ્હિસ્કી અને શેમ્પેઇન મંગાવવામાં આવ્યાં. શરબની સાથે ખાવાપીવાનો બીજી વસ્તુઓ પણ લાવવામાં આવી. ઓરડો આમ તો ખાસ મોટો ન હતો. કાયદાનાં થોથાંના ઘોડા ખસેડી દેવામાં આવ્યા. જાજમ બિછાવી દેવામાં આવી. સાંજે મિત્રો આવવાની પ્રતીક્ષામાં રાચવા લાગ્યો.

એક એક કરીને મિત્રો આવવા લાગ્યા. નવ વાગતા સુધીમાં તો તમામ મિત્રો આવી ગયા. કેટલાક આગસ્ત્યમનિના અનુયાયી જેવા હતા. બોટલ ઉપર બોટલ ગટગટાવી જવા છતાં ધરાતા નહીં. મેં શરાબની બોટલો, જામ અને નાસ્તાની તાશકો સામે લાવીને ધરી દીધી.

એક મહાશયે કહ્યું - ‘‘યાર, બરફ અને સોડા વગર મઝા નહીં આવે.’’

મેં કહ્યું - ‘‘મંગાવી રાખ્યાં જ છે. ભૂલી ગયો હું આપવાનું.’’

‘‘તો પછી થવા દે બિસ્મિલ્લાહ!’’

‘‘પણ સાકી કોણ થશે?’’

‘‘એ સેવાનો લાભ મને આપો.’’ મેં જણાવ્યું.

મેં પ્યાલીઓ ઉપર પ્યાલીઓ ભરીને મિત્રોને પાવા માંડી. ઠઠ્ઠા

મશ્કરી એ જોર પકડ્યું. અશ્લીલ વાતો થવા લાગી. પણ કોઇ મને પૂછતું ન

હતું. હું તો હાથે કરીને મૂર્ખ બન્યો. કોઇ અમથુંય પૂછતું નથી. કદાચ મને

પૂછતાં એ બધા શરમાતા હશે! જાણે હું વૈષ્ણવ ના હોઉં! પણ મારે એમને

સમજાવવા શી રીતે? છેવટે ખૂબ વિચારીને મેં કહ્યું - ‘‘હું તો ક્યારેય પીતો

નથી.’’

એક મિત્રએ કહ્યું - ‘‘કેમ પીતો નથી? ઇશ્વરના દરબારમાં તારે

જવાબ આપવો પડશે.’’

બીજાએ કહ્યું - ‘‘ફરમાઇએ જનાબ! હું જ ઇશ્વર તરફથી પૂછું છું

કે કેમ પીતો નથી?’’

‘‘જેવી મારી મરજી. પીવાના ઇચ્છા થતી નથી.’’

‘‘અરે, યાર! આ તે કઇ તારો જવાબ છે? શું જોઇને વકીલ થયો

હોઇશ તું!’’

ત્રીજો બોલ્યો - ‘‘આ...પ! જવાબ આપ! ઇશ્વરને તું જેવો તેવો

સમજે છે શું?’’

બીજાએ કહ્યું - ‘‘તમે કોઇ ધાર્મિક અડચણ નડે છે?’’

‘‘કદાચ નડે પણ ખરી.’’

‘‘વાહ રે ધર્માત્મા! મોટી ધર્માત્માની પૂછડી ના જોઇ હોય તો!’’

મેં જવાબ આપ્યો - ‘‘ધર્માત્માને તે શું પૂંછડી હોતી હશે?’’

ચોથાએ કહ્યું - ‘‘હા,હા, કેમ નહીં. કોઇને હાથની તો કોઇને બે

હાથની. પૂંછડી વગરના ધર્માત્મા આજે હોય છે જ ક્યાં?’’ અમે તો બધા

પાપી છીએ.’’

ત્રીજો બોલ્યો - ‘‘ધર્માત્મા? અને તે વકીલ?’’

બીજાએ કહ્યું - ‘‘જેનામાં ધાર્મિક વિચારો ના હોય તે જ વકીલ

થઇ શકે. એટલે ધાર્મિક વાંધો તો તમને શો હોઇ શકે?’’

‘‘ભાઇ! મને શરાબ અનુકૂળ આવતો નથી.’’

‘‘અરે! હું અનુકૂળ કરાવી દઉં. એમાં તે શી મોટી વાત છે?’’

‘‘શું કોઇ ડોક્ટરે ના પાડી છે?’’

‘‘ના તો નથી પાડી.’’ મેં ક્હ્યું.

‘‘અરે વાહ! તું જાતે જ ડોક્ટર થઇ ગયો ને! શરાબ તો અમૃત

કહેવાય. અમૃત કોઇને અનુકૂળ ના આવે એ કેમ બને?’’

‘‘એકવાર ચાખી તો જો?’’

‘‘અરે યાર! આ તો બધા રોગોની દવા છે. સોમરસ છે સોમરસ.

શું તેં નસો નહીં કરવાની પ્રતિજ્ઞા તો નથી કરીને?’’

‘‘માનો કે એવી પ્રતિજ્ઞા કરી હોય તો?’’

‘‘તો તારા જેવો કોઇ મહામૂર્ખ નથી.’’

ચોથાએ શેર લલકાર્યો -

‘‘જામ ચલને કો હૈ સબ, અહલે નજર બૈઠે હૈં,

આંખ સાકી ન ચુરાના, હમ ઇધર બૈઠે હૈં.’’

એક મિત્રએ કહ્યું - ‘‘પ્રતિજ્ઞા તો અમેય કરી હતી નશો નહીં

કરવાની. પણ હવે અમે, અમે નથી રહ્યા તો પ્રતિજ્ઞા ક્યાંથી રહે. પ્રતિજ્ઞા તો

નાનપણની રમત હતી. નાનપણ ગયું અને સાથે પ્રતિજ્ઞા પણ ગઇ.’’

મેં પૂછ્યું - ‘‘પણ પીવાથી શો લાભ?’’

‘‘એ તો પીવાથી જ ખબર પડે. એક જામ પી જો. ફાયદો ના થાય

તો બીજો ના પીશ.’’

ત્રીજાએ કહ્યું - ‘‘બરાબર...બરાબર...હવે તો આ ધર્માત્માને

પીનડાવ્યા વગર છોડવો જ નથી.’’

પાછો શેર -

‘‘ઐસે મૈ ખ્વાર હૈં, દિન રાત પિયા કરતે હૈ,

હમ તો સોતે મેં તેરા નામ લિયા કરતે હૈ.’’

પહેલાએ કહ્યું - ‘‘તમારાથી કશું નહીં બને, હું જ પીવડાવીશ એને.’’

એ મહાશયે પ્યાલી મારે મોંએ અડાડી. મારી પ્રતિજ્ઞા તૂટી ગઇ. મને દીક્ષા મળી ગઇ. મારી ઇચ્છા પૂરી થઇ ગઇ. મેં બનાવટી ગુસ્સાથી કહ્યું - ‘‘તમારી સાથે તમે મને પણ ડૂબાડ્યો.’’

‘‘મુબારક હો...મુબારક હો.’’

બીજા એકે સૂર પૂરાવ્યો - ‘‘મુબારક....મુબારક! સો સો વાર મુબારક!’’

નવદીક્ષિત મનુષ્ય ઘણો ધર્મપરાયણ હોય છે. સંધ્યાકાળે એકાંતમાં મિત્રો સાથે જામ ઉપર જામ ગટગટાવતો ત્યારે મારું મન પ્રફુલ્લ થઇ જતું. રાતે ગાઢ ઊંઘ આવતી હતી. પણ સવારે આખા શરીરે કળતર થતું. આળસ થઇ આવતી. માથું શિથિલ થઇ જતું.

સવારે ઊઠીને સંધ્યાપૂજા કરવાને બદવે એકાદ બે પેગ ચઢાવતો. મને એટલો તો ખબર હતી કે નશો ખરાબ વસ્તુ છે. માણસ નશાનો ગુલામ બની જાય છે. છતાં હું એમાથી છટકી શક્યો નહીં. નશા વગર હવે ચાલતું જ નહીં.

વરસાદના દિવસો હતા. સર્વત્ર જળબંબાકાર થઇ ગયો હતો. અધિકારીઓ વરસાદમાંય બહાર જતાં. એમને તો ભથ્યા સાથે કામ. પ્રજાને શી વીતે છે એની પણ એમને શી પડી હોય! એક કેસ અંગે હું પણ બહાર ગયો હતો. સાંજે પાછા આવવાની ધારણા હતી. પણ ઠેરઠેર ઉભરાયેલાં નદી નાળાંને લીધે પહોંચતાં જ મોંડું થઇ ગયું. ન્યાયાધીશ મારી રાહ જોતા હતા. જતાંવેંત જ કેસ હાથ ધરવામાં આવ્યો પણ બંન્ને પક્ષની દલીલો પૂરી થતાં રાતના નવ વાગી ગયા. હું તો મુશ્કેલીમાં મૂકાઇ ગયો. થતું હતું કે જજ સાહેબને ઝાટકી નાખું! પ્રતિપક્ષી વકીલની દાઢી ખેંચી કાઢવાનીય ઇચ્છા થઇ આવતી હતી. કોઇકવાર કપાળ કૂટવાનું મન થઇ આવતું. મારાથી હવે રહેવાતું ન હતું. જજ સાહેબને મારી હાલતની શી ખબર પડે!

ખેર! કેસ પૂરો થયો. પણ હવે જવું ક્યાં? એકતો ચોમાસાની રાત. ક્યાંય સુધી વસ્તીનું ઠેકાણું ના મળે. ઘેર પાછા ફરવું હવે કઠિન હતું. આજુબાજુ પણ ક્યાંય એવી જગા દેખાતી ન હતી કે જ્યાંથી પેલા સંજીવની મળી આવે. ભારે આપત્તિ આવી પડી. અસીલો, સાક્ષીઓ વગેરે ચાલ્યા ગયા હતા. મારો સામેનો વકીલ મુસલમાન પટાવાળીની ચાદર પાથરી આરામગૃહમાં પડ્યો રહ્યો. પણ હું શું કરું? મારો તો જીવ નીકળી રહ્યો હતો. ઊંઘતો મારાથી દૂર ભાગતી હતી. ફાટી આંખે નસીબને દોષ દેતો. વરંડામાં બેસી રહ્યો હતો સાસરીમાં સો મણની તળાઇ ઉપર સૂતો હોય પેલો વકીલમિત્રતો મઝાથી ઘસઘસાટ ઊંઘી ગયો હતો. અને હું? મને એ જ એક વાતનું દુઃખ હતું.

અહીં મારી સ્થિતિતો કફોડી હતી. ત્યાં ડાક બંગલામાં સાહેબ બાહદુર પેગ પર પેગ ચઢાવતા હતા. શરાબ જામમાં ઠલવાતાં આવતો ડક...ડક...ડક...અવાજ મને વ્યાકુળ બનાવી દેતો. મારાથી રહેવાયું નહીં. ધીમેધીમે પડદા પાસે જઇ અંદર જોવા માંડ્યું. આહ! કેવું મનોહર દ્રશ્ય હતું એ! મારું હૈયું હાથ ના રહ્યું. મોંઢામાંથી લાળ ટપકવા લાગી. સાહેબ પીધેલી હાલતમાં કેટલા સરસ લાગતા હતા! એકાન્તમાં માનસિક આનંદ ના અતિરેકમાં એ અંગ્રેજી ગીત ગણગણતા હતા. ક્યાં એ સ્વર્ગનું સુખ અને ક્યાં મારી આ નરકની યાતના! સાહેબની પાસે જઇ એક પેગ માગવાની ઇચ્છા થઇ આવતી હતી. પણ શરાબને બદલે તિરસ્કાર મળે તો!

સાહેબ જમી રહ્યા ત્યાં સુધી હું પડદા પાસે ઊભો રહ્યો. મનગમતા ભોજન સાથે શરાબના સેવનનો સ્વાદ કઇ ઓર હોય છે! ભોજન પછી તેણે રસોઇયાને ટેબલ સાફ કરવા બોલાવ્યો. એ ત્યાં પાસે બેસીને જ ઊંઘતો હતો. ઉઠીને ખાલી વાસણો લઇ એ બહાર નીકળ્યો કે એની નજર મારા પર પડી ગઇ. એ તો ગભરાઇ જ ગયો મને જોઇને. મેં કહ્યું - ‘‘ગભરાઇશ નહીં, હું છું એતો.’’

‘‘વકીલ સાહેબ, આપ? આપ અહીં ઊભા હતા?’’

‘‘હા, આ લોકોની ખાણી પીણી જોતો હતો. બધી બહુ શરાબ પીએ છે, નહીં?’’

‘‘વાત જ ના પૂછો, સાહેબ! રોજ વીસ રૂપિયાનો પી જાય છે.

બહાર જાય છે ત્યારે ચાર ડઝન બાટલીઓ સાથે રાખે છે.’’ - રસોઇયાએ

કહ્યું.

‘‘આદત તો મનેય છે. પણ આજે ના મળ્યો.’’

‘‘તો તો આપને ઘણી મુશ્કેલી પડતી હશે?’’

‘‘હા, પણ શું કરું? અહીં તો કોઇ દુકાન પણ નથી દેખાતી. મને

એમ હતું કે કેસપતી જશે એટલે ઘેર જલ્દી પાછો ફરી જઇશ. એટલે સાથે

લાવ્યો ન હતો.’’

‘‘સાહેબ, મને તો અફીણની ટેવ છે. એક દિવસ ના મળે તો

વ્યાકુળ થઇ જવાય. નશાવાળાને ખાવાનું ના મળે તો ચાલે, પણ નશો

કરવાનું ના મળે તો ના ચાલે.’’

‘‘મારો તો જાણે જીવ નીકળી જાય છે, ભાઇ!’’

‘‘સાહેબ, તમારે એકાદ બોટલ તો સાથે રાખવી જ.’’

‘‘એ જ ભૂલ થઇ ગઇને, ભાઇ! નહીં તો આ આફત જ ના આવત

ને?’’

‘‘ઊંઘેય નહીં આવતી હોય?’’

‘‘ઊંઘની તો વાત કેવી! શી ખબર આખી રાત શી રીતે પસાર

થશે?’’

મને થતું હતું કે રસોઇયો મારી મુશ્કેલીને દૂર કરવાનો પ્રયત્ન

કરશે. પણ એ તો ભારે ચાલાક નીકળ્યો. કહ્યું - ‘‘સૂઇ જાઓ હવે રામ રામ

કરીને, ક્યાં સુધી ઉંઘ નહીં આવે?’’

‘‘મરી જઇશ તોય ઊંઘ તો નહીં આવે. શું સાહેબ બોટલો ગણીને

રાખે છે? ના, ના, ગણતા તો નહીં હોય.’’

‘‘સાહેબ તો જબરા દુષ્ટ છે. એકાદ બોટલ પણ જો ઓછી થઇ તો

આવી બન્યું સમજો! તાકાત છે કોઇની કે એક ટીપુંય ઓછું કરે!’’

‘‘પણ મને તો એક જામ મળી જાય એટલે બસ. એટલો મળી જાય

તોય ઉંઘી આવી જાય. તું કહીશ તે ઇનામ હું આપીશ તને.’’

‘‘ઇનામ તો આપશો તમે સાહેબ, પણ જો એ જાણી ગયા તો મને

જીવતો નહીં મેલે.’’

‘‘લઇ આવ, યાર! હવે ધીરજ રહેતી નથી.’’ મેં આગ્રહ કરતાં

કહ્યું.

‘‘પણ સાહેબ એક બોટલ રૂપિયા દસમાં આવે છે. કાલે કોઇ

વેઠિયા જોડે મંગાવી સંખ્યા પૂરી કરી દઇશ.’’

‘‘પણ હું કઇ આખી બોટલ ઓછો પી જવાનો છું?’’

‘‘સાથે લઇ જજો, હુજુર! અડધી બોટલ રહી જાય તો એમને તરત

શંકા પડી જાય. બહુ શંકાશીલ માણસ છે એ તો! વખત આવ્યે માંરુંય મોંઢું

સુઘી જુએ.’’

મને મહેનતાણાના રૂપિયા વીસ મળ્યા હતા. આખા દિવસની

કમાણીમાંથી અડધી રકમ આપવાનો જીવ તો ચાલતો ન હતો. પણ બીજો

રસ્તોય શો હતો? મેં રૂપિયા દસ રસોઇયાના હાથમાં મૂક્યા. એણે અંગ્રેજી

શરાબની એક બોટલ લાવીને મારા હાથમાં મૂકી. બરફ અને સોડા પણ એ

સાથે લાવ્યો હતો. હું અંધારમાં શરાબ વડે મારી તરસ છીપાવવા લાગ્યો.

પણ વિધિનું નિર્માણ કઇક જુદુ જ હતું તેની મને શી ખબર!

મોડી રાત સુધીનો ઉજાગરો અને પાછો શરાબનો નશો! હું તો

ઘસઘસાટ ઊંઘી ગયો. પહોર દિવસ ચઢતા સુધી ઊંઘી રહ્યો હું તો. સવારે

ઝાડૂ મારનારા મહેતરે જગાડ્યો મને. શરાબની બોટલ અને જામ માથા

આગળ મૂક્યાં હતાં. તેની ઉપર મેં મારું ગાઉન ઢાંકી દીધું હતું. ઊઠતાંવેંત

મારી નજર ઓશિકા ભણી ગઇ. હું ચોંકી ઉઠ્યો. શરાબની બોટલ અને જામ

અદ્રશ્ય થઇ ગયાં હતાં. રસોઇયાને પૂછવા હું તો ડાક બંગલાની પાછળ

નોકરોના રહેણાકમાં ગયો. પણ ત્યાંનું ભયંકર દ્રશ્ય જોઇ મારા પગ થંભી

ગયા.

સાહેબ બહાદુર રસોઇયાનો કાનપટ્ટી પકડી ઊભા હતા. શરાબની

બોટલો જુદી જુદી મૂકી હતી. સાહેબ એક પછી એક ગણાવતા જતા હતા.

ગણતરી કરીને એમણે પૂછ્યું - ‘‘એક બોટલ ક્યાં ગઇ?’’

સાહેબ, મેં કોઇ દગો કર્યો નથી. રસૌઇયો કરગરતો હતો.

‘‘એટલે શું હું ખોટું બોલું છું? ઓગણત્રીસ બોટલ ન હતી?’’

‘‘કેટલી બોટલ હતી, તેની મને ખબર નથી હજુર!’’

સાહેબબહાદૂરે રસોઇયાના ગાલ પર પાંચ સાત તમાચા ચોડી

દીધા. તેમણે કહ્યું - ‘‘સાચું નહીં બોલે તો જાનથી મારી નાખીશ તને. અને

હું તો હાકેમ છું. મને કોઇ ગુનો લાગવાનો નથી સમજ્યો? બોલ, ક્યાં ગઇ

એક બોટલ?’’

મારા તો હોશકોશ ઉડી ગયાં. મનોમન હું ઘણા દિવસ બાદ

ઇશ્વરને યાદ કરવા લાગ્યો. ગમે તેમ તોય એ અંગ્રેજ રહ્યા. કોણ જાણે કેવી

આફતમાં ધકેલી દે! હું ભગવાનને વિનવવા લાગ્યો કે હે ભગવાન!

રસોઇયાની જીભ બંધ કરી દેજે. હું ગુનેગાર છું. પણ તેં તો ગુનેગારોને

ઊગાર્યા છે મનેય તું ઉગારી લેજે. તારા સોગંદ ફરીવાર શરાબને હાથ હાથ

પણ નહીં અડાડું.

મારથી તો ભૂતેય ભાગી જાય. અસહ્ય મારથી જો રસોઇયો સાચી

વાત જણાવી દેશો તો મારી તો સનદ છીનવાઇ જશે, ચોરીના ગુના સબબ

મારી ઉપર મુકદમો ચાલશે. મારી આબરૂનો ભાજીપાલો થઇ જશે. જાલિમ

હંટર લઇને મારી ઉપર તૂટી પડશે તો? મારી તો રેવડી દાણાદાણ થઇ જશે.

મારું માન, મારી ઇજ્જત મારું ભવિષ્ય અને મારું જીવન રસોઇયાના એક

શબ્દ ઉપર નિર્ભર હતાં, માત્ર એક શબ્દ ઉપર.

મનોમન હું પ્રતિજ્ઞા કરી રહ્યો હતો કે હે ઇશ્વર! આટલી વાર જો તું

મને બચાવીશ તો ફરી કોઇવાર શરાબનો છાંટોય મોંએ નહીં અડાડું. પણ

મારું નસીબ જ રૂઠેલું હતું. એણે મને મદદ ના કરી. ના તો ગોવર્ધન ધારીએ

મદદ કરી કે ના નરસિંહ ભગવાન વહારે ધાયા. એ તો સતયુગમાં આવતા

હતા. ના તો મારી પ્રતિજ્ઞાની ટેક જળવાઇ કે ના ઇશ્વરના સોગંદ ફળ્યા.

રસોઇયો એની વાતમાં અડગ રહ્યો. ખૂબ માર ખાવા છતાંયે એણે

મોંઢું ના ઉઘાડ્યું. એ સત્યવાદી અને વીર પુરુષ હતો. મારી એના પ્રત્યેની

શંકા ટળી ગઇ. હું જીવીશ ત્યાં સુધી એ વીેરાત્માના ગુણગાન ગાતો રહીશ.

પણ મારી ઉપર બીજી બાજુથી વજ્રપાત થયો.

રસોઇયાનો કાન પકડી સાહેબ બહાદુર તેને ડાક બંગલે લઇ

આવ્યા. એમને આવતા જોઇ હું ઝટપટ અજાણ્યો થઇ ઓસરીમાં બેસી ગયો.

સાહેબે રસોઇયાને મારી સામે લાવીને ખડો કરી દીધો. એ વખતે જો કોઇ એ

મારી છાતી ચીરી હોત તો એમાંથી લોહીનું એક ટીપું પણ ના નીકળ્યું હોત!

સાહેબ બહાદુરે મને પૂછ્યું - ‘‘વકીલ સાહેબ, તમે શરાબ પીવો

છો?’’

હું ના પાડી શક્યો નહીં.

‘‘તમે રાત્રે પીધો હતો શરાબ?’’

એ વાતનો પણ મારે સ્વીકાર કરવો પડ્યો.

‘‘તમે મારા આ રસોઇયા પાસેથી શરાબ લીધી હતી?’’

મેં મોન રહી સંમતિ આપી.

‘‘શરાબ પીધા પછી ખાલી બોટલ અને જામ તમે ઓશિકા નીચે

છુપાવ્યાં હતા?’’

એ વાતનો પણ હું ઇન્કાર કરી શક્યો નહીં.

‘‘તમે જાણો છો કે આ ચોરી થઇ કહેવાય?’’

હું સામો જવાબ દઇ શક્યો નહીં.

‘‘હું તમને સસ્પેન્ડ કરાવી શકું તેમ છું. તમારી સનદ ઝૂંટવી લઇ

શકું છું અરે! તમને જેલમાં પણ ધકેલી દઇ શકું છું.’’

વાત તો સાચી જ હતી.

‘‘તમારા જેવા લુચ્ચા માણસો વકીલ બને છે. મારા રસોઇયા પાસેથી ચોરીનો શરાબ લે છે. સુવ્વર! હું એવી સજા કરીશ જે તમને ગમતી હોય.’’

હું થરથર ધ્રુજવા લાગ્યો. કહ્યું - ‘‘હુજુર! હું આપની માફી માંગું છું.’’

‘‘નહીં. બોલો શી સજા કરું?’’

‘‘હુજુરને યોગ્ય લાગે તે.’’

‘‘એમ જ થશે.’’

એ નિર્દય અને ઘાતકી નરપિશાચે બે પોલીસો પાસે મારા હાથ પકડાવ્યા. હું તો નિઃશબ્દ ઊભો રહ્યો. મને થયું - શી શિક્ષા કરશે આ નરરાક્ષસ!

એ ઓફિસમાં જઇ સિક્કા મારવાની શાહી અને બ્રશ લઇ આવ્યા. હું તો રડવા લાગ્યો. થોડાક શરાબ માટે આવું ઘોર અપમાન! અને તે પણ બમણી કિંમત ચૂકવવા છતાં!

સાહેબ હસતા હતા અને શાહી ચોપડતા જતા હતા. મારું આખું શરીર રંગી નાખ્યું. થોડાક શરાબ માટે આવી બદનામી! મનમાં ને મનમાં જ આ બદનામીની ફરિયાદ કરવાનું વિચાર્યું. કોઇ બદમાસની પાસે કોર્ટમાં એની ખબર લેવડાવવાનુંય નક્કી કર્યું.

મને બદસૂરતી બનાવ્યા પછી સાહેબે મારા હાથ છોડી નાખ્યાં. એ તાળીઓ વગાળતા વગાડતા મારી પાછળ દોડ્યા. નવ વાગવા આવ્યા હતા. અસીલો, વકીલો અને અન્ય કર્મચારીઓ આવી ગયા હતા. સેંકડો લોકો એકઠા થઇ ગયા હતા. મને શુંય સૂઝયું કે હું ત્યાંથી નાઠો. એ મારી સાથે ખેલાયેલા પ્રહસનનું કરુણ દ્રશ્ય હતું. હું આગળ દોડ્યે જતો હતો. મારી પાછળ સૌ તાળીઓ વગાડતા દોડી આવતા હતા. જાણે કોઇ વાંદરો ના નસાડતા હોય!

લગભગ એક માઇલ દોડ્યો હોઇશ હું. એ લોકો મને ગધેડા પર બેસાડી ફેરવવા માગતા હતા. બધા પાછળ રહી ગયા ત્યારે હું હાંફતો હાંફતો એક નાળા પાસે બેસી ગયો. મને થયું કે હવે અહીં કોઇ જો આવશે તો એમને માર્યા વગર નહીં છોડું. મેં મોૅ ધોવાનું યોગ્ય માન્યું નહીં. પાણીથી હવે આ કાળાશ ક્યાં ધોવાવાની હતી? મેં વિચાર્યું કે એ નાલાયક અંગ્રેજ ઉપર શી રીતે અભિયોગ ચલાવું? એ વાતતો છાવરવી જ પડશે કે મેં એના રસોઇયા પાસેથી શરાબ લીધો હતો. કદાચ એ વાત સાબિત થઇ જાય તો ઉલટો હું જ ફસાઇ જાઉં. પછી એ વાત છુપાવવામાં વાંધો શો? દુશ્મનાવટનું કારણ ગમે તે બાતાવીશ પણ હું એના પર કામ તો જરૂર ચલાવીશ.

ક્યાં જાઉં? કોને બતાવું આ કાળું મોં? સદ્‌ભાગ્ય એટલું કે રસ્તામાં કોઇ મળ્યું નહીં, નહીં તો એમને શો જવાબ આપત! હવે ક્યાં સુધી બેસી રહેવું અહીં? પ્રયત્ન કરી મોંઢા ઉપરથી શાહી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. મોં રેતી ઉપર ઘસ્યું. જોયું કે રંગ ઓછો થતો જતો હતો. મને ખૂબ આનંદ થયો. મારી હિંમત વધી. મેં રેતીમાં ચહેરો એવો ઘસ્યો કે લોહીના ટશિયા ફૂટી નિકળ્યા. પણ કાળાશ દૂર કરવા મને એ વેદના સહન કરવામાં કશું અયોગ્ય ના લાગ્યું. કુરતો અને ધોતી પહેરીને ઉઘાડે પગે હું નાઠો હતો. મારાં ગાઉન, અચકન અને પાઘડી ડાક બંગલે રહી ગયાં હતાં. એની મને ચિંતા નથી.

કાળાશ દૂર કરી શકાય છે પણ હૈયામાં પડેલો ડાઘ ક્યારેય દૂર કરી શકાતો નથી. એ ઘટનાની આડે તો કેટલાય વહાણાં વાઇ ગયાં. પૂરાં પાંચ વર્ષ થયાં. પણ મેં આજ સુધી શરાબનું નામ પણ લીધું નથી. કદાચ મને સનમાર્ગે વાળવાનો એ ઇશ્વરી સંકેત તો નહીં હોય ને? કદાચ કોઇ તર્ક કે કોઇ યુક્તિનો મારા પર આટલો પ્રભાવના પડ્યો હોત! લાગે છે કે જે કઇ થયું તે સારું જ થયું.

સંકટ તો આવ્યું ને ચાલ્યું ગયું. મારી બદનામીની ખબર બધેય ફેલાઇ ગઇ હતી. છતાં મેં હિંમતથી કામ લેવાનો નિર્ણય કર્યો. મારી બેવફાઇ ઉપર હું હસતો હતો અને મારી દુર્દશાને લોકો આગળ કહ્યા કરતો હતો. હા મેં વાતને થોડીકત્ વધારી હતી તે ખરું. હકીકતમાં તો મારી ઉપર શું વીત્યું હતું તે હું જ જાણું છું.

સૌથી મોટી બીક જો કોઇ હોય તો એ હતી કે આ વાત મારી પત્ની સુધી ના પહોંચે, નહીં તો એને બિચારીને દુઃખ થશે. મને ખબર નથી કે એણે આ વાત સાંભળી હશે કે નહીં. પણ એણે ક્યારેય મારી સાથે એવી કોઇ ચર્ચા કરી નથી.

***