બળાત્કાર Niranjan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બળાત્કાર

બળાત્કાર!

બળાત્કાર! બળાત્કાર!

આ શબ્દ સાંભળતાં જ મારૂં મગજ બહેર મારી જાય છે. રોજે રોજ અખબારમાં અને ટી.વી. ચેનલો પર ક્યાંકને ક્યાંક થયેલા બળાત્કારનાં બનાવોને વાંચી અને જોઇને મારૂં લોહી ઉકળી આવે છે.

કેટલાક વર્ષો પહેલા જે શબ્દથી લોકો બહુ માહિતગાર ન હતાં કારણ તેની તેમને આવા બનાવોની જાણકારી ન હતી તે શબ્દ આજે હથોડાની માફક લોકો પર ઝીંકાયા કરે છે.

શું કુમળી વયની બાળાઓ કે જુવાનીમાં પગરણ માંડતી યુવતીઓ કે પછી સૌંદર્યવાન મહિલાઓ, કોઈ આમાંથી બાકાત નથી રહ્યું. હવસની આગમાં ભાન ભૂલી ગયેલા નરાધમોને જોઇને મનમાં જે ઘૃણા ઉત્પન્ન થાય છે તેને કારણે એકવાર તો થઇ આવે કે સાલાઓને જાહેરમાં સજા આપવી જોઈએ જેથી અન્ય લોકો આવું આચરણ કરતાં પહેલા બેવાર વિચાર કરે. મને તો લાગે છે કે આરબ દેશોમાં થતી જાહેરમાં સજા આપણા દેશમાં પણ અપનાવવી જોઈએ. પણ પછી યાદ આવે કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને બધું કાયદા મુજબ થાય છે.

આ બધું પાશ્ચાત્ય સંસ્કૃતિને કારણે છે કે આહારને કારણે તે અસ્થાને છે કારણ લોકો જાતજાતના કારો આગળ કરે છે પણ સાચું શું તે સમજાતું નથી. .

આવી ઘટનાઓ પ્રત્યે તિરસ્કારની લાગણી ધરાવતો હું જ બળાત્કાર કરી બેસું તો? તમને થશે કે આ કેવો પ્રશ્ન? જે વ્યક્તિ સારા વિચારો ધરાવે છે અને જેને બળાત્કાર પ્રત્યે નફરત છે તે આવું કરી શકે?

મને ખાત્રી છે કે તમે આ વાત નહીં માનો પણ આ એક હકીકત છે. મારાથી પણ આ ગુનો થઇ ગયો છે પણ તેની જાણ કોઈને નથી થઇ કે નથી થવાની કારણ આ કોઈ જાહેરમાં બનેલો બનાવ નથી. પણ મારૂં અંતર ડંખ્યા કરે છે એટલે જ્યાં સુધી આ વાત યોગ્ય સ્થાને ન પહોંચાડું ત્યાં સુધી મને ચેન નહીં પડે. મારા માટે યોગ્ય સ્થાન એટલે પોલીસસ્ટેશન. આ પગલું પણ ભરવું રહ્યું માની હું નજીકના પોલીસસ્ટેશને પહોંચી ગયો.

બળાત્કારનાં બનાવ વિષે મારે વાત કરવી છે એમ કહેતાં જ મને ફરજ પરના ઇન્સ્પેકટર પાસે લઇ ગયા.

‘શું નામ આપનું?’

‘જી, વિવેક મંત્રી.’

‘તમે લેખક વિવેક મંત્રી તો નહીં?’

‘ઠીક ઓળખ્યો સાહેબ. તમે કેવી રીતે જાણો?’

‘આપની વાર્તાઓ સામયિકોમાં વાંચી છે. મજાની હોય છે.’

‘થેંક્યું, પણ મારે તો બળાત્કારના બનાવ માટે વાત કરવી છે.’

‘જરૂર, જરૂર. જે હોય તે વિગતવાર જણાવો એટલે યોગ્ય કાર્યવાહી કરી શકાય. બળાત્કાર ક્યાં થયો છે, કોણે તે દુષ્કર્મ કર્યું છે અને પીડિતા કોણ છે તે જો જણાવશો તો તેની નોંધ લઇ હું જરૂરી સૂચના આપું.’

‘વાત જાણે એમ છે કે બળાત્કાર મારાથી થયો છે.’

‘શું? તમે આવું કર્યું?’

‘સાહેબ પરિસ્થિતિ જ એવી હતી કે હું ભાન ભૂલી બેઠો. કાલે રાતે તે મારી પાસે હતી. અચાનક મારાથે રહેવાયું નહીં અને મેં તેને બાથમાં લીધી. તે ચમકી અને મને એક ધક્કો માર્યો. પણ મારી પકડ મજબૂત હતી એટલે તે જકડાયેલી રહી. હવે હું આગળ વધ્યો અને તેને પહેલા તો કિસ કરી અને પછી તેના વસ્ત્રો અસ્તવ્યસ્ત કર્યા. હવે હું બેકાબુ હતો એટલે મેં તેના અંગ-ઉપાંગને છંછેડ્યા. જો કે તેનો વિરોધ ચાલુ હતો પણ મારી કામેચ્છા એટલી પ્રબળ હતી કે હું છેવાડે પહોંચી ગયો અને ત્યારબાદ જ શાંત પડ્યો.’

‘તે પીડિતાએ કોઈ બૂમાબૂમ કે ચીસાચીસ ન કરી? બચાવમાં તેણે તમને નખના ઉઝરડા ન કર્યા કે બચકાં ન ભર્યા?’

‘ના, એવું કશું તેણે નથી કર્યું.’

‘વાહ, તમે બહુ ભાગ્યશાળી(!) છો. લાગે છે આ પીડિતા કાં તો તમારી ઓળખાણમાં હશે અથવા તે બહુ ગભરાઈ ગઈ હશે.’

‘જી, તે મને સારી રીતે ઓળખે છે.’

‘તો તો તમને તેનું નામ ઠેકાણું ખબર હશે.’

‘એ તો હોય જ ને સાહેબ. પણ તે ફરિયાદ કરવા નથી માંગતી.અને આ બન્યા પછી મારી માનસિક સ્થિતિ પણ ડહોળાઈ ગઈ એટલે હું જ તમારી પાસે આવ્યો.’

‘મને તેનું નામ અને ઠેકાણું આપો, હું તેને મળીને વાતનો તાગ લીધા પછી આંગળ વિચારી શકું.’

‘હું તેને અહીં જ બોલાવી લઉં એટલે તમને તકલીફ નહીં.’ આમ કહી વિવેકે બહાર જઈ ફોન કર્યો અને લગભગ અડધા કલાક પછી તે એક મહિલાને લઈને ઇન્સ્પેકટર પાસે પહોંચ્યો. ઇન્સ્પેકટરે તે મહિલાને બેસવાનું કહ્યું અને તેનું નામ પૂછ્યું. મહિલાએ પોતાનું નામ અંતરા જણાવ્યું અને પૂછ્યું કે સાહેબ વાત શું છે? મને કેમ બોલાવી છે?

ઇન્સ્પેકટરે તેને સવાલ કર્યો કે તમે સાથે બેઠેલી વ્યક્તિને ઓળખો છો? જવાબમાં અંતરાએ કહ્યું કે તેને તે પંદર વર્ષથી ઓળખે છે. આ સાંભળી ઇન્સ્પેકટર ચોંક્યો પણ તે જણાવવા દીધું નહીં અને આગળ વાત ચલાવી.

‘આ વ્યક્તિ એટલે કે વિવેક મંત્રી કહે છે કે તેણે ગઈકાલે રાતે તમારા પર બળાત્કાર કર્યો હતો તે શું સાચું છે?’

‘અરે સાહેબ, આ પહેલી વાર નથી બન્યું. છેલ્લા પાંચ વર્ષમાં તો ઘણીવાર બન્યું છે.’

‘તેમ છતાં તમે સહન કરતાં રહ્યા છો?’

‘સાહેબ, એક પત્ની તરીકે આવું તો કેટલીયે મહિલાઓએ અનુભવ્યું હશે અને હું પણ તેમાંથી બાકાત નથી.’

‘શું તમે તેના પત્ની છો?’ નવાઈ પામવાનો વારો હવે ઇન્સ્પેકટરનો હતો. ‘એટલે ગઈ કાલે રાતે બળાત્કાર કર્યાની વાત કરે છે તે પીડિતા તમે છો?’

‘શું વિવેકે એમ કહ્યું કે તેણે ગઈ કાલે રાતે કોઈ પર બળાત્કાર કર્યો છે?’

‘હા. પણ એમ ન કહ્યું કે તેમણે તમારી ઉપર એટલે કે પોતાની પત્ની ઉપર આ કૃત્ય આચર્યું છે. જો એમ હોત તો મેં એમને ક્યારનાય ઘર ભેગા રવાના કરી દીધા હોત. નાહકનો મારો સમય બરબાદ કર્યો.’

‘એવું છે ને સાહેબ કે તે રહ્યા લેખક મહાશય એટલે સામાન્ય મનુષ્યથી જુદા વિચારો કરવાની આદત છે. આ પહેલા જ્યારે પણ તે આવું કૃત્ય કરતાં ત્યારે તેમને પછી પસ્તાવો થતો અને મને વળગીને હીબકાં ભરતા અને માફી માંગતા. એક સમજદાર નારી તરીકે હું તે બધું સહન કરી લેતી કારણ હું તેમની માનસિક અવસ્થા સમજી શકતી. પણ આજે જે પગલું ભર્યું છે તે થોડુંક વધુપડતું થઇ ગયું લાગે છે. તે માટે હું તમારી માફી માંગુ છું.’

‘ભલા માણસ, હવે પછી આવી ફરિયાદ લઈને આવતા પહેલાં દસવાર વિચારજો કારણ કાયદાની દ્રષ્ટિએ પત્ની પર કરેલ જબરજસ્તી બળાત્કાર નથી ગણાતી. હા, મારી જાન મુજબ એવો કાયદો લાવવાનો સરકાર વિચારે છે અને કેટલીક સ્ત્રીસંસ્થાઓ તે માટે ઝુંબેશ પણ ચલાવે છે પણ તે કાયદો બન્યો નથી અને બન્યા પછી પણ કેટલી મહિલાઓ તેનો લાભ લેશે તે શંકાસ્પદ છે કારણ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરતાં પહેલા તે સો વાર વિચાર કરશે. અંતરાબેન, ખોટું ન લગાડતા પણ આજની આ હરકત પછી મને લાગે છે કે તમારે આમની કોઈ મનોચિકિત્સક પાસે તપાસ કરાવવી જરૂરી છે. નિર્ણય તમારો.’

નિરંજન મહેતા