હેરાફેરી Niranjan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

હેરાફેરી

હેરાફેરી

‘ઇન્સ્પેક્ટર સાહેબ, મને આપની મદદની જરૂર છે.’ બોરીવલી પોલીસસ્ટેશનના ઈ. પાટીલ આગળ એક વ્યક્તિએ કહ્યું.

‘જી, બોલો, શું મદદ જોઈએ છે? અમે તો જનતાની સેવા કરવા બેઠા જ છીએ.’

‘મારૂ નામ પ્રતીક છે. હું એક એસ્ટેટ એજંટ છું અને બે છેડા મળે એટલું કમાઈ લઉં છું. એક ઓફિસમાં એક ટેબલ રાખી મારો ધંધો કરૂં છું. મને એક વ્યક્તિ એક એવા કામમાં સંડોવવા માંગે છે કે મને લાગે છે કે તે કોઈ મારી પાસે ગેરવ્યાજબી કામ કરાવવા માંગે છે. જો કે આ મારી ધારણા છે અને વળી હું તે વ્યક્તિને તેમ ચોખ્ખેચોખ્ખું કહી પણ નથી શકતો. પરંતુ તેણે જે પ્રસ્તાવ મૂક્યો છે તે કાર્ય કરવા બદલ મને એક મોટી રકમ આપવાની લાલચ આપી છે એટલે જ મને આમ લાગે છે.’

‘એક બાજુ લાલચ છે અને બીજી બાજુ મદદ માંગો છો? પાણી પહેલા પાળ બાંધો છો કે શું?’

‘સાહેબ, હું એક સીધો સાદો માણસ. પહેલા તો લાલચમાં ફસાયો પણ પછી લાગ્યું કે આ કામ જો ખોટું હશે તો હું ફસાઈ જઈશ. હવે જો હું તેને ના કહીશ તો તે બીજાને ફસાવશે. આમ ન થાય એટલે હું આપની પાસે આવ્યો છું.’

‘તમારી આ વાત ગમી. તમારા જેવા જાગરૂક નાગરિક બહુ ઓછા હોય છે. કાયદાની મદદ કરવી એ દરેક નાગરિકની ફરજ છે પણ હવે તો કાયદાને ઘોળીને પી જનારાની સંખ્યા વધતી જાય છે અને અમારા માટે તો તે માથાનો દુ:ખાવો બની રહે છે. હા, થોડાઘણા અમે પણ તે માટે જવાબદાર છીએ પણ તે વસ્તુની ચર્ચા અસ્થાને છે.

‘હવે તમે મને બધુ વિગતવાર કહો એટલે ત્યાર પછી કેવી રીતે તે માણસને જાળમાં લેવો તેનો વિચાર કરી તમને આગળ શું કરવું તે કહી શકીશ.’

‘સાહેબ થયું એવું કે હું મારી ઓફિસમાં બેઠો હતો ત્યાં એક વ્યક્તિ આવી. પોતાનું નામ કલ્પેશ શાહ કહ્યું અને કહ્યું કે તે પોતે એક વકીલ છે એમ કહી પોતાનું વિઝિટિંગ કાર્ડ મને આપ્યું. મારા પૂછવા પર કે શું તેમને કોઈ ફ્લેટ ખરીદવો છે? જવાબમાં કહ્યું કે તે કોઈ બીજા જ કામસર મળવા આવ્યો છે.’

બીજું શું કામ છે તે જાણવા મેં તેને તે વિષે પૂછ્યું.

‘મારો એક ક્લાયન્ટ છે. તેને એક સારા અને વિશ્વાસુ માણસની જરૂર છે.’

‘જુઓ, મારે કોઈ નોકરી નથી કરવી. હું સ્વતંત્ર મિજાજનો માણસ છું અને તેમ જ રહેવા માંગુ છું માટે મહેરબાની કરીને તમે મારો સમય ન બગાડો.’

‘પહેલા પૂરી વાત તો સાંભળો? પછી તમારૂ મંતવ્ય જણાવજો. અહિ આવતા પહેલા તમારા વિષે જાણકારી મેળવીને જ આવ્યો છું એટલે તમને કોઈ નોકરી અપાવવાની વાત કરવા નથી આવ્યો.’

‘તો પછી એવી શી વાત છે જેમાં મને રસ પડશે એમ તમે માની લીધું?’

‘જુઓ, મને ખબર છે કે હાલમાં તમારા ધંધામાં મંદી છે અને તેથી તમારી આર્થિક સ્થિતિમાં સંકડાશ છે. હું જે વાત કરીશ તે કદાચ તમારા માનવામાં નહી આવે પણ પૂરી વાત સાંભળશો તો તમે પણ વિચાર કરતા થઇ જશો.

‘મેં જે ઇસમની વાત કરી તેને હાલમાં લોટરીમાં એક મોટી રકમનું ઇનામ લાગ્યું છે. હવે તેને તો લોટરીમાં રસ જ ન હતો.’

‘રસ ન હતો તો લીધી શું કામ?’

‘ભાઈ, આ તો મજબૂરી હતી. તમે તો પરિણીત છો એટલે આ બાબતમાં વધુ ચોખવટની જરૂર છે? એમના શ્રીમતીને બહુ ઇચ્છા એટલે તેની માંગણીને તે કેમ ટાળી શકે? ઇનામ થોડું લાગશે? માની ટિકિટ તો લીધી પણ....’

‘પણ શું?’

‘થયું એવું કે તેને તેમાં એક મોટું ઇનામ લાગ્યું છે. હવે તેને આવા કોઈ ઇનામની પડી નથી. તેની પાસે તો અઢળક પૈસો છે અને ઉપરાંત તે લોટરીને એક જુગાર માને છે એટલે હવે તેની ઈચ્છા આ ઇનામની રકમ કોઈક સારી જગ્યાઓએ દાનમાં આપવા માંગે છે, જેમ કે કોઈ હોસ્પિટલ, કોઈ ધર્માદા સંસ્થા, કોઈ NGO.’

‘‘પણ તેમના પત્નીના કહેવાથી તો તેમણે આ લોટરીની ટિકિટ લીધી હતી. હવે ઇનામની રકમ આમ આપી દેશે તો તે માટે તેમણે તેમની પત્નીને મનાવી લીધી?’

‘ના રે ના, પત્નીને તો કહ્યું પણ નથી કે ઇનામ લાગ્યું છે. તેમ કહે તો પછી તે આવું કાઈ કરવા દે? ઘણા વખત પહેલા ટિકિટ લીધી હતી એટલે કદાચ તે આ વાત જ ભૂલી ગઈ હશે. ભવિષ્યમાં કદાચ યાદ આવશે ત્યારે કહી દેશે કે ઇનામ લાગ્યું ન હતું એટલે ટિકિટ ફાડી નાખી છે.’

‘હા, પણ આમાં હું ક્યાંથી આવ્યો?’

‘આ કામ મારાથી પાર ન પડે. યોગ્ય હોસ્પિટલો, સંસ્થાઓ વગેરે નક્કી કરવા હું સક્ષમ નથી એમ મેં જણાવ્યું ત્યારે તેમણે મને કોઈ યોગ્ય સાથીદાર શોધી તેની મદદ લેવાની હા પાડી છે. આમ તો હું વકીલ હોવાના નાતે ઘણાના સંપર્કમાં છું પણ આવા કામમાં સહાય કરે એવી કોઈ વિશ્વાસુ વ્યક્તિ મારી નજરમાં ન આવી એટલે કેટલાક વખતથી કોઈ યોગ્ય સહાયકની શોધમાં હતો. તપાસ કરતા મને તમારી ભાળ મળી.’

‘હું તમને મદદ કરી શકું એમ તમે કેમ માની લીધું અને તમે શોધો છો એવી વ્યક્તિ હું જ છું એની તમને ખાત્રી છે?’

‘મેં કહ્યુંને હું વકીલ છું. આ કામ જ એવું છે કે તે સાવચેતીથી કરવું પડે એટલે ઘણા સમય સુધી મારી રીતે તમારા વિષે બધી તપાસ કર્યા પછી મને પાકે પાયે ખાત્રી થઇ એટલે હું અહિ આવ્યો છું.’

‘જો કે મને તેની વાતમાં બહુ વજૂદ ન લાગ્યું પણ પૂરી વાત ન જાણુ ત્યાં સુધી હકીકત શું છે તેમ ક્યાંથી ખબર પડે એટલે મેં તેને તેમ કરવા કહ્યું,’ પ્રતીકે ઈ. પાટીલને જણાવ્યું.

‘હા, તો આગળની વાત કહો.’

‘તે કલ્પેશ શાહે મને કહ્યું કે પેલા ભાઈનો ધંધો અનેક શહેરમાં છે અને એટલા વ્યસ્ત છે કે આવા કામનો તેમની પાસે સમય નથી એટલે જો આ કામ સારી રીતે હું પાર પાડી દઉં તો ઇનામની રકમના પાંચ ટકા આપશે.’

પાંચ ટકા એટલે કેટલા? એમ મેં પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે ઇનામની રકમ એક કરોડ છે. તેનો અર્થ એ કે તે કલ્પેશને પાંચ લાખ આપશે. મારી મદદ માટે પણ તે મને એક લાખ આપવા તૈયાર હતો.’

‘તો પછી જંપલાવો, રાહ કોની જુઓ છો?’ ઈન્સ્પેકટરે સહેજ સ્મિત સાથે કહ્યું.

‘સાહેબ, મેં કહ્યુંને કે આખી વાત મારા ગળે ઉતરે તેમ ન હતી અને વળી તેમાં એક બીજી શરત હતી.’

‘શું?’

‘ભલે મને તે લાખ રૂપિયા આપશે પણ તે પહેલા મારી નિષ્ઠા પૂરવાર કરવા પેલી વ્યક્તિ પાસે મારે પચીસ હજારની રકમ ડિપોઝીટ તરીકે મૂકવી જે કામ પત્યા પછી મને પરત કરશે.

‘મને ત્યા જ શંકા ગઈ કે દાળમાં કાળું છે પણ એમને એમ કેમ ખાતરી વગર કહેવાય? એટલે મેં કહ્યું કે મારી પાસે એટલા બધા પૈસા નથી એટલે હું મદદ નહિ કરી શકું. તેણે મને પૂછ્યું કે મારી પાસે કેટલાની સગવડ છે?

‘મેં જણાવ્યું કે મારા ખાતામાં બાર હજાર છે એટલે તેમાંથી ફક્ત દસ હજાર સુધીને સગવડ થાય. જવાબમાં તેણે કહ્યું કે તે પોતાના અસીલને સમજાવી શકશે કે આટલી રકમથી વાત પતાવે કારણ પચીસ શું કે દસ શું, ઈમાનદારીની ખાત્રી માટે તે બસ છે. આ રકમ લઇ મારે પેલી વ્યક્તિને કાલે સવારે દસ વાગે હોટેલ કલ્પનામાં મળવાનું છે.’

‘તો મળી આવો.’

‘એટલે હું જાણી જોઇને કૂવામાં પડું? મારા દસ હજાર ગુમાવું અને મૂરખ બનું? મારી ફરજ હતી માની હું તમને કહેવા આવ્યો અને તમે મને મદદ કરવાને બદલે આવું સૂચવો છો? તમારે આ બાબતમાં જે પગલા લેવા હોય તે લો પણ મને બાકાત રાખો.’

‘જુઓ, અમે કોઈ પણ સાબિતી વગર આ બાબતમાં કાર્યવાહી ન કરી શકીએ. અમે એમને એમ તેમની ધરપકડ કરીએ તો અમે મુશ્કેલીમાં આવી જઈએ. તમે તેને મળો તે વખતે અમે આવી પહોંચીએ તો અમારૂ કામ સરળ બની રહે.’

‘તમારી વાત સાચી, સાહેબ. પણ ન કરે નારાયણ પાસા પલટાઈ જાય તો મારા તો દસ હજાર જાયને? મારે એવું કાઈ નથી કરવું. તમારે કોઈ પગલાં લેવા હોય તો ખુશીથી કરો પણ મને અંદર ન નાખો.’

‘જુઓ, હું તમારી મૂંઝવણ સમજી શકું છું. અન્ય કોઈ હોત તો તે પણ આમ જ કરતે. પણ આપણે એનો રસ્તો કાઢીએ જેથી તમને કોઈ નુકસાન ન થાય. હું તમને નિશાનીવાળી દસ હજારની નોટો આપીશ. એ નોટો તમે જ્યારે પેલા બેને મળો અને આપો ત્યારે અમે ત્યાં દૂર હાજર હશું એટલે તરત જ આવી રંગે હાથ તેમણે પકડી લેશું. આમ અમારૂ કામ થશે અને તમને પણ કોઈ નુકસાન નહિ થાય. ઉપરથી ગુનેગારને પકડાવી તમે તો એક સામાજિક કાર્ય કરશો એનું તમને અભિમાન પણ થશે.’

‘સાહેબ, દસ મિનિટ આપો. હું તમને વિચારીને જણાવું.’

‘ભલે, તમે બહાર બેસી વિચારો ત્યાં સુધીમાં હું અન્ય કામ પતાવું.’

દસ મિનિટ પછી પ્રતીકે ઈ. પાટીલને સહાય કરવાની હા પાડી એટલે તેમણે પાસેની તિજોરીમાંથી દસ હજાર રૂપિયા કાઢી આપ્યા. સાથે સાથે પ્રતીકને તેનું ઠેકાણું આપવા કહ્યું. આ બધી વિધિ પતાવી તે બહાર આવ્યો.

બહાર આવી પ્રતીક મનમાંને મનમાં મલક્યો. ફરી એક પોલીસ ઓફિસરને પોતાની વાતોમાં વળોટીને પૈસા મેળવ્યા તેનો તેને પોતા પર ગર્વ થયો. દસ હજારને બદલે પચીસ હજાર કહ્યા હોત તો કદાચ તે પણ મળી જતે. પોતાની વાતચીતમાં જે નિર્દોષતા રાખી અને સાતત્યતા પ્રગટ કરીને સામાવાળાને તે પટાવી શકતો તેનું તેને અભિમાન થયું. આ પહેલા પણ તેણે આ રીત સફળતાપૂર્વક અજમાવી હતી પણ આટલી જલદી આ કામ પાર પડ્યું તેની તેને નવાઈ લાગી. હવે આ સફળતાને તો માણવી જ રહી માની તે થોડે દૂર એક સારી હોટેલમાં ગયો.

ભરપેટ જમી જ્યારે મળેલા પૈસામાંથી રૂ. ૫૦૦ની નોટ આપી તો ગલ્લે બેઠેલાએ આમતેમ ઉલટાવી અને પછી કહ્યું, ‘સાહેબ, આ તો નકલી છે. બીજી આપો.’

આ સાંભળી પ્રતીક ચમક્યો પણ કોઈ હાવભાવ વગર બોલ્યો, ‘હોય કાઈ? હમણા જ બેંકમાંથી લઈને આવ્યો છું. એકવાર ફરી જોઈ લો કદાચ તમારી ભૂલ થતી હશે.’

‘ના સાહેબ, મારી નજર પારખું નજર છે. તેમ છતાં જુઓ, આ મશીન તો ખોટું નહી બોલે?’ કહી નોટ ગણવાના મશીનમાં તે નાખી તો તેમાં પણ તે ખોટી હોવાનું દેખાડ્યું.

પ્રતીકે પેલા બંડલમાંથી બીજી નોટ કાઢી તો તેના પણ આ જ હાલ થયા.

હવે ઈજ્જત સાચવવા પોતાના પાકીટમાંથી પૈસા કાઢી હોટેલનું બિલ ચૂકવ્યું.

બહાર નીકળી થોડીવાર વિચાર કર્યો કે હવે શું કરવું? શું ઇન્સ્પેક્ટર ખુદ નકલી નોટોના ધંધામાં સંડોવાયેલો છે? પછી થયું કે પેલા ઇન્સ્પેક્ટરને મળીને જણાવું કે આ નોટો નકલી છે તો સારી નોટો આપે જેથી કાલે તેને કોઈ તકલીફ ન પડે. ઇન્સ્પેક્ટરને ક્યાં ખબર પડવાની છે કે મને કેવી રીતે આની જાણ થઇ અને પૂછશે તો જવાબ આપી દેશું. આમ વિચારી તે ફરી પોલીસ સ્ટેશને ગયો.

‘આવો, આવો, બેસો. હું તમારી જ રાહ જોતો હતો.’ અંદર દાખલ થતા જ પ્રતીકે ઈ. પાટીલને કહેતા સાંભળ્યા. થોડીક નવાઈ સાથે તે બેઠો અને બોલ્યો, ‘કેમ મારી રાહ જોતા હતા?’

‘મને ખાત્રી હતી કે તમે આપેલી નોટો વટાવવાનો પ્રયત્ન કરશો અને ખોટી છે તેમ જાણ થતા પાછા આવશો જ.’

‘તમે જાણીને ખોટી નોટો આપી હતી? કેમ?’

‘કારણ તમે આ પહેલી વાર નથી કર્યું, ખરુંને? આ પહેલા તમે જુહુ પોલીસ સ્ટેશન અને ખાર પોલીસ સ્ટેશને પણ આ કરી ચૂક્યા છો અને તે માહિતી અમારા સુધી આવી ગઈ હતી એટલે જેવી તમે તમારી વાત કરવા માંડી એટલે જાણે મને કશી જાણ નથી એમ તમને દેખાડ્યું અને તમારી વાત સાચી છે એમ પણ હું માનું છું એવો દેખાવ કર્યો.

‘તમે મને સરનામું સાચું નહી જ આપ્યું હોય તેની મને ખબર છે. આ મારો ત્રીસ વરસનો અનુભવ બોલે છે. સામો માણસ સત્ય બોલે છે કે ખોટું તે પારખવાની નજર અમારી પાસે હોય છે અને એટલે જ તો મુંબઈ પોલીસની ખ્યાતિ છે.’ આટલું કહી હવાલદારને બોલાવી પ્રતીકને જેલમાં લઇ જવા કહ્યુ.