Smaranyatra books and stories free download online pdf in Gujarati

સ્મરણયાત્રા

સ્મરણયાત્રા

જીવનના ૭ દાયકા વિતાવી આજે ૭૧મા વર્ષમાં પ્રવેશ કરી રહી છું ત્યારે વૃદ્ધાશ્રમના વરંડામાં સમય વિતાવતા મારી વીતેલી જિંદગી એક ફિલ્મની પટ્ટીની માફક મારી નજર આગળથી સરે છે.

બાળપણ તો સુખસાહ્યબીમાં વીત્યું હતું એટલે તેનો કોઈ અફસોસ નથી. ત્યારબાદ યોગ્ય ભણતર અને સારસંભાળ પણ યાદ આવે. માબાપે બને એટલી તકેદારી રાખી પોતાની ફરજ નિભાવી હતી અને મને યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપ્યું હતું. એ જ રીતે મેં પણ મારા કુટુંબીજનોને પણ તેવું જ શિક્ષણ અને સમજદારી આપી.

મને આ બધામાં બકુલનો ઘણો સાથ. એના સાથ અને સહકારે અમે અમારા બે સંતાનોનો યોગ્ય ઉછેર પણ કરી શક્યા. મને બે દીકરી અને તે બન્ને દીકરીને યોગ્ય ભણતર આપ્યું જેને કારણે એક બની વકીલ અને એક બની પ્રોફેસર. બન્નેને તેમની લાયકાત મુજબ યોગ્ય ઠેકાણે મુંબઈમાં જ પરણાવી. આમ ગામમાં પિયરીયું અને ગામમાં સાસરૂ. ન કેવળ દીકરીઓ પણ તેમના સાસરીયા પણ સારો સંબંધ રાખતા અને અવારનવાર આવવા જવાનો સીલસીલો બની રહેતો. વળી હવે તો દીકરીઓ જ દીકરાને અનુરૂપ હોય છે એ વાત અમે પણ માનતા એટલે દીકરો ન હોવાનો કોઈ અફસોસ ન હતો.

કહેવાય છે ને કે અતિ સર્વત્ર વર્જયતે. અતિ સુખને દુ:ખ અનુસરે છે. કોઈએ એમ કહ્યું હોત કે આવું મારા કિસ્સામાં પણ થશે તો તે વખતે તે મેં માન્યું ન હોત કારણ હું એક સીધા સ્વભાવની નારી, કોઈનું બુરૂ ન ઇચ્છનાર, તેને પ્રભુ કેવી રીતે અન્યાય કરી શકે? પણ બુઝુર્ગોએ કહ્યું છે કે ઉપરવાળાની લાઠીમાં અવાજ નથી પણ અસર તો હોય છે. જ્યારે મેં તે લાઠીનો અનુભવ કર્યો ત્યારે સમજાયું કે સમય સમય બળવાન હોય છે. મારી ફિલોસોફી વાંચી નવાઈ પામશો પણ જ્યારે હકીકત જાણશો ત્યારે તમે પણ આ વિધાનમાં સહમત થયા વગર નહી રહો.

સંસારની બધી જવાબદારીઓ નિભાવી અમે પતિ પત્ની પોતાનું જીવન સહજ રીતે વિતાવી રહ્યા હતા ત્યારે તેમાં ભગવાનની પહેલી લાઠીએ પરચો દેખાડ્યો. વર્ષોથી જેનો સાથ અને સહારો હતો તે બકુલ પ્રભુને પ્યારો થઈ ગયો. મારા માટે આ એક કારમો ઘા હતો. જીવનના મહદ વર્ષો સુધી સારા નરસા પ્રસંગે તેના સાથે હું અમારા સંસારને સારી રીતે નિભાવી શકી હતી. હવે જ્યારે પાછલી જિંદગીમાં તેની ખરી જરૂર હતી ત્યારે જ તેને ગુમાવ્યો.. પરંતુ ઈશ્વરની મરજી આગળ પામર માનવીનું શું ચાલે? એવું કઈ કેટલીયે વાર કહ્યું છે અને સાંભળ્યું છે પણ જાત ઉપર વિતે ત્યારે તે અકારૂં લાગે જ ને?

હવે બે બેડરૂમવાળા ફ્લેટમાં એકલા રહેવાનું અને તે પણ બકુલ વગર. આ કેમ કરીને થશે તેવા વિચારો તો આવ્યા પણ તેમ રહેવા સિવાય છૂટકો હતો? એકલતાની તકલીફો તો જેણે અનુભવી હોય તે જ સમજી શકે-જોડો ક્યાં ડંખે છે તે પહેરનાર જ જાણે ને?

વખત વખતનું કામ કરે છે. ધીરે ધીરે હું આ રીતે રહેવા ટેવાઈ ગઈ અને મારો એકલ સંસાર વિતાવતી ગઈ.. પરંતુ મારી બન્ને દીકરીઓથી આ કેમ સહેવાય? ન કેવળ દીકરીઓ પણ બન્ને જમાઈઓ પણ આગ્રહ કરતા કે તમે એકલા રહેવાનું બંધ કરી અમારી સાથે રહો. એકલા રહેવાથી તમારૂં જીવન શુષ્ક થયું છે તે અમારી સાથે અને અમારા બાળકો સાથે રહેશો તો કંઇક અંશે અકારૂં નહી લાગે.

અવારનવાર આમ ચર્ચાઓ થતી રહી. ઘણા આગ્રહ પછી મેં પણ નિર્ણય લીધો અને એ મુજબ મારા ફ્લેટને તાળું મારી વારાફરતી બન્ને દીકરીઓને ત્યાં સમય વિતાવવા લાગી. મારા નાતીઓ સાથે રમવા કરવામાં અને તેમના અભ્યાસમાં મદદ કરવામાં મારો સમય ક્યાં વિતતો ગયો તે પણ ખબર ન રહેતી. પણ આપણું ઘર એ આપણું. જે સ્વતંત્રતા આપણા ઘરમાં ભોગવીએ તે અન્યને ત્યાં ક્યાથી? કહે છે ને કે कुछ पाने के लिए कुछ खोना पड़ता है! બસ એ સમજીને હું જીવન વિતાવતી રહી.

તમે કહેશો કે તો પછી આ વૃદ્ધાશ્રમ ક્યાંથી આવ્યો?

સાહેબ, ધીરજ ધરો. પ્રભુની લાઠીનો પ્રહાર હજી પૂરો નથી થયો. હવે પછીનો પ્રહાર જાણશો ત્યારે તમે પણ અચંબામાં પડી જશો અને કહેશો કે વાહ પ્રભુ, તારી લીલા અકળ અને ન્યારી છે.

જિંદગીની રફતાર આ રીતે ચાલતી હતી ત્યારે એક ઘડાકો થયો. દીકરીઓ તરફથી વારાફરતી, પહેલા ધીરે ધીરે અને પછી તેજ ગતિએ, કહેવાતું કે હવે પેલો ફ્લેટ જે બંધ પડ્યો છે તે વેચી નાખો અને શાંતિથી અમારી સાથે રહો. આવા કથનોથી મન અકળાતું. થતું કે બકુલ ચાલી ગયો ન હોત તો મારે આ બધું જોવા સાંભળવાનું તો ન આવતે? પણ આ કાઈ આપણા હાથની વાત થોડી હતી કે તેમ થઈ શકતે?

બહુ સાંભળ્યું હતું અને વાંચ્યું હતું કે આવા પગલાં પછી વડીલની શું હાલત થાય છે. વળી મેં અને બકુલે ઘણા વખત પહેલા નક્કી કર્યું હતું કે બન્ને દીકરીઓ સાધન સંપન્ન છે અને સુખી છે તો આપણા બન્નેની હયાતિ ન હોય ત્યારે આપણી મિલકત કોઈ સારા કામમાં ઉપયોગી થાય તો લેખે લાગે. એટલે જ્યારે દીકરીઓ અને પછી તો જમાઈઓ પણ ફ્લેટ વેચવાની વાત કરવા લાગ્યા ત્યારે વિચાર કરીશ કરી વાતને હું ટાળતી. પણ ક્યાં સુધી? જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ દીકરીઓ અને જમાઈઓના વર્તનમાં ફેરફાર થવા લાગ્યો અને મને સમજાઈ ગયું કે મારા શિક્ષણ અને સંસ્કારોમાં જ ખોટ હશે કે આવી સમજુ અને શિક્ષિત દીકરીઓ સમાજના રંગે રંગાઈ ગઈ. મા-દીકરીના સંબંધોને પૈસાનો કાટ લાગી ગયો.

પછી તો એવું વર્તન થયું કે કે જાણે હું તેમની માતા નહી પણ કોઈ અજાણ વ્યક્તિ છું. મને લાગ્યું કે હવે કોઈને ત્યાં વધુ રહેવું મુનાસિબ નથી કારણ હવે હું તેમને માથે પડી હોઉં તેવી અનૂભૂતિ થવા લાગી.

પણ દીકરીઓને ત્યાં ન રહું તો ક્યાં જાઉં? રાજકોટમાં ભાઈ હતો પણ ત્યાં પણ થોડા સમય પછી બોજારૂપ થઇ પડું ને? અંતે નિર્ણય કર્યો કે અમારો જે નિશ્ચય હતો તે મુજબ આ ફ્લેટ વેચી નાખું. એક દિવસ ફ્લેટ ઉપર જઈ ઘરના કાગળો લઇ આવી અને ભાવની તપાસ કરી તો જણાયું કે અઆશારે બે કરોડ આવે. જો કે આ બધું કોઈને જાણ ન થાય એ રીતે કરતી હતી. હવે પછેનું પગલું હતું કોઈ વૃદ્ધાશ્રમમાં જઈ રહેવું.

બહુ તપાસ કર્યા પછી આ વૃદ્ધાશ્રમ મારા માટે ઠીક લાગ્યો એટલે તેમની આગળ પ્રસ્તાવ મૂક્યો કે હું એક ફલેટની માલિક છું અને એકલી છું. સંજોગો એવા સર્જાયા છે કે મારે તે ફ્લેટ છોડી અહી રહેવું છે. મારા રહેવા માટે કોઈ આર્થિક મુશ્કેલી નથી કારણ મારા નામે જે ફ્લેટ છે તે હું વેચી નાખીશ. જે પૈસા આવશે તેમાંથી અડધી રકમ આશ્રમને દાન તરીકે આપીશ. બાકીની અડધી રકમ મારા નામે જમા રાખો અને હું જીવું ત્યાં સુધી મને બધી રીતે સાચવો.

હવે નહી નહી તો ફ્લેટની બજાર કિંમત બે કરોડ હતી જેમાંથી એક કરોડ તેમને મળે તો અ..ધ..ધ થઇ જાય. તો કોણ મૂરખ આવા પ્રસ્તાવને ઠુકરાવી દે? બસ, સોદો પાકો થઇ ગયો. હવે હું અહિ શાંતિથી રહું છું અને અન્યોની કંપનીમાં દિવસ ક્યાં પસાર થઇ જાય છે તે પણ ખબર નથી રહેતી.

કહેવાનું ભૂલી ગઈ કે સોદો કરતી વખતે મેં એક અન્ય શરત પણ કરી હતી કે મારી બન્ને દીકરીઓ અને જમાઈઓ જો મને મળવા માંગે તો તેમને મળવા દેવાની છૂટ ન હતી.

નિરંજન મહેતા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED